વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

નામકરણ

"ખૂબ ખૂબ અભિનંદન! તમારે ત્યાં બીજી પુત્રીનો જન્મ થયો છે." ડૉક્ટરે ઓપરેશન થિયેટરમાંથી બહાર આવીને કહ્યું.

"ઓહ! થેન્ક યુ વેરી મચ ડૉક્ટર સાહેબ! ચાલો, અમારે ત્યાં તો બીજી લક્ષ્મી આવી છે એથી વધુ ખુશીની વાત શું હોઈ શકે? શું હું એને જોઈ શકું છું? હું એને મળી શકું છું? અને માનસીની તબિયત કેવી છે? એ પણ સ્વસ્થ છે ને?" મનોહર ભાઈ ખુશીના આવેશમાં એકસાથે આટલું બધું બોલી ગયા.

"હા, મા અને દીકરી બંને બિલકુલ સ્વસ્થ છે. તમે બિલકુલ ચિંતા ન કરો. અને તમે એમને મળી શકો છો." એટલું બોલી ડૉક્ટરે નાનકડી કલગી સામે જોયું અને કહ્યું, "કલગી બેટા! તું હવે મોટી બહેન બની ગઈ છો. તારે ત્યાં બહેનનો જન્મ થયો છે. હવે તારે એકલા એકલા નહીં રમવું પડે. હવે તો તું તારી બહેન સાથે રમજે. કેમ બરાબર ને?"

"હા, અંકલ! હું હવે એની સાથે જ રમીશ." કલગી પણ પોતાની બહેન આવી છે એ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ.

મનોહરભાઈએ કલગીને કહ્યું, "ચાલ! તારે તારી બહેનને મળવું છે ને? ચાલ આપણે બંને એને મળવા જઈએ."

"હા, પપ્પા! મારે એને મળવું છે." નાનકડી કલગી બોલી.

મનોહરભાઈ અને કલગી બંને જ્યાં માનસીબહેન અને બાળકીને રાખી હતી એ રૂમમાં ગયા. મનોહરભાઈએ પોતાની પુત્રીનું મુખ જોયું અને ખૂબ ખુશ થઈ ગયા. એમણે બેબીને પોતાની ગોદમાં લીધી.

"વાહ! પપ્પા! આ નાની બેબી તો કેવી સરસ છે નહીં? કેટલી સ્વીટ છે નહીં? હું તેડી લઉં એને?" નાનકડી કલગી એ પૂછયું.

"ના, બેટા! તું હજુ નાનકડી છો. તને નહીં ફાવે." એટલું કહી એણે નાનકડી બેબીને ફરી પારણામાં સુવડાવી અને માનસી બહેન પાસે આવીને બોલ્યા, "થેન્ક યુ માનસી! આજે તે મારો પરિવાર ખરા અર્થમાં પૂરો કરી દીધો. બે બાળકનું આપણું સપનું પૂરું થયું."

"હા, મનોહર! આજે આપણો પરિવાર ખરા અર્થમાં પૂર્ણ થયો." માનસીબહેન બોલ્યા.

"આપણે આ ખુશખબરની જાણ માયાબેનને પણ કરી દેવી જોઈએ." માનસીબહેન બોલ્યા.

"હા, તું ઠીક કહે છે. લાવ હું માયા અને જીગરકુમારને ફોન કરીને જાણ કરી દઉં." એટલું કહી મનોહરભાઈએ પોતાની બહેન માયાને ફોન લગાડ્યો.

સામે છેડેથી માયાએ ફોન ઉપાડ્યો.
"હા, ભાઈ મનોહર? શું આવ્યું છે? દીકરી કે દીકરો?" માયાએ ખૂબ જ ઉત્સાહથી પૂછ્યું.

"લક્ષ્મી આવી છે બહેન!" મનોહરભાઈ બોલ્યા.

"અરે! વાહ! ભાઈ આ તો તે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. હું ખૂબ જ ખુશ છું. ઈશ્વરે આજે જાણે મારો ખોળો ભરી દીધો હોય એવું મને લાગે છે. હું તારા અને ભાભી બંને માટે ખૂબ જ ખુશ છું. ભાભીની તબિયત કેવી છે?" માયાએ કહ્યું.

"માનસીની તબિયત પણ સારી છે. અને બેબી પણ બિલકુલ સ્વસ્થ છે. આજે સાંજે માનસીને રજા આપી દેવાના છે. તું અને જીગર કુમાર બંને અમે ઘરે પહોંચીએ પછી આવી જજો બેબીનું મોઢું જોવા. અને બેબી માટે એક સરસ નામ પણ વિચારી રાખજે. તું એની એકની એક ફઈ છો એટલે નામકરણ પણ તારે જ કરવાનું છે." સામે છેડેથી મનોહરભાઈ બોલ્યા. અને માયાબહેને ફોન મૂક્યો.

ફોન મૂકીને માયાબહેને બૂમ પાડી, "અરે! જીગર! તમને કહું છું સાંભળો છો? મનોહરને ત્યાં દીકરી આવી છે. અને આજે સાંજે ભાભીને રજા આપી દેવાના છે. એ ઘરે આવે પછી આપણે એમને ત્યાં જવાનું છે દીકરીનું મોઢું જોવા."

"હા, સારું! તું તૈયાર થઈ જજે. આપણે જઈ આવીશું." જીગર કુમાર માત્ર એટલું જ બોલ્યા.

માયાબહેન અને જીગર કુમાર બંને નિઃસંતાન હતા. લગ્નના સાત વર્ષ પછી પણ માયાબહેનનો ખોળો ભરાયો નહોતો. બંનેએ ઘણી તપાસ કરાવી પણ ડૉક્ટરે એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, તમે ક્યારેય મા નહીં બની શકો.  ક્યારેક એમને એવો પણ વિચાર આવી જતો કે, મનોહર ભાઈને ત્યાં જો બીજું સંતાન થાય તો શું એ અમને દત્તક ન આપે? પણ પછી પોતે જ પોતાની જાતને સમજાવતાં કે, હું કોઈ બાળકને એના માતાપિતાથી કઈ રીતે દૂર કરી શકું? ના, ના. મારાથી આવું વિચારાય જ કેમ? આ યોગ્ય નથી. એમણે હવે પોતાના વિચારો પર બ્રેક મારી.

****

સાંજે માયાબહેન અને જીગર કુમાર બંને આવ્યા. માયાબહેન બેબીને હાથમાં લેતાં તરત જ બોલી ઉઠ્યા, "વાહ! કેટલી સુંદર છે મારી દીકરી! બહુ મીઠડી છે આ તો. ભાભી! તમને ને ભાઈને ખૂબ ખૂબ અભિનંદન. હું આજે બહુ જ ખુશ છું તમારા બંને માટે."

ટેબલની પાછળ ઉભેલી નાનકડી કલગી આ બધું જોઈ રહી હતી. એનું બાળ માનસ એ વખતે માત્ર એટલું જ સમજ્યું કે, જે બધાં લોકો પહેલાં મને બોલાવતાં હતા એ બધાં પેલા બેબીને જ રમાડે છે. ફઈ પણ રોજ ઘરે આવીને પહેલાં મને બોલાવતાં હતાં પણ આજે એમણે મને ન બોલાવી ને બેબીને જ પેલા તેડી લીધી. એણે બધાંનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે ટેબલ પર પડેલા પાણીના ગ્લાસને ધક્કો માર્યો. ગ્લાસ પડવાનો અવાજ આવતાં જ બધાનું ધ્યાન એ તરફ ખેંચાયું. ગ્લાસ ખાલી હતો એટલે માત્ર પડવાનો અવાજ જ આવ્યો. ગ્લાસના એ અવાજના કારણે બેબી રડવા માંડી એટલે માનસીબહેનનું ધ્યાન એને ચૂપ કરાવવામાં લાગ્યું. અને ફરી કલગી તરફથી એમનું ધ્યાન હટી ગયું. કલગીને ગ્લાસ ફેંકવાનો કોઈ ફાયદો ન થયો.

****

મનોહરભાઈ અને માનસી બહેનને ત્યાં બાળકીનો જન્મ થયો એને છ દિવસ થઈ ગયા હતા. આજે એની છઠ્ઠીનો દિવસ હતો. આજે એની નામકરણ વિધિ હતી. માયાબહેને આજે બાળકીનું નામકરણ કરવાના હતા. નામકરણની વિધિ શરૂ થઈ.

ઓળી ઝોળી પીપળ પાન ફઈબા એ પાડ્યું 'અનામિકા' નામ.

"વાહ! માયાબહેન! સરસ નામ પાડ્યું છે તમે!" માનસીબહેન બોલ્યા. બધાંને આ અનામિકા નામ ખૂબ પસંદ પડી ગયું.

*****

કેવું હશે અનામિકાનું બાળપણ? કેવી હશે અનામિકાની આવનારી જિંદગી? કોની જીવનસંગિની બનશે અનામિકા? જાણવા માટે વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ