વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઝરણું..! (ભીતર વહેતી લાગણીઓનું)

                યાદોનો મેળાવડો..!


એણે કહ્યું,

" સાત જન્મોનો સાથ નિભાવીશ ને..? "

મેં કહ્યું,

" ખમી જા, સંકેલી લવ મદમાતી યાદોનું એક પોટલું, સફર મદહોશ બની રહેશે..! "


થોડી બદમાશ તો થોડી નાદાન છે, આ યાદ. 

જન્મતાં જ યાદોની નાની મોટી પોટલી સંઘરવાનું શરૂ કરી દઈએ છીએ આપણે, મનની ભીતરનાં એક મનગમતા કમરામાં. ધીમે ધીમે એ પોટલાંમાં વધારો થતો જાય છે. મનમંદિરનાં કમરામાં જગ્યા નથી પણ આપણે ઠાંસી ઠાંસીને એને સમાવતાં જ જઈએ છીએ. સમયાંતરે, ઘણી નીચે દબાયેલી યાદોને હાથ પકડી ફરી ઊપર ગોઠવી એને વહાલપ પણ આપી દઈએ છીએ. તો એમાં જ, અમૂક કમનસીબ યાદો છેલ્લાં શ્વાસ લેતી પોતાનો વારો આવવાની ઉમ્મીદ સાથે, બીજી યાદોને હટાવી આપણું ધ્યાન આકર્ષિત કરવાનો નાકામિયાબ પ્રયાસ પણ કરતી રહે છે. તો અમૂક થાકી હારીને કોમામાં સરી જવાનું પસંદ કરે છે. કેમ કે તે જાણે છે, આપણે ફરી તેને યાદ કરવાનું પસંદ નહીં કરીએ. અને વારંવાર યાદ કરાતી અમૂક ભાગ્યશાળી યાદો તો ઠાવકાઈથી માથું ઊંચું કરી લીડર બનવાની કોશિશ પણ કરે છે. રાજનીતિ તો ત્યાં પણ થતી જ હશે હોં.. એમાં બેમત નથી, એવું લાગી રહ્યું છે. એમ જ કંઈ અમુકને સીધાં દિલનાં દરવાજે સ્થાન મળે, ને અમુક મહામહેનતે મગજની ગલીઓની ભુલભુલામણીમાં રખડતી રહે, એવું થોડું બને?


માટીમાં ભળી જશે આ માટીનું પૂતળું

અવશેષ બની રહેશે યાદોનું સુંદર માળખું..!


જોવાં જઈએ તો દરેક યાદોનું પોટલું ખૂબ જ સુંદર હોય છે, પણ આપણે જ કામની રામાયણમાં એને ખોલવાનું વિસરી જઈએ છીએ. ને જયારે એ યાદોનાં સાગરમાં ડૂબી જઈએ છીએ ને, ત્યારે તો ખુદને પણ ભૂલી જવામાં જરા પણ સંકોચ નથી કરતાં. જોકે આમાં ભૂલ આપણી કે યાદોની? થોડાં થોડાં સમયે ચાર્જીંગની જરૂર તો એને પણ પડે કે નહીં?

પડ્યાં પડ્યાં ધૂળનું આવરણ ચઢી જાય પછી તેને ખંખોળવા બેસીએ તો વાંક તો આપણો જ ને? વિચારજો ખરાં હોં..!


જરાક અસમંજસમાં છું,

મુશળધાર કોને કહું..?

આ છલકતાં માસૂમ વરસાદને

કે પછી

તારી છુપાતી આ ચંચળ યાદોને..?


બસ જરૂર છે, લાગણીનાં બંધ કરેલાં અમુક દરવાજાઓ ખોલી મુક્ત મને યાદો સંગ વિહરવાની.. ને સાથે સરી રહેલાં સમયને પટાવી એ એક પળને થામી લેવાની. પણ, બસ આપણે તો ખૂબ વ્યસ્તતાનાં રથ પર સવાર હોઈએ છીએ ને, એટલે જ તો વચ્ચે ટકોરા મારતાં યાદોનાં ટીપાંઓને અવગણવાની આદત પડી ગઈ છે. જો કે, એ પણ આપણી જેમ થોડી જીદ્દી તો છે જ.. એટલે જ સમય મળ્યે પગપેસારો કરી જ જાય છે, ને ઘણીવાર ગમે તેટલાં વ્યસ્ત હોવા છતાં આપણી આંખોની કોર થોડી ભીની કરી જાય છે, કાં તો મુખ પર એક છૂપું સ્મિત સરકાવી જાય છે.


પલળવાની ઈચ્છા છે..

ભીંજાતાં શબ્દોનાં મૌનમાં નટખટ ઝૂમી લેવું છે,

હાથનાં મુલાયમ સ્પર્શથી સ્વયંમાં ઓગળી જવું છે.

હા, ભીનાં થવું છે !


વર્ષારાણી સંગ ઝૂમવાનો હરખ સૌએ કર્યો હશે. પણ સાચું કહું, આ યાદોનાં સાગરમાં ડૂબકી લગાવી ભીનાં થવાની મજા કંઈક ઓર જ છે. હા, સ્વજન સ્નેહી સાથે હોય કે દૂર.. બસ આંખો બંધ કરી કૂદકો મારી જ દો, પછી જુવો આ આંખોની રોશનીમાં કેવી અદ્ભૂત ચમક આવે છે. હા, ક્યારેક થોડી ભીની, તો ક્યારેક થોડી હસતી, ક્યારેક ઊછળતી, તો ક્યારેક લપાતી.. પણ જીવનનાં પથને સજાવતી, આ બદમાશ પણ મીઠી યાદો. આ નટખટ યાદો સાથે એક સેલ્ફી તો જરૂર બને છે, ખરું ને..?! 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ