વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રજા લીધી

કોઈ પ્રતાપી સત્ત્વ પોતાની પાસેથી જતું રહેતાં મન છુંટું થાય તેમ કુમુદસુંદરી ગઈ કે સરસ્વતીચંદ્ર શાંત થયો. તેની પાછળ જોઈ રહ્યો અને બારણું બંધ થયું કે 'હાશ' 'અરેરે' કરી, બેઠો હતો તે પથારીમાં પડ્યો. આ શું સ્વપ્ન થઈ ગયું ? કુમુદસુંદરી આવી શી? મૂર્છા શી પામી? બોલી શું ? ગઈ શું ? તેની અવસ્થા વસ્તુતઃ કેટલી દયાપાત્ર હોવી જોઈએ ? પોતાના મનની કેવી નિર્બળતા અનુભવે સિદ્ધ કરી આપી ? ઈત્યાદિ વિચારોના ગુંચવારામાં ગુંચવાતું, સ્નેહ અને દયાથી દીન થતું, અનેક વિકારો અનુભવતું મસ્તિક થાક્યું પાક્યું નિદ્રાવશ થયું તે છેક પ્રાતઃકાળે સાત વાગે જાગ્યું.

સાત વાગ્યા પહેલાં પ્રમાદધન લીલાપુરથી કાર્ય સિદ્ધ કરી પાછો આવ્યો હતો. રાણાને તે ખબર થતાં બુદ્ધિધનને પોશાક આપવાનું તેને તે દિવસે ઠરાવ્યું અને તે બાબતની તૈયારીયો કરવાનું નરભેરામ તથા જયમલને આવ્યું.

સરસ્વતીચંદ્ર જાગ્યો ત્યારે બુદ્ધિધનના ઘરમાં આ તૈયારીયોની ગરબડ મચી હતી. દાતણ કરી તે પ્રધાનખંડમાં (દીવાનખાનામાં) ગયો તો પ્રમાદધનની આસપાસ કચેરી ભરાઈ હતી અને લીલાપુરના ગપાટા હંકાતા હતા, ઘરના દ્વાર આગળ દરબારી ચારણો ભરાઈ કવિતો બોલતા હતા. ચારણસ્ત્રીયો, નવા કારભારીના ઘરની સામે ઉભી રહી, જાતે કદાવર તથા કાળી કોળણો જેવી દેખાવા છતાં કોમળ અને સુંદર રાગથી ચ્હડતા ઉતરતા ઢાળ સાથે, રોમેરોમ ઉભાં કરે એવું રાજગીત ગાતી હતી અને સાંભળનારનાં ચિત્તમાં શુદ્ધ રાજભક્તિ ઉત્પન્ન કરતી હતી. દિવસ ચ્હડતો ગયો તેમ તેમ બારણે લોકની ઠઠ વધતી ગઈ અને આખો રસ્તો વસ્તીથી ચીકાર થયો.

ઘરમાં પણ એવી જ રીતે લોક આવતા હતા. અમલદારો, મિત્રો, હિતૈષીયો, થોડોક પણ સંબંધ ધરાવનારાઓ અને એવા અનેક લોક પ્રધાનખંડની મેડીમાં ખીચોખીચ ભરાયા અને અંતે સરસ્વતીચંદ્રને સુવા આપેલી મેડી પણ ઉઘાડી મુકી દેવાની અગત્ય પડી.

નીચે ચોકમાં અને તેની આસપાસના ખંડોમાં સ્ત્રીવર્ગ ઉભરાતો હતો અને ભાત ભાતનાં ઉંચાં ચળકતાં – સાડીયો, સાળુ, ગવનો, વગેરે – વસ્ત્રોથી અને સોનારૂપાના તથા હીરા મોતીના અલંકારોથી અનેકરંગી વનસ્પતિ અને ફુલવાળા બાગ જેવો લાગવા માંડ્યો, તારામંડળમાં ચંદ્રલેખા શોભે તેમ ઉત્સાહભરી સ્ત્રીયો વચ્ચે સૌભાગ્યદેવી શોભતી હતી, અને તારા અને ચંદ્ર સર્વને ઢાંકી નાંખનાર વીજળીની પેઠે જાજવલ્યમાન અલકકિશોરી ધમકભરી ગર્જતી હતી. શાંત અને મધુર ન્હાની શુક્રતારા પેઠે એકપાસ કમુદસુંદરી પ્રકાશ ધરતી હતી. દયાશંકરકાકા અને વૃદ્ધ કુળગોર સ્ત્રીવર્ગની વચ્ચે વચ્ચે ફરતા મંગલ-સામગ્રી તૈયાર કરાવતા હતા. લાલચોળ કુંકુમ, સુવાસિત અને સુશોભિત પુષ્પો, અગરબત્તીયો, રુપાના અને તાંબાપીતળના થાળ, લોટ, છાબડીયો અને બીજાં પૂજાપાત્રઃ આ સર્વેથી આજ બુદ્ધિધનનું ઘર નવી જાતની ધામધુમભર્યું ભાસવા લાગ્યું.

એવામાં રાણાને ત્યાંથી કારભારી થનારને આમંત્રણ આવ્યું. અગાડી વાજાં, પાછળ એક હાથી અને તેની પાછળ ઘોડાગાડીમાં રાણાનો એક ભાયાત, નરભેરામ, અને જયમલ બેઠા હતા. તેની પાછળ સવારોની ટુકડી અને સીપાઈયો હતા. કારભારીને લેવા આવનાર આ સર્વ મંડળ દ્ધાર આગળ આવી ઉભું.

આ સર્વે ધામધુમ વચ્ચે મેડીમાંથી છજામાં અને છજામાંથી મેડીમાં તથા ચોક પરની અગાસીમાં સરસ્વતીચંદ્ર શુન્ય હૃદયથી આવજાવ કરતો હતો. કુમુદસુંદરીનો પત્ર ખીસામાં હતો તે વાંચવાપર ચિત્ત હતું પણ આ લોકો વચ્ચે એકાંત મળે તેમ ન હતું. રાત્રે ઉંઘમાં વંચાયો ન હતો. ચંદ્રકાંત આવવાનો તે વિચાર પણ મનમાં ઘોળાયા કરતો હતો. વિચાર અને ઉદાસીનતામાં ડુબેલો હોવાથી આસપાસની ધામધુમ દેખતાં છતાં તેને જોતો ન હતો.

બારણે ઘોડાગાડીઓની ઠઠ વધતી હતી અને બ્હાર તેમ અંદર ઉત્સાહનો ગરબડાટ મચી રહ્યો હતો તેની વચ્ચે એક સરસ્વતીચંદ્ર આમ દેખીતો જુદા પડતો હતો. કુમુદસુંદરી જે દેશમાં હોય ત્યાં પોતે ન વસવું એ ઉભયના હિતને અર્થે આવશ્યક લાગ્યું – પણ એને છોડવી એ જ કઠણ કામ હતું. “એક વાર છોડ્યા પછી છોડેલીને આકર્ષણે સુવર્ણપુર દેખાડ્યું, એ આકર્ષણની સત્તામાં આવી હવે સુવર્ણપુર છોડવું એ રમત વાત નથી. શી રીતે છોડવું ? ક્યારે છોડવું ? ચંદ્રકાંત આવવાનો છે તેનું શું કરવું ? આવે ત્યાં સુધી ર્‌હેવું કે નહીં ? એ મળે એટલે શું કરવું ? એનું મ્હોં કેમ તરછોડાશે ? મ્હારે માટે અંહી સુધી આવે છે ! – એની સાથે પાછાં જવું પણ નહી જ ! અરેરે ! એક માણસની પાછળ બીજાં કેટલાં દુ:ખી થાય છે ? – તમારી શી અવસ્થા થશે? – કુમુદસુંદરી ! મ્હારો અપરાધ ક્ષમા કરજો !– હું જઈશ જ – ફરી તને મૂર્છા નહી પમાડું.”

આ ઉત્સાહ–સમયે સરસ્વતીચંદ્ર એકલો જ શોકમાં ન હતો. કુષ્ણકલિકા અને પ્રમાદધનની વાર્ત્તા વનલીલાદ્વારા અલકકિશેરી પાસે, અલક પાસેથી દેવી પાસે, અને દેવી પાસેથી રાત્રે બુદ્ધિધન પાસે પહોંચી ગઈ હતી. વિશુદ્ધ પુરુષને પાંસુલ પુત્ર જોઈ અતિ ખેદ થયો. “આહા ! મ્હારા પુત્રની વહુ પણ મ્હારા ઘરમાં આમ મ્હારા પુત્રને હાથે પરાભવ પામે છે : અને તેનો ઉપાય કરવા હું અશક્ત છું તો બીજા ફરીયાદીયોનું હું શું ઉકાળવાનો હતો ?” એ વિચાર થયો. “લોકમાં જણાવાય નહી અને શિક્ષા થાય નહી ! ” – “ આનું શું કરવું ?”

બારી બહાર દ્રષ્ટિ પડતાં કૃષ્ણકલિકાનો વરને દીઠો. “આ છોકરો હવે મ્હારી રૈયત છે. મ્હારી પાસે આ બાબતની ફરીયાદ કરવા એની ગુંજાશ ખરી ? ના જ. ત્યારે હું પ્રમાદને શી શિક્ષા કરું ? – જેથી આ વાત ઉઘાડી ન થાય અને શિક્ષા થાય. વાત ઉઘાડી કર્યા વિના કરેલી શિક્ષાથી ફરીયાદીને શો સંતોષ ? – એ સંતોષ ન અપાય તો તો કારભાર છોડવો જોઈયે.

“કારભાર કોઈથી છેડાયો છે ? પ્રકટ વા ગુપ્ત બલાત્કાર વિના કોઈએ લક્ષ્મીને લાત મારી નથી!”

"બસ. બસ. હું ગમે તેમ કરી પ્રમાદને શિક્ષા કરીશ જ - મ્હારી ન્યાયવૃત્તિ જગત જોશે ! – હું નરકવાસી નહી થાઉં ! – માતુ:શ્રી ! તમે ખમેલો જુલમ મને સાંભરે છે ! એવો જુલમ હું નહી થવા દેઉં ! પ્રમાદ,- પણ હું તને શું કરું ? તને તે શી શિક્ષા કરું ? – તને શિક્ષા ન કરતાં હું જાતે જ શિક્ષા ખમું તો ?”

એટલામાં સરસ્વતીચંદ્ર બુદ્ધિધનની મેડીમાં આવ્યો.

“કેમ નવીનચંદ્ર !" શોક ઢાંકી બુદ્ધિધને પુછ્યું.

“ભાઈસાહેબ, કુમુદસુંદરીને લેવાને રત્નનગરીથી માણસો આવી પહોચ્યાં છે તેમના ક્‌હેવા પરથી જણાય છે કે ચંદ્રકાંત એક બે દિવસ ભદ્રેશ્વરમાં રહેશે. મ્હારે તેમને તરત મળવાનું કારણ છે એટલે જવા ૨જા માગું છું.”

“પણ કાલે જજો. આજ તો દ૨બા૨માં આવજો. આપણે ઘેર પણ ઉત્સાહ છે. બપોરે જમી કરી રાત્રે વાહન લઈ જજો. અને એમ કરતાં એ પણ અત્રે જ આવવાના છે કની ? ”

“હા જી, પરંતુ કંઈ કારણથી મ્હારે અત્યારે જ નીકળવું આવશ્યક છે. જમવાનું તો બપ્પોરસોરો જયાં પ્હોંચીશ ત્યાં થશે. આપે કંઈ મ્હારા ઉપર કૃપા રાખવામાં ન્યૂનતા નથી રાખી અને સ્વાભાવિક રીતે હું જેમ વધારે રહું તેમ ઈચ્છો; પરંતુ અત્યારે મ્હારી વિજ્ઞાપના સ્વીકારશો એ પણ કૃપા થશે.”

બુદ્ધિધન પ્રમાદધનની ચિંતામાં પડ્યો હતો, દરબારમાં જવાની ખટપટમાં ચિત્ત હતું, ગઈ રાત્રિથી જ સરસ્વતીચંદ્ર પરના ભાવમાં કાંઈક ફે૨ થયો હતો, અને ર્‌હેવા ન ઈચ્છનારને ર્‌હેવાનો વિવેક કરવો એ કાળક્ષેપ કરવા જેવું લાગ્યું.

"તમારી ઈચ્છા, નવીનચંદ્ર.” “ભાઈસાહેબ, બોલ્યું, ચાલ્યું માફ કરજો, મ્હારા પર આપની કૃપા ઘણી થઈ છે.”

"કાંઈ હરકત નહી.”

સરસ્વતીચંદ્ર મેડી બ્હાર ચાલ્યો અને પોતાની મેડીમાં ગયો. કા૨ભારે ચ્હડતું મસ્તિક પરદેશીને વાહનનો જોગ કરી આપવાનો વિવેક કરવો સાંભરી આવેલો ભુલી ગયું.

મૂર્ખદત્ત નિત્ય પ્રાતઃકાળે આવતો હતો તેની જોડે પોતાની ગાંસડી રાજેશ્વરમાં મોકલી દઈ સરસ્વતીચંદ્ર નીચે આવ્યો અને સૌભાગ્યદેવી તથા અલકકિશોરીની રજા માગવા લાગ્યો. ત્યાં સ્વાભાવિક રીતે તેને ન જવા દેવાનો આગ્રહ થયો. બુદ્ધિધનની રજાનું નામ આવ્યું એટલે સૌભાગ્યદેવીએ આગ્રહ કરવો છોડી દીધો અને માત્ર ખેદ બતાવ્યો.

અલકકિશોરી ક્‌હે : “પિતાજીને જઈને કહી આવું છું – આજ તો ગમે તેમ કરીને ર્‌હો – એવું અચીંત્યું શું છે જે?” આખરે એ પણ શાંત થઈ.

સરસ્વતીચંદ્ર કુમુદસુંદરીને જોતો જોતો ચાલ્યો – તેનું મ્હોં લેવાઈ ગયું - આંખમાં આંસુ આવ્યાં, પગ ઉપડ્યો નહી તેને બળાત્કારે ઉપાડ્યો, ઉમ્મ૨માં ઠેસ વાગી, અને બારણા બ્હાર નીકળ્યો.

પોતાના કહ્યાની કાંઈ પણ અસર નથી થઈ જાણી ખિન્ન બની, તેને જતો જોઈ રોવા જેવી થઈ, તેની સાથે બોલવાનો અવકાશ પણ નથી વિચારી ઓછું આણી, હવે તેને મળવાનું નથી કલ્પી નિરાશ થઈ, હવે તેનું શું થશે એ વિશે અનેક અમંગળ તર્ક કરતી ભયભીત કુમુદસુંદરી, લોકલજજાનો ખરેખરો તિરસ્કાર કરી જતાને જોતી જોતી, નિ:શ્વાસ મુકી “હાય હાય રે” એવી બુમ પાડી પાછળ ઉભેલી એક સ્ત્રી ઉપર ઢળી પડી. રંગમાં ભંગ થયો. એને ઉઠાડી. “કંઈ નહી – એ તો મને કંઈક પેટમાં આંકડી આવી” કરી કુમુદસુંદરી સજજ થઈ અને સઉભેગી, શુન્ય તો શું પણ પ્રવાસી બનેલા હૃદયથી છુટી પડેલી બની, ઉત્સવકાર્યમાં દેહને મેળવવા લાગી.

કારભારીના દ્વાર બ્હારની ધામધુમ વચ્ચે થઈ ઈશ્વર પેઠે કોઈથી અલક્ષિત છાનોમાનો સરસ્વતીચંદ્ર હૃદયને કારભારીને ઘેર મુકી ચાલતો થયો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ