પ્રકરણ 4
સોટી વાગે સમ સમ...! (4)
વિજ્ઞાનના સાહેબ અમને એક પાઠ પૂરો થાય એટલે રમત રમાડતા. એ રમત એવી હતી કે દરેક વિદ્યાર્થી એક સવાલનો જવાબ પાકો કરી લાવે અને જેને પૂછવો હોય એને પૂછી શકે. જેને સવાલ પુછાયો હોય એ વિદ્યાર્થી એ સવાલનો જવાબ ન આપી શકે તો પૂછનાર ધારે તે સજા એને કરી શકે...કોઈ અંગુઠા પકડાવે, કોઈ ઉઠબેસ કરાવે અથવા કોઈ પાંચ વખત કે દસ વખત લખવા આપી શકે. કોઈ પોતાનું દફતર પણ એની પાસે ઉપડાવે. એ લેશન કરીને ન આવે તો પૂછનાર વિધાર્થી સાહેબને ફરિયાદ કરે અને સાહેબ પેલાને શિક્ષા કરે...!
વિજ્ઞાનના વિષયની આ રમત મને ખૂબ જ ભારે પડી રહી હતી. આવા સવાલોથી બચવા બે વિદ્યાર્થીઓ નાના નાના જવાબ હોય તેવા સવાલો એકબીજા સાથે વહેંચી લેતા.
''તું મને આ પૂછજે...હું તને આ પુછીશ..."એવી સમજુતીને કારણે દરેકને એક એક સવાલનો જવાબ પાકો કરવો પડતો.
પણ હું તો કાશ્મીરમાં ઘુસાડવામાં આવેલો આતંકી હોઉં એમ પહેલી લાઈનવાળા વિદ્યાર્થીઓ, ભગાની આગેવાની નીચે મારી સાથે યુદ્ધે ચડ્યા હતા. વર્ગમાં જે હોશિયાર છોકરીઓ હતી એ પણ ભગાના ધ્વજ નીચે મારી સામે મોરચો ખોલીને બેઠી હતી.
એટલે મારે એ રમત દરમ્યાન રોજેરોજ દસથી બાર મોટા મોટા સવાલોના જવાબ લખવાનું લેશન આવવા માંડ્યું. હું મારા સવાલની સમજૂતી મારી ટોળીના મારા એકાદ કઝીન સાથે કરી લેતો. પણ ભગો મારી પાછળ આદુ ખાઈને પડ્યો હતો. વિજ્ઞાનના સાહેબને મારી દયા આવતી એટલે પાંચથી વધુ વખત કોઈ લખવાનું કહે તો એમનો વિટો પાવર વાપરીને મને બચાવતા.
હું દિન-પ્રતિદિન વિજ્ઞાનના સવાલ જવાબ લખવાના લેશનમાં દબાતો ગયો. હવે એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ હું વિચારતો હતો.
નવું નવું અભ્યાસ પ્રત્યે વળેલું મારું મન પણ મને સાથ દઈ રહ્યું હતું.
એક દિવસ મને ઉકેલ મળી ગયો.
"રુધિરાભિસરણતંત્ર એટલે શું...?"
વિજ્ઞાનની ગાઈડના આખા પેઇઝને રોકીને પડેલા આ સવાલનો ઉત્તર મારી નજરમાં ઠર્યો.
"આ સવાલનો જવાબ જો હું મોઢે કરી લઉં તો ?...કોઈની તાકાત નથી કે આવડો મોટો જવાબ આપી શકે... પછી પહેલી લાઈનવાળાઓને દસ દસ વખત લખવા આપવાની કેવી મજા આવે...?"
એ બ્રહ્માસ્ત્ર સાબિત થાય તેમ હતું. પણ જો હું એ સવાલનો જવાબ વર્ગમાં આપી ન શકું તો એ બ્રહ્માસ્ત્ર મારી ઉપર જ આવે. સાહેબ ખિજાઈને વીસ પચ્ચીસ વખત લખવા આપી દે તો મરી જ જવાય ને...!
"રહેવા દે...ભરતા... રહેવા દે..." મન પાછું પડ્યું. પણ સાથે જ એક બીજો પણ વિચાર આવ્યો કે લાવ આ સવાલનો જવાબ પાકો કરવાનો પ્રયત્ન તો કરું...! નહીં થાય તો કોઈ બીજો સવાલ પૂછી લેશું. ટ્રાય કરવામાં શું નુકશાન છે...!
આટલા લાંબા સવાલના જવાબ કેમ પાકા કરાય એ કોઈએ શીખવ્યું નહોતું. એટલે જાતે જ ટ્રિક શોધી. માત્ર એક જ લીટી પાકી કરું પહેલા..એમ વિચારીને એક લીટી પાકી કરી.
ત્યારબાદ બીજી લીટી પાકી કરીને બંને લીટી મોઢે બોલી ગયો. પછી ત્રીજી...ચોથી...પાંચમી... અને એમ કરતાં કરતાં એ સવાલના જવાબનો પહેલો ફકરો મેં ગોખી નાખ્યો. દેવજીભાઈ સાહેબ કહેતા હતા કે મારી યાદશક્તિ સારી છે, એ મને યાદ આવ્યું. મારો ઉત્સાહ વધ્યો... બે-ત્રણ વાર એ ફકરો હું જોર જોરથી એક પણ ભૂલ વગર બોલી ગયો.
પ્રથમ ફકરા પરના વિજય પછી મેં મારું લશ્કર બીજા ફકરા પર છોડી મૂક્યું. માત્ર એક જ લાઈન પાકી કરી. પછી બીજી...ત્રીજી... એમ કરતાં એ ફકરો પણ મારા ચરણોમાં ઢળી પડ્યો.
બંને ફકરા વારાફરતી પાંચ વખત રિપીટ કર્યા.ત્યારબાદ ત્રીજો, ચોથો અને પાંચમો ફકરો મેં મારા મગજમાં ઘુસાડ્યો.
અંતે "રુધિરાભિસરણતંત્ર દ્વારા માનવ શરીરના હૃદયમાંથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ કેવી રીતે થાય છે, કઈ કઈ ધમનીઓ અને કઈ કઈ શિરાઓ આ કાર્યમાં ભાગ ભજવે છે,એ તમામ પ્રક્રિયા મારા હોઠ પરથી કોઈ પંડિત શ્લોકોની ધાણી ફોડે એમ ફૂટવા લાગી...!
હું ગાઈડ લઈને દોડ્યો સાહેબની મેડીએ...!
"લ્યો લ્યો સાહેબ...મેં આ મોટો સવાલ પાકો કર્યો છે...મોઢે લઈ લો...ને...!''
હવે મને સાહેબનો ડર લાગતો નહોતો. મેં સાહેબને એ સવાલ બતાવ્યો.
''આવડો મોટો સવાલ તેં શું કામ મોઢે કર્યો છે..? પરીક્ષામાં આટલો મોટો સવાલ પૂછાતો નથી,ભરત!"
સાહેબે આશ્ચર્યથી મને કહ્યું.
"સાહેબ, પરીક્ષા માટે નઈ.. મેં તો પેલી લાઈનવાળા સાટું આ સવાલ પાકો કર્યો સે..મારે ભગાને આ સવાલ પૂછવો છે.પેલી લાઈનવાળા બધા મને એકલાને જ સવાલ પૂછે છે..આ સવાલ હું બધાને પૂછવાનો છું. ન આવડે તો વીસ વીસ વખત લખવા આપવાનો છું." મેં હાથ મસળતા કહ્યું.
સાહેબ ખુશ થઈને હસી પડ્યા.
"પણ તને આવડો મોટો આ સવાલનો જવાબ યાદ રહેશે...?"
"હા...મેં પાકો કર્યો છે...!" મેં આત્મવિશ્વાસથી કહ્યું.
"ચાલ, બોલ જોઉં..."
સાહેબનો હુકમ થતા જ હું જવાબ બોલવા માંડ્યો.
કડકડાટ આખો જવાબ હું સાહેબ સામે બોલી ગયો...એક પણ ભૂલ વગર...! સાહેબે મને ઉંચકી લીધો.
"વાહ...મારા શિષ્ય...વાહ. અર્જુને પક્ષીની આંખ વીંધી ત્યારે ગુરુ દ્રોણને પણ આટલો આનંદ નહીં થયો હોય...એટલો હું ખૂબ રાજી થયો છું. કાલે તારું આ પરાક્રમ જોવા હું વિજ્ઞાનના પિરિયડમાં હાજર રહીશ...'' કહીને સાહેબે મને નીચે ઉતાર્યો.
બીજા દિવસે નિશાળે જતી વખતે ભગો મારી સાથે થઈ ગયો. થોડા દિવસ પહેલા એણે મારી પાસે દફતર ઉપડાવેલું એ મને યાદ આવ્યું.
"ભગા, આજ સાંજે છૂટીને ઘરે આવીએ ત્યારે તારે મારું દફતર ઉપાડવુ પડશે." મેં ભગાને કહ્યું.
"આમ છાનીમાની હાલતી થા... હું શું કામ તારું દફતર ઉપાડું...?''
"તો જોઈ લેજે..." કહી એનાથી અળગો થઈ મારી ટોળીના કઝીન ભાઈઓ સાથે થઈ ગયો.
હું બેસબરીથી વિજ્ઞાનના તાસની રાહ જોઈ રહ્યો હતો. આખરે એ ઘડી આવી પહોંચી. પહેલી લાઈનમાં હું પહેલો જ બેસતો હોવાથી સૌથી પ્રથમ મારે જ પ્રશ્ન પૂછવાનો હતો.
હું પ્રશ્ન પૂછવા ઉભો થયો. એ જ વખતે દેવજીભાઈ સાહેબ પણ આવી પહોંચ્યા...વિજ્ઞાનના સાહેબે એમની સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિએ જોયું. એમને સ્મિત વેરીને અમસ્તા જ આવ્યા હોવાનું જણાવી દીધું.
હું અદબ વાળીને ઉભો હતો. દેવજીભાઈ સાહેબે મારી સમક્ષ સ્મિત વેરીને મને જાણે કે ધનુષ્યનો ટંકાર કરવા કહ્યું.
"રુધિરાભિસરણતંત્ર એટલે શું ?"
મારો સવાલ સાંભળીને આખા કલાસમાં સોપો પડી ગયો. પહેલી લાઈનમાં ભગા સહીત બધાના માથા ઝૂકી ગયા.
બાબુલાલ સાહેબે ચમકીને મારી સામે જોયું. હું બ્રહ્માસ્ત્ર છોડી ચૂક્યો હતો.
"શું બોલ્યો તું...?
રુધિરાભિસરણ તંત્રનો સવાલ તેં પૂછ્યો...? આવડો મોટો સવાલ પુછાય...? તને આવડે છે...? " સાહેબ ખિજાયા.
"હા...મને આવડે છે..." મેં ડર્યા વગર કહ્યું.
''સાહેબે તને પહેલી લાઈનમાં બેસાડ્યો એટલે તું તારી જાતને હોશિયાર સમજે છે એમ ? પહેલી લાઈનમાં બેસી જવાથી એમ કોઈ હોશિયાર નો થઈ જાય. આવો અઘરો સવાલ નથી પૂછવાનો. ચાલ બીજો પૂછ."
"પણ સાહેબ, તમે એવું નહોતું કીધું કે મોટા સવાલ નઈ પુસવાના..મેં પાકો કર્યો સે. મને આવડે સે..." મેં કહ્યું.
''બાબુલાલ, એ બિચારાએ આ મોટો સવાલ પાકો કર્યો હોય તો એને એક તક મળવી જોઈએ... તમે આવી રીતે એને ઉતારી પાડો એ યોગ્ય નથી." દેવજીભાઈએ કહ્યું.
"ઠીક છે...જો એક પણ ભૂલ પડશે તો પચાસ વખત લખવા આપીશ. સમજ્યો..? હજી કહું છું, કોઈ બીજો સવાલ પૂછવો હોય તો તું પૂછી શકે છે...!''
"જી સાહેબ...મને મંજૂર સે. પણ જો મને આખો જવાબ આવડી જાય તો હું ગમે તેને ગમે તે સજા કરીશ...પસી તમે ના નઈ પાડતા...''
બાબુલાલ સાહેબ મારી સામે જોઈ રહ્યાં. પછી દેવજીભાઈ સામે જોઇને હસ્યાં, ''ભારે તૈયાર કર્યો છે હો તમે...!"
પછી મને કહ્યું,''બોલ જવાબ..."
મેં મારા મોંમાંથી એ સવાલના જવાબની અસ્ખલીત ધારા વહાવી. આખો વર્ગખંડ પિનડ્રોપ્સ સાયલન્સમાં ફેરવાઈ ગયો. લોબીમાંથી પસાર થઈ રહેલા આચાર્ય સાહેબ પણ અમારા વર્ગના બારણે ઉભા રહી ગયા...!
મેં વગર વિઘ્ને એ જવાબ પૂરો કર્યો. મારી ટોળકીએ તાળીઓનો ગડગડાટ કરી મૂક્યો. દેવજીભાઈ સાહેબે અને આચાર્ય સાહેબે પણ તાળીઓ પાડી...એટલે પછી બાબુલાલ સાહેબે પણ તાળી પાડી.
આચાર્ય સાહેબ વર્ગમાં આવીને મારી પીઠ થાબડી ગયા.
''જબરો નીકળ્યો હો...તું... શાબાશ...હવે આ સવાલનો જવાબ તો કોઈને પણ નહીં આવડતો હોય. એટલે પૂછવાનો કોઈ અર્થ નથી. તેમ છતાં તારી શરત મેં મંજૂર રાખી છે. એટલે તું જેને જે સજા આપવા માંગતો હોય એ બોલી નાખ." બાબુલાલ સાહેબે ખુશ થઈને કહ્યું.
"સાહેબ, આ પહેલી લાઈનવાળાને કહી દો...કે બધા ભેગા થઈને રોજ મને એકલાને જ સવાલ પૂછે છે. હવે હું એક જ સવાલનો જવાબ આપીશ...અને હા આ બધા પહેલી લાઈનના છોકરા અને છોકરીઓને બે બે વખત અને ભગાએ ચાર વખત આ સવાલનો જવાબ લખીને કાલે મને બતાવવો જ પડશે...!"
''બરાબર છે..હવેથી પેલી લાઈનવાળો કોઈ છોકરો તને સવાલ નહીં કરે બસ...? કાલે પહેલી લાઈનવાળા બધા બે બે વખત આ સવાલનો જવાબ લખી લાવજો." પછી ભગાને કહ્યું, ''તારે ચાર વખત લખવાનો રહેશે..!''
"અને એટલું જ નહીં સાહેબ, મને બે દાખલા બતાવવાના બદલામાં ભગાએ મને એનું દફતર ઘરથી નિશાળ સુધી ઉપડાવ્યું હતું...એને કહો કે આજે સાંજે છૂટીએ ત્યારે મારું દફતર એ મારા ઘર સુધી ઉપાડે... નહીંતર આ સવાલનો જવાબ કાલે પચાસ વખત લખતો આવે...!"
"ભગા...આવું કરાય...? તેં તારું દફતર ભરત પાસે ઉપડાવેલું...?"
સાહેબે ભગાને ઉભો કર્યો. ભગો અદબ વાળીને નીચું જોઈને ઉભો રહ્યો.
"તો આજે ભરતનું દફતર પણ તારે ઉપાડવું પડશે.''
તે દિવસે સાંજે શાળા છૂટી એટલે ભગો- અમારા કલાસનો મોનિટર... મારું દફતર ઉપાડીને ચાલે એ દ્રશ્ય જોવા મારી ટણક ટોળકી નિશાળના દરવાજે ભેગી થઈ ગઈ.
ભગાએ, હતાશ થઈને પોતાનું રાજ્ય હારી ચૂકેલા રાજવીની જેમ મારું દફતર એના બીજા ખભે ઉપાડ્યું. સ્કૂલની બહાર નીકળીને મેં મારું દફતર એની પાસેથી લઈ લેતા કહ્યું,
''લાવ્ય હવે, તારી જેવું કોણ થાય...તું પણ એક હોશિયાર વિદ્યાર્થી છો...કોઈની મજબૂરીનો લાભ હવે પછી ક્યારેય લેતો નહીં...પણ તું હવે યાદ રાખજે, તારે જેમ મહેનત કરવી હોય તેમ કરજે..એક વખત તારો પહેલો નંબર હું લઈ લેવાનો છું...જેમ તારી જગ્યા પર હું બેસી ગયો એમ જ...!"
ભગાએ કંઈ બોલ્યા વગર મારું દફતર મને આપી દીધું. અને મારી સાથે થોડીવાર ચાલ્યો.પછી એકાએક મારા ખભે હાથ મૂકીને બોલ્યો, ''ભરત, આજથી તું મારો ભાઈબંધ...હવે હું ક્યારેય તને હેરાન નહીં કરું...''
મેં પણ તરત કહ્યું,
''હા, દોસ્ત...તો ચાલ આપણી દોસ્તી પાક્કી...!"
અમે બંને એકબીજાના ખભે હાથ મૂકીને ઘર તરફ ચાલ્યા.
છઠ્ઠા ધોરણની વાર્ષિક પરીક્ષામાં મારો પાંચમો નંબર આવ્યો. ફરી એકવાર દેવજીભાઈ સાહેબે મને ઉંચકી લીધો.
હવે હું મારા કુટુંબમાં અને ગામમાં હોશિયાર છોકરો ગણાવા લાગ્યો.
દસમા ધોરણમાં મેં ભગાને પાછળ રાખી દીધો.. પછી તો અમે બંને ખૂબ સારા મિત્રો બની ગયા. હવે હું એને ક્યારેય ભગો નથી કહેતો. હમેશાં ભગવાન કહીને જ બોલાવું છું.ભગવાન, બારમા ધોરણ પછી ભણ્યો નહીં. એનું મન કોણ જાણે શા કારણથી અભ્યાસમાંથી ઉઠી ગયું... હું સાયન્સ ગ્રેજ્યુએટ થયો.
મારા માનસપટ પર આ ઘટના હમેશાં છવાયેલી રહી છે. આજે હું મારી પોતાની ખાનગી શાળા ચલાવી રહ્યો છું. મારા સાહેબે મને જે રીતે ઘડ્યો એ વાત જ્યારે મારી સ્કૂલના વિદ્યાર્થીઓને કહું છું, ત્યારે મારી નજર સમક્ષ એ કલાસમાં ગોઠણ સુધીની ચડ્ડી પહેરીને ઉભેલા એક ગરીબડા છોકરાની ઉઘાડી પિંડી પર સટ્ટાક.. સટ્ટાક..વીંઝાતી સોટીનું દ્રશ્ય આબેહૂબ દેખાય છે. મારી આ વાર્તા સાંભળીને મારી સ્કૂલના ઘણા ઠોઠ વિદ્યાર્થીઓને પ્રેરણા મળી છે. તેઓના પરિણામ પણ સુધર્યા છે. મારી સ્કૂલનું નામ પણ મેં એટલે જ પ્રેરણા વિદ્યાલય રાખ્યું છે. મારા એ ગુરુને દેવજીભાઈ સાહેબને હું ક્યારેય ભૂલ્યો નથી. મારા જેવા પથ્થરના ગડબામાંથી તેમણે એક સુંદર શિલ્પ ઘડ્યું હતું...!
એમની એ સોટી જો સમ સમ વાગી ન હોત તો કદાચ હું ખેતી કરતો હોત અથવા હીરા ઘસતો હોત... મારી છેલ્લી લાઈનવાળી ટોળકીની જેમ જ...!
મારા જીવનમાં "સોટી વાગે સમ સમ વિદ્યા આવે રૂમ ઝૂમ..!" એ કહેવત સંપૂર્ણ સાચી ઠરી છે..!
(સંપૂર્ણ)