વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હૃદયે વિસ્તરેલું રણ

ચકાચોંધ રોશનીના ધોધ વચ્ચે એ ઉભો હતો. પાંચ ફૂટ દસ ઇંચ જેવી હાઈટવાળા તેણે બ્લુ ફેડેડ જીન્સ અને વ્હાઈટ સ્લીવલેસ જેકેટ પહેરેલું હતું, જેની અર્ધી ખુલ્લી રાખેલ ચેઈનમાંથી દેખાતું તેનું સ્નાયુંબધ્ધ શરીર એકદમ આકર્ષક લાગી રહ્યું હતું. વિશાળકાય બ્લોવરમાંથી આવતી હવાથી તેના કપાળ પર ઝુલતા રેશમી વાળ ઉડી રહ્યા હતા. આછી દાઢી અને ઘાટી મૂછથી શોભતાં તેના રૂપાળા લંબગોળ પરંતુ પૌરુષી ઘાટવાળા ચહેરા પરથી પાણીના ટીપા રગડીને જમીનદોસ્ત થઇ રહ્યા હતા. તેની ધનુષાકાર અને બોલકી આંખોમાં એક અજીબ સમજી નાં શકાય એવું ખેંચાણ હતું. એમાંય ચિબુકમાં પડતું ઊંડું ખંજન તેના ચહેરાનાં આકર્ષણને અનેકગણું વધારી દેતું હતું.

માઇકમાં ભારેખમ અવાજમાં બોલાયું, “રોલ કેમેરા.. એક્શન ..! “  

હવે કેમેરા તે યુવાનની નજીક સરકવા લાગ્યા હતા. તે સોહામણા યુવાને તેના સુરેખ હોઠમાં જકડીને રાખેલી સિગરેટને આગવી અદામાં નીચે ફેંકીને પોતાના વજનદાર હોલશુઝ નીચે કચડી નાંખી, અને જાણે બૂટના તળિયાં નીચે જમીનને દબાવી દેવી હોય એમ લાંબા ડગ ભરતો તે આગળ વધ્યો. સામેથી બે પહાડી શરીરવાળા કાળા માણસો પણ તેની તરફ આગળ વધ્યાં. તેણે જમણો હાથ હવામાં ઉચક્યો અને એક પહાડી માણસ ચીસો પાડતો દુર ફેંકાયો. ડાબા હાથની બંધ મુઠ્ઠી બીજા પહેલવાન જેવા માણસના પેટને અડકી અને તે તુરંત જમીન પર પટકાયો અને કારમી ચીસ સાથે બેવડ વળી ગયો. હવે તે યુવાન દોડયો અને હવામાં અધ્ધર ઉચકાઈને સામેથી આવતા બે ગુંડા જેવા માણસોની છાતી પર તેના બેય પગ ભટકાડયાં, એ સાથે જ એ બેય ગુંડા રોકેટ ગતિએ પાછળ ફેંકાયા અને દુર જઈને પડયાં. 

“કટ.. વેલડન રાજદીપ ! “ ફરી માઈકમાં ગાજતા અવાજમાં બોલાયું . 

અનેક તાળીઓ અને શાબાશીઓથી મોટા ગોડાઉન જેવો દેખાવ અપાયેલ એ આખું સ્થળ ગાજી ઉઠ્યું . રાજદીપ એનું લાખો ચાહકોને દીવાના કરતું મોહક સ્મિત રેલાવીને એક તરફ પોતાના માટે ગોઠવાયેલી ખુરશીમાં જઈને બેસી ગયો. ત્યાં હાજર સહુ કોઈ જાણતા હતા કે આ દ્રશ્યને જોઇને સિનેમાઘરમાં માણસો કેટલી તાળીઓ અને સીટીઓ વગાડવાના હતા! કારણકે આ સીન કરનાર રાજદીપ ત્યાગી અત્યારે બોલીવુડનો સહુથી સેલેબલ એકટર ગણાતો હતો !

રાજદીપનો મેનેજર કમ પર્સનલ આસિસ્ટન્ટ કેશવ દોડીને તેની પાસે આવ્યો અને બોલ્યો , “ વાહ સરજી, વોટ એ એક્સેલન્ટ શોટ ! “

મેકઅપમેન રાજદીપના ચહેરા પર શૂટિંગ પહેલાં સ્પ્રે કરાયેલ પાણીના હજી પણ બાજેલા કેટલાંક ટીપાને ટીશ્યુપેપરથી લુછી રહ્યો હતો, રાજદીપે ઈશારો કરીને એને દુર મોકલ્યો અને બોલ્યો , “ કેશવ તું તો જાણે જ છે કે આમાં મેં કાઈ જ નથી કર્યું , તો પણ કેમ આવાં ખોટા વખાણો કરે છે આજે ? “

“હાં, કારણ તો છે, આ સ્પેશીયલ માખણ લગાવવા પાછળ ! સારું થયું કે તમે સમજી જ ગયા ! વાત એમ છે કે હજી એક શોટ આપવાનો છે આજે .. " 

" ઑહ, નો વે. તે કહેલું કે આજનું શૂટિંગ ચાર કલાકનું જ છે. ઘડિયાળ જો તારી. આમેય હવે સાંજ થવા આવી છે. મારી લિમિટ આવી ગયી છે. "

" ચિંતા ના કરો સર, હવેનું શૂટિંગ આવી મારધાડનું નથી, એક રોમેન્ટિક સીન જ બાકી છે. " કેશવે ધીમેથી કહ્યું.

" રોમેન્ટિક ! તો તો આજે આવી બન્યું મારુ ! હવે ઓલી એક મિનિટના શોટમાં ય રિટેક કરાવશે, એના કરતાં તો ફાઇટસીન સારા ! " રાજદીપે માથું ધુણાવતા કહ્યું.

" સર, એ આરતી મેડમ સાથે સેલ્ફી પડાવવા માટે બહારનાં તો શુ આપણા સેટનાં માણસો પણ તરસતાં હોય છે અને તમે સાવ આવું .. "

" તને ખબર નથી ત્યારે, આજ જગતનો વાસ્તવિક ચહેરો છે. દૂરથી લીલાશથી છલોછલ દેખાતાં ડુંગરા પર કેટલી બરછટતાં છે તો એની નજીક જનારને જ ખબર પડે, તમે બધા જોવો છો એ આરતી કરતાં અસલ આરતી અલગ જ હોઈ શકે ને ! " નજર નીચી કરીને રાજદીપ ગણગણ્યો. 

" લાગે છે કે, એ આરતી સિગરેટ પીતી હશે! કદાચ એટલે જ પછી આખો દિવસ મોઢામાં ચ્યુનગમ ચગવાળતી રહેતી હોય છે. " કેશવે આસપાસ જોઈને મોઢું બગાડીને કહ્યું.

" બસ, કેશવ તું જાણે છે ને કે, આવી ગૉસિપથી મને સખત નફરત છે. એ હિરોઇન તરીકે પરદા પર જે કરે છે, કે જેવા કપડાં પહેરે છે, એ તેનું કામ છે, કેરેકટર સર્ટિફિકેટ નહિ. " રાજદીપ આમ કહીને શૂટિંગનાં બીજા ભાગ માટેની તૈયારીમાં જોડાઈ ગયો.

રાજદીપ બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મોસ્ટ ચાર્મિંગ અને ટેલેન્ટેડ એક્ટર ગણાતો.તેમાંય એક દશકથી તો જે ફિલ્મનાં પોસ્ટર પર રાજદીપ દેખાય એ હિટ જ થયેલી ગણાતી! તેની નવી ફિલ્મ થિયેટરમાં રિલીઝ થતી ત્યારે ઘણા શહેરોમાં ટિકિટોની કાળાબજારી અને ભીડને રોકવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલાં હોવાનાં પણ કિસ્સા બનેલાં. એની દરેક અદા પર અને ડાયલોગ બોલવાની છટા પર દર્શકો ફિદા હતા. સાવ મુગ્ધ ઉંમરની છોકરીઓથી માંડીને આધેડ વયની સ્ત્રીઓ પણ રાજદીપ ત્યાગીની ડાયહાર્ટ ફેન હતી. સફળતાનાં શિખર પર એકચક્રી શાસન જમાવી ચુકેલો આ એક્ટર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો રાજા કહેવાતો, છતાંય તેના સ્વભાવમાં કાંઈક એવી અલગતા હતી, જે રાજદીપને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં બીજા બધાથી અલિપ્ત રાખતી હતી.

વાયોલેટ કલરની દીવાલો, આસમાની પરદા , સુંદર કલાત્મક ડિઝાઇનવાળો કિંગસાઈઝ બેડ અને એમાં દૂધ જેવી સફેદ મુલાયમ ચાદર પાથરેલી હતી, રૂમમાં રાખેલા ડ્રેસિંગ ટેબલનાં અરીસામાં એક અત્યંત સુંદર યુવતી તેના કર્લી વાળને સેટ કરતી દેખાઈ રહ્યી હતી. બ્લેક નાઇટીમાં તેની હિમધવલ ત્વચા ઔર રૂપાળી લાગતી હતી. ગોળ ચહેરો, હરણી જેવી માસૂમ આંખો, નાનકડું નાક, બેબી પિંક લીપસ્ટિકથી રંગેલા સપ્રમાણ હોઠ, સુરાહીદાર ગરદન અને ડીપનેક નાઇટગાઉનમાંથી સ્પષ્ટ દેખાતી કમાનદાર દેહાકૃતિ.જોનાર સહુ કોઈનાં મનમાં એવો વિચાર ઝબકાવી દેતો કે ઈશ્વરે કોઈ નવરાશની પળે બહુ જતનથી આ સ્ત્રી શરીરને ઘાટ આપ્યો હશે ! પાંચ ફૂટ બે ઇંચ જેવી મધ્યમ હાઈટ અને નાજુક નમણું શરીર ધરાવતી આ યુવાન હિરોઇન આરતી મેઘાલયનાં પહાડો પર ખીલેલાં સુગંધથી મઘમઘતા ફૂલ જેવી સુંદર અને આકર્ષક હતી. તેનાં હોઠ પરનું શરમાળ સ્મિત અને આંખોમાં આંજેલા પ્રેમનાં ભાવથી સ્પષ્ટ વર્તાતુ હતું કે તે પોતાનાં પ્રિયપાત્રની રાહ જોઈ રહ્યી છે. 

બારણું ખુલ્યું અને હાથમાં બ્રિફકેશ પકડીને રાજદીપ દાખલ થયો . ઈસ્ત્રીબંધ શર્ટ પેન્ટ અને વ્યવસ્થિત ગોઠવાયેલા વાળમાં એ ખૂબ જ સોહામણો લાગી રહ્યો હતો. અરીસામાં દેખાયેલું રાજદીપનું પ્રતિબિંબ જોઈને આરતી ઉમળકાભેર જાણે કોઈ વેલ વૃક્ષને વળગે એમ રાજદીપને વીંટળાઈ વળી અને બોલી, " આ ગયે આપ ! આજ બહુત દેર કરદી ! "

રાજદીપે આરતીનાં સુંદર ચહેરા પર બેય હથેળીઓ મૂકી અને પોતાની કથ્થાઈ આંખોને તેની ભૂરી આંખોમાં પરોવીને બોલ્યો, " જાન, બહોત કામ હોતા હે ઓફિસમેં , પર વહા પે સિર્ફ મેરા જીસ્મ હી હોતા હૈ, મેં અપના દિલ તો તેરે પાસ હી છોડકે જાતાં હું ! " આમ કહીને રાજદીપે આરતીની કમર આસપાસ પોતાના હાથ વિટાળ્યા, આ ક્ષણને જ ઝંખતી હોય એમ આરતી રાજદીપનાં ખડતલ લાંબા પહોળા શરીરમાં નાજુક હરણી જેવી તે સમાઈ ગયી. 

થોડીક ક્ષણો સુધી કેમેરો આ મધુર આલિંગનને પોતાની આંખોમાં કેદ કરતો રહ્યો. પછી ફરી માઈકમાં બોલાયું, "કટ.. કટ..એક્સેલન્ટ શોટ ! " આ સાંભળતા જ રાજદીપે હાથને ખુલ્લા મૂકી દીધા અને આરતીને મુક્ત કરીને જવા લાગ્યો. 

" થેન્ક્સ સર " આરતીએ કહ્યું.

" કિસ બાત કે લિયે ! " રાજદીપે ચહેરો આરતી તરફ સહેજ ઘુમાવીને પૂછ્યું .

" એક્ચ્યુલી .. મુજે માલુમ હુઆ કી યે ફિલ્મમેં આપકી વાઈફ લીડ રોલ કરના ચાહતી થી, ફિર ભી આપને મુજે મોકા દિયા. આપસે બહુત શીખના મિલેન્ગા મુજે ! " બે ડગલાં આગળ ચાલીને રાજદીપ પાસે આવતા આરતી બોલી.

" દેખો આરતી, એઝ એ પ્રોફેશનલ એક્ટર મેને વહી કિયા જો ઇસ ફિલ્મકી સ્ટોરીકી ડિમાન્ડ થી, ઇસમે એક માસુમ સા લગને વાલા ફ્રેશ ફેઈસ ચાહિયે થા. " આમ બોલીને ચાલ્યો ગયેલો રાજદીપ મનમાં વિચારી રહ્યો હતો કે, " આરતીને તો કહી દીધું, પણ શિબાને આ વાત સમજાવવી સહેલી નથી. " 

રાજદીપ 'ચહેરે પે ચહેરા ' નામની આ ફિલ્મમાં શિવા નામના એક એવાં ગુંડાનો રોલ કરતો હતો જે અસલ જિંદગીમાં અંડરવર્લ્ડ સાથે સંકળાયેલો હોય છે. પરંતુ પોતાની પત્નીને બેહદ પ્રેમ કરતો હોવાથી વાસ્તવિકતા છુપાવીને વ્હાઇટ કોલર જોબ કરતો હોવાનું નાટક કરે છે. અને આખરે એ સત્ય રોમાંચક સંજોગોમાં પત્ની શિવાની સામે આવે છે.

' ચહેરે પે ચહેરા' નું તે દિવસનું શૂટિંગ પતાવીને રાજદીપ તેનાં માટે ખાસ ફળવાયેલી વેનિટીમાં પ્રવેશવા જતો હોય છે ત્યાંજ તેનો સ્ક્રેટરી કેશવ તેને પૂછે છે, " હવે આજે કોઈ મિટિંગ નથી, તો ઘરે જ જવાનું છે ને ? "

" ઓહ, હા બીજો શું ઉપાય છે ! " નિરાશાભર્યા અવાજમાં સ્વગત બબડતો હોય એમ બોલીને રાજદીપ વેનિટીમાં પ્રવેશી જાય છે. 

કેશવ ફક્ત રાજદીપના દરેક ફિલ્મ કોન્ટ્રાક્ટ અને શિડયુલ ગોઠવતો સેક્રેટરી કમ મેનેજર જ નહોતો, પરંતુ ખાસ મિત્ર પણ હતો. બેયની ઓળખાણ વર્ષો જૂની હતી. રાજદીપ જ્યારે એક સ્ટ્રગલર એક્ટર તરીકે સ્ટુડિઓમાં ધક્કા ખાતો હતો અને તેને નાનાં રોલ મેળવવા માટે પણ ખૂબ મહેનત કરવી પડતી હતી, ત્યારે અનાયાસે જ સેટ ગોઠવવામાં હેલ્પ કરતાં કેશવ સાથે તેની મુલાકાત થયેલી. ત્યારની બંધાયેલી દોસ્તી અનેક ચડાવ ઉતાર દરમ્યાન પણ અકબંધ રહીને હવે એ મુકામે પહોંચી હતી કે કેશવ હવે રાજદીપનાં પડછાયા જેવો બની ગયેલો ! 

વેનિટીમાં ફિલ્મ એકટર તરીકે ધારણ કરેલા વસ્ત્રો બદલીને રાજદીપે હવે ઓફ વ્હાઇટ વી-નેક ટીશર્ટ અને બ્લુઈશ હાફપેન્ટ પહેરી લીધેલું અને વેનિટીમાં જ રહેલા સોફા પર બેસીને સિગારેટનાં ઊંડા કસ લઇ રહેલા તેણે પોતાનો પર્સનલ આઈફોન હાથમાં ઝાલેલો હતો. ચમકતી સ્ક્રીન પર એક નામ અને એનાં બે મિસ્કોલ આવી ગયેલાની નોટિફિકેશન દેખાતી હતી. તે જોઈને ચિલ્ડ એસીમાં પણ રાજદીપનાં કપાળ પર પરસેવાનાં ટીપાં બાઝવા લાગ્યા.

( ક્રમશ )

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
રાજદીપનું વ્યક્તિગત જીવન કેવું હશે? તેના સ્વભાવમાં અને વાતચીતમાં નિરાશાની ઝાંય કેમ વર્તાય છે? તેનાં આઇફોનમાં ચમકતું નામ કોનું હશે? એ નામ જોઈને કેમ તે આટલો વિહવળ બની ગયેલો લાગ્યો? આ બધા જ સવાલોનાં જવાબ આગામી અંકમાં મળી જશે. જાણવા માટે વાંચતા રહેજો આ ધારાવાહીક..

આપ સહું વાંચકોના અમૂલ્ય પ્રતિભાવો જ મારાં લેખન માટે સ્યાહીરૂપ બની રહે છે. આપ સહુને આ ધારાવાહીક વાર્તાની શરૂવાત કેવી લાગી એ જલ્દી જ જણાવશો એવી આશા..

ઋતુલ ઓઝા " મહેચ્છા "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ