વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

શબ્દાંકન  - રિદ્ધિ પટેલ ©

લોકડાઉન દરમિયાન મારા એક મિત્રનો ઓસ્ટ્રેલિયાથી ફોન આવેલો. તે અહીં હતો ત્યારે અમે ઘણાં પ્રવાસ સાથે કરેલા. વાતો વાતોમાં તેણે મને અમારો એક પ્રવાસ યાદ કરાવ્યો. એ પ્રવાસનો અનુભવ તદ્દન અલગ છે એટલે થયું કે વાંચકોને પણ તેનું રસપાન કરાવું. થોડાં વર્ષો પહેલાની વાત છે. જાણી જોઈને જ હું સમય નથી લખી રહી પણ ચોમાસાની જ ઋતુ હતી. સતત ત્રણ મહિના ઓફિસમાં એક પ્રોજેક્ટ પર કામ કરેલું. પ્રોજેક્ટ સફળ રહ્યો એટલે તરત જ મેં રજા માગી લીધી. આજીજી કર્યા પછી મને આખરે ત્રણ દિવસની રજા મળી. સમય ઓછો હતો એટલે વધારે દૂર જવાને બદલે મેં માઉન્ટ આબુ જ જવાનું નક્કી કર્યું. આરામ તો કરવો જ હતો અને વળી જંગલોમાં જઈને પ્રકૃતિ સાથે થોડો સમય વિતાવવો હતો. મારા બીજા મિત્રોને તૈયાર કર્યા. માઉન્ટ આબુ ઘણું નજીક છે. મોટાભાગે બધા પોતાનું વાહન લઈને જવાનું વધુ પસંદ કરે પણ અમારે ટ્રેનમાં જવાનું નક્કી થયું. બધા મિત્રોને ઓફિસમાં વર્કલોડ હતો. કોઈ ડ્રાઈવિંગ કરવા તૈયાર નહોતું. વળી અમદાવાદથી માઉન્ટ આબુ જવા બસની  કોઈ ખાસ સુવિધાઓ એ સમયે હતી નહીં. ટ્રેન એકમાત્ર ઉપાય હતો, પણ સમય ઓછો હતો એટલે ટિકિટ મળે તેમ નહોતી. એક મિત્રએ ટિકિટ બુક કરાવાનું માથે લીધું. તેણે જ્યારે અમને જાણ કરી કે, ટિકિટ થઈ ગઈ ત્યારે અમને બધાને નિરાંત થઈ. હું તો ઓફિસમાં પણ જંગલમાં પ્રકૃતિની વચ્ચે હોઉ તેવી અનુભૂતિ થવા લાગેલી. શનિવારે સાંજની ટિકિટ હતી. ઓફિસથી સીધા જ સ્ટેશન પહોંચવાનું હતું. હું તો 2 કલાક વહેલી પહોંચી ગયેલી. દિવસો પછી મળેલી રજાને હું ભરપૂર માણવા માગતી હતી. મારા મિત્રો કલાક પહેલા પહોંચી ગયા. ટ્રેન જે સ્ટેશન પર આવવાની હતી અમે ત્યાં જઈને ઉભા રહ્યાં. બધા મસ્તીના મૂડમાં હતા. મારી જેમ બધા ઓફિસથી સીધા જ આવેલા એટલે સ્ટેશન પર અમે થોડો નાસ્તો કર્યો. થોડો નાસ્તો પ્રવાસ માટે સાથે લીધો. એટલામાં ટ્રેન આવી. અમે અમારો કોચ શોધવા લાગ્યા. અમારો કોચ મળ્યો કે અમે સીધા જ અંદર. અમારી સીટ પર જઈને સીધા જ ઉંઘવાનો પ્લાન હતો પણ અમારો પ્લાન નિષ્ફળ ગયો. અમારી સીટ પર પહેલેથી જ બીજા મુસાફરો બેઠાં હતા. અમને આશ્ચર્ય થયું. અમે ફરીથી અમારી ટિકિટ ચેક કરી. સીટ નંબર, કોચ નંબર બધુ બરાબર હતું. અમે પેલા મુસાફરોની ટિકિટ પણ ચેક કરી. તેમની ટિકિટમાં પણ કોચ અને સીટ નંબર સરખો જ હતો. અમે ચર્ચા કરી રહ્યાં હતા ત્યાં એક મુસાફરે કોચની બહાર લાગેલી મુસાફરોની યાદી ચેક કરવાની સલાહ આપી. અમે યાદીમાં અમારું નામ શોધ્યું ત્યારે બીજો ઝટકો લાગ્યો. એ યાદીમાં અમારા કોઈના નામ નહોતા. અમે એકબીજાનું મોઢું જોવા લાગ્યા. થોડીવાર પહેલાં જે ઉત્સાહ હતો તે બધો ઉતરી ગયો. અમારી પાસે ટિકિટ હોવા છતાં અમે પેલા મુસાફરોને કંઈ કહી શકીએ તેમ નહોતા. સામાન સાથે ટ્રેનમાંથી નીચે ઉતરવું પડ્યું. અમને લાગ્યું કે, રેલવે વિભાગથી કોઈ ભૂલ થઈ હશે. એક જ સીટ બે મુસાફરોને ભૂલથી આપી દેવાઈ હશે. હવે આ પ્રકારની ઈન્કવાયરી માટે સ્ટેશનની મુખ્ય બારી પાસે જવું પડે. અમારી પાસે સમય નહોતો. ટ્રેન ઉપડવાને 10 મિનિટની જ વાર હતી. એ જ સમયે એક ટિકિટ ચેકર અમને સામેથી આવતા દેખાયા. અમારા બધાની આંખોમાં થોડી ચમક આવી. લાગ્યું કે, ટિકિટ ચેકર અમારી સમસ્યાનો ઉકેલ લાવશે. અમે તેમની પાસે ગયા. અમારી ટિકિટ બતાવીને મદદ માગી. ટિકિટ ચેકરે પોતાની યાદીમાં ચેક કર્યું પણ એમાં અમારું નામ નહોતું. હવે તે શ્રીમાન પણ મુંઝાઈ ગયા. તેમને પણ લાગ્યું કે, રેલવે વિભાગથી કોઈ ભૂલ થઈ હશે. થોડીવાર તે કોઈ વિચારમાં ખોવાયા અને પછી અચાનક જ અમારી પાસે ટિકિટ માગી. તેમણે ટિકિટ ફરીથી ધ્યાનપૂર્વક જોઈ અને બોલ્યા, "અરે! તમારી આ ટિકિટ તો એક મહિના પછીની છે. એટલે પછી આજની યાદીમાં તમારા નામ ક્યાંથી હોય!" ટિકિટ ચેકરના ચહેરા પર રાહતનું હસ્ય રેલાયું અને અમારા ચહેરા એકદમ સફેદ થઈ ગયા. એક જ ક્ષણમાં પ્રવાસના સપના વેરવિખેર થઈ ગયા. સામાન સાથે ઘરે પરત જવાની મારામાં હિંમત નહોતી. ઓફિસમાંથી માંડ-માંડ રજા મળેલી. એક સાથે અનેક વિચારોથી મન અને મગજ ઘેરાઈ ગયું. ટિકિટ ચેકરે તો હસતાં મોઢે વિદાય લઈ લીધી અને અમે વિલા મોઢે ત્યાં જ ઉભા રહી ગયા. થોડીવાર પછી હું બોલી, "હું ઘરે પાછી નહીં જાઉં, મારે આ પ્રવાસ કેન્સલ તો નથી જ કરવો." મારી વાત સાંભળીને બધા ચોંક્યા. બીજી ટ્રેન છે કે નહીં તે જોવું પડે, તત્કાલ ટિકિટ મળશે તે નહીં તે જોવું પડે, પણ એ બધું કરતાં પહેલાં બધા મારી સાથે સહમત છે કે નહીં તે જોવું પડે. મેં મારા મિત્રોને પૂછ્યું. હવે હું તેમના જવાબની રાહ જોતી ઉભી રહી.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ