વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મગનની મગજમારી

             

પરાણે પરણીને ઠેકાણે પડેલો મગનીઓ સવારે હાવ ડાચુ ચઢાવીને ડઈલાકાકાને ત્યાં દુધ લેવા જઈ રહ્યો હતો.દુધનું વાસણ ડઈલાકાકાના હાથમાં આપવાને બદલે થોડું છેતુ રાખતા સીધું ડઈલાકાકાના પગના અંગુઠા પર જઈને પડ્યું.

  "ઓઈઈઈઈ....માડી.... મરી ગયો.... ઓઓઓ"ની ચીસો પાડતો કાકો ભોયભેગો થયો.


​મગનીઓ સાવ ગભરાઈને ધ્રુજતા બોલ્યો; "કાકા આ હાથમાં હહરુ પોણી થતું સે..ઈ કારણે વાહણ સટક્યું..મને માફ કરજો.."


ઘુટણે હાથનો ટેકો દઈને માંડ ઉભો થતા કાકા બરાડ્યો.."હહરીના....એ પોણી તું પીને માથે ચઢાઈ મુઆ..મને નકામો નેચે નાખી દિધો.. પરમ દિ એ ધોઈ એ ધોતી તેં આજે બગાડી નાખી મરકટ..લોકો ધોતિયું જોઈને તરહ તરહની હંકા કરહે....હારો લગન કરીયા તો એ હાવ એવો ને એવો ડોફો જ રહ્યો."


"કાકા લગનની તો વાત જ નહી કરહો હોં..આ મારા ડોહાએ મને દઝાડ્યો સ.., હું ઓરોમથી મારી જાતે જીવી રહ્યો તો ત્યાં પાછળ ફટાકડાઓની લૂમ બાધી દીધી. મારી બેટી જ્યારે ને ત્યારે ફુટ્યા કર સ..અને ધુમાડાના ગોટા કાઢે સ..વળી,મારે એને ઢસડીને પરાણે કુદકા મારતા રેવું પડે સ.." મગનીઓ મોં ને મચકોરી બોલ્યો.


"ઓમ!! મારું બેટું મને કે હું જ વાઢો સુ એટલે હંતાપ સ પણ દખા તો પઈરેલાને પણ પડસ.. હા...હા..હા આપડે તો મસ્ત મૌલા...અને આ દુધના ધંધા ભલા..."કહીને ડોહાએ દુધ જેવી પાતળી હસી કાઢી.


વિચારતો વિચારતો મગનીઓ ઘર તરફ જઈ રહ્યો હતો ત્યાં એનો લંગોટીયો દોસ્ત ભલો ભટકાયો..(બેઉં બે જ લંગોટ વારાફરતી પહેરતાં હતા માટે બન્નેને લોકોએ આ ઉપનામ આપ્યું હતું.) "કાં મગન..ચ્યોમ સ ભઈ...? શોંતી સ ને ભાભીના રાજમાં તારા જીવને?"


"પથરા શોંતી હોઈ ભલા..આ..આ તારી ભાભી આખો દિ બસ ઓગળીઓ ચીંધીને કોમ બતાયા કરેશ..હું હાળો ભરેલા ભીંડા જેવી હમજતો હતો ઈ મારી બેટી તો હાવ જ કડવાં કારેલાની હંગ્ગી બુન નેકળી! ભુકા કાઢી નાખે સ આખો દિ અને રાત્રે વાળું પતાવીને એ..એએએ પોતે ઘહઘહાટ ઉંઘે સ..ને એના નહકોરો હાહળા મને બે ઘડી આખ્યું મીંચવા નથ દેતાં.. એરાન થઈ ગ્યો સુ ભઈ.હું હાવ એરાન થઈ ગ્યો બાપલીયા." મગનીઓ એક નાનું ધ્રુસકુ ચૂકવીને બોલ્યો.


"તો બાપાને કાં નથ કે'તો તું? હઘણી વાતું માંડને

તું કાકાના કાને..ઈ જ તને કાઈ હમજણ પારહે અલ્યા.." ભલાએ હંમેશની જેમ ભલામણ કરી.


"ડોહો મારો જ તો આ ડખાનુ ઘર સે ભલા..ઈ તો આખું દિ મારી વહુ..મારી વહુ કહીને ચીલમો ફુક્યા રાખ સ..એને તો ટેમ પર ચિલમ ભરવા વાળી મલી સ..એટલે મોજ સ એને..હુકમો મારે બજાવવા પડે સ...ખેતર ખેડીને પાકી જાઉં સુ તાં હરખી ઉંઘે નથી મળતી હહરી.ઓલી ને કાઈ કે'વા જાવ તા ડોહો ડાફા ભરે સ...હાવ અડખેલા કુતરા જેવો થઈ ગયો સ બાપ મારો."


"બધી વાતું હેઠે મૂક ને કે મને કે કંઈ પેંડા જલેબી વાળું થયું કે નહીં?? મને કાકો કેહનાર ક્યારે આવહે તારે ન્યા ઈ તો કે મગનીઆ.?"


"પથરા પેંડા ને જલેબી.. હારી હરખો જવાબ નથ આપી રહી. પુસુ શુ તો કે સે હજી ટેમ સ..હરખપદુણા થાહો ના.પે'લા કાંઈ રુપિયા ભેગા કરો પસી સોકરાની વાત્યુ કરશો.તારું-મારુ અને તારા ડોહાનું પુરુ નથ થતું તા વળી બીજા બિલાડા કાં પારવા? હહરીએ જનાવર જાણી લીધા સ જાણે અમને.."


"એક વાત કહું મગનીઆ??? આ..આ ખેતીના તારા અડધો વીઘા ખેતરને ખેડવા આલી દે કો'ક ને અને હેંડ મારી જોડે હુરતમા (સુરત)..હું એ જ કહેવા તારે ઘેર જતો હતો.. તા તું મલ્યો..બોઉ કમાણી સે તા..તારા બાપ ને ભાભીને અહીં રે'વા દે..આપણે બન્ને તા જઈને ખૂબ કમાહુ અલ્યા.. અને મોજ કરહુ હુરતમા. બઉ જ મજાનું શેહર સે લ્યા.. મારો જીજો જેંતી જોખમ ટા જ તો કમાઈને અઈ આવી ઠાઠમાઠ દેખારે સ...,હુ કેય સે???? મોજ કરહુ ટા મોજ..બોલ જવું સ..??"

"અલા નોમ ટો મેયે હોંભળીને મોટો થ્યો સુ..આપણા બાજુના ઘણા તા કમાઈને મોટા મોણહ થ્યા સ..મારો ડોહો તો વરહોથી કેટો આઈવો સ કે બારગામ જા ને કમાવા..!! આ તો હું જ આનાકાની કરતો હતો. પેલી મારી બયરીતો સે જ પૈહા ભુખી એ તો માની જ જશે.

પણ અલ્યા આ તારો જોખમી જીજો મને પણ કામ અપાવહે ખરો ને? ક્યાંક ઉંધા તો નહીં નાખે ને?"

"એ નઈ..ભલા માણહ..હુરત તો દિલદાર લોકોનું શેહર સ..ત્યાંના તો ભીખારીઓ પણ આપણાથી માલદાર હય્શે બોલ..મારા બેટા કપડાંની ભીતો બનાઈ સ ત્યો..જેને જોવે એ કપડાઓ લઈ લે.વળી ખાવાનાનું પણ ઓલું પૈહા કાઢવાનું મશીન જેવું જ મશીન સ..ઈ કાયમ ખુલ્લું જ હોય એમાં ગરમ અને ઠુંડુ બેયનુ અલગ અલગ મશીન સ..જે ભુખ્યા હોય ઈ ન્યાથી લઈને જમી લે બોલો! એટલા દાની મોણ હસ..હરગ(સ્વર્ગ) સ.. ત્યો ભઈ હરગ.. બોલ આવહે ...કે ...ના ?"

"અલ્યા, અવાય જ ને ત્યો તો..આ મારી બયરી હહરી અમને જનાવર હમજે સ...એને બતાવી દેઉ સ કે કોણ કયું જનાવર સે...હેંડ.. ઘરે જઈને તૈયારી કરીએ હુરત જવાની.. એક થી ભલા બે...હું કેઈ ભલા...બોલ તો ખરો અલા...? મગનીઓ જાણે ખુશીનો માર્યો હરખપદુણો થઈ ગયો.ઘરે જઈને બયરી અને ડોહાને મનાવીને પોતાના સિમિત સામાનની ગઠડી બાંધીને સુરત જવા નિકળ્યો.(આગળના ભાગમાં જોઈશું મિત્રો કે આપણો મગનીઓ શું કરે છે સુરતમાં. કામ મળશે?આગળ જે પણ થશે પરંતુ તમને વાંચીને મજાજ પડશે હોં..)


​મહેશ વાઘેલા.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ