વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

01

 

" લ્યો બેન, આ ફોર્મ. તમે કીધું ઇ પ્રમાણે મેં ભરી દીધું છે. મારું એડમિશન પાકું ને ? અને કેટલી ફી ભરવાની છે ?"  નાથાએ લાબું ડોકું કરીને કાચની ઉપરની ધારે દાઢી ટેકવીને એ કાચમાં નીચેની બાજુએ રહેલા અર્ધગોળાકાર હોલમાં આખો હાથ નાખીને ફોર્મ આપતા કહ્યું. એ કાચ પાછળ કાઉન્ટર પર બેઠેલી ચાર્મી ચપટવાલાના નાક સાથે ફોર્મ અડી ગયું.

"ઓ ભાઈ, ટમે દુઉડ રાખોની, આ રિટે ની ચાલે.." સુરતી ચપટવાલાએ ખિજાઇને કહ્યું. અમારા સુરતમાં "વાલા" બહુ !  મોટાભાગના સુરતી "વાલા" જ હોય. જેમ કે ગાયવાલા, દૂધવાલા, જરીવાલા,ઘીવાલા વગેરે.

"દુઉડ રાખું ? રિટેની ચાલે ?  આ નહીં ચાલે ? " નાથો, સુરતી સમજતો નહોતો. "આ રીતે નહીં ચાલે" આ વાક્યમાંથી  "આ" કાઢીને

"રીતે નહીં" નું  "રિટેની" એને ન જ સમજાય એ આપણે સમજી શકીએ છીએ !

નાથો સમજ્યો કે મારા ફોર્મમાં કંઈક "દુઉડ" લખવાનું બાકી છે અને

"રિટેની" હોય તો ચાલે, પણ મારું ફોર્મ નહીં ચાલે. એટલે એણે ફોર્મ ચાર્મીના નાકથી દૂર ખસેડયા વગર

ઉપર મુજબ પૂછીને ઉભો રહ્યો !

"અડે ભઈ ચાહલે,પન દુઉડ રાખોની.." ચાર્મી ફરી વખત ખિજાઈ. કારણ કે અડબંગ નાથાએ  એનું ફોર્મ  પેલા હોલમાં આખો હાથ નાખીને ચાર્મીના નાકને અડાડયું હતું !

પાછું " દુઉડ" રાખવાનું કહેવામાં આવ્યું. એટલે હવે નાથો પણ ખીજવાયો.

"ફોર્મમાં જે પૂછ્યું છે ઇ બધું લખ્યું છે, બેન ! આમાં દુઉડ બુઉડ રાખવાનું નથી લખ્યું.."

કાચની ઉપરની ધારે નાહ્યા વગરનો નાથો દાઢી અડાડીને એનું કોલેજનું એડમિશન ફોર્મ ચાર્મીના નાકે અડાડીને ઉભો હતો.

  ગોરો વાન, પાતળી અને ઉંચી ડોક અને મોટી મોટી આંખો પર મોટી ગોળ ફ્રેમના ચશ્મા પહેરીને બેઠેલી ચાર્મી ચપટવાલા બાવીસ વરસની સુંદર યુવતી હતી.એણે નાથાના ફોર્મને ઝાપટ મારીને પોતાના નાક પાસેથી દૂર કર્યું. અને ગુસ્સે થઈને કહ્યું, " અડે યાર, આ ફોર્મ દુઉડ રાખોની એમ કેતી છું ! હમજ પડે કે ની ? છેક મારા નાકને અદાડતા છો ટમે.."

"તો એમ કયો ની ! જોઈ લ્યો બરોબર છે ને !" નાથાએ ઉંચા થઈને પોતાનું ફોર્મ કે જે ચાર્મીની ઝાપટથી કાઉન્ટર પર પડી ગયું હતું એ જોવા પ્રયત્ન કર્યો. ચાર્મીએ એ ફોર્મ લઈને ચેક કરવા માંડ્યું.બારમાં ધોરણમાં નાથો માંડ માંડ પાસ થયેલો.અને અક્ષરો પણ ગાંધીજીના અક્ષરો જેવા જ હતા. એને પોતાની જ્ઞાતી હિંદુ લેઉવા કણબી આ રીતે લખ્યું હતું, "હિન્દુલે ઉવાકણ બી".

આવી જ્ઞાતી વાંચીને પેલી ગુંચવાય જ ને ?

"ઓ મિસ્ટર તમે કઈ જ્ઞાટી ના છો ?

આ ટમે શુ લખ્યું છે ?"

"હું હિન્દુ છવ. તમે ?" નાથો સમજ્યો કે પાર્ટી પરિચય કેળવવા માંગે છે.

"અરે યાર આ ફોર્મમાં તમે શું લખ્યું છે એ કેવ ની ? હિન્દુલે ઉવાકણ બી એટલે કેવી કેવી જ્ઞાટીમાં તમે આવતા છો ?" ચાર્મીએ કહ્યું.

"અમે આવતા નથી, અમે હિંદુ છીએ. અને કણબી પટેલના દીકરા છીએ, કણબી વાંહે કરોડ ઇ નથી ખબર ? તમે કેવા છો ? જો તમે કણબી નો હોવ તો વાંહયલાં કરોડમાં તમે બધા આવી જાવ હમજયા બેન ? કે ફરીદાણ હમજાવું ?" બોલકો નાથો પોતાની જ્ઞાતિની ગૌરવ ગાથા ગાવા લાગ્યો.

  ઓફીસ ખુલી કે તરત જ નાથો પહેલો જ એડમિશન ફોર્મ લેવા ઘુસી ગયેલો.અને ગરબડીયા અક્ષરે ફોર્મ ભરીને સાથે બાર પાસના રિઝલ્ટની ઝેરોક્સ અને સ્કૂલ લિવિંગ જોડીને કાચ ઉપર દાઢી ટેકવીને ઉભો રહી ગયો હતો..

  નાથાની પાછળ એક ગોળ મટોળ અને એની ઉંચાઈ કરતા થોડીક જ ઓછી પહોળાઈ વાળી એક બાળા પણ પ્રવેશવાંછુ બનીને, પોતાનું ફોર્મ

લઈને નાથો ખસે તેની રાહ જોઇને ઉભી હતી. નાથાની ગૌરવગાથામાં ગુંચવાયેલી ચાર્મીએ ગુસ્સે થઈને નાથાના ફોર્મને પેલા હોલમાંથી ફગાવી દીધું.

"ફોર્મ  બડાબડ યોગ્ય રિટે ભડીને લાવો. સાડા અક્ષડોથી લખો.."

"પણ અમારા અક્ષર હોય એવા અક્ષરે તો ભર્યું છે, તમને નો સમજાય ઇમાં મારો શું વાંક ?" ફોર્મ હાથમાં લઈને નાથો જરા પાછો હટ્યો. એ સાથે જ પાછળથી પેલી લંબગોળ છોકરીએ ચીસાચીસ કરી મૂકી.

"ઓ...માં...ઓ..ઓ..ઓ...ઓ...માં.. આ...આ...આ"

નાથો એકદમ ચમક્યો.હજુ એ કંઈ સમજે એ પહેલાં પેલી મદનીયા સ્વરૂપે નાથાને જોરદાર ધક્કો માર્યો.

બનેલું એવું કે નાથો ફોર્મ લઈને પાછો હટ્યો એ વખતે એના ચામડાના બુટની એડી પેલી છોકરીના કોમળ પગની અતિ કોમળ આંગળીઓને કચરી બેઠી. અને નાથો જે રસ્તેથી બિચારો ચાલતો આવેલો એ રસ્તાની અમૂલ્ય ચીજો બુટના તળિયે ચોંટાડી લાવેલો ! નાઝા ચમારે નાથાને સીવી આપેલા ભેંસના ચામડાના બુટ, વગર પગે કોઈના પગ ઉપર મુકવામાં આવે તો પણ રાડ પડી જાય એવું તો એ જોડામાં વજન હતું. શું છે કે  નાથો મજબૂતાઈમાં પહેલેથી વિશ્વાસ ધરાવતો. પેલી વિશાળ કાયાની માલિકણ બાળા પોતાના પગની નેઇલ પોલિશ કરેલી સુંદર અને કોમળ આંગળીઓને ચગદાઈને કાદવ કીચડમાં તડપતી જોઈને પીડાથી રડવા લાગી અને ત્યાં જ પોતાનો પગ પકડીને બેસી પડી. એને વાગવા કરતા જે કાદવ એની આંગળીઓ પર નાથાના બુટના તળિયેથી લાગ્યો હતો એનું વધારે દુઃખ હતું !

"આ રાષ્કલ કોણ જાણે કાંઠી આવ્યો છે, ગધેડાએ જુઓ માહડો પગ કચડી કાયધો...ઓ..માં..આના બુટ બી કેટલા ગંડા છે...એણે.. જુઓ જુઓ માડા પગ પડ કેવું ગંડુ નાયખું...ઉં.. ઉં..ઉં.."

નાથો હજી ફોર્મની પળોજણમાંથી ઉકલ્યો નહોતો ત્યાં આ નવી મુશ્કેલી આવી.પોતાને રાષ્કલ અને ગધેડો કહેવામાં આવ્યો, એ પહેલાં એને ધક્કો મારીને ગબડાવી દેવામાં આવ્યો હતો, અને પેલીએ દુઉડ દુઉડ કરીને નાથાને દૂર પણ કર્યો હતો એટલે નાથો પણ બગડયો..

"તો કોકની વાંહે આમ આવડા મોટા શરીર લઈને ગરી નો જવાય..થોડું આઘું મરાય..હાલી જ નીકળ્યા છે.. જરીક ટાંગો ચેપાણો ઈમાં તો ભેંકવા બેઠી, ટાંગો પકડીને..અમારા પગ ઉપર તો તારી જેવી ભેંસ પગ મૂકે તોય અમે રોયા નથી..હાલ આમ હાલતીની થા.."

આ ડખો જોઈને બીજા જે છોકરા છોકરીઓ એડમિશન લેવા માટે ફોર્મ ભરવા આવેલા એ ટોળે વળ્યાં. કેટલાક સ્ત્રી દાક્ષીણ્ય ધરાવતા યુવાનોએ મુફલિસ નાથાને મારવા લીધો પણ નાથો એમ કોઈનો માર ખાય એમ નહોતો.એના પોણા છ ફૂટ ઊંચા અને મજબૂત શરીરને જોઈને ગરમ થઈને મારવા આવેલા સુરતી યુવાનો ટાઢાબોળ થઈને પરત ફર્યા, '' અડે યાર...તમાડે જોવું જોઈએ કે ની..પાછડ કોઈ ઊભેલું હોય ટો..?"

"ટો શું હેં ? વાંહે ઉભું રે'વુ હોય તો જરીક આઘું મરાય..હાલતીનો થા હાલતીનો નકર હમણાં અવળા હાથની એક અડબોથ ભેગું ઝાડું ફેરવી નાંખીશ.. આ તારી માં ને કે જે કેવું હોય ઇ..'' નાથાએ ટોળું જોઈને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. કાચની પાછળ બેઠેલી પેલી ચાર્મીએ તરત જ નાથાને કહ્યું, "લાવ ભાઈ લાવ, તાડું ફોર્મ..મેં જોઈ લેવા..."

" તો પેલા જોઈ લેવાય ને.."કહીને નાથાએ ફોર્મ બારીમાં સરકાવ્યું.અને પેલી પગ પકડીને નાથાની બીકથી ચૂપ થઈ ગયેલી છોકરીને કહ્યું, "હાલ્ય એ ઇ..આમ ખસ એકબાજુ, નકર હમણે બીજો ટાંગો પણ ચેપી નાંખીશ, ભેંસના ચામડામાંથી આ જોડા સિવડાવ્યા છે..સમજી ? અને રાષ્કલ તું અને ગધેડી પણ તું..હાલ આમ હાલતીની થા..."

પોતાના સુંદર પગને "ટાંગા" નું બિરુદ આપનાર આ અડબંગને કોઈ કંઈ કહી શકે એમ નથી એ સમજી જઈને, અને નાથાએ ફરી એનો પગ ઉંચો કરેલો જોઈને એ ઝડપથી ઉઠીને એકબાજુ જઈને બેઠી. નાથો વિના અવરોધે એડમિશન ફોર્મ ભરીને કોલેજની

બહાર નીકળ્યો. નીકળતી વખતે પેલીને કહેતો ગયો, "કોઈ સારો ઢોર ડોકટર ગોતીને પાટો બંધાવી લેજે.."

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ