વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શાહ આત્મારામ ભૂખણ તે કેાણ?

નવું પ્રકરણ શરુ કરીએ તે પહેલાં, હવે મોહનચંદ્રના કુળનો ઇતિહાસ વાંચનારને જણાવવો જોઈએ. માણસની મોટાઈ કેટલેક દરજજે તેના કુળપરંપરાના ઇતિહાસ ઉપર આધાર રાખે છે. ઘણા દાખલા એવા જોવામાં આવ્યા છે કે, ઉમદા અમીરી ગુણ ધરાવનારા અને બુદ્ધિના ચળકાટવાળા વીરપુરુષો ઘણે કાળે-ત્રણસેં વર્ષે પણ એક જ કુળમાંથી ઉત્પન્ન થયા છે. મોહનચંદ્રનું કુળ આ જ પ્રમાણેનું હતું. તેઓ જગતમાં સાખ ને આંટ માટે જાણીતા થયેલા આત્મારામ ભૂખણના કુળના હતા.

સત્તરમી સદીની શરુઆતમાં, પશ્ચિમના પરાક્રમી પુરુષોએ આ દેશમાં વેપાર નિમિત્તે આવવા માંડ્યું. તેણે સુરતને પોતાનું મુખ્ય સ્થળ કરી એવી તો સારી સ્થિતિમાં આણ્યું કે, હજી સુધી તેની તરફ ઘણા વિદ્વાન ને શોધક નરો ઘણા માનથી જોય છે. સુરતમાં ઘણા ઘણા પ્રકારના વેપારધંધા એ સમયે ચાલતા હતા. તે અરસામાં સરાફી પેઢીઓ ઘણીક સ્થપાઈ હતી; ઘણી ધીકતી હતી. અંગ્રેજોને માલ મત્તા આપવામાં વૈશ્ય ન્યાતના એક આત્મારામે, ઈ. સ. ૧૬૪૦ માં આગળ પડી પ્રથમ સારી આંટ મેળવી. એ વખતે અંગ્રેજોને ખાનદાન ને કુળવાન નરો ઉપર ઘણો ભાવ હતો, કેટલાક અંગ્રેજો, જેઓ હલકા ને નોકરી માટે ઈસ્ટ ઇંડિયા કંપની સાથે આવેલા, તેઓ જે લુચ્ચાઈ દોંગાઈથી અને લાંચ રુશવતથી નાણાં મેળવતા અને તે પોતાની પાસે રાખે તો પ્રસંગ પડે પકડાઈ જાય, એ ભયથી આ સરાફી પેઢીમાં જમે કરાવતા, ને જ્યારે વિલાયત જતા, ત્યારે કેટલીક રકમ બક્ષિન્દા આપી, નાણાં લઈ પોતાને દેશ સિધારતા હતા. વંશપરંપરાથી અને સાફ દ્યાનતના હોવાથી, અંગ્રેજોમાં પ્રથમ આત્મારામની સાખ ધણી વધી. એ પેઢી પડી ભાંગી ત્યાં સૂધી તેની સાખ તેવી જ હતી. ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે બાકસને અજીરે લડાઈ થતી હતી, તે લડાઈમાં ઘણા અંગ્રેજો મરણ પામતા અને તેમનાં ઘણાં નાણાં આત્મારામ ભૂખણની પેઢીમાં જમે રહેતાં હતાં; અને કેટલાંક વર્ષ સૂધી કોઈ પણ વાલીવારસ તે નાણાં લેવાને આવતો નહિ, પણ સો વર્ષે તે નાણાં લેવાને તેનો કાઈ વારસ આવે તો તેને દોકડે પૈકે હીસાબ કરીને એ જ પેઢી નાણાં આપવામાં આખા હિંદુસ્તાનમાં પંકાઈ હતી. લોકોમાં સામાન્ય રીતે એમ કહેવાય છે કે, “રળતાં તો રોટલો મળે, ઉંચો નીચો હાથ પડે તો જ પોટલો દેખે !” પણ આત્મારામ ભૂખણની બાબતમાં એથી ઉલટું જ બન્યું હતું. તેઓએ તો જાતિશ્રમ, પ્રમાણિકપણું, સાહુકારી આંટથી પોતાનો દહાડો ફેરવી નાંખ્યો હતો.

દહાડે દહાડે આત્મારામ ભૂખણની પેઢી ઘણી પંકાતી ગઈ. તેનો પૈસો સુમાર વગરનો કહેવાતો ગયો. અંગ્રેજ લોકોનું જોઈને ફ્રેન્ચોએ પણ પોતાનો સરાફ કરવાને તેને માંગણી કીધી. પણ બંને જગોએ પોતાથી પહોંચી વળાશે નહિ, એ ભયે તે આગળ પડતાં અટકયો. એમ કહેવાય છે કે આત્મારામના એક દીકરા દુર્લભદાસને કેટલીક લાંચ ફ્રેન્ચોએ આપી ને અંગ્રેજ તરફથી ખસીને પોતા તરફ લેવાને ઘણું કર્યું, અને ઇ. સ. ૧૬૪૯ માં અંગ્રેજોની આંટ જતી હતી, ત્યારે તેમને નાણાં ન ધીરવાને સમજાવ્યા છતાં, વગર વ્યાજે એક માસ સુધી એક લાખની રકમ આત્મારામ ભૂખણની પેઢીએ કંપનીને ધીરી હતી, એમ દંતકથા છે. અંગ્રેજની કોઠીપર તો લોકો તગાદો કરતા બેઠા હતા અને જો એક દિવસ નાણાં મોડાં મળ્યાં હોત તો, અંગ્રેજોની કોઠીની રેવડી દાણાદાણ થાત અને આજે તેઓ કોણ જાણે કયાં અટવાઈ ગયા હોત.

આ ધીરધારથી અંગ્રેજોમાં એ પેઢીનું માન વધ્યું અને તે વખતના કોઠીના ઉપરી કર્નલ સિમસને વિલાયત લખી વાળ્યું; જેથી કંપનીના ડીરેક્ટરોએ એ પેઢીને માટે બે સુનાના પોપટ બક્ષિસ મોકલાવ્યા, અને ઉપકારનો પત્ર લખ્યો.

આત્મારામનો કાળ ઈ. સ. ૧૬૫૬માં થયો. તે પેઢી૫ર, વંશમાં જે વડો હતો તે બેઠો. તેની રીતભાત જોઈએ તેવી રૂડી ન હતી. તેણે પોતાના ખાનદાનની આબરુની દરકાર ઘણી થોડી રાખવા માંડી અને સુરતના હાકેમનો ગુસ્સો કંઈક કારણસર પોતા ઉપર ખેંચી લીધો. હાકેમે ગુસ્સામાં એકદમ તેને પકડી લાવવાનો હુકમ કીધો. સાયંકાળના છ કલાકનો અમલ હશે, તેટલામાં નવાબના કેટલાક માણસો તેના ઘરની આસપાસ ફરી વળ્યા. ગમે તેવો હોશિયાર છતાં જાતે વાણિયાભાઈ, તેથી બીકણ બિલાડી માફક છાપરે છાપરે કુદીને એક પાડોશીના ઘરમાં જઈને સંતાઈ બેઠો. બૈરાં છોકરાંઓ ઘરમાં તો એટલાં ગભરાયાં કે કોઇથી બોલાય સરખું નહિ, પણ દુર્લભદાસની ધણિયાણી જાતે સીફાબહાદુર હતી, તેણે બારણે આવીને બૂમ મારતા બાંડિયા તુર્કમીરઝાંઓને અટકાવ્યા. પૂછ્યું કે “છે શું?” એકાદ મિયાં સાહેબે એલફેલ બોલી પોતાની જાત જણાવી, પણ જમાદાર સમજુક હતો, તેણે સૌને વારીને બાઈને ખુલાસો કીધો કે; “ખુદાવંદે, અબીકા અબી દુર્લભદાસકું પકડકર લાનેકા હુકમ દિયા હૈ, ઓર હમેરી રજ્જુ આવે, હમ સબ ઉસકા માન દેકર લે જાયગા, દુસરી ગડબડ કુચબી નહિ હૈ!” ગુલાબ શેઠાણીએ પોતાના ધણીપર આવેલી આફત જોઈને જમાદારને ઘરમાં બોલાવી બસો સોના મહોરની ભરેલી થેલી હાથમાં સેરવી દીધી અને કહ્યું કે, “જમાદાર સાબ ! જાકર નબાબસાબકું બોલો કે 'ઓ બનિયા તો ગામકું ગયા હૈ, કલ આયેગા તબ આપકી હજુરમાં આકર ખડા રહેગા.' જમાદાર ચાલ્યો ગયો. બીજે દિવસે બે હજાર સોના મ્હોરથી ભરેલો રૂપાને થાળો લઈને શેઠ સવારના પહોરમાં નવાબ સાહેબની હજુરમાં ગયા; અને નવાબ સાહેબના પગ આગળ ભેટ મૂકી નમ્રતાથી કહ્યું કે, “હું આપનું બચ્ચું છું ! ગમે મારો કે ઉગારો !”નવાબને રહેમ છુટી અને તેનો ગુન્હા માફ કરી શાલ પાધડીનો શિરપાવ આપીને ઘેર મોકલ્યો.

હમેશાં મોટાના ઘરનાં બૈરાંઓ ઘણું કરીને એદી, વાતુડાં, ધર્માંધ અને હલકાં લોક સાથે વાર્તાવિલાસ કરનારાં હોય છે, પણ આત્મારામ ભૂખણને ત્યાં જે સ્ત્રીઓ હતી, તે વિવેકી અને સદ્ગુણી તે વખતમાં ગણાતી હતી. તેઓ પોતપોતાનું કામ જાતે જ કરતી અને મર્યાદા, કુળલજજા, શિયળતા જાળવવામાં સારી રીતે વખણાતી ને પ્રસંગે પ્રસંગે પોતાના પતિઓને સારી રીતે સલાહ આપતી હતી. એ કુળ માટે નવાબનો એવો હુકમ હતો કે, જો પુરુષ આફતાબગીરી લે તો લેવા દેવી અને તે હુકમ મેળવવાનું માન પણ ગુલાબબાઈને જ ઘટતું હતું. છચોક નવાબ સાહેબ સાથે વાત કરવાની હિંમત ગુલાબબાઈએ ઘણી વખત કીધી હતી, અને નવાબ તેની બાહાદુરીનાં ઘણાં વખાણ કરતો હતો. હાલનાં મુડદાલ જેવાં અને માઈકાંકલાં, જાણે પગ મૂકે તો હમણાં પડી જશે, એવી સ્થિતિનાં બૈરાં તે વખતે વાણિયામાં ભાગ્યે જ હશે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ