વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ : ૧

મને હંમેશા એવું થતું કે,  દરિયા કિનારે એક નાનું ઘર, ઘરની બહાર એક નાનો બાંકડો અને પછી એ બાંકડા પર બેસીને દરિયા પર ઉગતા સુરજના રંગ પડતા જોવા મળે તો કેવું સારું!  હું હંમેશા વિચારતી કે, આવો સમય મળશે તો હું તેને મનભરીને માણીશ. ઈશ્વરની કૃપા અને કુદરતની મહેરબાનીથી મારું એ સ્વપ્ન સાચું પડ્યું. મારા જીવનમાં એ અવિસ્મરણિય પળો આવી. વર્ષ 2017માં મને એ તક મળી. જ્યારે હું ઘરેથી નીકળી ત્યારે મને સહેજય અણસાર નહોતો કે, હું સ્વર્ગ સમા એક સુંદર સ્થળે જઈ રહી છું. આમ તો બેટદ્વારકાની મુલાકાત મેં અનેક વખત લીધેલી પણ જેની તસવીર મેં અહીં શેર કરી છે તે સ્થળ મારા માટે નવું હતું. બેટદ્વારકાના પોર્ટ પરથી ઉતરીને હું તેના મુખ્ય બજારમાંથી પસાર થતી ચાલવા લાગી. અમદાવાદ જેવા શહેરમાં ઉછર્યા છું. અહીં મેગા મોલ્સ જોયા છે પણ મને હંમેશા નાના ગામ કે શહેરના બજારો આકર્ષે છે. હું બજારની ચીજવસ્તુઓને નિહાળતી નિરાંતે આગળ વધી. એક નવા ગોગલ્સ લીધા. ગરમીની ઋતુ હતી એટલે આમ પણ જરૂર તો હતી જ. બેટદ્વારકાના બજારની નાની ગલીઓમાંથી પસાર થઈને હું એક મુખ્ય માર્ગ પર આવી જ્યાંથી મને એક છકડો મળ્યો. ગામ સુધીનો રસ્તો સારો હતો પરંતુ બાદમાં વેરાન અને ઉબડ ખાબડ રસ્તો આવ્યો. ગરમી ખૂબ હતી એટલે થયું કે, જલદી પહોંચી જવાય તો સારું. બેટદ્વારકાના છેવાડે આવેલી કેમ્પસાઈટમાં જ જવાનું હતું. ઘણો સમય લાગ્યો પણ આખરે પહોંચી ગયા. એક વાંસનો દરવાજામાંથી પસાર થઈને હું કેમ્પસાઈટમાં પ્રવેશી. ભર ઉનાળે, બપોરના સમયે કંતાનના બાંધેલા દસેક ટેન્ટની વચ્ચે એક નાના મેદાનમાં ઉભી હતી. કેમ્પમાં પાણી, જમવાનું અને માથે કંતાનની છત સિવાય બીજી કોઈ સુવિધા નહોતી. એ જોઈને મને થયું કે, હું આટલે દૂર આ જ જોવા આવી છું? જો કે વાતાવરણની શાંતિ અનુભવ્યા પછી મને થોડી રાહત થઈ કે, અમદાવાદના ઘોંઘાટ અને પ્રદૂષણથી તો મુક્તિ મળી. ત્યાં હાજર કેમ્પ મેનેજર અને સ્ટાફ સાથે પરિચળ મેળવ્યો. તે મને મારા ટેન્ટ તરફ દોરી ગયા. રસ્તામાં જ મેં દરિયાનું પાણી જોયું. ભરબપોરે દરિયાના પાણી પર સૂર્યના તાપની સુંદરતા કંઈ ઓછી નથી હોતી. આ વાત મને એ દિવસે મને સમજાઈ. હું તો સામાન સાથે જ દોડી. દરિયાની સામે એક નાના ઓટલા જેવું હતું. તેના પર કંતાનથી મંડપ બાંધેલો હતો. પથ્થરના બાંકડા હતાં જ્યાં બેસીને અફાટ સમુદ્રના સૌંદર્યને નિહાળી શકાય. હું બાંકડા પર જ બેસી ગઈ. પવનને કારણે ઠંડકનો અહેસાસ થયો. થાક ક્યાં ગાયબ થઈ ગયો તેનું ભાન જ ન રહ્યું. પળભરમાં જ મારું મન પ્રફુલ્લિત થઈ ગયું. દરિયાની સુંદરતા જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગઈ. શરીરમાં નવી તાજગી આવી ગઈ. થોડીવાર પછી મારી આંખમાંથી અચાનક જ આંસૂ સરવા લાગ્યા. તમને નવાઈ લાગતી હશે કે, આંસૂ કેમ? મને પોતાને પણ નવાઈ લાગેલી. પરંતુ હવે સમજાય છે કે, એ સમયે મને કુદરત સાથેનો સીધો સંપર્ક અનુભવાયેલો. નિર્મણ વાતાવરણથી મારું મન પણ નિર્મળ થઈ ગયું. આંસૂ રૂપે મારા મનની બધી ચિંતા આપોઆપ જ વહી ગઈ. સાવ હળવી થઈ ગયેલી. એ સમયે અનુભવેલી લાગણીનું વર્ણન શક્ય જ નથી છતાં મને લાગ્યું હતું કે, કુદરતના પવિત્ર સ્પર્શથી મારા તન, મનની બધી જ અશુદ્ધિ દૂર થઈ ગયેલી. આ પ્રવાસ વિશે હજુ ઘણું કહેવાનું છે.

 

 

 

 

 

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ