વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

પ્રસ્તાવના


મિત્રો, મને થ્રીલર વાચવુ અને લખવું અત્યંત પસંદ છે. તેની સાથે રહસ્ય અને રોમાંચ પણ એટલું જ પસંદ છે. હું પ્રેમ, ક્રાઈમ, હોરર આ વિષયો પર થોડું થોડું લખી ચુક્યો છું. "પ્રેત સાથે ઈશ્ક" જેવી રહસ્યમય અને થ્રીલર નવલકથા આપ્યાં બાદ હું આપની સમક્ષ એક લઘુનવલ પ્રસ્તુત કરું છે. મારી આ લઘુનવલનો મુખ્ય વિષય પણ ક્રાઈમ અને સસ્પેન્સ જ છે.


એક હોટલમાં સવાર પડતાં જ કોલાહલ મચી જાય છે. સવાર પડતાં જ હોટલના એક રૂમમાં એક છોકરીની ડેથબોડી મળી આવે છે. જેના પરથી લાગે છે કે તે છોકરીએ આત્મહત્યા કરી હશે. ના કોઈ સબૂત, ના કોઈ ગવાહ. ઈન્સ્પેક્ટર રણવિર સિંહ આ કેસની લગામ સંભાળે છે. પોતાની સુઝબુઝ અને બાજ જેવી નજરે તે કેસ સોલ્ડ કરે છે. કોણ હશે એ છોકરીનો હત્યારો? આ પ્રશ્ન આ લઘુનવલના છેક અંત સુધી તમને જકડી રાખશે. આ લઘુનવલ આપને છેક સુધી વાચવા માટે અને ગુનેગાર વિશે જાણવા માટે સતત જકડી રાખશે. કઈ રીતે રણવિર સિંહ હોટલમાંથી મળેલી માત્ર એક લાશ પરથી કેસ સોલ્ડ કરે છે? આ રસપ્રદ અને થ્રીલર લઘુનવલ આપને ખૂબ જ પસંદ આવશે એ વિશ્વાસ સાથે હું આપની સમક્ષ "કૃષ્ણકુંજ (મર્ડર મિસ્ટ્રી) પ્રસ્તુત કરું છુ.


                  કૃષ્ણકુંજ "મર્ડર મિસ્ટ્રી"


"મમ્મી, મારું બેગ પેક થઈ ગયું કે નહિં?" આશિષે પોતાના રૂમમાંથી જ બૂમ પાડી.


"બસ દિકરા પાંચ મિનિટ." આશિષની મમ્મીએ બેગ પેક કરતાં કરતાં જ ઉત્તર આપ્યો.


"પ્લીઝ મમ્મી, જલ્દી. મારે મોડું થાય છે."


આશિષ આજે રાત્રે પોતાની અંગત કાર લઈને વડોદરાથી રાજકોટ જઈ રહ્યો હતો. એકલો. પરંતુ આ વાતની જાણ તેના પરિવારને નથી. આશિષે પોતાના ઘરે પોતે ક્યાં જઈ રહ્યો છો?, શા માટે જઈ રહ્યો છે? કંઈ જ કહ્યું નથી. તેના ઘરનાં સભ્યોને એટલી જ ખબર હતી કે આશિષ ક્યાંક જઈ રહ્યો છે. આશિષની મમ્મી તો પૂરેપૂરા ઉત્સાહથી આશિષનું બેગ પેક કરી રહી હતી અને આશિષને રાજકોટ જવાં માટે મોડું થઈ રહ્યું હતું. પાંચની દસ મિનિટ થઈ હોવાં છતાં મમ્મી હજુ બેગ પેક કરીને ન આવી. એટલે આશિષે ફરી બૂમ પાડી.


"મમ્મી, પાંચની દસ મિનિટ થઈ ગઈ. કેટલીવાર?"


"હા દીકરા, લે તારું બેગ પેક થઈ ગયું." આશિષની મમ્મી બેગ લઈને આશિષના રૂમમાં આવે છે.


"થેન્ક યુ મમ્મી."


"પણ દિકરા, એ તો જણાવ કે તું આમ અચાનક ક્યાં જઈ રહ્યો છે?"


"મમ્મી, એ બધું હું પરત આવીને જણાવીશ. અત્યારે મારે મોડું થાય છે. એટલે હું નીકળું છું." આશિષે પોતાની મમ્મીના ચરણ સ્પર્શ કર્યા અને રૂમમાંથી બેગ લઈને બહાર છે. એટલામાં તેની મમ્મીએ પાછળથી કહ્યું.


"દિકરા સંભાળીને જજે."


"હા મમ્મી, તું ચિંતા ન કર."


રાત્રીના આઠ વાગ્યા હતાં. આશિષ પોતાની પર્સનલ કાર લઈને વડોદરાથી રાજકોટ જવાં માટે નીકળી જાય છે અને કારમાં ફિલ્મ ચાલુ કરી દે છે. જેથી રાજકોટ સુધીની આ સફરમાં તેને કંટાળો ન આવે.


આશિષને હોરર ફિલ્મ જોવી બહુ ગમતી. તે જ્યારે પણ લોંગ ડ્રાઈવ પર જતો ત્યારે મોબાઈલને સ્ટેન્ડમાં રાખી દઈ એકાદ ફિલ્મ જોઈ જ લેતો. આજે પણ તેની પોતાની પસંદગીની પંદરથી પણ વધારે વખત જોયેલી હોરર ફિલ્મ 'ક્રિષ્ના કોટેઝ' મોબાઈલમાં ચાલી રહી હતી. ફિલ્મ ભલે ગમે તેટલું ઈન્ટ્રસ્ટિંગ હોય પરંતુ તેનું ધ્યાન ડ્રાઈવિંગ પરથી ક્યારેય ન હટતું. ઘણીવાર તેની મમ્મીએ તેને સમજાવેલું કે ડ્રાઈવિંગ કરતી સમયે ફિલ્મ જોવાનું બંધ કરી દે. કોઈ દિવસ કંઈ થઈ ગયું તો? પરંતુ આશિષને એ વાત જરાંયે ગળે ન ઉતરતી અને તે મમ્મીની વાતને હસી કાઢતો.


રાજકોટ જતાં વચ્ચે એક-બે હોટલ પર આશિષ ચા-નાસ્તો કરે છે. મોડી રાત્રીના લગભગ બે વાગ્યા હતાં. કૃષ્ણકુંજ હોટલ હાઈવેથી લગભગ ચાર કિલોમીટર અંદર હતી. આશિષ પોતાની કાર સાથે હાઈવેથી કૃષ્ણકુંજ હોટલ તરફના રસ્તાં પર વળાંક લઈ ચુક્યો હતો. હજુ ગાઢ અંધારુ હતું. ક્યારેક ક્યારેક વાદળોની આડમાંથી બહાર આવતાં ચાંદનું અંજવાળું રસ્તા પર દેખાતું હતું. આખો રસ્તો સુમસામ હતો. ત્રીસેક સેકન્ડના અંતરે એકાદ નાનુ મોટું વાહન પસાર થતું હતું. અને આશિષની કાર આશરે ૮૦ થી ૯૦ ની સ્પીડમાં દોડી રહી હતી. આશિષ કાર ચલાવવાની પોતાની ધુનમાં મગ્ન હતો. એટલામાં અચાનક તેની કાર સામે એક છોકરી આવી જાય છે અને આશિષ પૂરા જોરથી બ્રેક પર પગ લગાવે છે. જોરથી બ્રેક લગાવવાના કારણે કારની પાછળનો ભાગ ઉંચો થઈને પાછો જમીન પર પટકાય છે.


આશિષના ધબકારા વધી ગયા હતા. તેની છાતી હાંફવાને કારણે ઉંચી-નીચી થઈ રહી હતી. તેનું મગજ બ્લોક થઈ ગયુ હોય એવું લાગી રહ્યું હતું. આંખો તો ચોંકીને પહોળી ને પહોળી જ રહી ગઈ. તે સીટ બેલ્ટ કાઢી હળવેકથી કારનો દરવાજો ખોલીને બહાર આવે છે. પરંતુ બહાર આવતાં જ તે આશ્ચર્યચકિત રહી જાય છે. રસ્તા પર કોઈ જ ન હતું. આશિષ આજુબાજુ નજર દોડાવે છે પરંતુ કોઈ નજરે પડતું નથી.


"હમણાં જ કોઈ મારી કાર સામે હતું અને અત્યારે કોઈ નથી. કદાચ મને ભ્રમ થયો હશે. એમ પણ, આટલી મોડી રાત્રે આ સૂમસામ રસ્તા પર કોણ હોય? ભલભલા અહીં આવીને ડરી જાય. કદાચ આ હોરર ફિલ્મ જોવાની અસર હશે." આશિષ મનોમન આમ વિચારીને પાછો કારમાં બેસી જાય છે અને સેલઅફ મારી કારને ભગાવી મૂકે છે.


હાઈવેથી હોટલ સુધીના રસ્તા પર લગભગ બે કિલોમીટર જેટલું અંતર કાપે છે. એટલામાં રસ્તા પર પડી રહેલા કારના પીળા અંજવાળામાં ડાબી બાજુએ એક છોકરી પોતાનો જમણો હાથ લાંબો કરી કારને ઉભી રાખવાનો ઈશારો કરી રહી હતી. આશિષ કારને ધીમી કરી એ છોકરી પાસે ઉભી રાખી છે.


કાર ઉભી રહેતા જ પેલી છોકરી કારની બારી પાસે આવે છે અને બારી ખોલવા માટે ટકોરા મારે છે. બારી પાસે આવી ત્યારે તેના હાથમાં એક બેગ હતી. કપડાંની બેગ હશે એમ આશિષે અનુમાન લગાવ્યું. આશિષ તરત જ બારી ખોલે છે. બારી ખોલતાં જ આશિષ એકદમ મુગ્ધ થઈ જાય છે. પેલી છોકરીના રૂપને તે એકી ટશે જોઈ રહે છે.


બ્લેક ટિ-શર્ટ, ખુલ્લા વાળ ને હોઠ પર લાલ લિપ્સ્ટિક આછી આછી લગાવેલી હતી, ગાલ પર લાલાશ, ચહેરો એકદમ ધોળા માખણ જેવો. નખ લગાવો તોય લોહી નીકળે એવો. એટલામાં પેલી છોકરીએ કહ્યું.


"હેલ્લો..." તેના શબ્દો કાને પડતાં જ આશિષ વિચારોમાંથી બહાર આવે છે.


"હા."


"મારે કૃષ્ણકુંજ હોટલ સુધી જવું છે. તો પ્લીઝ મને લિફ્ટ આપશો? તમે એ બાજુ જ જતાં હોવ એવું લાગે છે."


"હા હા, કેમ નહિ? હું કૃષ્ણકુંજ હોટલ જ જઈ રહ્યો છું. કમ ઈન." આમ કહી આશિષ કારનો દરવાજો ખોલે છે. પેલી છોકરી કારમાં બેસે છે એટલે આશિષ કારને ગતિ આપે છે.


"અડધી રાત્રે તમે આ સુમસામ રસ્તાં પર! અને એ પણ એકલા!" અચાનક આશિષને મનમાં પ્રશ્ન ઉદભવતા જ તે પૂછે છે.


"હું ટેક્સીમાં કૃષ્ણકુંજ હોટલ જઈ રહી હતી. પરંતુ અચાનક ટેક્સી ખરાબ થઈ ગઈ અને આ રસ્તા પર બીજી કોઈ ટેક્સી પણ ન મળી. ક્યારેક ક્યારેક વાહન પસાર થાય. પરંતુ કોઈએ લિફ્ટ ન આપી. એટલે ન છૂટકે ચાલતાં ચાલતાં હું અહીં સુધી પહોંચી."


"પરંતુ મને તો હાઈવેથી અહીં સુધીમાં કોઈ ટેક્સી ન દેખાઈ?"


"કદાચ ટેક્સી ઠીક થઈ ગઈ હોય અને ટેક્સીવાળો ફરી શહેર તરફ ચાલ્યો ગયો હોય."


"હા, હોય શકે."


"તમારું નામ?" પેલી છોકરીએ પુછ્યું.


"આઈ એમ આશિષ. ફ્રોમ વડોદરા."


"ઓહ! આઈ એમ 'રાધી'. જામનગરથી આવું છું."


"કોઈ કારણસર કે..!" પેલી છોકરીનો સ્વભાવ સારો હોય એવું લાગી રહ્યું હતું. એટલે આશિષને પણ વારંવાર પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ રહી હતી.


"મારી સહેલીના મેરેજ છે અને તમે?"


"હું મારાં અંગત કામથી આવ્યો છું." એટલામાં રાધીનું ધ્યાન મોબાઈલમાં ચાલી રહેલી ફિલ્મ પર પડ્યું.


"ઓહહ! ક્રિષ્ના કોટેઝ! વેરી નાઈસ મૂવી."


"તમે જોઈ છે?" આશિષે પ્રશ્ન કર્યો.


"હા, મને હોરર મૂવી જોવી ખૂબ જ ગમે છે"


"મને પણ."


"પરંતુ ડ્રાઈવિંગ કરતી સમયે તમને ડર નથી લાગતો? આઈ મીન! ડ્રાઈવિંગ પરથી કાબુ ગુમાવી દેવાનો ડર!"


"ના, હવે તો આદત પડી ગઈ છે."


"એ તો ઠીક, પરંતુ તમે મને અડધી રાત્રે એક સૂમસામ જગ્યા પર મદદ કરી. તમે વિચાર્યુ નહિ કે હું કોણ છું? જો હું કોઈ પ્રેત હોવ તો?"


"શું? પ્રેત! હાહાહા. મજાક સારો કરો છો. કોઈ વ્યક્તિ પર વિશ્વાસ રાખી અને તેની મદદ કરવી એ તો સારી વાત છે. પછી આપણો વિશ્વાસ કેટલો સાચો છે, એ તો આગળ જ ખબર પડે." એકબીજાની ઓળખાણ કાઢવામાં ક્યારે બે કિલોમીટરનું અંતર કપાય જાય છે તેનીયે જાણ રહેતી નથી. કૃષ્ણકુંજ હોટલના મેઈન ગેટ પાસે આશિષ રાધીને ડ્રોપ કરીને પોતે કાર પાર્ક કરવાં માટે જાય છે. પાંચ મિનિટની અંદર તે કાર પાર્ક કરીને હોટલમાં દાખલ થાય છે. રાધી નીચે લોબીમાં જ ઉભી હતી. ચહેરા પરથી તે પરેશાન હોય એવું લાગી રહ્યું હતું. તરત જ આશિષ તેની પાસે જઈને પુછે છે.


"શું થયું? પરેશાન હોય એવું લાગે છે."


"હા, મેં મારો રૂમ અગાઉ બૂક ન્હોતો કરાવ્યો. મને એમ હતું કે અહીંયા ખાલી રૂમ મળી જશે. પરંતુ મેં કાઉન્ટર પર જઈને તપાસ કરી તો એકપણ રૂમ ખાલી નથી."


"ઓહહ! તો હવે?" આશિષે ચિંતા વ્યક્ત કરતાં પુછ્યું.


"હવે તો એક જ રસ્તો છે. કદાચ શહેરમાં કોઈ હોટલમાં રૂમ મળી જાય."


"પરંતુ અત્યારે તમે શહેર પાછાં કેવી રીતે જશો? અહીંયાથી તો કોઈ વાહન પણ નહિ મળે અને હજુ તો સવાર પણ નથી પડી."


"હા, પરંતુ બીજો કોઈ રસ્તો પણ નથી."


"તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો મારો રૂમ શેયર કરી શકો છો. મેં તો અગાઉથી બુકિંગ કરાવેલું છે."


"ના ના. હું તમને વધારે કંઈ તકલીફ આપવા નથી માંગતી. તમે તમતમારે જાઉં. હું કોઈ રસ્તો શોધી કાઢીશ."


"રાત્રે અઢી વાગ્યે તમને કયો રસ્તો મળશે? અને તકલીફ શેની! તમે કોઈપણ ખચકાટ વિના અત્યારે મારાં રૂમમાં રહો અને સવારે ફરી કાઉન્ટર પર તપાસ કરજો. શાયદ કોઈ રૂમ ખાલી થયો હોય."


"પણ... ઠીક છે." રાધી હા પાડે છે એટલે તરત જ આશિષ કાઉન્ટર પર જઈને પોતાના રૂમ નંબર ૨૦૫ ની ચાવી લઈ આવે છે અને બંને પોતાના રૂમમાં જાય છે. રાધી પોતાનો સામાન વ્યવસ્થિત મૂકે છે. ત્યાં સુધીમાં આશિષ ફ્રેશ થઈ જાય છે. ત્યારબાદ રાધી ફ્રેશ થવાં માટે જાય છે. થોડીવાર બાદ બાથરૂમનો દરવાજો ખોલી તે બહાર આવે છે. તેણે પોતાના કેશ ધોયા હતા, એટલે ખુલ્લા હતાં. નાઈટ ડ્રેસમાં તેનું સૌંદર્ય પૂનમની ચાંદનીને પણ પાછી પાડે એવું હતું. તેના ખુલ્લા કેશમાંથી આવી રહેલી ખુશ્બુ આખાંયે રૂમને રોમેન્ટિક કરતી હતી. એ ખુશ્બૂથી જાણે હવા પણ મુગ્ધ થઈ ગઈ એવું લાગી રહ્યું હતું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ