વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સફર બે જન્મ વચ્ચેની

વાચક મિત્રો,

આ વિષય થોડો હટકે અને વિસ્મયકારક છે. જન્મ પહેલાંની અને પછીની સફર વિશે જાણકારી આપવાનો નમ્ર પ્રયાસ છે. આ જન્મમાંથી જન્મ પહેલાની દુનિયામાં લઈ જવાનો પ્રયાસ છે.

___________________________

 

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આપણે આપણી સ્વેચ્છાએ જન્મ લીધો છે? આપણે આપણાં માબાપને જાતે પસંદ કર્યાં છે? એટલે સુધી કે આપણા દોસ્ત, દુશ્મન, સગા-સંબંધી, આપણી પત્ની અને આપણાં બાળકો. આ બધાંને આપણે માના ગર્ભમાં પ્રવેશતાં પહેલાં નક્કી કરી લઈએ છીએ. એમની પાસેથી આપણે ઘણું બધું શીખવાનું હોય છે.

જે વર્તમાનમાં આપણો કટ્ટર દુશ્મન એ આપણા ગયા જન્મનો ખાસ મિત્ર છે.

 

આપણો આપણા પરિવારમાં જન્મ લેવો એક આકસ્મિક ઘટના નથી કે નથી કોઈ દુર્ઘટના. આપણે પોતે જ આપણા જીવનની પરિસ્થિતિઓને જાણી જોઈને પસંદ કરી છે. આપણા ભાવિ જીવનની યોજના ગર્ભમાં પ્રવેશતાં પહેલાં નક્કી કરી લીધી હોય છે. આ યોજના બનાવવામાં કેટલીક આધ્યાત્મિક આત્માઓ આપણી મદદ કરે છે. આજ આત્માઓ આપણને જીવનપર્યંત માર્ગદર્શન અને સુરક્ષા પ્રદાન કરે છે. આપણે જન્મ પછી આપણા સ્થૂળ શરીરમાં રહીને આપણી યોજનાઓને આગળ ધપાવીએ છીએ. આપણી પૂર્વ નિર્ધારિત યોજનાઓ એક પછી એક ઘટતી જાય છે. જેને આપણે ભવિષ્ય, નસીબ, ભાગ્ય અથવા નિયતી કહીએ છીએ.

 

આ ઘટનાઓ માટે આધારભૂત સાબિતી પણ મળી રહે છે. જેમ કે કેટલીક આત્માઓ પોતાનું ભવિષ્ય યોજના બનાવતી વખતે જ જોઈ લે છે. આ યોજનામાં એ નક્કી કરવામાં આવે છે કે આપણે કયા લોકોને મળીશું, કોણ આપણા આદર્શ સાથીદાર, આપણી પત્ની કે આપણાં આત્મીયજનો કોણ હશે. જે જન્મોજન્મથી આપણો સાથ નિભાવી રહ્યાં છે અને આ જન્મમાં પણ આપણી સાથે છે. એ ફરીથી આપણી સાથે જોડાશે. ત્યાં સુધી કે એ જગ્યાઓ પણ નક્કી થઈ ગયેલી હોય છે. જ્યાં ઘટનાઓ ઘટવાની હશે.

ક્યારેક ક્યારેક આપણને આભાસ થાય છે કે હું ફલાણી જગ્યા ઉપર પહેલાં જઈ આવ્યો છું, એ જગ્યા મેં ક્યાંક જોઈ છે અથવા એવું કઈંક કે જે આપણી સાથે બની ચૂક્યું છે. એના માટે એમ સમજી શકાય કે આ એક પૂર્વાવલોકનની એક ધૂંધળી સ્મૃતિ છે કે જે આપણે જન્મ લેતાં પહેલાં જે યોજના નક્કી કરી હતી તેનો એક ભાગ છે અને તે આપણા આ જીવનમાં ઘટી રહ્યો છે.

આ વાત દરેક લોકોને એક સમાનરૂપે લાગું પડે છે. ઘણીવાર એવા લોકો કે જેમને દત્તક લીધા હોય છે. તેઓ આ વાતને લઈને હેરાન થતા હોય છે. એમને એવું લાગે છે કે ક્યાંક એવું તો નથી ને કે એમની એમના જન્મ પૂર્વેની યોજનામાં કોઈ કારણવશ ખામી રહી ગઈ હોય? તો એમાં એવું બિલકુલ નથી. જેમ માતાપિતાને પસંદ કરવાનો નિર્ણય આપણા હાથમાં હોય છે તેમ દત્તક લેવાવાળા માબાપને પસંદ આપણે જ કર્યાં હોય છે. અહીં દરેક ચીજનું કારણ હાજર હોય છે. ભાગ્યમાં સંજોગોને સ્થાન નથી હોતું.

જો કે દરેક મનુષ્ય જન્મ સાથે એ જન્મની નિશ્ચિત રૂપરેખા લઈને આવે છે પરંતુ આપણી પાસે સ્વતંત્ર ઈચ્છાશક્તિ પણ હોય છે. આપણાં માતાપિતા અને અન્ય લોકો સાથે આપણો સંબંધ બંધાય છે. આપણે યોજના લઈને આવ્યા છીએ. તેનાથી આપણું અને તેમનું જીવન પ્રભાવિત થાય છે તેમ છતાં ભાગ્યમાં પસંદ કરેલ મંઝિલ અને પડાવ આપણા જીવનમાં આવે જ છે. તેને નકારી શકાતા નથી. આપણે એ લોકોને મળવું જ પડશે... જેમની સાથે મળવાનું આપણે પૂર્વાવલોકનમાં નક્કી કર્યું હતું. આપણા ભાગ્યમાં લખેલી તકો અને અવરોધો પણ આવશે કે જેને આપણે અગાઉથી નક્કી કરી હતી. હવે જોવાનું એ છે કે એ તકો અને અવરોધોને આપણે કેવી રીતે લઈએ છીએ અને એના માટે શું નિર્ણય લઈએ છીએ. એ આપણી સ્વતંત્ર ઈચ્છા ઉપર આધાર રાખે છે.

ભાગ્ય અને સ્વતંત્ર ઈચ્છાઓ હમેશાં સાથેસાથે ચાલે છે. એકબીજા સાથે વણાયેલી હોય છે. એ બંને એકબીજાની પૂરક છે.

ગર્ભ ધારણ વખતે આત્મા એ ખાસ શરીરને પ્રાપ્ત કરવા માટે તેની આસપાસ સતત ચોકી કરે છે કે બીજી કોઈ આત્મા એ શરીર પર કબ્જો ના કરી લે. તે ખાસ પસંદ કરેલ શરીર માટે પોતાનું આધિપત્ય નક્કી કરે છે.

જોકે વાસ્તવિક રૂપમાં જન્મ પહેલાં આત્મા અને શરીરનું મિલન પૂરું નથી થતું. જ્યાં સુધી બાળકનો જન્મ નથી થતો ત્યાં સુધી તેની આત્મા તેમાંથી ઈચ્છે એટલી વાર શરીરની અંદર બહાર આવ જા કરી શકે છે અને બહારની ઘટનાઓ વિશે સજાગ બને છે એટલું જ નહીં તે એની માના શરીરની ચારેબાજુમાં બનતી ઘટનાઓથી સજાગ રહે છે.

અત્માઓને કોઈ નુકશાન પહોંચાડી શકાતું નથી. ભ્રૂણહત્યા કે ગર્ભપાતથી પણ આત્માને કોઈ નુકસાન થતું નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ગર્ભ ધારણ કરી શકવાની પ્રક્રિયા પૂરી નહીં થવાની અવસ્થામાં આ આત્મા ફરીથી એ જ દંપતીના સંતાનનું શરીર ધારણ કરે છે.

ગર્ભની સાથે જોડાયેલી સ્મૃતિઓ ખૂબ મહત્વ ધરાવે છે. એ દર્શાવે છે કે જન્મ પહેલાં પણ આપણી ચેતના પૂરી રીતે સક્રિય અને સજાગ હોય છે. ભ્રૂણ અને નવજાત શિશુ આપણી અપેક્ષાથી વધુ ઘણી બધી

બાબતો પ્રત્યે સજાગ અને સંવેદનશીલ હોય છે. એ ઘણી બધી બાબતોને ફક્ત ગ્રહણ જ નથી કરતાં પણ એનો આંતરિક સંબંધ પણ શોધે છે... માટે જ આપણે નાનાં બાળકો સાથે વાત કરતી વખતે સમજી વિચારીને વાત કરવી જોઈએ અને એને અનુરૂપ વર્તન કરવું જોઈએ. એ શબ્દો, લાગણીઓ કે વિચારોના માધ્યમ દ્વારા વ્યક્ત પ્રેમ જ કેમ ના હોય? બાળકો એને ગ્રહણ કરવા માટે ખૂબ સંવેદનશીલ હોય છે.

જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારે આપણે એ ખૂબસૂરત પરિમાણોની દુનિયા કે જેને અત્યારે છોડીને આવ્યા હતા તે સારી રીતે આપણને યાદ હોય છે. આપણે પ્રેમ આપવા અને સ્વીકારવા, વિશુદ્ધ આનંદનો અનુભવ કરવા અને વર્તમાનની ક્ષણોને પૂરી સજાગતા સાથે જીવવા માટે આપણે જન્મ લઈએ છીએ. એક બાળકના રૂપમાં આપણે ક્યારે પણ ભૂતકાળ કે ભવિષ્યને લઈને ચિંતિત હોતા નથી. આપણે સહજભાવે વર્તમાનને ભરપૂર માણીએ છીએ. આપણને આ રીતે જીવવા માટે ધરતી પર મોકલવામાં આવ્યા છે. પણ આપણે થોડા મોટા થઈએ છીએ ત્યારે આપણા મગજ ઉપર ભાર વધવાનું શરૂ થઈ જાય છે. આપણે જેમજેમ મોટા થઈએ છીએ તેમતેમ આપણાં માતાપિતા અને સમાજ આપણા મગજમાં સંસ્કૃતિ, ધર્મ, મૂલ્યો, સંસ્કાર તથા માન્યતાઓ એટલી હદ સુધી ભરી દે છે કે આપણી જન્મજાત બુદ્ધિમત્તા કચડાઈ જાય છે. જો આપણે આપણા મન અને મગજ પર થઈ રહેલા અતિક્રમણનો વિરોધ કરીએ તો માતાપિતા અને સમાજ આપણને જુદાજુદા ડર, ભય, પછતાવો, નિંદા, ટીકા, અપમાન વગેરે માધ્યમ દ્વારા દબાણમાં રાખવાની કોશિશ કરે છે. ક્યારેક ક્યારેક તો બહિષ્કાર, નિર્વાસન, પ્રેમથી વંચિત રાખવા, ભાવનાત્મક કે શારીરિક દુર્વ્યવહાર સુધી પહોંચી જાય છે.

આપણાં માતાપિતા, શિક્ષકો, સમાજ અને સંસ્કૃતિ ક્યારેક ક્યારેક તો એવું જુઠ્ઠાણું શીખવાડે છે કે એ આપણા વિકાસમાં ખતરનાક અવરોધો ઉત્પન્ન કરે છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ આનું સચોટ ઉદાહરણ છે. જેનાથી વિશ્વ પાયમાલી તરફ ધકેલાઈ રહ્યું છે. જેને પાછું વાળવું સંભવ નથી.

જો આપણે બાળકોને એમની મરજી પ્રમાણે જીવવા દઈએ તો બાળકો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને બતાવી શકે છે. જી હા, આ બિલકુલ સત્ય વાત છે. ક્યારેય બાળકોના સવાલને અવગણો નહીં. એમની જિજ્ઞાસાને સરસ રીતે સંતોષો.

આપણાં બાળકો ઘણું બધું ભૂલી જાય તે પહેલાં આપણે તેમની પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે. પૂર્વજન્મમાં અને આ જન્મમાં આપણે બાળક રહી ચૂક્યા છીએ. આપણે આપણી બાળપણની સ્મૃતિઓને ઘણી વખત યાદ કરીને પછી પાછા ભૂલી ગયા છીએ. પરંતુ આપણે આપણા અસ્તિત્વ અને આપણી દુનિયાના અસ્તિત્વને બચાવવું હોય તો અત્યારે ફરીથી એને યાદ કરવું પડશે. આપણે જેના કારણે હતાશા અને દુ:ખના સમુંદરમાં ડૂબી ગયા છીએ.... તે 'બ્રેઈન વોશીંગ' માંથી બહાર નીકળવું પડશે. આપણે પ્રેમ અને આનંદની અનુભૂતિ મેળવવા માટે આપણી નૈસર્ગિક પ્રતિભાનો ઉપયોગ કરતાં ફરીથી શીખવું પડશે. જે આપણે જન્મ વખતે હતા... એવા પૂર્ણ મનુષ્ય બનવું પડશે.

 

આપણી ઉપર એવાં કેટલાંક ઋણ છે કે એમને ઉતારવાં અત્યંત જરૂરી છે. જો આપણે એ ઋણ નહીં ઉતારીએ તો આપણે તેને આગળના જન્મમાં સાથે લઈ જઈશું. જેથી એ ઋણ ઉતારી શકીએ. આપણે આપણાં ઋણ ઉતારતાં ઉતારતાં જીવનમાં આગળ વધીએ છીએ.

 

કોઈ જાતિ કે સમુદાયમાં પુનર્જન્મ લેવા માટે એક સુનિશ્ચિત રીત છે. જેમાં એ જાતિ કે સમુદાય પ્રત્યે મનમાં મહત્તમ ઈર્ષા, નફરત કે દ્વેષભાવ રાખવો. નફરત અને ઘૃણા એ તમને એ સમુદાયમાં લઈ જવાની એક્સપ્રેસ ટ્રેન છે. ક્યારેક ક્યારેક કોઈ આત્મા ઘૃણામાંથી પ્રેમ કરવાનું શીખે છે. કોઈ પણ વ્યક્તિ માટે ઘૃણા ના કરશો. ઘણા લોકોને એવી આદત હોય છે કે ગરીબ અને ભિખારીઓને સતત હડધૂત કરે છે. એમનું અપમાન કરવાનો કોઈ મોકો ચૂકતા નથી તો શું થશે? આવતા જન્મમાં પોતે પણ એજ સમુદાયમાં જન્મ લેશે.

આ થિયરી માત્ર નિમ્ન કુળ કે સમુદાયમાં જન્મ લેવા માટે છે.

જો ઉચ્ચ અને શાલિન કુળમાં જન્મ લેવો હોયતો તમારાં કર્મ શ્રેષ્ઠ અને ઉત્તમ હોવાં જોઈએ. મોહ, માયા, કામ, ક્રોધ, લોભ, મદ અને મત્સર ભાવ થી દૂર હોવાં જોઈએ. જીવદયા, કરૂણા સભર અને નિર્મોહી હોવાં જોઈએ. જો આપણે કોઈ પણ કર્મ સ્વાર્થ પૂર્તિ માટે કરીએ છીએ ભલે ને તે શ્રેષ્ઠ કર્મ હોય છતાં એ નિમ્ન કોટિનું ગણાય છે કારણ કે કર્મમાં સ્વાર્થ ભળે છે.

 

વાચક મિત્રો,

હું અહીં મારા લેખનને વિરામ આપું છું. આ લેખ એક ઝલક માત્ર છે. જો તમારો સાથ અને સહકાર મળે તો આ વિષય ઉપર ઘણું બધું લખી શકાય એમ છે.

આગળ વાંચવાની જિજ્ઞાસા થાય તો પ્રતિભાવો જરૂર આપશો. જેથી મારી કલમ આગળ ચાલે.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ