વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

પ્રકરણ -2 



        પચ્ચીસ કિલોમીટર જેટલું એકધાર્યું હાઈવે પર દોડી મારૂતિ વેને જંગલનો ખરબચડો રસ્તો પકડ્યો, સફા જાગૃત પણ શૂન્ય અવસ્થામાં તદ્દન નિષ્ક્રિય બેઠી હતી, આ નોન એસી ગાડીમાં એને અને પેલા યુવકને પણ ફાવટ આવતી ન હતી, એ યુવકનાં ચેહરા પરથી એ અકળાઈ રહ્યો હોય એવું લાગતું હતું, સફાએ થોડી વાર પહેલાં દરવાજો ખોલવાની નિષ્ફળ કોશિશ કરી હતી,  એ યુવકનો કરડાકી ભર્યો ચહેરો અને ભરાવદાર હાથ ઉઠતો જોઈ દરવાજાનાં હેંડલ પરથી ફરી હાથ હટાવી લેવો પડ્યો એણે! હોશ ખોવા પહેલાં અને હોશમાં આવવા પછી એ યુવક કે એનાં સાથીએ કોઈ બેશરમ હરકત કરી ન હતી, એ બાબતે સફા પણ નચિંત થઈ ગઈ હતી, પરંતુ એને કિડનેપ શાં માટે કરવામાં આવી છે, આ આખો મામલો શું છે?, એ વાત એની સમજની  બહાર હતી. યુવકે વિન્ડો ખોલી સિગારેટ સળગાવી, સફાએ નાક પર હાથ મૂકી અણગમો દર્શાવ્યો, પહેલી વાર એ યુવકનાં હોઠ પર સ્મિત ફરક્યુ, અને એણે સિગારેટ ફેંકી ગ્લાસ બંધ કર્યો, ડ્રાઈવર બાહોશીથી ખરાબ રસ્તા પર ધીમે ધીમે ખાડાં બચાવતો ડ્રાઈવ કરી રહ્યો હતો, છતાં વેન ક્યારેક ઉપર નીચે થઈ એ ત્રણેને  હિંડોળા ઝૂલાવી લેતી હતી! લગભગ દસેક કિલોમીટર પછી ફરી વેનને પાકો રસ્તો મળ્યો, યુવકે આગળની સીટ પરથી નાસ્તાની બેગ લઈ એમાંથી વેફર્સ કાઢી બે પેકેટ સફાને આપ્યા, એણે ગરદન હલાવી અનિચ્છા જાહેર કરી.. 


      “મેડમ, સફર લાંબો છે, હજી ત્રીસ કિલોમીટર આગળ જવાનું છે, થોડો નાસ્તો સારો રહેશે… રિઝવાન, બે ટીન આપ તો કૂલરમાંથી.. તું પણ લેજે ” એ યુવકે ડ્રાઈવરને ફ્રેન્ડલી અંદાજમાં કહ્યું. 


 “ જી અરબાઝ ભાઈ ” કહેતા ડ્રાઈવર રિઝવાને વેન થોડી ધીમી પાડી, 'નામ તો ઘણું રૂપાળું છે, અને કામ કેવાં મવાલી જેવાં કરે છે?' સફાનાં નિષ્ક્રિય મગજમાં આ એક વિચાર સક્રિય થયો! રિઝવાને ગિયર બોક્ષની આગળ ગોઠવેલાં ચોરસ  કૂલરમાંથી બે ટીન પાછળ આપ્યા, અરબાઝે એક સફાને આપ્યુ અને એક પોતે પીવા માંડયો. અસહ્ય ગરમીથી ગળું સૂકાઈ રહ્યું હતું, સફાને આનાકાની કરવાનું યોગ્ય ન લાગ્યું! આગળ ચેકપોસ્ટ આવતી દેખાઈ રહી હતી, સફાનું સોફ્ટ ડ્રિંકનું ટીન પુરૂં થતાં જ અરબાઝે કલોરોફોર્મ વાળો રૂમાલ હળવેથી એને નાકે લગાડયો, તાત્કાલિક અસરથી ઝૂકી જતી એની ગરદનને સીધી કરી સીટ પર ટેકવી દીધી! ચેકપોસ્ટ પર કોઈની મજાલ ન હતી કે આ ગાડીને ચેક કરે! પરંતુ સફા બૂમાબૂમ કરે તો વાત કાબૂ બહાર જાય તેમ હતી, અને અરબાઝને એ જ મંજૂર ન હતું! એ કારણે એને ફરીથી બેહોશ કરવી પડી હતી! દાદાનાં હુકમ મુજબ કામ શાંતિથી કરવાનું હતું, ચેકપોસ્ટ પર તૈનાત પોલીસમેને વેનને ચેક કરવાનું તો દૂર, ફક્ત ડ્રાઈવરનો ચેહેરો જોઈને જ હાથ હલાવી આગળ જવાનું ગ્રીન સિગ્નલ આપી દીધું, ચેકપોસ્ટનું બેરિયર ક્રોસ કરી રિઝવાન ગરદન પાછળ ફેરવી અરબાઝ સામે મલકાયો, અરબાઝ એનું મોઢું જોઈ ખડખડાટ હસી પડ્યો..! 


       હા, આ એમનો ઈલાકો હતો, આસપાસનાં પચાસ ગામ સુધી એમની હાક વાગતી, એક ચકલુંય અરબાઝનાં દાદા નવાબ વાહેદ અલી ખાનની પરવાનગી વગર ફરકી શકતું નહીં! હવે નવાબ તો ન રહ્યાં  હતાં, પણ દબદબો અને જાહોજલાલી એક નવાબને છાજે તેવી જ હતી, અંગ્રેજી રાજમાં આ એક જ રજવાડું એવું હતું, જે અંગ્રેજ સત્તાની પકડથી દૂર રહ્યું હતું, એનો શ્રેય નવાબ અમજદ અલી ખાનને,  વાહેદ અલી ખાનનાં પિતાજીને જતો હતો, તેઓની દુરંદેશી અને શાણપણનાં પ્રતાપે પચાસ ગામનાં પ્રજાજનો તેમને જ સર્વેસર્વા માનતાં, એમનો પડ્યો બોલ લોકો ઝીલતાં, ગરીબોનાં બેલી, ઈન્સાફનાં પ્રતીક ગણાતાં આ વંશમાં પરંપરાગત દરેક વારસ જન્મજાત શૂરવીર હતો, આઝાદી પછી લોકશાહી સ્થાપિત થયાં પછી પણ નવાબનો લકબ રહ્યો અને એ લકબને સાર્થક કરતા હોય તેમ આઝાદીના પાંસઠ વર્ષ પછી પણ નવાબનો દરબાર ભરાતો,  ગામેગામથી ગરીબ અને દુખિયારી પ્રજા પોતાનાં પ્રશ્નો લઈ એક વિશ્વાસ સાથે દરબારમાં હાજર થતાં અને  ન્યાયપૂર્ણ નિરાકરણ લઈને ખુશ ખુશ ગામ પાછાં ફરતાં. નવાબ વાહેદ અલી ખાન પણ પોતાનાં પૂર્વજોની જેમ ન્યાયપ્રિય હતાં, એમનાં દરબારમાં કોર્ટ કચેરીની જેમ કુર્આન, ગીતા કે બાઈબલ પર હાથ મૂકાવી કોઈ સોગંધ લેવડાવવાનો રિવાજ ન હતો, ન કોઈ વકીલ! છતાં કોઈને અન્યાય થવાની શક્યતા ન હતી, કારણ કે નવાબની ધાક અને રૂઆબ સામે ગુનેગારો પડી ભાંગીને પોતાનો ગુનો કબૂલ કરી લેતાં! ઈવન કે નવો હોદ્દો ધારણ કરનાર સરકારી અમલદારો પણ નવાબ સાહેબની દુઆ અને  રહેમ નજર માટે દરબારમાં હાજરી આપતાં, સુખ અને એશ્વર્ય નવાબ પરિવારનાં પગમાં આળોટતું હતું, અલબત્ત નવી પેઢીનો પહેરવેશ બદલાયો હતો પણ જાહોજલાલી અને ઠાઠ એ જ હતાં.. 


     સારા – નરસા રસ્તાનો અનુભવ લઈ વેન દિવાનગઢ સ્ટેટમાં પ્રવેશી, ટાઉનની ભવ્યતા આંખોને આંજી દે તેવી હતી, સફા થોડી વાર પૂર્વે જ હોશમાં આવી હતી, અહીંનાં જૂનાં ખડતલ મકાનોને મુકાબલે  શહેરનાં આર.સી.સી. નાં મકાનો ની ચમક ઝંખવાઈ જાય તેવી હતી, બાર-પંદર ઈંચની જાડાઈ ધરાવતી  ગેરૂઆ રંગની નક્શીદાર દિવાલો, તોતિંગ દરવાજા, ઝરૂખાઓ પરથી નજર હટવાનું નામ લેતી ન હતી, કિલ્લાનાં તોતિંગ ગેટ સામે વેન ઉભી રહી, સંત્રીએ ગેટ ખોલ્યો, ટાઈમ મશીનનો ઉપયોગ કરી પોતે મોગલોનાં સમયમાં પ્રવેશી રહી હોય એવી અનુભૂતિ સફાને થઈ, ગેટની એક્ઝેક્ટ સામે  અતિ ભવ્ય પેલેસની અદ્ભુત કોતરણી ડૂબતા સૂરજની રોશનીમાં ઝગારાં મારતી હતી, પેલેસની આસપાસ સારી એવી જગ્યામાં ઠેરઠેર ભાતભાતનાં વૃક્ષો હતા, ગેટથી પેલેસ સુધી જવા માટે પહોળો રસ્તો લાલ-પીળા પત્થરનાં બ્લોકથી  સુશોભિત હતો, રસ્તાની બંને બાજુએ અતિ નયનરમ્ય બાગ રંગબેરંગી ફુલોથી શોભી રહ્યાં હતાં, પેલેસની ડાબી–જમણી બાજુએ કિલ્લાની ભારે ભરખમ દિવાલને અડી લાઈનબંધ ઓરડા હતાં, ડાબી જમણી બંને તરફથી પેલેસની પછવાડે આખું લશ્કર એકસાથે શિસ્તબદ્ધ રીતે જઈ શકે એટલાં પહોળા રસ્તા હતાં,  પાછળનો વિસ્તાર હજી નજરોથી ઓઝલ હતો, પરંતુ આગળનું બેનમૂન બાંધકામ જોઈ પાછળનો અંદાજો લગાવવો આસાન હતો! આખો કિલ્લો અંદાજે 20 એકર માં વિસ્તર્યો હતો.. 


       સફા મનોમન સોચી રહી, ‘ કિડનેપ થઈને જો ન આવી હોત તો, આખી જિંદગી અહીં જ વિતાવી દેત!' (એને ક્યાં ખબર હતી કે આખી જિંદગી એણે અહીં જ વિતાવવાની છે!), એને યાદ આવ્યું- મમ્મા (સાયમા બેગમ) આવા જ કોઈ રજવાડાનાં શહજાદી હતાં, મમ્મા–ડેડીનાં લવમેરેજ હતાં, મમ્માએ થોડી  વાતો સંભળાવી હતી પોતાનાં મહાન ખાનદાનની, પરંતુ એ થોડી વાતમાં મમ્મા એટલુ રડ્યાં હતાં કે એણે આગળ સાંભળવાનું લેટ ગો કર્યું હતું, નાના–નાની–મામા–માસી વિશે એને હંમેશા જાણવાની જિજ્ઞાસા રહેતી, પણ એ જયારે પણ મમ્માને પૂછતી, મમ્મા પોતાનાં ભૂતકાળની શરૂઆત રૂઆબભેર કરતી,પરંતુ અધવચ્ચે રડી રડીને એની હાલત ખરાબ થઈ જતી, એ કારણે છેલ્લા બે વર્ષથી એણે મમ્માનો ભૂતકાળ ઉખેળવાનું બંધ કરી દીધું હતું, એ વર્તમાનમાં જીવવા વાળી નવાં જમાનાની છોકરી હતી, હા.. એને ભૂતકાળ જાણવો હતો, પણ મમ્માનાં આંસુનાં ભોગે નહીં, એમને ગુમાવીને નહીં...! 


        વેન પેલેસનાં ચાર મોટા થાંભલા વચ્ચે આવી ઉભી રહી, બ્રેકનાં ઝાટકાં સાથે સફા વિચારોમાંથી બહાર આવી, અરબાઝ નીચે ઉતરી એનાં તરફ ફર્યો, “ ચાલો મેડમ, તમારૂ મોસાળ આવી ગયુ..!” પછી એ રિઝવાન તરફ ફર્યો, " ગાડીને બરાબર ધોઈ  નંબર પ્લેટ બદલી  ગેરેજમાં મૂકી દે, હવે થોડા દિવસો સુધી એનું કંઈ કામ નથી.. સફા ' મોસાળ'  શબ્દ પર ચોંકી, પરંતુ  અરબાઝનાં રસ્તામાં બોલાયેલ થોડા વાકયોને કારણે આ વાક્યને પણ એણે કટાક્ષ સમજ્યો..! 


       સફાને પોતાને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે હવે એ અરબાઝનો પ્રતિકાર કરતી ન હતી, એની પર્સનાલિટીમાં કોઈ જાદુ હતો અથવા એ એનાંથી ડરતી હતી! એક આજ્ઞાકારી છોકરીની જેમ એણે ચૂં-ચાં કર્યા વિના અરબાઝથી થોડુ અંતર રાખી  પેલેસની અંદર જવા માટે પ્રયાણ કર્યું, બહારથી વધુ પેલેસ અંદરથી વધારે ખૂબસૂરત હતો, પચાસ બાય પચાસ ફૂટનો મોટો હૉલ, બંને તરફ નકશીદાર હાથાવાળી રજવાડી ખુરશીઓ લાઈનબંધ ગોઠવેલ હતી, સામે છેડે એક સ્ટેજ પર  ત્રણ ભપકાદાર ખુરશીઓ હતી, વચ્ચેની ખુરશી અસલ જુના જમાનાનાં રાજા મહારાજાઓનું જે સિંહાસન કહેવાતું તેવી હતી, અહીંની એકેએક વસ્તુ સફાને એટલી પોતીકી અને આત્મીય લાગી રહી હતી કે એને થયુ કે કાશ, આ એનું મોસાળ હોય..! એટલે જ કદાચ અરબાઝનાં કટાક્ષ પર એનો મોં પર સ્માઈલ આવી ગયું હતું! અને અત્યારે સફાને હોલનાં  નિરિક્ષણમાં તલ્લીન જોઈ અરબાઝ મલકાઈ રહ્યો હતો!


      "આપનું જ છે, સફા બેગમ! અહીં જ રહેવાનું છે આ બધું, ક્યાંય નથી જવાનું! આરામથી જોયા કરશો તો મને ગમશે!" કહી લાઈનબંધ ખુરશીઓની વચ્ચેથી નીકળી અરબાઝ સ્ટેજની જમણી તરફનાં દરવાજા તરફ ફંટાયો, અરબાઝની ટકોરથી ઝંખવાઈ ગયેલી સફાએ એને ફોલો કર્યો, એ દરવાજો ખોલી અંદર ગયો અને સફાને ત્યાં ઉભાં રહેવાનો હુકમ કર્યો! બે  મિનિટ પછી દરવાજાની બીજી તરફથી આધેડ વયની એક સ્ત્રીએ એનો હાથ પકડી હળવેથી દરવાજાની અંદર ખેંચી, જોતજોતાંમાં પંદર-સોળ જાજરમાન સ્ત્રીઓ એની આસપાસ ફરી વળી, બધી એક-એકથી ચડિયાતી હતી, પંદર વર્ષની કિશોરીથી લઈ ચાલીસ વર્ષ સુધીની સ્ત્રીઓ એ ટોળામાં હતી, આશરે પાંસઠ વર્ષનાં એક માજી ભપકાદાર લાકડી હાથમાં રાખી થોડે દૂર ઉભાં રહી ટોળું વિખરાઈ જવાની રાહ જોઈ સ્મિત કરી રહ્યાં હતાં. કોઈ માથે હાથ ફેરવતું, કોઈ ગાલે વહાલ વરસાવતું, તો કોઈ આંગળીનાં ટચકા ફોડી બલાઓ ઉતારતું, મીઠડા લેતું! એને કહેવાનું મન થયું, " કિડનેપ થઈ ને આવી છું, તમારો હીરો મને પરણીને નથી લાવ્યો!" એને નવાઈ લાગી રહી હતી, એ  લોકોને આવું બધું કરતા જોઈ, એક વાત એણે ખાસ નોટ કરી, એ કે બે - ત્રણ સ્ત્રીઓનાં ફેસ એની મમ્માને મળતાં આવતાં હતાં..! મમ્માનાં સગા તો ન હોય ને આ લોકો? મનમાં એક સુખદ  આશંકા એ જોર પકડ્યું,  એને આશ્ચર્યથી તાકી રહેતી જોઈ એ બુઝુર્ગ માજી આગળ આવ્યાં, એનું કપાળ ચૂમ્યું અને અનહદ પ્રેમથી બોલ્યાં, “  બિલકુલ મારી સાયમા જેવી જ છે…… બેટા… આપનું આમ નવાઈ પામવું જાઈઝ (યોગ્ય) છે, અમોને ખેદ  છે, કે આપને આ રીતે અહીં આવવું પડ્યું,પરંતુ આપનાં નાના અબ્બા - નવાબ સાહેબનાં હુકમ સામે અમે મજબૂર છીએ, આ આપની માંનો, આપનો જ  મહેલ છે, આપનાં આવવાથી ઘણા વર્ષો બાદ આ પેલેસમાં ખુશી આવી છે, આપનાં દીદારથી અમારી જીવવાની તમન્ના જાગી ગઈ છે…” નવાબી લહેજામાં નવાસીને આદરપૂર્વક સંબોધન કરતાં એ સફાનાં નાની હતાં, બીજી બધી આંખોમાંથી પણ સફા માટે સ્નેહ નીતરતો હતો.. 


        “દાદા અબ્બા આપને મેહમાનને લઈ અંદર બોલાવે છે.” અરબાઝે અંદરથી આવી સફાની નાનીને કહ્યું. “મેહમાન” શબ્દ પર સફાએ મોં ચઢાવી અરબાઝ તરફ જોયું, પણ એણે એક નજર ઉઠાવી સફા સામે ન જોયું, નાની અમ્મા પ્યારથી એનો હાથ પકડી નવાબ સાહેબનાં શયનકક્ષ તરફ દોરી ગયાં..

 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ