વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

ધ ટોય ટ્રેન.(2)


  હું ટ્રેનના ડબાની ડાબી સાઈડના એ ચાર સીટના કંપાર્ટમેન્ટમાં વિન્ડો સીટ પર રોજની જેમ જ પગ લાંબા કરીને બેઠો હતો. ખમણવાળો ખીમજી હજી હમણાં જ મારી સાથે સત્સંગ કરીને એનો વેપાર કરવા બીજા ડબામાં ગયો હતો. મેં હવે મારી સીટ ફિક્સ કરી નાખી હતી. રોજે હું છેલ્લા જ ડબ્બામાં  દરવાજા પાસેની આ સીટમાં જ બેસતો હતો. છેલ્લો ડબ્બો મેં શા માટે લીધો એ તો મને ખબર નહોતી પણ ખમણવાળો એમ કહેતો હતો કે છેલ્લે બેસવાનો ફાયદો એ છે કે એના પછી છેલ્લું કંઈ આવતું જ નથી. અહીંથી ઉતર્યા એટલે પછી નો ચાન્સ! જિંદગીને કંટાળી જવાની બીજી તક જ નહીં આપવાની! મેં એને ગુરુ માની લીધો હતો. આગળના ડબાઓમાં જો કે કોઈ દિવસ કંઈ નવીન બનતું જ નહોતું છતાં એ મને અમુક તમુક પેસેન્જરની માહિતી લાવી લાવીને આપતો.


"ચીખલીરોડથી એક કરસન ચડ્યો. એની બયરી જેની સાથે ભાગી ગઈ હતી એ આજ એને ભટકાઈ ગયો. બેઉ બથોબથ આવ્યા. માંડ છુટા પડાવીને બેયને મેં દસદસના ખમણ ખવડાવીને સમાધાન કરાવ્યું. કરસનને સમજાવ્યો કે જે ભાગી ગઈ એ તારે લાયક જ નહોતી ભલામાણસ, સારું જ થયું એ ભાગી ગઈ. જેનું મન તારામાં ન હોય એ તને શું સુખી કરવાની હતી. એ કદાચ આ સુખલાની જ હશે અને ભૂલથી જ તારી ગાડીમાં બેસી ગઈ હશે. પછી એને ખબર પડી હોય કે આ તો ઊંધી દિશામાં જતી ટ્રેનમાં ચડી જવાયું છે એટલે એ આ સુખલા નામના સ્ટેશને ઉતરી ગઈ. એમાં આમ લડવાનું ન હોય. આ ટ્રેન જ જોને ભાઈ, આમાંથી કેટલા મુસાફરો સ્ટેશને સ્ટેશને ઉતરી જાય છે. તોય એ કદી કોઈ સાથે લડવા બેઠી? એક ઉતરે તો બીજું ચડે ભાઈ મારા, એમ તારા જીવનની ટ્રેનમાંથી જીવલી નામનું મુસાફર ઉતરીને સુખલા નામની ટ્રેનમાં ચડી ગયું તો બીજું કોઈ મુસાફર તારી ટ્રેનમાં જરૂરને જરૂર ચડશે, પણ જો તું સફર શરૂ રાખ તો. તું જીવલી પાછળ જીવનની ગાડીને દોડાવતો રહીશ તો જીવલી તો નહીં બેસે પણ બીજું કોઈ બેસવાનું હશે એ પણ નહીં બેસે. ગાંડીયા કોઈ ગાડીને મુસાફર પાછળ જતા જોઈ કદી? લે આ દસના ખમણ ખાઈને બે ઘૂંટડા પાણી પી અને નિરાંત રાખ મારા ભાઈ! આમ કહીને મેં એ બિચારાને સમજાવ્યો તો ખરો. પણ જીવલીએ અધવચ્ચે ટ્રેન બદલવી જોઈએ કે ન બદલવી જોઈએ એ તમે જણાવો માસ્તર!"


  ખમણવાળો ખીમજી હવે મારો મિત્ર બની ગયો હતો. જીવનની સફરના ઘણા રહસ્યો એ જાણતો હતો. મારી આ એકધારી રૂટીન સફરમાં ખીમજી જ મારો સાથી અને સહારો હતો. રોજ આંટો મારીને એ મારી પાસે આવીને આગળના ડબાઓમાં બનેલી વાર્તાઓ મને કહ્યા કરતો. રોજ રોજ આવતા જતા આ પંથકના અનેક મુસાફરોને ખીમજી ઓળખતો. દરેકને કંઈક ને કંઈક ઉપદેશ આપતો. ખીમજી ભલે એક સામાન્ય ખમણ વેચતો ફેરિયો જ હતો પણ એની વાતો લોકોને મીઠી લાગતી. જીવન જીવવાની એની થિયરી આ બધાને તો ઠીક મારી જેવા શિક્ષિત યુવકને પણ શીરાની જેમ ગળે ઉતરી ગઈ હતી.


  ચીખલીરોડ સ્ટેશન આવ્યું ત્યારે હું નવલકથાની વાર્તાના પ્રવાહમાં ડૂબી ગયો હોવાથી નવું કોણ ચડ્યું એની મને ખબર રહી નહોતી. હું વાર્તા વાંચવામાં તલ્લીન થઈ ગયો હોવાથી જમણી તરફના કંપાર્ટમેન્ટમાં સામેની તરફ વિન્ડોસીટમાં આવીને બેઠેલી 'એ'ના તરફ હજી મારુ ધ્યાન ગયું નહોતું.


એ ક્યારે ચડી અને ક્યાંથી ચડી એ મને ખ્યાલ નહોતો.કારણ કે હું નવલકથા વાંચવામાં મશગુલ થઈ ગયો હતો. એણે કદાચ મારી સામે જોયું હશે કારણ કે ડબામાં મારા સિવાય બીજા કોઈ ખાસ જોવાલાયક કહી શકાય એવા કોઈ મુસાફરો નહોતા.એક ઘરડી સ્ત્રી, બે ગોબરા છોકરા અને બે પોટકા લઈને પાછળના ખાનામાં બેઠી હતી.આ સિવાય એક તાજું જોડાયેલું જોડલું એકબીજાના હાથમાં હાથ મૂકીને ખીમજીએ આપેલી ખારીશીંગના ફોતરાં ઉડાડતું હતું.


  અચાનક મારી આંખોમાં આસપાસના હવામાનમાં થયેલો અણધાર્યો ફેરફાર નોંધાયો. ચેતાતંતુઓએ મગજને જાણ કરી કે કદી ન જોયું હોય એવું હૃદયંગમ દ્રશ્ય બાજુના કંપાર્ટમેન્ટની સામેની બારીવાળી સીટ પર સર્જાયું છે. મગજે એ સંદેશો જીલીને તરત જ આંખોને એ તરફ દૃષ્ટિપાત કરવા હુકમો છોડ્યાની બીજી જ ક્ષણે એ મને દ્રશ્યમાન થઈ. મારા જીવનની આ સફરનું એ લીલું છમ્મ સ્ટેશન બારીના સળિયાનો ટેકો લઈ આંખ બંધ કરીને ઠંડા પવનમાં શાંતિથી બેઠું હતું. મને એ બારીમાંથી વહેતા પવનની ઈર્ષા થઈ આવી કારણ કે એના રેશમી ઝુલ્ફો સાથે એ રમત કરી રહ્યો હતો.




   ખુલ્લી ઘટ્ટ શ્યામ કેશરાશીમાં એના ગૌરવર્ણ ચહેરાને ઘટાટોપ વાદળો વચ્ચે ઉગેલા ચાંદની ઉપમા હું વાંચતો હતો એ નવલકથાના લેખકે આપી હોવાથી હું કોઈ નવી ઉપમા વિચારવા લાગ્યો. પણ હું કોઈ લેખક કે કવિ તો હતો નહિ એટલે મને કોઈ ઉપમા ન સુજી એટલે એ લેખકજીની ઉપમાઓના આધારે જ હું એનું વર્ણન મારી આંખોમાં ઉતારી રહ્યો. ગુલાબના ફૂલોની પાંદડીઓ જેવી એની પલકો બીડાયેલી હતી. બીજના ચાંદ જેવી એની ભ્રમરો નીચે બંધ પલકોમાં એની ઉપસેલી કીકીઓ,

સપ્રમાણ અને નાજુક નાકમાં પહેરેલી વાળી એને રૂપાળી બનાવતી હતી. એના હોઠ પર કદાચ એણે આછી ગુલાબી લાલી કરી હતી પણ મને એની જરૂર નહોતી લાગતી.કદાચ આ હોઠ ગુલાબી દેખાવા માટે કોઈ લાલી ફાલીના મોહતાજ નહોતા!


એની ચિબુક પરનું એ બિંદી જેવડું છૂંદણું ભલભલાની તો મને ખબર નથી પણ મારા દિલને તો છૂંદવા જ માંડ્યું હતું.  એની બારી તરફ ઢળી પડેલી ડોક મારા ખભે ઢળી પડે તો કેવું સારું એવો સાવ એકદમ ઉતાવળો વિચાર મારુ મગજ ઉત્પન કર્યા વગર રહી ન શક્યું.હું પળવાર માટે મારા મનને આવી ગુસ્તાખી કરવા બદલ ખિજાયો પણ મારા મને, મને એમ કહીને ચૂપ કરી દીધો કે અત્યારે જે જોવાનું છે એ જોઈ લેવા દે. હું નિરીક્ષણ કાર્ય આગળ ધપાવવાની પ્રક્રિયા અટકાવી ન શક્યો.


  એ યુવતીએ ફૂલ સ્લીવની લાલ રંગની કુર્તી પહેરી હતી. એના ગળામાં એકદમ પાતળો કદાચ સોનાનો જ હશે એવો ચેન મને બેચેન બનાવી રહ્યો. ગણેશજીની મૂર્તિનું નાનકડું પેન્ડલ એ ચેન સાથે ટીંગાઈને એની છાતી આગળ ઝૂલતું હતું. રિદ્ધિ સિદ્ધિના સ્વામીને ત્યાં ઝૂલવાની શી જરૂર છે એવો વિચાર કરતા મારા મનને ફરી હું વઢવા ગયો પણ મારા મને ફરીવાર મને તગેડી મુક્યો !


   મદહોશ યુવાનીના પ્રતીક સમાં

એના ઉરોજને માંડ સમાવવા મથતી એની કુર્તિ ખેંચાઈને થોડી નીચે તરફ સરકી ગઈ હતી.એના સ્તનયુગલની દર્રા પર સ્થિર થવા જઈ રહેલી મારી નજરને મેં પરાણે વાળી લીધી ત્યારે મારુ મન મને શા માટે ખિજાવા લાગ્યું એ ઘડીક હું સમજી ન શક્યો. આંખોએ આ રૂપના ઘૂંટડા ગળવા શરૂ કર્યા એ સાથે જ મારા પેટમાં આ શાનું સ્પન્દન ઉપજ્યું? નાનો હતો ત્યારે પપ્પા ગલગલીયા કરીને મને ખુબ હસાવતા. અત્યારે કોઈ સ્પર્શ વગર જ આ શાના ગલગલીયા મને થઈ રહ્યા હશે? પેલા ખમણવાળા ખીમજીને મારે પૂછવું પડશે કે કોઈ છોકરીને જોઈએ ત્યારે આવું કેમ થતું હશે? એ ખીમજીના બચ્ચા પાસે જરૂર ને જરૂર કોઈ જવાબ હશે જ.


   મારી નજરને ધક્કો મારીને હું એ યુવતીની ન દેખાતી કમર તરફ લઈ ગયો. ચોક્કસ એની કમર પાતળી જ હશે એવું અનુમાન મારા મનમાં ઊગ્યું. એના માંસલ સાથળ અને પિંડીઓ એણે પહેરેલા બ્લૂ જીન્સમાં શાનદાર અને જાનદાર લાગતી હતી. એના પગ ભલે મોજડીમાં હતા પણ બેશક રાજકુમારને પાકીઝા પિક્ચરમાં મીનાકુમારીના પગ લાગેલા એવા જ પગ હોવા જોઈએ એમ મારા મને, મને કહ્યું! 


  આ યુવતીએ તો પગ નીચે જ રાખ્યા હતા એટલે હવે એને રાજકુમારનો એ ડાયલોગ 'આપ કે પેર બહુત હસીન હે, ઈસે નીચે મત રખના મેલે હો જાયેંગે..!' એ કહેવુ જોઈએ એવો એક સંદેશો મારા મનમાં ઉદ્દભવ્યો.  પણ આ ગોરીએ તો પગ મોજડીની અંદર રાખ્યા હતા એટલે મેલા થઈ જવાનું કહેવા જતા વહેલા ઘેલા થઈ જવાશે એવો ડર મને લાગ્યો.


  ગાયને ધાવતા વાછરડાને પરાણે વાળીને ખીલે બાંધવામાં આવે એમ એ યુવતીને પી રહેલી મારી નજરને મેં પરાણે વાળી લઈને નવલકથામાં પરોવી. કારણ કે આમ શાંતિથી ઊંઘી રહેલી સ્વરૂપવાન યુવતીને ટિકિટિકીને જોયા કરવું એ સજ્જન માણસનું લક્ષણ નથી એવું મારી સમજમાં હતું. પણ અત્યારે એ સમજ મને ગેરસમજ લાગી રહી હતી. નજર અને મન પણ પેલા દોરડા વડે ખીલે બંધાઈ જતા વાછડાની જેમ બંધાઈ જતા હોત તો કેવું સારું હતું? પણ માણસ અને એ પણ મારા જેવા બાવીસમાં વરસની બે કાંઠામાં ઉછળતી નદી જેવી જુવાનીના ઘોડાની સવારી કરતા યુવાનનું મન તો થનગનતા વછેરા કરતા પણ ચંચળ હોય છે ને!


શિવલિંગ પર અભિષેક થતા દૂધની જેમ મારી નજર ફરીવાર પેલીના માથાથી પગ સુધી લસરી પડી. એના મોજડીમાં છુપાયેલાં મરોડદાર પગથી ફરી ઉઠીને એના હવામાં ફરફરતા વાળ સાથે અડપલાં કરતી મારી નજરને મહાપરાણે હું નવલકથાના બે પેઈઝ વચ્ચે લાવીને ત્યાં ચોંટાડવાની વ્યર્થ કોશિશો કરતો રહ્યો.મારા એ પ્રયાસો હજુ શરૂ જ રહેત પણ આગળનું સ્ટેશન આવતા ટ્રેન ધીમી પડી. એની બંધ આંખો હમણા જ ખુલવાનો સંકેત મારા મગજને મળી ગયો. મારા હોશિયાર મગજને ક્યારેક હું શાબાશી પણ આપું છું કારણ કે એને કેટલીક બાબતોની આગોતરી જાણ થઈ જતી હોય છે. આપણે એને જોઈ જ નથી એવો સંદેશો એ યુવતીને મોકલવો અત્યંત જરૂરનો હોવાનું મારા મગજે પળવારમાં જાહેર કરીને આંખોને હુકમ પણ કરી દીધો કે સાવધાન! હવે નજરને એકપણ વાર એ તરફ જવા દેવાની નથી!  માત્ર જરાક ત્રાંસી નજરે પેલીની ક્રિયાઓ વિશે કોઈ ખણખોદીયા જાસૂસની જેમ માહિતી એકઠી કરીને પહોંચાડો!


અને હું જરાક ત્રાંસી નજરે પેલી યુવતી મારી તરફ જુએ છે કે નહીં એ જાણવા મથી રહ્યો!


  હું જેને મીઠી લહેરખી કે હવાનો એક નાજુક ઝોંકો સમજ્યો હતો અને એને જોઈને પહેલા વરસાદથી મહેંકી ઉઠતી ધરાની જેમ ખુશ થઈ, કોઈ અદ્રશ્ય હીંચકે ઝુલવા લાગ્યો હતો એ સ્વરૂપવાન છોકરી મારા જીવનમાં ભયાનક ઝંઝાવાત સર્જવાની હતી. પણ એ વખતે તો દરેક યુવાનની જેમ મારા દિલમાં પણ અજીબ સ્પન્દન રચાયા હતા! 


(ક્રમશ :)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ