વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ-૨૧ )

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૨૧)

* નાનકડી છોકરીનું રહસ્ય *


રહસ્યમય - રોમાંચક - હોરર -  સાહસ કથા.


લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'

--------------------------------------------------------


  અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવે છે. કામિની અને તેની માંથી છૂટકારો મેળવ્યા બાદ અમારી પાછળ એક બલા પડે છે જે અમને એક જગ્યાએ લઈ જાય છે ત્યાં પેલી નાનકડી છોકરીની પાછળ જતાં અમને એક રહસ્યમય ગુફા તથા સાધુ મહારાજનો ભેટો થાય છે. સાધુ મહારાજ એક પછી એક રહસ્યો અમને જણાવે છે.


   સાધુ મહારાજનાં શબ્દો અમે બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા. એમણે જે જણાવ્યું એ સાંભળીને અમને લાગ્યું કે આ ગીરનાર ખરેખર એક રહસ્ય છે.


   " તમને લોકોને જે છોકરી વારંવાર દેખાતી હતી એ કોઈ સામાન્ય છોકરી નથી. એ એક દૈવી સ્વરૂપ છે, શક્તિનું સ્વરૂપ છે. તમને મુસીબતોમાંથી બચાવનાર માતાજી છે. જે હજારો વર્ષોથી આ ગીરનાર અને તેની વન્યસૃષ્ટિનું રક્ષણ કરતી આવી છે." સાધુ મહારાજે જણાવતાં કહ્યું.


   " મહારાજ! ખરેખર જો એ દૈવી શક્તિ હોય તો તે પોતાના મુળ સ્વરૂપમાં કેમ ન આવે! તે અમારી સાથે વાતચીત કરવાને બદલે કે કંઈ કહેવાને બદલે અદ્રશ્ય કેમ થઈ જતી? " મનોજભાઈએ શંકા દર્શાવતાં સાધુ મહારાજને પૂછ્યું.


  " એ ક્યારેય પણ પોતાના મુળ સ્વરૂપમાં કોઈને ન દેખાય. એનાં મૂળ સ્વરૂપનાં દર્શન દુર્લભ છે. મેં પણ હજુ સુધી તેમનાં દર્શન કર્યા નથી પરંતુ તે હયાત છે અને હંમેશા આ જંગલોમાં વિચરણ કરતી રહે છે. તમારી જેમ કોઈ નિષ્પાપ મનુષ્ય હોય તો તેનું રક્ષણ પણ કરે છે અને જો કોઈ લોભ - લાલચથી આવ્યા હોય તો તેઓને તેમનાં કર્મોની સજા પણ આપે છે. " સાધુ મહારાજે મનોજભાઈની શંકાનું સમાધાન કરતાં કહ્યું.


  " મહારાજ! એમનાં અસ્તિત્વ અને પ્રાગટ્ય વિશે વિસ્તૃત જણાવવાની કૃપા કરો. શા માટે તે આમ જંગલોમાં વન્યસૃષ્ટિ માટે વિચરણ કરે છે?" મેં વધુ જાણવાની ઈચ્છા સાથે સાધુ મહારાજને પૂછ્યું.


  સાધુ મહારાજે કહ્યું કે, " એમનાં પ્રાગટ્યની કથા તો બહુ લાંબી છે પરંતુ હું  ટુંકમાં જણાવું છું. જે મારા ગુરુ ગીરનારી મહારાજ પાસેથી મને જાણવા મળી હતી.

 

       આજથી હજારો વર્ષો પહેલાં આ જગ્યાએ એક ખૂબ જ ઊંડી ખીણ હતી. એ એટલી ઊંડી હતી કે તેનો કંઈ અંત નહોતો.


     એ ખીણમાં પડી જવાને લીધે ઘણાં મનુષ્યો અને પ્રાણીઓ જીવ ગુમાવતાં હતાં. આથી બધાએ ભેગા મળી ઈશ્વરની સ્તુતિ કરી અને આનો ઉપાય કરવા કહ્યું.


      ભગવાને પ્રસન્ન થઈ તેમની પ્રાર્થના સાંભળી. તેમણે 'રૈવતક' નામનાં પર્વતને આદેશ કર્યો કે તે આ જગ્યાએ આવી અને આ ખીણને પૂરી દે. ( આ પર્વતનો ઉલ્લેખ પુરાણોમાં ઘણી જગ્યાએ જોવા મળે છે.)

  ' રૈવતક ' પર્વતના ખીણમાં આવી જતાં સમસ્યાનું સમાધાન તો થયું પણ તે એટલો ઊંચો હતો કે સમસ્યા ફરી જટીલ બની ગઈ. ભગવાન શંકરે રૈવતક ઊભેલો હતો તેને એક પડખે સુવડાવી દીધો. ખીણની બહાર માત્ર તેનું મુખ અને ડોકનો ભાગ જ રહ્યો.(આજે પણ ગીરનાર પર્વતના ફોટાને આડો કરીને જોવામાં આવતાં તે સુતેલા ઋષિના મુખ જેવો દેખાય છે.


     તે ભગવાન શિવનો ભક્ત હતો આથી ભગવાન શંકરે બદલામાં કંઈક વરદાન માંગવા કહ્યું. 'રૈવતકે' વરદાન માંગતા કહ્યું કે આ પૃથ્વી પર એવી કોઈ જગ્યા નથી જ્યાં એક સાથે તમામ દેવી - દેવતાઓનો વાસ હોય. જો ખરેખર તમે મારા પર પ્રસન્ન થયા હોવ તો મારા પર અને અહીં આસપાસ તેત્રીસ કોટિ દેવી - દેવતાઓનો વાસ થાય એવા આશીર્વાદ આપો.   ( અહીં એક ખાસ વાત એ કે મોટા ભાગના લોકો તેત્રીસ કોટિને તેત્રીસ કરોડ સમજે છે પરંતુ એવું નથી. તેત્રીસ કોટિ એટલે તેત્રીસ પ્રકારના દેવી-દેવતા. કોટિનો અર્થ પ્રકાર થાય છે.)


     આવનારાં સમયમાં આ એક સ્થાનના દર્શન કે પરિક્રમા માત્રથી પ્રાણીનું કલ્યાણ થાય એ માટે મારે આ આશિવૉદ જોઈએ છે જેથી આ સમગ્ર વિસ્તાર દેવી - દેવતાઓના વાસના લીધે પવિત્ર બને.


   ભગવાન શંકરે તથાસ્તુ કહીને તેમની ઈચ્છા પૂરી કરી. એ રીતે અહીં તમામ દેવી - દેવતાઓનો એક સાથે વાસ છે. ત્યારબાદ રૈવતકે માં આદ્યશક્તિની આરાધના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ આદ્યશક્તિએ પ્રગટ થઈ તેને વરદાન માંગવા કહ્યું.


    રૈવતકે વરદાન માંગતા કહ્યું કે તમે મારા પર નિવાસ કરો અને પ્રાણી માત્રનું કલ્યાણ કરો. મારી આસપાસ દુર્લભ પ્રકારની ઔષધીઓ અને વન્યસૃષ્ટિનું નિર્માણ કરો.


     આદ્યશક્તિએ તેનાં વરદાન અનુસાર તેના પર પોતાનું પ્રાગટ્ય કર્યું અને દુર્લભ ઔષધિઓ અને વન્યસૃષ્ટિનું નિર્માણ પણ કર્યું. અમુક સમય પછી અમુક લોભી અને લાલચુ લોકોના ઉપદ્રવને લીધે તેનો ગેર ફાયદો થવા લાગ્યો. ઔષધીઓનો દવા તરીકે ઉપયોગ થવાને બદલે ફાયદા માટે ઉપયોગ થવા લાગ્યો.


     આ બધું જોઈને રૈવતકે આદ્યશક્તિને ફરી પ્રાર્થના કરી. માં આદ્યશક્તિએ પ્રગટ થઈને કહ્યું કે આ તો હજી શરૂઆત છે. કળીયુગમાં આથી પણ વધુ કપરો સમય આવશે. આ ઔષધીઓ અને વન્યસૃષ્ટિને આમ રાખવી હિતાવહ નથી.


    રૈવતકે આ વાતનું સમાધાન કરવા માટે વિનંતી કરી. તેની વિનંતીને લીધે આદ્યશક્તિએ કહ્યું કે આજથી આ ઔષધીઓ સામાન્ય લોકો માટે મેળવવી મુશ્કેલ બનશે. અમુક લોકો જ તેને ઓળખી શકશે અને લોકોનાં કલ્યાણ માટે તેનો ઉપયોગ કરી શકશે.


    આ ઔષધીઓ અને વન્યસૃષ્ટિનું હું અનંત કાળ સુધી રક્ષણ કરતી રહીશ. હું હંમેશાં કોઈને કોઈ રૂપે અહીંના જંગલોમાં વિચરણ કરતી રહીશ. જે કોઈ લોભ અને લાલચથી આવી વસ્તુઓ વિશે જાણી તે ચોરી કરવા આવશે તો તેને હું તેમનાં કર્મોની સજા કરીશ.


   રૈવતકને આશિર્વાદ આપી માં આદ્યશક્તિ અંતર્ધ્યાન થયા અને જે ઔષધીઓ પહેલાં નજર સમક્ષ અને સરળતાથી પ્રાપ્ય હતી તેને નવું સ્વરૂપ આપી અને અપ્રાપ્ય બનાવી દીધી.

( આ રૈવતક પર્વત અને આદ્યશક્તિની કથા કોઈ કાલ્પનિકતા નથી પરંતુ આપણાં મહાભારત અને પૂરાણમાં તેનો ઉલ્લેખ છે.)


    ત્યારથી માંડીને અત્યાર સુધી માં આદ્યશક્તિ અહીં વિચરણ કરતી રહે છે પરંતુ તેમનાં સ્વરૂપનાં દર્શન કરવા દુર્લભ છે એટલાં માટે તે આવાં કોઈના કોઈ રૂપે જોવા મળે છે.


   રૈવતક પર્વતને મળેલાં આશિર્વાદ મુજબ જે મનુષ્યો ભક્તિ ભાવથી તેની ઉપાસના અને પરિક્રમા કરે છે તેને તમામ દેવતાઓનો આશિર્વાદ મળે છે અને તેનું કલ્યાણ થાય છે.


  પ્રાચીન સમયમાં જે રૈવતક હતો તે સમય અને કાળે બીજા ઘણાં નામથી ઓળખાયો અને આજે ગીરનાર તરીકે જાણીતો છે.


   તમારા લોકોનાં મનમાં લોભ કે લાલચ હતાં નહીં એટલે જ એ છોકરી તમને કોઈ ને કોઈ રીતે અહીં સુધી લાવી છે. " સાધુ મહારાજે પોતાની વાત પૂરી કરતાં કહ્યું.


" હા, મહારાજ! ખરેખર અમે ભાગ્યશાળી છીએ કે અમને એ છોકરી રૂપે રહેલી શક્તિનાં અને તમારાં જેવા સિદ્ધ યોગીના દર્શન થયાં. નહીંતર આ સમયમાં આવું કંઈ પણ જોઈ શકવું કે માનવું ખરેખર અશક્ય જ છે." કલ્પેશભાઈએ સાધુ મહારાજને પ્રણામ કરતાં કહ્યું.


" હું તમારાં બધાની વિનમ્રતાને લીધે ખૂબ જ પ્રસન્ન છું. હું તમને એવી જગ્યાએ લઈ જઈશ જ્યાં પહોંચવું કોઈ કાળે શક્ય નથી." સાધુ મહારાજે ખુશ થઈને કહ્યું.


  " મહારાજ! તમે એવી કઈ જગ્યાની વાત કરો છો? તે જગ્યા ક્યાં આવેલી છે? " ભાવેશે અધીરતા પૂર્વક પૂછ્યું.


  ભાવેશનો આવો સવાલ અમારામાંથી કોઈને ન ગમ્યો. સાધુ મહારાજ અમને બતાવવા જ માંગે છે તો પછી આવા સવાલો પૂછવાનો શું અર્થ? મનોજભાઈએ આંખોના ઈશારાથી તેને ચૂપ રહેવા પણ કહ્યું.


    સાધુ મહારાજ પર તેનાં આવા સવાલોની કોઈ અસર ન થઈ હોય તેમ એજ સ્વસ્થતાથી તેમણે કહ્યું, " ઉપર જે ગુફા દેખાય છે તે ગુફાનું નામ છે 'અવિનાશી'. હું જે જગ્યા બતાવવાની વાત કરૂં છું તે આ ગુફા છે. તેમાં પ્રવેશ કરવો એ સામાન્ય મનુષ્યના હાથની વાત નથી. તે ગુફા સુધી જવાનો કે નીકળવાનો કોઈ રસ્તો નથી. મનની ગતિથી ત્યાં જઈ શકાય છે. "


  સાધુ મહારાજની આવી વાત સાંભળીને તે ગુફા જોવાની અને ત્યાં જવાની ઈચ્છા એકદમ વધી ગઈ. આટ આટલા રહસ્યો જાણ્યાં પછી વધુ એક રહસ્ય અમારી સામે ઉજાગર થવાનું હતું....( વધુ આવતા અંકે )


    તે ગુફામાં અમે કેવી રીતે જશું?? તેની અંદર કેવાં પ્રકારના રહસ્યો હશે?? અમારો ઘરે પહોચવાનો માર્ગ કઈ રીતે મળશે? એ જાણવા માટે વાંચતા રહો ગીરનારની અમારી આ ગેબી યાત્રાનો આવનારો અંક જે રહસ્યો પરથી પડદો પાડશે.


                    મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 8980322353 પર પણ આપનો મત જણાવી શકો છો.


  


  


  


 


  


   


  


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ