વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 1

  કેનેડા 

-રમણીય સરોવરોનો દેશ

[1]

 

મારી ત્રીજી વિદેશ યાત્રાની તૈયારી પૂર્ણ થઈ ગઈ હતી. આ અગાઉ મેં સાઉદી અરેબિયાની બે યાત્રાઓ કરી હતી. અમેરિકા ખંડની મારી આ પ્રથમ યાત્રા હતી. 

કેનેડા ઉત્તર અમેરિકા ખંડમાં આવેલો વિશાળ ભૂમિ ધરાવતો દેશ છે. આમતો અમારે કેનેડાની યાત્રા માહે મે-૨૦૨૦માં કરવાનું નક્કી થયું હતું. હવાઈ યાત્રા માટેની ટીકીટો પણ બુક થઈ ગઈ હતી પરંતુ તે દરમ્યાન વિશ્વમાં ફેલાયેલી ‘કોવિડ-૧૯’ નામની મહામારીના કારણે અમારે પ્રવાસ મુલતવી રાખવો પડ્યો હતો. ત્યારબાદ લગભગ ત્રણ વર્ષ પછી માહે જુલાઈ-૨૦૨૩માં ફરી કેનેડાની યાત્રાનો યોગ થયો હતો.

અમદાવાદ થી મુંબઈ વાયા લંડન, ટોરંટો થઈ કેનેડાના અલબર્ટા પ્રાંતની રાજધાની એડમંટન જવાનું હતું. જેમ જેમ પ્રવાસની તારીખો નજીક આવતી ગઈ તેમ તેમ વિદેશ યાત્રા માટેની ખરીદી વધતી ગઈ હતી. યાદ કરી કરીને બધું ખરીદી લીધું હતું. લઈ જવાનું તો ઘણું હતું પરંતુ હવાઈ મુસાફરીમાં વજનની મર્યાદાને ધ્યાને રાખી જેટલું લઈ જઈ શકાય તેટલું લઈ લીધું હતું. વજન કરી કરીને બેગ્સ તૈયાર કરવાની હોવાથી વજનની વધઘટને ધ્યાને રાખી છેક છેલ્લા કલાક સુધી બેગ્સ ખોલ બંધ કરી તેમાં ચીજ વસ્તુઓ ઉમેરવી અને કાઢવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. 

‘એરપોર્ટ પર આ વસ્તુ નહીં લઈ જવાદે, પેલી વસ્તુ નહિ લઈ જવાદે’ તેવું કહી કહી સબંધીઓ કેટલીય લઈ જવા જેવી વસ્તુઓ ન લઈ જવા સલાહ સૂચનો આપતા રહ્યા હતા તેમ છતાં જે થશે તે જોયું જશે તેવું વિચારી લઈ જવા જેવી બધી વસ્તુઓ બેગ્સમાં ગોઠવી દીધી હતી.

છેવટે તા. ૫મી જુલાઈ ૨૦૨૩ના રોજ સાંજે, લીધેલી બધી વસ્તુઓ નહીં લઈ જવાદે તો શું કરીશું તેના ઉચાટ સાથે, અમે એરપોર્ટ પહોંચ્યા. મારી સાથે મારા પત્ની અને મારા ભાઈ અને તેમની પત્ની હતા. મુંબઈથી એક દંપતી અમારી સાથે જોડાવાનું હતું. બુક થયેલી ટીકીટમાં દર્શાવ્યા મુજબ અમારે અમદાવાદના ટર્મિનલ-૨ પર પહોંચવાનું હતું પરંતુ સારું થયું કે અમે એરપોર્ટ પહોંચીએ તે પહેલાં એરલાઈન્સની એપ્લીકેશન ચેક કરતાં અમને જાણ થઈ કે અમારે ટર્મિનલ-૨ના બદલે ટર્મિનલ-૧ થી ફ્લાઈટ પકડવાની હતી એટલે દોડાદોડી કરવી પડી ન હતી. આ બાબતે ડીજીટલ ટેકનોલોજીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે! પાછળથી મેઈલ ચેક કરતાં એરલાઈન્સે ઈ મેઈલ દ્વારા પણ અમને ટર્મિનલ બદલાયાની જાણકારી કરતો સંદેશો મોકલી દીધો હતો. 

બહાર નાસ્તો પતાવી, સમય થતાં સબંધીઓની વિદાય લઈ અમે એરપોર્ટમાં દાખલ થયા.

એરપોર્ટ પર અમે જેવું ધરતા હતા તેવું કંઈ જ થયું નહીં. ઈમિગ્રેશનમાં કોઈ તકલીફ પડી ન હતી. અમારી બધી બેગેજીજ વિના વિઘ્ને એરલાઈન્સ પાસે જમા થઈ ગઈ. લગેજ ટેગ જોઈ જાણ થઈ કે હવે અમને અમારી બેગેજીજ અમારા આખરી પડાવ એડમંટનના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મળવાની હતી તેથી રાહત થઈ ગઈ. નિયત સમયે અમે મુંબઈ પહોંચી ગયા. અહીં અમારે લંડન જવા માટેની કનેક્ટિંગ ફ્લાઈટ માટે લગભગ સાત કલાક રાહ જોવાની હતી. 

તે સમય દરમ્યાન મુંબઈથી જે દંપતી અમારી સાથે જોડાવાનું હતું તેમનું આગમન થયું. અમારી સાથેની ત્રણેય સ્ત્રીઓ માટે અમે વ્હીલચેર સર્વિસની માગણી કરેલી હોવાથી ફ્લાઈટમાં બોર્ડીંગ વખતે એરપોર્ટના કર્મચારીઓએ તે સેવા ખૂબ સરસ રીતે ઉપલબ્ધ કરાવી હતી. મુંબઈ એરપોર્ટના પ્રેયર રૂમમાં અમે અમારી રાત્રીની અને સવારની નમાજ અદા કરી હતી. મોટાભાગના અંતરરાષ્ટ્રીય  એરપોર્ટ પર પ્રેયર રૂમ હોય છે તેની જાણકારી મને અગાઉ ન હતી મને તે જાણીને સુખદ આશ્ચર્ય થયું! 

મુંબઈ થી લંડનનો પ્રવાસ સાડાનવ કલાકનો હતો. અમે વિમાનમાં દાખલ થયા ત્યાં મને મેસેજ મળ્યો કે અમારી બેગ્સ અમારી ફ્લાઈટમાં અમારી સાથે જ મુકાઈ ગઈ છે. તે સંદેશો વાંચી  અમારી બેગ્સ સમયસર અમોને મળશે કે નહિ તેનો ઉચાટ રહ્યો નહિ. ફરી એકવાર મેં ડીજીટલ ટેકનોલોજીનો મનોમન આભાર માન્યો. 

લંડન સુધીના પ્રવાસ દરમ્યાન ફ્લાઈટ દ્વારા બધા યાત્રીઓને બે વાર બ્રેકફાસ્ટ અને એક વાર લંચ આપવામાં આવ્યું હતું. અમે ગરમાગરમ ઈન્ડિયન ફૂડનો આનંદ માણ્યો હતો. ફ્લાઈટ એટેડન્સ દ્વારા ખૂબ સારી સેવાઓ પૂરી પાડવામાં આવતી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ હોવાથી તેમની સાથે હિન્દીમાં વાતચીત કરી અમે અમારી જરૂરિયાતો પૂરી કરી શકતા હતા.    

અમારી સાથે પ્રવાસ કરી રહેલા બે ભારતીય દંપતીઓની સાથે પ્રવાસમાં છ માસથી નાના બાળકો હતા. કદાચ તે કુમળા બાળકોને વિમાનના ઉડવાનો અવાજ પરેશાન કરતો હશે તેથી બંને બાળકો ઊંઘી શકતા ન હોવાથી સતત રડ્યા કરતા હતા. તેમના માતા પિતા પુરા સાડાનવ કલાક સુધી વારાફરતી કંટાળ્યા વિના તે બાળકોને પોતાના હાથોમાં ઊંચકી રાખીને ઉભા રહ્યા હતા. તે માતા પિતાનું બાળકો માટેનું તર્પણ જોઈ તેમના તરફ અહોભાવ થઈ આવ્યો. 

મારી પાસેની સીટમાં એક મરાઠી ભાઈ બેઠા હતા. તેઓ રીટાયર્ડ આર્મીમેન હતા. તે તેમના પુત્રને મળવા અમેરિકા જઈ રહ્યા હતા. લંડન સુધીના પ્રવાસમાં તેમની સાથે ઘણી વાતો થઈ હતી. અમે હિન્દીમાં વાતચીત કરતા હતા. તેમની પત્નીનું ‘કોવિડ-૧૯’ મહામારીમાં અવસાન થઈ ગયું હતું. તેમને હજુ અમેરિકાના ઈમિગ્રંટ વિઝા મળેલ ન હોવાથી વિઝીટર વીઝા પર અમેરિકા જઈ રહ્યા હતા. આ તેમની અમેરિકાની ત્રીજી યાત્રા હતી. તેમની પત્નીના અવસાન પછી તેઓ તેમની દીકરી સાથે નાગપુરમાં રહેતા હતા જેનું તેમને દુ:ખ હોવાનું તેમના સાથેની વાતચીતમાંથી મેં તારવ્યું હતું. તેમને અમેરિકાના ઈમિગ્રંટ વિઝા ઝડપથી મળી જાય તેનો ઈન્તેજાર હતો. તે માટે મેં મનોમન ભગવાનને પ્રાર્થના કરી. સાડાનવ કલાકની યાત્રામાં તેમનો મૃદુ અને લાગણીશીલ સ્વભાવ મને સ્પર્શી ગયો હતો. લંડનના હિથ્રો એરપોર્ટ પર તેમનાથી છુટા પડતી વખતે મને મનમાં થોડી ગ્લાની થઈ આવી હતી. 

અમે જયારે લંડન પહોંચ્યા ત્યારે ત્યાંના સ્થાનિક સમય મુજબ બપોરના ૧૨.૦૦ વાગ્યા હતા. લંડનનું આકાશ વાદળોના જાડા થરથી ઘેરાયેલું હતું. નીચે કશું દેખાતું ન હતું. એરપોર્ટ પણ બિલકુલ દેખાતું ન હતું. પાયલોટને વિમાનના ઉતરાણની કદાચ પરવાનગી મળી ન હતી તેથી તેણે લંડન શહેર પર એક મોટું ચક્કર માર્યું પરંતુ વાદળ એટલા બધા ગાઢ હતા કે અમને આકાશમાંથી લંડન શહેરનો નજારો જોવાનો લાભ ના મળ્યો જેનો અફસોસ થયો. તેવા ગાઢ વાદળો વચ્ચેથી વિમાનનું ઉતરાણ શરુ થયું ત્યારે મનમાં ભીતિ થઈ કે જો સફળ ઉતરાણ નહીં થાય તો..? બીજાઓની ખબર નથી પરંતુ મારો જીવ તો પડીકે બંધાઈ ગયો હતો! મારું હૃદય ધક..ધક.. કરતું હતું. મનમાં ને મનમાં ખૂબ ડર લાગી રહ્યો હતો. મેં આંખો બંધ કરી મનોમન માલિકને સફળ ઉતરાણ માટે દુઆ કરી. જ્યાર સુધી વિમાનના વ્હીલ રનવેને ટચ ન થયા ત્યાં સુધી કશું જોઈ શકાતું ન હતું. વિઝીબીલીટી કદાચ દસ મીટર કરતાં પણ ઓછી હશે તેવું મને લાગ્યું હતું. આખરે જયારે સફળ ઉતરાણ થયુ ત્યારે મનને ધરપત થઈ. હૃદયની ધડકનો સામાન્ય થઈ. મનોમન ભગવાનનો આભાર માન્યો. પાયલોટની કાબેલિયત માટે ખૂબ માન થયું.     

અમે લંડનના હિથ્રો એરપોર્ટ પર આવી પહોંચ્યાં. અહીં ફ્રી વાઈફાઈ સેવા ઉપલબ્ધ હોવાથી વોટ્સએપ વિડીયો કૉલ કરી મારા પુત્રએ અમારો સંપર્ક કર્યો. તેનો સૌ પ્રથમ પ્રશ્ન હતો કે વિમાને કેમ આકાશમાં આંટો માર્યો હતો? તેણે ફ્લાઈટ ટ્રેકર એપ મારફતે વિમાનનું લાઈવ ઉતરાણ જોયું હતું. અમે તેને ત્યાંના વાતાવરણની જાણ કરી. અમારા લંડન સુધીના સહીસલામત પ્રવાસની વિગતો જાણી તેમની ચિંતા દુર થઈ. અમે પણ કુટુંબના સભ્યો સાથે વાત કરી નિશ્ચિંત થઈ ગયા. 

અમારા એક સબંધી ઇંગ્લેન્ડના વેસ્ટ યોર્કશાયરમાં રહે છે તેમની સાથે પણ ટેલીફોનીક વાતચીત કરી તેમના સમાચાર જાણ્યા. તેમણે શિષ્ટાચાર માટે અમને તેમના ઘરે ઈન્વાઈટ કર્યા પરંતુ યુ.કે.ના વિઝા અમારી પાસે ન હોવાથી તે શક્ય ન હતું તેવું અમે અને તેઓ બંને જાણતા હતા તેમ છતાં તેમના આમંત્રણ માટે અમે તેમનો આભાર માન્યો.    

                        (ક્રમશ:)

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ