વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

પહેલા ભાગમાં તમે જોયું કે રુચિ અને દિશા બંને મા દીકરી એકલું જીવન વિતાવી રહ્યા છે, રુચિ આજના જમાનાની એક અલ્લડ છોકરી છે અને દિશા એક સિંગલ મધર તરીકેની પોતાની જવાબદારી નિભાવી રહી છે,  રુચિની ચિંતા કરતાં કરતાં દિશા પોતાના ભૂતકાળમાં સરી પડે છે, પોતાના કોલેજના પહેલા દિવસે જ તેને એક છોકરા સાથે મુલાકાત થાય છે. કોલેજમાં કલાસ ક્યાં છે ? એ પૂછવાની સાથે જ એ છોકરા પ્રત્યેનું એક તરફી આકર્ષણ તેના મનમાં જાગી ઉઠે છે, ક્લાસમાં પણ એ છોકરના વિચારોમાં જ મન પરોવાયેલું રહે છે, અને કલાસ પૂરો થવા છતાં પણ તે તેના જ વિચારોમાં ખોવાયેલી રહે છે, ક્લાસની બીજી છોકરીઓ તેનો મઝાક પણ ઉડાવે છે અને એમાંથી જ તેની એ છોકરીઓ સાથે મિત્રતા પણ થઈ જાય છે, સમય વીતતો જાય છે પણ પહેલા દિવસે થયેલી મુલાકાત વાળા એ છોકરા સાથે હજુ દિશાની વાત આગળ નથી વધતી, હજુ તે તેના વિચારોમાં જ ખોવાયેલી રહે છે, કોલેજના વાર્ષિક સમારંભમાં એ છોકરાને ગીત ગાતા જોઈને દિશા ભાન ભૂલી જાય છે..... વાર્તાના આગળના ભાગમાં દિશાની આ પહેલી મુલાકાત કઈ દિશામાં જઈ રહી છે તે જોઈએ...!!!


સમર્પણ - 2


લગભગ આખાય કાર્યક્રમ દરમિયાન દિશા મંત્રમુગ્ધ જ રહી. કાર્યક્રમના અંતમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા, '' ગીત સ્પર્ધામાં પહેલા ક્રમાંકે આવે છે.. બીજા વર્ષમાં અભ્યાસ કરતા..... મિ.રીતેષ અગ્રવાલ...'' દિશા તો જાણે પોતે વિજેતા બની હોય એમ ઉભી થઈને.  તાળીઓ પાડવા લાગી. બીજા કે ત્રીજા ક્રમાંકે કોણ આવ્યું એની તો એને જાણવાની ઈચ્છા પણ ક્યાં હતી? દિશાની નજર હજુ રીતેષ ઉપર જ હતી. ફરી કિંજલે એને ઢંઢોળી, ''અલી ઓય, મિત્તલ તો અહીંયા છે. તું ત્યાં શુ જોવે છે ?''  દિશાએ એમની બાજુ નજર કરતાં જ, '' અરે હા..હું તો એને જ શોધતી હતી. બહુ સરસ ગાયું એણે.'' મિત્તલ અને કિંજલ બંને આંખ ઝીણી કરીને એકીટશે એની તરફ જોઈ રહ્યાં. ''શુ થયું ? આમ કેમ જોવો છો ?'' દિશાએ પૂછ્યું. ''દિશા.. બકા.. હું બીજા ક્રમાંકે વિજેતા જાહેર થઈ તો પણ તું મને અભિનંદન આપતી નથી...નક્કી તારા મગજમાં કંઈક જુદું જ રંધાઈ રહ્યું છે.'' મિત્તલે ખોટું-ખોટું રિસાતાં કહ્યું. દિશા ફરી વખત વાત બદલવાનો વ્યર્થ પ્રયત્ન કરતાં પોતાની મનોદશા છુપાવી રહી.

કિંજલને દિશાના વારે-ઘડીએ આમ સપનામાં ખોવાઈ જવાનો અણસાર તો આવી જ ગયો હતો. પરંતુ એ દિશાને શરમમાં મુકવા માંગતી નહોતી એટલે એ વાતથી દૂર રહી હતી, પરંતુ આજે એણે મિત્તલ સાથે વાત કરી આ બાબતનું કારણ શોધી કાઢવાનું નક્કી કર્યું. દિશા એટલી ભોળી હતી કે એને ચહેરાના હાવભાવ છુપાવતા જ આવડતું નહોતું. બે દિવસના પાક્કા નિરીક્ષણમાં તો કિંજલ અને મિત્તલે કારણ શોધી જ લીધું. 

હવે તો વાત-વાતમાં બંને જણ દિશાને રીતેષના નામથી આડકતરી રીતે ચીડવતાં રહેતાં. દિશાને પણ રીતેષના નામ સાથે આ રીતે જોડાવું ગમતું છતાં એ પોતાની લાગણીને ખુલ્લેઆમ સ્વીકારતી નહીં. 

જેમ-જેમ દિવસો વીતી રહ્યાં હતાં, તેમ-તેમ દિશા રિતેષ તરફ વધારે ને વધારે ખેંચાતી જઈ રહી હતી.

આજે કોલેજમાં રોઝ ડે હતો. રોજની જેમ જ ત્રણેય બહેનપણીઓ કેન્ટીન તરફ જતી હતી. પાછળથી એક અવાજ આવ્યો, ''એક્સ્ક્યુઝ મી '' ત્રણેય જણે એક સાથે પાછળ જોયું. દિશાની તો એક ધડકન જ ચુકાઈ ગઈ. સામે રીતેષ હતો.

કિંજલ અને મિત્તલથી તો  માંડ મળેલી તક મુકાય જ કેમ ?

કિંજલ : (રીતેષ ના હાથમાં ગુલાબ જોતાં) ''દિશા... સ્ટેચ્યુ શું થઈ ગઈ છે ? જીજુ સામેથી પ્રપોઝ કરવા આવ્યા છે ને કઈં ?''

અણધાર્યું વાક્બાણ વાગતા જ રીતેષ પણ પાણી-પાણી થઈ ગયો. પરંતુ તે આજે મહા મુશ્કેલીએ હિંમત એકઠી કરી આટલું પણ કરી શક્યો હતો, એટલે હવે ઢીલું પડવું એને કોઈ પણ હાલતમાં પોસાય એમજ નહોતું. એણે બે સેકન્ડ માટે આંખ બંધ કરી પોતાના મગજને રિફ્રેશ કર્યું અને આજુ-બાજુનું બધું જ ભૂલી જઇ દિશા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો.

દિશા તરફ હજુ થોડુંક નજીક આવીને એને પીળું ગુલાબ આપતા ધીમેથી કહ્યું, ''મારી દોસ્તી સ્વીકારશો ?'' દિશા અનિમેષ નજરે જોઈ રહી, રીતેષે ફરી એકવાર હાથ વધારે આગળ ધરીને પ્રસ્તાવને દોહરાવ્યો. એ પીળું ગુલાબ જોઈ દિશાને આશ્ચર્ય જ થયું હતું, કારણ કે કોલેજમાં મોટા ભાગના યુવકો લાલ ગુલાબ લઈને જ ફરતા હતા. છતાં આ સમયની તો એ ક્યારની રાહ જોઈ રહી હતી. બીજી વારના પ્રસ્તાવથી દિશાને હકીકત ઉપર ભરોસો બેઠો. આજુ-બાજુ જોઈને એ થોડું શરમાઈ..વધી ગયેલા ધબકારને સંભાળતા, હળવેકથી હાથ લંબાવી, એ પીળું ગુલાબ સ્વીકારી, કાંઈપણ બોલ્યા વગર લાગણીથી તરબરતર નજર અને ગુલાબી સ્મિત સહ રીતેષ સાથેની દોસ્તીનો પ્રસ્તાવ એણે સ્વીકાર કર્યો.

કિંજલ : ''વાહ...વાહ...જીજુ...પાર્ટી તો બનતી હે...''

મિત્તલ : ''દિશા પણ ભારે જબરી હો ? કેવું તરત જ ગુલાબ લઇ લીધું ? જાણે કે રાહ જોઇને જ બેઠી હોય ?''

બંનેની ટીખળ સાંભળીને રીતેષ અને દિશા શરમાતા-શરમાતા, ઘડીક એકબીજા સામે તો ઘડીક નીચી નજર કરી રહ્યાં હતાં. દિશાએ કિંજલ અને મિત્તલ સાથે રીતેષનો પરિચય કરાવ્યો. બધાયના પાર્ટી મૂડને જોતા, ચારેય કેન્ટીન તરફ ઉપડ્યા. રીતેષ નાસ્તાનો ઓર્ડર આપી, દિશાને ચોકલેટ કાઉન્ટર પાસે લઈ ગયો. એને પૂછીને એને સ્પેશ્યલ ભાવતી ચોકલેટ લીધી અને એ ચોકલેટનું રેપર કાઢી ને એની ઉપર વીંટળાયેલા સોનેરી કાગળ ઉપર બોલપેનથી હળવા હાથે લખ્યું...''Thanks for being my friend''. દિશાને તો આ જાણે કે સોનાની ભેટ મળી ગઈ. એણે એ સોનેરી કાગળને  સાચવીને પોતાના પર્સમાં સેરવી લીધું. રીતેષની નજરથી એ અજાણ ના રહ્યું. 

એ રાત દિશા માટે કંઈક અલગ જ દુનિયા લઈને આવી હતી. ''સપનાનો રાજકુમાર શું આવી રીતે જ મળતો હશે ?'', ''મારે ને એને શુ સંબંધ ?'', ''કેમ આટલું બધું ખેંચાણ ?'', ''કેમ એને જોવાની કે મળવાની આટલી બધી તાલાવેલી ?'', ''શુ ખરેખર એની પણ પરિસ્થિતિ મારા જેવી જ હશે ?'', ''શુ વિચારતો હશે એ ?''

આવા વિચારોમાં જ રાત સડસડાટ વીતી ગઈ. આખી રાત ઊંઘ જ ન આવી છતાં એની આંખમાં ઉંઘનો સહેજ અણસાર પણ નહોતો.

બીજા દિવસે દિશા ઉતાવળે તૈયાર થઈને કોલેજ પહોંચી ગઈ. રીતેષ રાહ જોઇને જ બેઠો હતો. એકલામાં મળવાનો આ પહેલો અવસર હતો. દિશા થોડી સંકોચાઈ રહી હતી, ધીમે-ધીમે વધી રહેલી વાતોની વણજાર સાથે રીતેષ એનો સંકોચ દૂર કરવામાં ઘણે અંશે સફળ રહ્યો.

આ પહેલી મુલાકાતની યાદગાર ભેંટ સ્વરૂપે રીતેષે પોતાનો સફેદ રૂમાલ કાઢી, દિશા જોઇ ના શકે એમ ઊંધો ફરી જઇ, લાલ માર્કર થી એના પર કંઈક લખ્યું. રૂમાલ વાળ્યો અને પોતાના એક હાથથી દિશાનો હાથ પકડી બીજા હાથે એની હથેળીમાં મૂકી અને દિશાની આંગળીઓ વાળી દીધી.

દિશા એક-એક ક્ષણ પોતાને રીતેષ નામના ઊંડા કૂવામાં ડૂબતી જોઈ રહી હતી. અધીરાઈ સાથે એજ ક્ષણે રૂમાલ ખોલીને જોતાં જ અંતરના ઊંડાણના એક સકારાત્મક આશ્વાસન સાથે પહેલી ભેટનો સ્વીકાર એણે સહર્ષ આંખોની મૂક ભાષાથી કર્યો. એના પર લખ્યું હતું, ''You can trust me forever Deesha''.

પછીના એક-એક દિવસ દિશા જાણે કે રોજ નવી દુનિયામાં ફરી આવતી. રીતેષ ક્યારેક વડીલ બનીને પોતાને વઢી લેતો, તો ક્યારેક પરાણે ખોળામાં માથું મુકાવી પંપાળી લેતો. મિત્ર તરીકેની બધી જ ફરજો એ વગર કીધે એ પુરી કરતો. પણ એ વાતનું પણ ધ્યાન રાખતો કે દિશા પોતાનાથી અકળાઈ ના જાય, એટલે જરૂર જણાય ત્યાં જ એ દિશા ઉપર અધિકાર જમાવતો, અને બાકી એને પોતાના નિર્ણયો અને ઇચ્છાઓ પ્રમાણે વર્તવા મુક્ત રાખતો.

હવે રોજ કેન્ટીનમાં દિશા કિંજલ અને મિત્તલ બેઠાં હોય ત્યારે રીતેષ પણ આવી જતો અને ચારેય જણા સાથે બેસી નાસ્તો કરતા..કિંજલ, દિશા અને રીતેષ ત્રણેયએ પહેલાં જ નક્કી કર્યું હતું કે કોઈ પણ ખર્ચમાં સરખા ભાગે સહભાગી થવું અને દોસ્તીમાં ક્યારેય પૈસા ને મહત્વ આપવું નહીં. એટલે જ એ ત્રણ જણા કેન્ટીનનું બિલ ભરવામાં વારો રાખતાં. મિત્તલને તેઓ ક્યારેય ખર્ચ કરવા દેતા નહીં. એ ચારેય નાસ્તા-પાણી પછી થોડી મજાક-મસ્તી પણ કરી લેતા. કિંજલ અને મિત્તલ એ બંને જણને ફક્ત એક-બીજાના નામથી જ ગુલાબી રંગે રંગી દેતા.

કોલેજ બાદ દિશા અને રીતેષને એકલાં બેસવાનો સમય મળતો. ક્યારેક કલાસ બંક કરીને નજીકના બગીચામાં કે પાર્કિંગમાં પણ મળી લેતાં. હંમેશા નાની-મોટી સરપ્રાઇસથી એકબીજાને ખુશી આપવાની હરીફાઈમાં જ રહેતા. રીતેષ પાસે મોટાભાગે દુનિયાદારીની, રાજનીતિની કે કોલેજની પ્રવૃત્તિઓની વાતો રહેતી.  પહેલી જ મુલાકાતમાં રીતેષનો અવાજ એને પોતાના તરફ આકર્ષવા અંતરથી મજબુર કરી ગયો હતો. એટલે જ દિશા વાતો કરવાને બદલે એને સાંભળવાનું વધારે પસંદ કરતી. બંનેમાંથી કોઈએ પોતાની મર્યાદા ઓળંગવાનો પ્રયત્ન સુદ્ધાં કર્યો ના હતો. બંને એકબીજાને વધુને વધુ ઓળખવાની વૃત્તિને વધારે પ્રાધાન્ય આપતાં.

દિવસો વીતતાં ગયાં. રીતેષ, દિશા કરતા એક વર્ષ આગળ અભ્યાસ કરતો હતો. આજે એના માટે કોલેજનો છેલ્લો દિવસ હતો. એણે કંઈક વિચાર્યું અને દિશાને કહ્યું, ''દિશા કોલેજ પછી કેન્ટીનમાં થોડું વધારે રોકાજે, મારે કામ છે.'' 

દિશાનો એ દિવસ તો એને જરૂર કરતાં વધારે લાંબો જ લાગ્યો. રીતેષ પણ સમય કરતાં કંઈક વહેલો જ આવી ગયો હતો. દસેક મિનિટ પછી દિશાને આવતી જોઈ એના ધબકારા એની લય ભૂલી ગયાં. દિશાએ આવીને રોજની જેમ જ સામેની બેસવા માટેની જગ્યા લીધી. થોડીવારના મૌન પછી રીતેષ શર્ટનું બટન ખોલી, કંઈક અજુગતું કરતો હોવાનું લાગતા દિશા પ્રશ્નાર્થ નજરે એને જોઈ રહી. બે-ત્રણ સેકન્ડમાં જ એને પોતાના સવાલનો જવાબ મળી ગયો.

રીતેષે શર્ટમાં સંતાડેલું લાલ ગુલાબ, હાથની ધ્રુજારીને કાબુમાં લેવા, ઊંડો શ્વાસ લઈ દિશાને આપતાં કહ્યું, ''દિશા, હું તને બહુ જ પ્રેમ કરું છું. તારી સાથેના અત્યાર સુધીના સંપર્ક દરમિયાન એટલું તો હું સમજી જ શક્યો છું કે મને મારી લાઈફમાં જે વ્યક્તિના સાથની જરૂર છે એ તું જ છે, મેં ક્યારેય તારી સાથે સમયનો દુરુપયોગ કર્યો નથી, હંમેશા તને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરતો રહ્યો છું. પહેલા આપેલાં પીળા ગુલાબનો અર્થ પણ એજ હતો કે એકબીજાને જાણ્યા વગર પ્રેમના સ્વીકારને હું વ્યક્તિગત રીતે અયોગ્ય માનું છું. આજે આ લાલ ગુલાબ અને મનનાં મક્કમ નિર્ધાર સાથે હું તારા જવાબની રાહ જોઈ રહ્યો છું. શુ તું મને તારી જિંદગીમાં પણ ખાસ જગ્યા આપીશ ? મારા પ્રેમનો સ્વીકાર કરી આપણી અલગ-અલગ જિંદગીને સહિયારી બનાવવામાં સાથ આપીશ ?''


વધુ આવતા અંકે...



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ