વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

1. છૂપી આસ્થા..!


આરતી આજે પણ ભીની આંખે હાથમાં એ જ સફેદ કપડું લઈને મંદિર સામે કલાકો બેસતી, જેમાં લાલ કંકુનાં નાનકડાં પગલાંઓ મૌન હસી રહ્યાં હતાં.. હા કાલુઘેલું જ તો. ને માતાજી સામે આંસુભરી આંખે એક જ સવાલ વારંવાર કરતી, 

'મારી સાથે જ કેમ માં..? મેં એવાં કયા ગુના કર્યાં જેની મને આ સજા મળી..? મારી ઢીંગલી મને પાછી આપી દો માં.. મને જવાબ આપો માં..!'


ત્રણ વરસથી આરતીની આ રોજિંદી ક્રિયાથી હવે તો મોહન પણ ટેવાઈ ગયો હતો. હા એ એને સમજાવવાનો પ્રયાસ જરૂર કર્યા કરતો પણ, પરિણામ શૂન્ય આવતું.

'આરતી જો નાસ્તો ટેબલ પર મૂક્યો છે. ખાઈને દવા પી લેજે હો.. નહીતો આપણી આસ્થા નારાજ થઈ જશે, યુ નો..'

આસ્થાનું નામ પડ્યું ને તરત વીજળીવેગે આરતી ઊઠી ને નાસ્તા તરફ દોરાઈ.. જાણે આસ્થા એનો હાથ પકડી એને ત્યાં સુઘી દોરી ના રહી હોય..

હાથમાં પકડેલા એ થોડાં મેલાઘેલાં ને ચોળાઈ ગયેલાં સફેદ કપડાં સામે એ જોતી જાય ને જાણે એને મનાવતી હોય તેમ ખાતી, એને છાતી સરસી ચાંપી ઘડી હસી પડે તો ઘડી રડી પડે.


મોહને ઘણી દવા કરાવી.. પણ, આખરે ડોકટરની સલાહથી એણે ઘર બદલાવ્યું કે, જેથી એ ઘરમાં પ્રવેશેલા એ નાનકડાં પગલાં અને એ કાલોઘેલો અવાજ આરતીને આ તંદ્રામાંથી બહાર નીકળવા મદદ કરે. અહીં આવ્યાને હજુ અઠવાડિયું થયું હતું. સામાન વધુ હતો નહીં તો બધું જલ્દી ગોઠવાઈ ગયું હતું.


આરતીનાં માથા પર એક પ્યારું ચુંબન કર્યું મોહને,

' હું જાવ ઓફીસ dear, કઈ જરૂર હોય તો ફોન કરજે એન પ્લીઝ ટેક કેર યાર.'

હમમ.. કરતી આરતીએ એ પગલાંને વહાલ કરવાં કહ્યું. મોહને એને પણ વહાલ કર્યું ને એની આંખમાંથી આંસુઓ એ નાનકડાં પગલાંઓને મીઠી ભીનાશથી નવડાવી ગયાં.


આજે નવરાત્રીનો પ્રારંભ થયો હતો. એટલે આખો મહોલ્લો સુંદર રીતે શણગારેલો હતો. 

માં આદ્યશક્તિની મૂર્તિ અદ્ભૂત સોહી રહી હતી. રાત્રે ગરબા પહેલાં સ્તુતિ અને આરતીની શરૂઆત થઈ. ખબર નહીં એ અવાજ કાને પડતાં જ આરતી ઊભી થઈ એ દિશા તરફ દોરાઈ. જાણે નવદુર્ગા જ એને હોંકારો દઈ બોલાવી ના રહી હોય.. મોહન પણ, 'આરતી ઊભી રહે હું આવું છું..' કહેતો તાળું મારી સાથે ગયો.


આરતી ત્યાં એક વડનાં ઝાડ નીચે બેસી ભીની આંખે માં આદ્યશક્તિનાં દર્શન કરતી ફરી મૂંગી આંખોથી એ જ પ્રશ્નો પૂછતી રહી, જે મોહન અનુભવ કરી શકતો હતો. અચાનક એ સફેદ કપડાં પર એક લાલ ચટક માં ની ચૂંદડી આવીને વિંટળાઈ ગઈ. જાણે કહેતી હોય.. 'બસ આરતી હવે બસ, જાગ હવે તારી ઢીંગલી તારી સાથે આટલો સમય જ હતી અને જે લખાયું એ થવાનું જ છે. હા હું તારી ઢીંગલીનું ધ્યાન રાખીશ હંમેશા..'


આરતીની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. અચાનક બે નાનકડાં હાથ એ ચૂંદડી લેવાં આગળ વધ્યાં. મેલા ઘેલાં ફાટેલાં કપડાં સાથે પાંચ છ વર્ષની એક બાળકી એ ચૂંદડી લેવાં પ્રયત્ન કરી રહી હતી. એનાં હાથને આરતી એ પકડ્યા ને એને લાગ્યું જાણે એની આસ્થાને એણે પકડી.

એ પેલી છોકરીને બાથમાં લઈ વહાલ કરવા લાગી. પેલી છોકરી પ્રશ્નાર્થ નજરે જોતી પકડ છોડાવવા પ્રયાસ કરી રહી. પૂજારી આ દ્રશ્ય જોઈ ત્યાં આવ્યાં અને કહ્યું, 'આ દિકરી અઠવાડિયાથી આવી છે, ખબર નહિં ક્યાંથી પણ, અહીં મંદિરમાં જ રહે છે. લોકો આપે એ જમી સુઈ જાય છે.'


આરતીએ મોહન સામે જોઈ આંખોથી જ એક મૂક પ્રશ્ન કર્યો..

મોહને પણ સમજી જઈ એને ડોકું હલાવી સંમતિ આપી.


બસ આમ આરતી- મોહનની નવી જિંદગીની શરૂઆત થઈ રહી હતી. આરતી એ આ દિકરીને નામ આપ્યું 'અંબા', માં અંબાએ જાણે એની રોતી સૂની ગોદને કુમળું હાસ્ય આપી દીધું હતું.. તો નામ તો એ જ યોગ્ય લાગ્યું તેને. આરતી અને એની એ છૂપી હસતી આસ્થા કે આ પ્યારી અંબા, શું કહેવું.. ઓહો આખો દિવસ ઘરમાં કલબલાટ ને તોફાન મસ્તી શરૂ થઈ ચૂકી હતી. બંનેનાં સૂનાં જીવનમાં ફરી ખુશીઓનો સાગર હિલ્લોળા લઈ રહ્યો હતો.

પેલું સફેદ કપડું હજુ પણ છે આરતી પાસે. પણ હવે તેને એ ફક્ત રાત્રે સાથે લઈને સુવે છે ને ખૂબ લાડ કરે છે, પણ હા આ અંબાને હેતથી સુવડાવ્યા પછી જ હો.


'જોગણી માતાનાં દર્શન કરી લ્યો

એ હાલો હાલો સખી રી ગરબે ઘુમી લ્યો..'


માં નો ગરબો રોજ શ્રદ્ધાથી આરતી ગાવા જાય છે એની અંબાનો હાથ પકડીને.. હા એની માં પરની આસ્થા સાથે જ તો. ને મોહન બંનેને એનાં મોબાઈલમાં ક્લિક કરી કેદ કરી લે છે, હરખાતો. ને સાથે ઊપર ચમકતાં એ નાનકડાં સિતારાઓમાં એની એ નાનકડી મંદ મંદ હાસ્ય લહેરાવતી આસ્થાને શોધવા પ્રયત્ન પણ કરે છે, ભીની પણ ખુશી છલકાવતી આંખો સાથે..!



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ