વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

3. મીઠી લાત..!


રાત્રિનાં લગભગ 2 વાગ્યા હશે. અને તો પણ એક ઝૂંપડીમાંથી રડવાનાં ધીમાં ડૂસકાં અંધારામાં લપાતાં છુપાતાં ક્યાંક ખોવાઈ રહ્યાં હતા. ધીમે ધીમે અવાજ બંધ થયો અને એક સ્ત્રી, એ નાનકડી ઝૂંપડીમાંથી બહાર આવી. અચાનક આંધીની જેમ આવેલાં વાવાઝોડાએ એની ઝૂંપડીનાં છતને ઉડાવી દીધું હતું. દરવાજો અને બાજુમાં માંડ ગોઠવેલી ઈંટો બધું જ પાયમાલ થઈ ગયું હતું. એક નાનું એવું ખેતર હતું, જેમાં મગને થોડી કેરીઓ અને થોડા કેળાંના ઝાડ વાવ્યા હતા. તે બધા મૂળિયાં સમેત ઉખડી ગયા હતાં. પીડા, ભૂખ, દુઃખ સઘળી વ્યથા એકસાથે સમયે દેખાડી દીધી હતી એને.


હજુ તો વાવાઝોડાં આવ્યાનાં મહિના પહેલા જ કમળાનાં જીવનમાં મોટું તોફાન આવી ચૂક્યું હતું. મગન એક મહિના પહેલા જ ખૂબ બીમાર પડ્યો હતો. ગરીબીમાં દવા તથા અનાજ બંનેનાં અભાવે, દસ દિવસ બાદ તે આ ફાની દુનિયા છોડી જતો રહ્યો હંમેશાને માટે. અને કમળાને આ દુનિયામાં એકલી બેબસ મૂકતો ગયો. બંનેમાંથી કોઈનાં પણ મા-બાપ હયાત ના હતાં. મગનનો એક ભાઈ હતો પણ એ ઝઘડો કરી બીજે રહેવા જતો રહ્યો હતો. હવે એની સાથે બોલાચાલીનો કોઈ જ સંબંધ બચ્યો ના હતો.


કમળાને મગન હંમેશા ખુશ રાખતો. દિવાળી હોય કે નવરાત્રી ભાગોળે જાય અને કમળા માટે સાડી અને કાનની વાળી લેતો જ આવે. 

" એ કમી, હું મોંઘી હાડી કે હાચી કાનની વાળી કે નથ લાવી હક્યો નહી હો.. પણ તું જો જે આ વેળા આપણો પાક એવો હારો થવાનો કે, એક નાકની હાચી નથ તો લઈ જ દેય તને.." 

કહી કમળાને પોતાની પાસે ખેંચી, બથમાં લઈ લેતો.

" અરે હુ તમે ય તે.. મારે તો આય તે હાચા થી ય વધુ સે હો.."

ને કમલી શરમાતી મગનને ચૂપ કરી દેતી.

પ્રેમ અમીરીમાં જ નહીં પણ, ગરીબીમાં પણ એટલો જ સુંદર પાંગરતો હોય છે હોં.


હાલ તો,

કમલા નદીનાં રસ્તે ઝડપભેર ચાલી રહી હતી.

વચ્ચે કૂતરાં એને જોઈ, જોર જોરથી ભસવાં લાગ્યાં. પણ, પછી કમળાને ઓળખીને ચૂપ થઈ બેસી ગયા.

કમળાની રોજની આદત, નાનું બટકું રોટલોય કૂતરાને ખવડાવતી. એટલે કૂતરાંઓ એની આહટને સારી રીતે ઓળખતાં હતાં. કદાચ આવનારી મુસીબતને એ લોકો પણ ઓળખી ગયા હતાં. એટલે એમણે એને રોકવાનો મીથ્યા પ્રયાસ કર્યો પણ, કમળાની આ જીદ સામે એ લોકોએ પણ માથું નમાવી જ દીધું.


નદી સુધી પહોંચતા તો, કમળા હાંફી રહી હતી.

તે ઘડીભર વ્યથિત નજરે નદીને જોઈ રહી. જાણે કહી રહી હતી,

" મા મને માફ કરો પણ, હવે હું કોને માટે જીવું? હવે નથી સહન થતું.. બસ મને તમારામાં સમાવી લો.."

અમાસની રાતનું ડરામણું અંધારું ને એમાં ધડકન તેજ કરી દેતો અટ્ટહાસ્ય વેરતો એ મેઘો ને ઉપરથી છમાક કરતી, ઘડી ઘડી ચમકી પોતાની હાજરી દર્શાવી, આંખોમાં સામેનું દ્રશ્ય પળમાં છાપી જતી એ ચંચળ વીજળી.. કમલાનાં રૂંવાડા ઊભા કરવા માટે કાફી હતાં. 

તે હિંમત કરી આગળ વધી. નદીમાં કૂદકો મારવા જાય છે, ત્યાં જ એક લાત વાગી એને... 

પેટની ભીતરથી એક નાજુક લાત એને વાગી રહી હતી, ને એની સાથે કમળાની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી.


એનો આગળ વધેલો પગ ફટ દઈને પાછળ હટી ગયો. આંખોમાં જાણે શ્રાવણ ભાદરવો સામટો થઈ, બહાર નીકળવા બેતાબ બની ધક્કામુક્કી કરી રહ્યો હતો. એનાં બંને હાથ પેટ પર ફરીને અંદર રહેલી કુમળી જાનને વહાલ કરી રહ્યા હતાં.

" માફ કરજે મારી ઢીંગલી, હું એટલી વ્યથિત થઈ ગઈ કે, આ સઘળી પીડામાં તું મારી અંદર ધબકી રહી છે તે જ ભૂલી ગઈ.."

કહી તેણે પેટ સામે જોઈ પોતાની કાનની બૂટ પકડી અને લાડથી માફી માંગી. 

ત્યાં તો ફરી અંદરથી લાત વાગી પણ, આ વખતે એકદમ મીઠી લાત હતી.

જાણે કહેતી હતી,

" મા.., બાપુ એ કહ્યું હતું ને કે, આપણી ઢીંગલી આવશે ને હંધુય હરખું થઈ જાહે.. તો હું આવી રહી સુ મા, તારો હાથ ઝાલવા.. થોડી રાહ જો ને.. હું સુ ને તારી હંગાથે મા.."

ને ધીમા પગલે પણ, એક પ્યારા સ્મિત સાથે કમળા ફરી એની તૂટી ફૂટી ઝૂંપડીમાં દાખલ થઈ.


વ્યથા અને દુઃખ લઈને મૃત્યુને સમર્પિત થવા ગયેલી કમળા, મીઠી લાત સાથે જીવનમાં પરત ફરી.. એક સુંદર જીવતું શમણું લઈને, જે એનાં પેટમાં સુવાસિત થતું ધડકી રહ્યું હતું.

આજે ઘણા વખતે કમલાએ એની વ્યથા પર જીત મેળવી એક પ્યારો હાશકારો અનુભવ્યો. એણે દુઃખને ધીમો પણ કડક હડસેલો માર્યો અડગતાથી. 

થીગડાં મારેલી તૂટી ફૂટી એક ચાદર ઓઢી એણે આખરે મીઠી નીંદર માણી, ઘણાં સમય પછી..! 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ