વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

આર્યવર્ધને પોતાની આંખો ખોલીને જોયું ત્યારે તે પોતે એક શિવાલયમાં પૂજા કરી રહ્યો હતો. તેણે પૂરી નિષ્ઠાથી પૂજા સંપૂર્ણ કરીને શિવલિંગ સામે જોઈને નમસ્કાર કર્યા પછી બહાર આવ્યો. આકાશમાં પૂર્ણ ચંદ્ર દેખાઈ રહ્યો હતો. શરદ પૂર્ણિમાનો દિવસ હોવાથી આર્યવર્ધને ચંદ્રદેવને નતમસ્તક થઈને આસપાસ નજર કરી. તેના સિવાય આ સ્થાને અન્ય કોઈ વ્યક્તિ હોય તેમ લાગતું નહોતું.

તેના પગ શિવાલયમાં પાછા જવા માટે વળ્યા ત્યાં તેના કાને એક મધુર અવાજ સાંભળ્યો. કોઈ સ્ત્રી તેને બોલાવી રહી હતી. આર્યવર્ધને પાછળ ફરીને જોયું તો ભૂમિ તેની સામે ઊભી હતી. આર્યવર્ધન તેની સામે આવ્યો અને તેના ચહેરા પર એક હાસ્ય તરી ગયું.  

બંનેએ એકબીજાનું હાથ જોડીને અભિવાદન કર્યું. ભૂમિ જમીન પર બેસી ગઈ. આર્યવર્ધન તેની સામે પદ્માસન મુદ્રામાં બેસીને બોલ્યો, “તને યાદ હતું કે આજે મારો જન્મદિવસ છે. એ જાણીને મારું મન પ્રફુલ્લિત થઈ ગયું છે. મને અહી રહેતાં કેટલો સમય પસાર થઈ ગયો તેના વિષે ખ્યાલ નથી. બસ એકમાત્ર તું જ વિશ્વ સાથે જોડાણનું માધ્યમ રહી છે.”

ભૂમિએ પોતાનો ડાબો હાથ ઊંચો કરીને બંધ મૂઠ્ઠીમાંથી પતંગિયાને મુક્ત કર્યા. ચંદ્રના પ્રકાશમાં તે બધા રહ્યું હતું. પતંગિયાની રંગબેરંગી પાંખો ચમકી રહી હતી. આનાથી આ દ્રશ્ય ખૂબ જ સુંદર લાગી  ભૂમિના ચહેરા પર હાસ્યરેખા અકબંધ હતી. તેની નજર આર્યવર્ધન પર સ્થિર થયેલી હતી. તેનું મૌન ઘણા બધા શબ્દો કહી રહ્યું હતું. એવું લાગતું હતું કે તે પતંગિયા ભૂમિની વાત કહી રહ્યા હતાં. 

ભૂમિએ પોતાનો ચહેરો ગંભીર કરતાં કહ્યું, “આર્ય, આ સંસાર અવિનાશી છે, પરંતુ તેમાં રહેલા જીવન નહીં. આ સંસારમાં અનંત બ્રહ્માંડ રહેલા છે. હું અર્ધ મન્વંતર જેટલા સમયથી અમુક બ્રહ્માંડની યાત્રા કરી ચૂકી છું. તેમાં હરિહરની અનેક લીલા જોઈ છે, જેમાંથી ઘણી મારી સમજ બહારની હતી. પરંતુ મને તેમના અવતારકાર્ય જોવા મળ્યા તે મારા માટે અદ્વિતીય છે.”

આર્યવર્ધને ભૂમિની વાત સાંભળીને ચંદ્ર સામે એકવાર ક્ષણિક દ્રષ્ટિ કર્યા પછી કહ્યું, “આ કારણે જ તો તું ભાગ્યશાળી છે. જે અવસર તને પ્રાપ્ત થયો છે તેવો અવસર દરેકને મળતો નથી. હું પણ સદાય પ્રાર્થના કરું છું કે મને પણ એકવાર તારી જેમ લોકયાત્રા કરવાનો પ્રાપ્ત થાય.”

“આર્ય, હવે હું તને તારા જ્ઞાનની અમુક વાતોનું વિસ્મરણ કરાવવા જઈ રહી છું.” ભૂમિએ પોતાની બંને હથેળીને એકબીજા પર મૂકતા કહ્યું.

ભૂમિની બંને હથેળી એકબીજાની સમાંતર રહીને દૂર ખસી ત્યારે એક આકૃતિ જેવુ શિવલિંગ પ્રગટ થયું. તે કાળાશ પડતો વાદળી ધરાવતું હતું. તેના પર સફેદ રંગનું ત્રિપુંડ અંક્તિ થયેલું હતું. આર્યવર્ધને તે શિવલિંગને પ્રણામ કર્યા. આગળ ભૂમિ તેની સામે જોઈ ફક્ત સ્મિત કર્યું પછી પોતાના હાથ ઊંચા કરીને એકબીજાથી દૂર લઈ ગઈ. આમ કરતાં જ્યોતિર્લિંગનું કદ વધતું ગયું અને થોડી ક્ષણો મંદિર પ્રાંગણ જેટલું વિશાળ બની ગયું.

આર્યવર્ધન વિસ્મિત થઈ ગયો પણ તે કઈ કહે તે પહેલાં ભૂમિએ પોતાની મુઠ્ઠી બંધ કરી દીધી. તે ક્ષણે આખું જ્યોતિર્લિંગ એક સ્તંભમાં પરિવર્તિત થઈ ગયું. તે સ્તંભમાં અનેક નાના નાના બિંદુઓ ચમકી રહ્યા હતાં. આ સ્તંભ આકૃતિ આર્યવર્ધન અને ભૂમિની વચ્ચે હતી.

ભૂમિએ હથેળી અને આંગળી વડે શક્તિમુદ્રા બનાવી બોલી, “આ સ્તંભ આદિયોગી શિવનું નિરાકાર સ્વરૂપ છે, સમગ્ર સંસાર આ સ્તંભરૂપી શિવમાં સમાહિત થયેલો છે. આ સ્તંભમાં દેખાતું પ્રત્યેક બિંદુ એક બ્રહ્માંડ છે અને તેમાં આવી જ એક પૃથ્વી અસ્તિત્વ ધરાવે છે કે જેના પર આપણે વિચરણ કરી રહ્યા છીએ. પ્રત્યેક બ્રહ્માંડમાં એક સ્વર્ગ અને તેના રાજા ઇન્દ્ર હોય છે, જે સંસારનું સંચાલન કરે છે. દરેક બ્રહ્માંડનો સમય અલગ અલગ રીતે ગતિ કરે છે. કોઈ બે બ્રહ્માંડનો સમય એક હોય તેવું શક્ય નથી.”

“હું જાણું છું, મને આ વાત દેવગુરુ બૃહસ્પતિએ જણાવી હતી.” આર્યવર્ધને ભૂમિની વાત અટકાવતાં કહ્યું. તે પોતાની જગ્યા પરથી ઊભો થવા માટે પ્રયત્ન કર્યો પણ તેનું શરીર જાણે સ્થિર થઈ ગયું હતું. તેમાં બિલકુલ હલનચલન કરી શકતો નહોતો.

ભૂમિએ કટાક્ષ કરતી હોય તેમ કહ્યું, “તું ભલે આ બધુ જાણતો હોય પણ મારી વાત હજી પૂરી થઈ નથી. તારું શરીર અત્યારે અચેતન અવસ્થામાં છે. મારી ઈચ્છા હશે ત્યાર પછી જ તું અહીથી હટી શકીશ.”

આર્યવર્ધન પોતાની કહેલી વાત સમજી ગયો છે તેમ માનીને ભૂમિએ તે પ્રકાશમય સ્તંભને એક ઊભા લંબગોળમાં પરિવર્તિત કર્યો. તે લંબગોળમાંથી ત્રણ પૃથ્વીની પ્રતિકૃતિ બની ગઈ. પહેલી પૃથ્વીમાં ભગવાન શ્રીરામ સિંહાસન પર બિરાજમાન હતાં.બીજી પૃથ્વીમાં વરાહ અવતાર પૃથ્વીને રસાતળમાંથી બહાર લાવી રહ્યા હતાં. ત્રીજી પૃથ્વીમાં મહાદેવ હલાહલનું પાન કરી રહ્યા હતાં.

આર્યવર્ધને મુંઝવણભર્યા અવાજે કહ્યું, “મને કઈ સમજાતું નથી. આ ત્રણ પૃથ્વીમાં અલગ અલગ યુગમાં બનેલી ઘટનાઑ એકસાથે દેખાઈ રહી છે. આ કઈ રીતે શક્ય હોઇ શકે ?”

ભૂમિએ થોડી ક્ષણો માટે આંખો બંધ કરી અને કહેવા લાગી, “ઘણા સમય પહેલાં તું માનસરોવર પાસે ગયો હતો ત્યારે તે મને બે જવાબદારી સોંપી હતી. પહેલી જવાબદારી એ હતી કે માનસરોવરનું રક્ષણ અને બીજી જવાબદારી તરીકે એક વ્યક્તિની શોધ કરવાની હતી જે કલિના સમયમાં રહે છે. જેની ત્રણ યુગથી તું રાહ જોવે છે. તે વ્યક્તિ મને મળી ગઈ છે.”

ભૂમિની વાત સાંભળ્યા પછી આર્યવર્ધન અત્યંત ઉત્સાહિત થઈ ગયો. તે તરત પોતાના સ્થાનેથી ઊભો થઈ ગયો. એવું લાગી રહ્યું હતું કે જાણે હમણાં જ નૃત્ય કરવા લાગશે. આ જોઈને ભૂમિ હસી પડી. તે પણ પોતાના સ્થાનેથી ઊભી થઈ ત્યાં જ આર્યવર્ધને તેને ગળે લગાવી લીધી. તે ક્ષણે ભૂમિના મનમાં વિચાર આવ્યો કે કાશ સમય અહી જ થંભી જાય અને તે આર્યવર્ધનની બાહોમાં સમાઈ જાય. પરંતુ ઘડીક ક્ષણમાં તે બંને છૂટા પડી ગયા.  

આર્યવર્ધન પોતાના ઉત્સાહને કાબૂમાં કરતાં ભૂમિને પૂછવા લાગ્યો, “તે વ્યક્તિ કોણ છે ? તેનું નામ શું છે ? તેનો દેખાવ કેવો છે ? તેનો પરિવાર કેવો છે ? તેનું કોઈ મિત્ર છે ? તે પોતાના જીવનથી ખુશ છે ? તેને કોઈ એવી જરૂરિયાત જે હું પૂરી કરી શકું ?

ભૂમિએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, “તેનું નામ આર્ય છે અને તું આર્યવર્ધન છે. તારે તેની પાસે જતાં પહેલાં તેને સમજવો પડશે. તેનું જીવન જીવવું પડશે. તેની આદતોને કેળવવી પડશે. તેના લક્ષને હાંસલ કરવું પડશે. તેનું જીવન સરળ નથી.”  


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ