વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2 કસુંબો

સપ્રેમ ભેટ મળેલાં પુસ્તકોનું વાંચન
લેખક : જગદીશ રથવી (સ્નેહબંસી)

પુસ્તક-2
"કસુંબો" વાર્તા સંગ્રહ
(સત્ય ઘટના આધારિત વાર્તાઓનો સંગ્રહ)
લેખક : દશરથ પંચાલ

કસુંબો પુસ્તકની પ્રસ્તાવના કોઈ પ્રતિષ્ઠિત સાહિત્યકારને બદલે એમના જ પરિવારના એમના દીકરા - પુત્રવધૂ - પૌત્રી - પૌત્ર દ્વારા લખાઈ છે, એના લેખક એમ કહે છે કે,  'હું લેખક નથી, મને કલ્પનાના માં ઉલ્લેખ કર્યો છે.) પછી ધનોરા આવી વસવાટ કર્યો હતો. એમનો રૂબરૂ પરિચય વરાણા ખોડિયારમાના મંદિરમાં થયેલો, આજે તો તેઓ મારા મોટાભાઈ જેવી હુંફ મને આપે છે.

   લેખકશ્નીની  નિખાલસતા અને લેખક તરીકેની નિડરતા એ એમના વ્યક્તિત્વનું ઉજળું પાસું છે. માન, સન્માન, પ્રમાણપત્ર, એવોર્ડ જેવા લોભામણા વ્યવહાર એમને ગમતા નથી. એ કોઈ સાહિત્ય કે સાહિત્યકારના હરિફ બનવા માગતા નથી, નિજાનંદ એ એમના લેખનની સાધના છે. તેઓ વયસ્ક લેખક હોવાથી એમને નવોદિત લેખકોને મદદરૂપ થવું ગમે છે.
   એમનું 37મું પ્રકાશન 'અમરવાણી'નું તાજેતરમાં જ વિમોચન થવાનું છે. આપણે જે પુસ્તકની વાત કરવી છે એ 'કસુંબો' એમનું 36મું પુસ્તક છે.
   આ પુસ્તકનું નામ કસુંબો છે, તેથી એના વિશે થોડી જિજ્ઞાસા થાય કે, એમાં કેવા કસુંબા ઘુંટાયા હશે.... કોણ બંધાણીઓ એમાં લખાયા હશે? - આવું વિચારતાં મેં વાંચવાનું શરૂ કર્યું.
   પ્રથમ વાર્તાનું ગામ દાંતીસણા...એ મારું મોસાળ. ભવાયાની વાત અને એમાં મનોરંજન માટે શ્રેષ્ઠ  'હમચૂડું' એમણે એવી રીતે મૂક્યું કે, મને વગર લીધે કસુંબો ચડી ગયો! બીજી વાર્તા 'નાતરાનું બૈરું' સામાજિક પરિપેક્ષ્યમાં લખાયેલી અતિ સુંદર વાર્તા! ધનજીના નાતરાની બૈરી કમુની દર્દજનક કથા વાચીને નશો ઉતરી ગયો!! જે વાર્તાનું નામ 'કસુંબો' છે, એમાં રીતસરની મેઘાણીની લેખની જેવી શૈલી અને રસિકતા જોવા મળી, એ પણ પાળિયાની કથા....જે મારો સૌથી પ્રિય વિષય છે, તેથી ત્રણ વખત વાંચી નાખી.
   આ વાર્તા સંગ્રહમાં બે ત્રણ બાબતો વારંવાર ઉલ્લેખાઈ છે : એક તો ધનોરા ગામની ઉત્પતિ અને વિકાસની વાત. આ ગામ રાધનપુર નવાબના રાજ્યનું છેલ્લું ગામ હતું. નવાબી શાસનની હરકતો અનેક વાર્તામાં વાંચવા મળે છે. બીજું, ધનોરા ગામ તે નવાબ સરકાર તરફથી ગુજરાતના ખ્યાતનામ કવિ નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયાનાં માતાને કાપડામાં ઈનામરૂપે અપાયેલ ગામ હતું, એને અનુસંધાને બે-ત્રણ વાર્તા બની છે, જેમ કે ગામની નિશાળ, વેરાની વસુલાત જેવી બાબતો.
  અને ત્રીજી બાબત એ છે કે, લેખકનાં ફૈબા અનુબા એ આખાય પુસ્તકનાં નાયિકા હોય એમ, લેખકને વારંવાર એમના ભવ્ય સંસ્કાર થકી બધું પમાયું હોય એવું દેખાય છે. આ પુસ્તક પણ એમનાં ફૈબાને જ અર્પણ કરાયું છે, તેથી તો લેખક લખે છે કે,  'હું લખું છું મારા વારસદારો માટે!' એ હકીકત છે કે, જેના પૂર્વજો જે એકલા ચાલીને શૂન્યમાંથી સર્જનકળા શીખ્યા હોય, તે એવો મોહ તો રાખે જ ને! અહીં વારસદારનો અર્થ માત્ર પારિવારિક ભાવ નહીં, પણ વઢિયારની ધૂળમાં ઉછરેલો સમાજ ગણું છું. પોતાના માતૃવતન વિશે તેઓ નિખાલસતાપૂર્વક લખે છે કે, એમના ગામની કેવી છાપ હતી :
 
  "ધૂળ ગામ ધનોરું ને સોંસરવા પડ્યા બે સઈ,
  કાનો પૂછે પરમારને : 'અલ્યા, રોંઢાવેળા થઈ!"
 
  આવા ગામની નિશાળ, ખેતી, જીવનવહેવાર, રહેણીકરણી, લોકજીવન અને આર્થિક તથા સામાજિક બાબતોને ધ્યાનમાં રાખીને જે એમણે જોયું છે અને અનુભવ્યું છે, તે બાબતો કે પ્રસંગોનું નિરૂપણ વાર્તા સ્વરુપે કર્યું છે. એ એકેએક વાર્તા વાંચવા જેવી છે. દુકાળમાં પસલી, બહારવટિયામાંથી પગી બનેલો અમથો, મકીમા, ગોદડનાથ બાપુ, ફુઆ, ભૈજી  જેવાં ચરિત્રો એ આ વાર્તા સંગ્રહની મૂડી છે.
  આ વાર્તા સંગ્રહમાં કેટલીક વાર્તાઓ હ્રદયને હચમચાવી દે એવી છે! જેમ કે સ્પર્શ (18), સ્ટેચ્યૂ (15), વખાનાં મારેલાં (13) વગેરે... લેખકશ્રી કલમને એ રીતે વ્યક્ત કરે છે, જે આપણા માંહ્યલાને જગાડે છે!
   આ વાર્તા સંગ્રહમાં કદાચ એ સત્ય ઘટના આધારિત હોય, પણ અઘટીત ઘટનાઓ બનવાને કારણે અગોચર દુનિયામાં જીવતા જીવો સાથે જોડાયેલી વાર્તાઓ વિશેષ ધ્યાન દોરે છે, જેમાં અનોખો રાહબર (26), ઉગમણે શેઢે (19) અને વાત એક રાતની (17) જેવી વાર્તાઓ મુખ્ય છે. આ વાર્તાઓ એટલી ચીવટપૂર્વક લખાઈ છે કે, જેમાં અતિશયોક્તિ ન લાગે, ભય ઊભો થાય અને એવાં પાત્રોના ભૂતકાળને કારણે ૠજુતા જાગે છે.
  કોઈ ભારેખમ શબ્દો નહીં, બીનજરૂરી વર્ણન નહીં, જેવી કથા એવું જ બળુકું લખાણ જોવા મળે છે. ખાસ કરીને તેઓ નસવાડી, વડોદરા જિલ્લામાં હતા તે વખતે જોયેલી, અનુભવેલી વાર્તા 'દાવો' (23)માં આદિવાસી યુવાન યુવતીના પ્રણયની કથામાં એમની કલમની તાકાત જોવા મળે છે. વેસલો અને બુધલી પાવાના સૂરમાં સૂર બની જાય છે, પણ બે ગામ વચ્ચેના વેરમાં એ સરળ નહોતું. વેસલો બુધલીને ફાંહી લાવે છે, જંગ જામે છે. સામાજિક રિવાજ મુજબ પાંચ હજારનો દાવો-દંડ નક્કી થાય છે, ને જ્યારે એ દાવો ભરે છે ત્યારે વેર ભૂલીને એકબીજાને સ્વીકારી ગામમાં કાયમી સમાધાન થાય છે... ખૂબ જ સરસ વાર્તા છે.
  લેખક પોતે સામાજિક અને શૈક્ષણિક કામો સાથે જોડાયેલા હતા, તે વખતના અનુભવોની રસપ્રદ કિસ્સા, ઘટનાઓની વાર્તાઓ આલેખાઈ છે. એમની વાર્તાઓનાં પાત્રો એટલે જાણે આપણી આસપાસ જીવતો ગ્રામ્ય સમાજ, એમણે સામાન્ય માણસની અસામાન્ય વાતો લખી છે. વાર્તાની ઘટના ભલે સામાન્ય દેખાય, પણ એમાં રહેલી એમની અનુકંપા સમાજને ઢંઢોળી શકે છે, જેમ કે 'કુંવારી મા'(29) 'સમજણભયું ઘડપણ'(30) (જે વાર્તાનું મેં નાટ્ય રૂપાંતર કરેલું છે).એમના વાર્તા વિસ્તારમાં વઢિયારનો દુકાળ, કચ્છનો ભૂકંપ, આદિવાસી સમાજ અને રણ પ્રદેશ રહેલો છે.
  છેલ્લા પ્રકરણમાં એમણે  'તરણા ઓથે ડુંગર'ની વાત કરી છે, તે એ જમાનામાં એમની તાકાત બતાવે છે. એ નાનકડો કાવ્ય સંગ્રહ મેં પણ ખરીદેલો હતો, તે વખતે હું માંડલ આઠમા ધોરણમાં ભણતો હતો, પણ મારા મનમાં હજી પણ એવું જ છે, હતું કે એ કાવ્યો ધૂની માંડલિયાનાં છે. આટલા વરસો પછી આ લેખકની નજીક આવવાનું થયું ત્યારે ખબર પડી કે, એ જમાનામાં-પચાસ વરસ પહેલાં મારા સીમાડાના બાવળ, બોરડી, થોરના છાંયડે આવો બાળકવિ જન્મ્યો હતો. આપણે સૌ સારસ્વત માટે એ છેલ્લી વાર્તા (એમની વાત) શીખવે છે કે, સરસ્વતીની તાકાત છે કે, એ લક્ષ્મીનું કામ કરી શકે છે.
  ખરેખર, મારા અંતરમાં અને મારી સમજમાં આ વાર્તા સંગ્રહ ગમ્યો છે. આ પુસ્તકનું  "કસુંબો" નામ એટલા માટે રખાયું છે કે, વાચકને એ કસુંબાનો કેફ ચડે ને એમનામાં રહેલી સંવેદના, સમજણને હચમચાવી નાખે, એવાં કથાબીજની વાર્તાઓ છે.
  દરેક સાહિત્યપ્રેમીઓએ "કસુંબો" વાતાઁ સંગ્રહ વસાવવા અને વાંચવા જેવો છે.

આપનો
વઢિયારી લેખક...
જગદીશ રથવી (સ્નેહબંસી)
સુરેન્દ્રનગર
મો.નં.9428812934

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ