વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મંત્ર રહસ્ય

શું તમે જાણો છો કે મનુષ્ય અને બ્રહ્માંડ એ બંનેમાં ઘણી બધી સમાનતા રહેલી છે. એટલે ચરકસહિંતામાં કહેવામાં આવ્યું છે,
યથા પિંડે તથા બ્રહ્માંડે,
યથા બ્રહ્માંડે તથા પિંડે

આપણે જેવા છીએ તેવું બ્રહ્માંડ છે તથા બ્રહ્માંડ છે તેવા આપણે છીએ. આપણા ચેતાતંત્રમાં કરોડો અબજો ન્યુરોન્સ એવું સ્ટ્રક્ચર બનાવે છે જેવું તારાઓ અને આકાશગંગાઓ મળીને બનાવે છે. બ્રહ્માંડમાં તારાઓ અને આકાશગંગાઓ એક ફ્રિકવન્સી ઉત્પન્ન કરે છે એવીજ રીતે આપણું મગજ કેટલીક ફ્રિકવન્સી ઉત્પન્ન કરે છે જેને બ્રેન વેવ્સ કહેવામાં આવે છે અને આ બ્રેન વેવ્સ નક્કી કરે છે કે આપણે કેવા પ્રકારના માણસ છીએ, આપણું ઈન્ટેલીજન્સ લેવલ શું છે, કોન્સિયસનેસ કેટલી છે અને આપણું મગજ કેટલું એકાગ્ર છે.
મનુષ્યનું મગજ પાંચ પ્રકારના બ્રેન વેવ્સનો ઉપયોગ કરે છે.
બીટા, આલ્ફા, થીટા, ડેલ્ટા અને ગામા.

બીટાની ફ્રિકવન્સી 13 થી 30 હર્ટઝની છે અને આ અવસ્થામાં એક મિનીટમાં 48 થી 60 વિચારો આવે છે.
આલ્ફાની ફ્રિકવન્સી 8 થી 13 હર્ટઝની છે અને આ અવસ્થામાં એક મિનીટમાં 30 વિચારો આવે છે.
થીટાની ફ્રિકવન્સી 4 થી 8 હર્ટઝની છે અને આ અવસ્થામાં એક મિનીટમાં 15 વિચારો આવે છે.
ડેલ્ટાની ફ્રિકવન્સી 0.5 થી 4 હર્ટઝની છે અને આ અવસ્થામાં એક મિનીટમાં 10 વિચારો આવે છે.
ગામાની ફ્રિકવન્સી 30 હર્ટઝ અને તેનાથી વધારે છે અને આ અવસ્થામાં એક મિનીટમાં 30 વિચારો આવે છે.

સાયન્ટિફિક સ્ટડી અનુસાર સામાન્ય માણસના મગજમાં ચોવીસ કલાકમાં 60 થી 80 હજાર વિચારો આવે છે. માણસનું મગજ સામાન્ય રીતે બીટા સ્ટેટમાં રહે છે. એટલા માટે મગજમાં વધારે વિચારો આવે છે અને એનાથી કોઈ પણ બાબત ઉપર મગજ એકાગ્ર થઈ શકતું નથી. આલ્ફા સ્ટેટમાં એક મીનીટમાં 30 વિચારો આવે છે માટે તેને પાવરફૂલ સ્ટેટ કહેવામાં આવે છે. નિંદ્રામાં પણ વિચારોની હારમાળા ચાલુ જ રહે છે. એટલે કહેવામાં આવે છે કે કેવળ મેડીટેશનથી આપણે વિચારશૂન્ય અવસ્થામાં જઈ શકીએ છીએ. એટલે યોગીઓ કહે છે કે નિર્વિચાર અવસ્થામાં ઈશ્વર પ્રાપ્તિ થાય છે. તમે મેડીટેશન કે બીજી કોઈ પણ રીતે આલ્ફા બ્રેન વેવ સ્ટેટમાં આવી જાઓ તો તમારા વિચારોની સંખ્યા સિત્તેર હજારથી ઘટીને ત્રીસ પાંત્રીસ હજાર થઈ જશે. એના લીધે તમારું મગજ એટલું પાવરફૂલ થઈ જશે કે દુનિયાની કોઈ પણ ચીજ એની સામે ટકી નહીં શકે. આ સ્ટેટમાં આવ્યા પછી તમે કોઈ પણ કામ કરશો એમાં તમારું મગજ સમગ્ર એનર્જી લગાવી દેશે અને આશ્ચર્યજનક પરિણામ મળશે. તમારું મગજ શાંત થઇ જશે અને કલ્પનાશક્તિ વધારે અને વધારે ખીલશે.

ગામા બ્રેન વેવ્સ:

મનુષ્યના મગજના સૌથી પાવરફૂલ બ્રેન વેવ્સ છે એટલે તેને જીનીયસ બ્રેન વેવ્સ કહેવાય છે. ગામા બ્રેન વેવ્સના સ્ટેટમાં આપણે સુપર કોન્સિયસનેસના સ્ટેટમાં એટલે કે યુનિવર્સલ કોન્સિયસનેસમાં પહોંચી જઈએ છીએ.

જયારે કોઈ વ્યક્તિ વધુ એકાગ્રતા સાથે કામ કરે છે અને કોઈ વિચાર નથી આવતો ત્યારે અથવા ધ્યાનમાં નિર્વિચાર અવસ્થામાં પહોંચે છે ત્યારે મગજના બંને ગોળાર્ધો એકરૂપ થઈ જાય છે અને આ સુમેળ એકદમ વધી જાય ત્યારે મગજ ગામા વેવ્સ ઉત્પન્ન કરે છે. આ સ્ટેટમાં પેરાસીમ્પથેટીક અને સીમ્પથેટીક નર્વ સિસ્ટમ સાથે કામ કરવા લાગે છે. આનાથી આપણા શરીરમાં પડેલી નીચેના ચક્રોની એનર્જી મગજ તરફ વહેવા લાગે છે અને મગજના થાલ્મિક ગેટને ખોલે છે અને પીનીયલ ગ્લેન્ડની સાથે ટકરાય છે જેનાથી પીનીયલ ગ્લેન્ડ ખૂબ પાવરફૂલ કેમિકલ DMT (N-Dimethyltryptamine) રીલીઝ કરે છે. જેને ગોડ મોલીક્યુલ પણ કહેવાય છે. આ કેમિકલના રીલીઝ થવાથી તરત આપણું મગજ સુપર કોન્સીયસના ક્ષેત્રમાં પહોંચી જાય છે. સુપર કોન્સિયસનેસ એટલે ઈન્ફિનાઈટ ઈન્ટેલીજન્સ (અસિમ બુદ્ધિ). આ સ્ટેટમાં પહોંચ્યા પછી દિમાગ માટે કંઈ પણ મેળવવું મુશ્કેલ નથી. આ સ્ટેટમાં જવું આસાન નથી. અથાગ મહેનત પછી આ સ્ટેટમાં પહોંચી શકાય છે.

બીટા બ્રેન વેવ્સ:

બીટા બ્રેન વેવ્સ બે પ્રકારના હોય છે.

લોઅર બીટા બ્રેન વેવ્સ:

 જ્યારે આપણે સવારમાં પ્રકાશના સંપર્કમાં આવીએ છીએ ત્યારે આપનું મગજ સેરેટોનીન નામનું કેમિકલ રીલીઝ કરવા લાગે છે અને બ્રેન બીટા વેવ્સ ઉત્પન્ન કરવા લાગે છે જેનાથી આપણે આપણી આંતરિક દુનિયામાંથી બહાર નીકળી બહારની દુનિયા સાથે સંપર્ક કરી શકીએ.

બીટા સ્ટેટમાં આવ્યા પછી મગજ બધી ઈન્દ્રિયો દ્વારા માહિતી લેવાનું શરૂ કરી દે છે જેનાથી આપને કોઈ નિર્ણય ઝડપથી લઈ શકીએ છીએ.

હાઈ બીટા બ્રેન વેવ્સ:

અત્યારે આખી દુનિયા વધારે પડતા વિચારોથી ગ્રસિત છે. વધુ પડતા વિચારો કરવાના કારણે લોકો સ્ટ્રેસ, એન્કઝાઈટી અને ડીપ્રેશનના શિકાર બનેલા છે.

આપણા મગજની એક અવસ્થા હોય છે DMN (Default Mode Network) આ અવસ્થામાં આપણું મગજ કંઈને કંઈ વિચારતું રહે છે અને આ વધુ પડતા વિચારોને કારણે આપણું મગજ હાઈ બીટા બ્રેન વેવ્સ ઉત્પન્ન કરે છે જેનાથી સ્ટ્રેસ અને એન્કઝાઈટી વધવા લાગે છે. આ સ્ટ્રેસ અને એન્કઝાઈટી વધવાના કારણે આપણા મગજનો એક હિસ્સો એમીગાલા જે ફાઈટ ઓર ફ્લાઈટ (સામનો કરો અથવા ભાગી જાઓ) વાળી પરિસ્થિતિ માટે જવાબદાર છે તે એક્ટીવેટ થઈ જાય છે. એમીગાલા જેવું સક્રિય થઈ જાય છે કે તરત આપણી વિચારવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. એનાથી માણસ અસહિષ્ણુ થઈ જાય છે. નાની નાની બાબતોમાં માણસ મરવા કે મારવા માટે તૈયાર થઈ જાય છે. આ બધુ એટલા માટે થાય છે કે આવા વ્યક્તિઓનું મગજ હાઈ બીટા બ્રેન વેવ્સમાં રહે છે. એમાંથી છૂટકારો મેળવવાનો ઉપાય છે ધ્યાન. પંદર દિવસ નિયમિત ધ્યાન કરવાથી એમીગાલાની સાઈઝ નાની થતી જાય છે. સાથે સાથે DMN ના તાર પણ ઢીલા પાડવા લાગે છે. એટલે ધ્યાનને વધુ મહત્વ આપવામાં આવે છે.

આલ્ફા બ્રેન વેવ્સ:

પૃથ્વી 7.83 હર્ટઝની ફ્રિકવન્સી રીલીઝ કરે છે જેને શેમન રેજોનંસ (Schumann Resonance કહેવામાં આવે છે. આ 7.83 ની ફ્રિકવન્સી સિવાય પૃથ્વી પર જીવન શક્ય નથી. અવકાશ યાત્રીઓ (એસ્ટ્રોનેટ) જયારે સ્પેસ ટ્રાવેલ કરે છે ત્યારે જેને શેમન રેજોનંસ જનરેટર સાથે લઈ જાય છે જેનાથી 7.83 હર્ટઝની ફ્રિકવન્સી ઉત્પન્ન કરી માનસિક અને શારીરિક તંદુરસ્તી જાળવી રાખે છે. આપણા મગજની આલ્ફા બ્રેન વેવ સ્ટેટ અને શેમન રેજોનંસ ફ્રિકવન્સી બને એક સમાન ફ્રિકવન્સી છે. અહીંથી આપણી સ્પિરિચ્યુઅલ જર્ની (આધ્યાત્મિક યાત્રા) શરૂ થાય છે.  આ સ્ટેટમાં આવવાથી વિચારો ઓછા આવે છે અને કોન્સન્ટ્રેશન વધી જાય છે. જે માણસ વધારે મેડીટેશન કરે છે જેમ કે યોગી, એમનું મગજ આલ્ફા સ્ટેટ અથવા એનાથી પણ ઓછી ફ્રિકવન્સીમાં રહે છે.

થીટા બ્રેન વેવ્સ:

થીટા બ્રેન વેવ્સ:

જયારે આપણું કોન્સન્ટ્રેશન એકદમ વધી જાય છે ત્યારે આપણે થીટા બ્રેન વેવમાં હોઈએ છીએ. એના લીધે આપણો આસપાસની દુનિયા સાથે સંપર્ક કપાઈ જાય છે. ત્યારે આપણું મગજ ગાબા (Gaba) ન્યુરોટ્રાન્સમીટર રીલીઝ કરે છે કે જેનાથી આપણો ઈન્ટ્યુશન  અને ઈન્ટેલીજન્ટ પાવર વધી જાય છે. એને સબકોન્સીયસ માઈન્ડનો ગેટ વે પણ કહેવાય છે.

થીટા બ્રેન વેવ્સ સ્ટેટમાં કરેલ કોઈ પણ કામ જેવાં કે અભ્યાસ કે એફોર્મેશન (સંકલ્પ) સબકોન્સીયસ માઈન્ડમાં સેટ થઈ જાય છે. એટલા માટે સેલ્ફ હિપ્નોસીસમાં થીટા બ્રેન વેવ્સનો ઉપયોગ કરવામાં આવે છે. થીટા બ્રેન વેવ્સ મેડીટેશનની બીજી અને અંતિમ અવસ્થા છે. આ અવસ્થા પછી માણસ સમાધિની અંતિમ અવસ્થા એટલે કે ડેલ્ટા બ્રેન વેવ્સ સ્ટેટમાં જતો રહે છે.

યોગીઓ જયારે ધ્યાન કરે છે ત્યારે એમની આંગળીઓ ધ્યાન મુદ્રા કે જ્ઞાન મુદ્રામાં હોય છે. આ ધ્યાન મુદ્રાનું સીધું કનેક્શન આપણા મગજ સાથે જોડાયેલું હોય છે. ધ્યાન મુદ્રા આપણા અનાહત (હૃદય) ચક્રની એનર્જીને કંટ્રોલ કરે છે અને અનાહત ચક્રનો સંબંધ આપણા શરીરના ત્રણ દોષો વાત, પિત્ત અને કફમાંથી વાત દોષ સાથે જોડાયેલો છે. વાત દોષનો સીધો સંબંધ વિચારો સાથે જોડાયેલો છે. ધ્યાન મુદ્રા આપણા શરીરના વાત દોષને કંટ્રોલ કરે છે. જેનાથી આપણા મગજમાં આવતા વિચારોની સંખ્યા ઓછી થઈ જાય છે. જેના કારણે એક યોગી ધ્યાનની ચરમ અવસ્થા (Deep Meditation state) માં જતો રહે છે. એટલા માટે એવું કહેવાય છે કે ધ્યાન મુદ્રાની અવસ્થામાં ધ્યાન કરવાથી આપણો ઈન્ટ્યુશન  અને ઈન્ટેલીજન્ટ પાવર વધી જાય છે.

ડેલ્ટા બ્રેન વેવ્સ:

જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ ત્યારે ડેલ્ટા બ્રેન વેવ્સનું પ્રભુત્વ હોય છે. ગાઢ નિંદ્રામાં સૂઈ રહેલ વ્યક્તિ અને ગહન ધ્યાનમાં ડૂબેલા યોગીની અવસ્થા વચ્ચે ઝાઝો ફરક નથી હોતો. ફરક માત્ર કોન્સીયસનેસ અને અનકોન્સીયસનેસ એટલેકે ચેતન અને અવચેતન અવસ્થાનો છે. ગાઢ નિંદ્રામાં આપણું મગજ અનકોન્સીયસ સ્ટેટ બેભાન/મૂર્છિત અવસ્થા) માં હોય છે અને ગહન ધ્યાનમાં ડૂબેલા યોગી પોતાના આતરિક જગતમાં કોન્સીયસ સ્ટેટ (સભાન અવસ્થા) માં હોય છે. એટલે ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે, જયારે સંપૂર્ણ દુનિયા સૂઈ જાય છે ત્યારે એક યોગી જાગતો હોય છે. મતલબ કે દુનિયા ગાઢ નિંદ્રામાં બેહોશ થઈને સૂઈ રહી હોય છે ત્યારે એક યોગી પૂરી ચેતના સાથે જાગતો હોય છે. સમાધિ એક ઉચ્ચ અવસ્થા છે જેને બહું ઓછા લોકો પામી શકે છે.

બાઈન્યુરલ બીટ્સ:

બાઈન્યુરલ બીટ્સ એ આપણા મગજ સાથે થતી ભ્રમણા (Illusion) છે. 1500 હર્ટ્ઝથી ઓછી ફ્રિકવન્સી  ધરાવતા બે શુદ્ધ-સ્વરની ફ્રિકવન્સી છે. બંને વચ્ચે 40 હર્ટ્ઝથી ઓછા તફાવત હોય છે, બંને કાનમાં અલગ અલગ ફ્રિકવન્સી સંભળાવવામાં આવે છે.  બે જુદી જુદી ફ્રીક્વન્સીઝ એક સાથે પ્રસ્તુત થાય ત્યારે બાઈન્યુરલ બીટ્સ એ એક ત્રીજી ફ્રિકવન્સી બને છે. એ તમારી માનસિક સ્થિતિ પર સીધી અસર કરે છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ 530 હર્ટ્ઝનો શુદ્ધ સ્વર જમણા કાનમા અને 520 હર્ટ્ઝનો શુદ્ધ સ્વર ડાબા કાનમાં સંભળાવવામાં આવે છે તો બે શુદ્ધ- ઉપરાંત ત્રીજો સ્વર સંભળાશે. આ ત્રીજા ત્રીજા અવાજને બાઈન્યુરલ બીટ કહેવામાં આવે છે, જે બંને કાનમાં રજૂ કરેલા 530 હર્ટ્ઝ અને 520 હર્ટ્ઝ શુદ્ધ ટોન વચ્ચેનો 10 હર્ટ્ઝની ફ્રિકવન્સીનો તફાવત છે

તમારે ધ્યાનની ગહન અવસ્થામાં જવું હોય, રાત્રે સારી ઊંઘ જોઈતી હોય, શરીરને કુદરતી રીતે તંદુરસ્ત બનાવવું હોય, ઉપચાર પ્રક્રિયા ઝડપી બનાવવી હોય, મગજને વધુ સક્રિય અને કેન્દ્રિત કરવું હોય, વિચારોને તીવ્રતાથી બદલવા હોય તો કુદરતી રૂપે બદલી શકો છો અને એમાં આ બાઈન્યુરલ બીટ્સ ઉપયોગી નીવડે છે પરંતુ આ બાઈન્યુરલ બીટ્સનો સમજ્યા વિચાર્યા વગરનો ઉપયોગ ઘાતક નીવડી શકે છે. ફાયદાની જગ્યાએ નુકસાન થવાની સંભાવનાઓ વધી જાય છે. આ એક શોર્ટકટ છે.

આપણી પાસે આ બાઈન્યુરલ બીટ્સ કરતાં પણ પાવરફૂલ ટેકનીક છે અને એનું નામ છે મંત્ર.

મંત્ર શું છે?

મંત્ર શબ્દનો અર્થ અસીમિત છે. વૈદિક ઋચાઓના પ્રત્યેક છંદને પણ મંત્ર કહેવામાં આવે છે તથા દેવી દેવતાઓની સ્તુતિ અને યજ્ઞ કે હવનમાં નિશ્ચિત કરેલા શબ્દ સમૂહને પણ મંત્ર કહેવામાં આવે છે.

તંત્ર શાસ્ત્રમાં પણ મંત્રનો અર્થ અલગ અલગ રીતે કરવામાં આવ્યો છે. તંત્ર શાસ્ત્ર અનુસાર જે શબ્દો પદ અથવા પદોનો સમૂહ જે દેવી - દેવતા અથવા એમની શક્તિને પ્રગટ કરે છે તેને એ દેવી દેવતાનો મંત્ર અથવા એમનો શક્તિ મંત્ર કહેવાય છે.

વિદ્વાનો દ્વારા નીચે પ્રમાણે મંત્રની ભાષા પરિભાષિત કરવામાં આવી છે:

ધર્મ, કર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે પ્રેરણા આપવા વાળી શક્તિને મંત્ર કહેવાય છે.

તંત્ર અનુસાર દેવતાઓના સૂક્ષ્મ શરીર કે ઈષ્ટદેવની કૃપાને મંત્ર કહેવાય છે.

અદ્રશ્ય ગુપ્ત શક્તિને જાગૃત કરીને પોતાને અનુકૂળ બનાવવા વાળી વિદ્યાને મંત્ર કહેવામાં આવે છે.

દિવ્યશક્તિઓની કૃપાને પ્રાપ્ત કરવામાં ઉપયોગી શબ્દોની શક્તિને મંત્ર કહેવાય છે.

ગુપ્ત શક્તિને વિકસિત કરવા વાળી વિદ્યાને મંત્ર કહેવામાં આવે છે.

મંત્ર શબ્દોનો એક ખાસ ક્રમ છે જેનું ઉચ્ચારણ એક ખાસ પ્રકારનું સ્પંદન - તરંગ ઉત્પન્ન કરે છે. જે આપણને એ ખાસ પ્રકારના સ્પંદનોને ગ્રહણ કરવાની વિશિષ્ટ ક્ષમતા અનુસાર પ્રભાવિત કરે છે. આપણા કાન એ શબ્દોના ખાસ વિશિષ્ટ તરંગોને જ સાંભળી શકે છે. આપણે એમાં વધુ ઓછી ફ્રિકવન્સી વાળા તરંગોને નથી સાંભળી શકતા નથી.

આપણી સાંભળવાની ક્ષમતા 20 થી 20,000 કંપન પ્રતિ સેકંડ છે પણ એનો એ અર્થ નથી કે બીજા તરંગો પ્રભાવી રીતે કામ નથી કરતા. એમનો પણ પ્રભાવ હોય છે. પ્રાણીઓ એ તરંગોને સાંભળવામાં આપણા કરતાં વધુ સક્ષમ હોય છે.

કેટલાક જાનવરો ને ભૂકંપના તરંગોની જાણકારી આપણા કરતાં વહેલી મળી જાય છે અને ભૂકંપ આવ્યા પહેલાં એમના વર્તનમાં ફેરફાર આવી જાય છે. આ જ સિદ્ધાંત પર આજની રેડીયો પ્રણાલી કામ કરે છે. સૂક્ષ્મ રેડિયો તરંગો આપણી ચારે તરફ હોય છે પરંતુ આપણે એ સાંભળી શકતા નથી. આપણા કાનની શ્રવણ શક્તિ એ તરંગોને સાંભળી શકતી નથી.

મંત્રોના તરંગો રેડિયો ફ્રિકવન્સી કરતાં પણ વધુ સૂક્ષ્મ હોય છે અને આપણી ચારે બાજુ ફેલાયેલી હોય છે. હવે એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે આપણી જાતને આ ફ્રિકવન્સીને ગ્રહણ કરવા આપણી જાતને કેટલી યોગ્ય બનાવી શકીએ છીએ.

મંત્રોથી નીકળતી સ્થૂળ ધ્વનિ તરંગો સિવાય શ્રદ્ધાભાવ અને સંકલ્પના તરંગો પણ જોડાયેલા હોય છે. સ્થૂળ ધ્વનિ તરંગો સિવાય જે તરંગો ઉત્પન્ન થાય છે એને આપણે સાંભળી શકતા નથી. એ તરંગો આપણા વાળના મૂળમાંથી ઉતરી આપણા શરીરમાં જઈને આપણને પ્રભાવિત કરે છે.

મંત્રોના સૂક્ષ્મ તરંગોને ગ્રહણ કરવામાં વાળના મૂળ રેડિયો ફ્રિકવન્સી એન્ટેના જેવું કામ કરે છે અને એ માધ્યમથી ગ્રહણ કરેલ મંત્રોની સૂક્ષ્મ તરંગો આપણી સમસ્યાઓનું સમાધાન કરવામાં સહાયક બને છે.

શબ્દોનો ખેલ બહું નિરાળો છે. મંત્રોમાં પણ સામ્યક શબ્દોનું સંયોજન અને સાર્થકતા જરૂરી છે.  મંત્ર પ્રભાવી બનાવવા માટે એના ઉદ્દેશ્ય અને એના ભાવનું પૂરું જ્ઞાન હોવું જરૂરી છે. ભાવ અને ઉદ્દેશ્ય વગર મંત્રજાપ નિરર્થક છે. એમાં મંત્રસિદ્ધિ મળતી નથી અને આ કારણે ક્યારેક ક્યારેક મંત્રોનો પણ પ્રભાવ નથી થતો. આ કારણે મંત્રોનો પ્રભાવ પડતો નથી. આ કારણે ઘણા બધા લોકોનો મંત્રો ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે. ઘણા લોકોને મંત્રનો લય અને ઉચ્ચાર વિષે જાણકારી હોતી નથી. ઘણા બધા લોકો લોભ અને લાલચ માટે થઈને મંત્રજાપ કરે છે. એ લોકોને મંત્રનો વાસ્તવિક અર્થ ખબર નથી હોતી.

મંત્રમાં અપાર શક્તિ હોય છે અને એની સંખ્યા ઈશ્વરની અનંતતાની જેમ અસંખ્ય હોય છે. દરેક મંત્રોની સાધનાની પદ્ધતિઓ અલગ અલગ હોય છે અને એનાથી મળતાં ફળ પણ અલગ અલગ હોય છે. મંત્ર ઉચ્ચારણનો એક સીધો પ્રભાવ સાધક ઉપર પડે છે અને બીજો પ્રભાવ જેના નામનો સંકલ્પ લઈને જેના માટે મંત્ર કરવાનો હોય એના ઉપર પડે છે. મંત્ર ચૈતન્ય અને દિવ્ય ઊર્જા યુક્ત હોય છે પરંતુ ગુરુ પરંપરાથી મળેલ મંત્ર વધુ પ્રભાવશાળી હોય છે.

મંત્રોમાં જે ચમત્કારિક શક્તિ સમાયેલી હોય છે એનો પૂરો લાભ ઉઠાવવા માટે મંત્રના ગહન અર્થને સાચી રીતે જાણવો જરૂરી છે. એને જાણવા અને સમજવા માટે સમર્થ ગુરુ પાસેથી દીક્ષા સહિત મંત્રની જાણકારી મેળવવી જરૂરી છે. સાચા ગુરુ વગર મંત્રનું ઉચ્ચારણ, લય અને જાપ વિધિ વિષે જાણવાનું મુશ્કેલ છે. ગુરુ દ્વારા બતાવેલ મંત્રનો સાચી રીતે નિયમ અનુસાર શ્રદ્ધાપૂર્વક જાપ કરવાથી અવશ્ય લાભ મળે છે.   

 

મંત્ર સાધનાનો સમય:

મંત્ર સાધના કરતી વખતે વિશેષ સમય, માસ, તિથિ અને નક્ષત્રનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

1.             સાધના માટે ઉત્તમ માસ: કારતક, માગશર, મહા, ફાગણ વૈશાખ, શ્રાવણ અને આસો માસ

2.           ઉત્તમ તિથિ: બીજ, પાંચમ, સાતમ, દશમ, તેરસ અને પૂનમ.

3.            ઉત્તમ પક્ષ: સુદમાં પંચાંગમાં શુભ દિવસ અને શુભ ચંદ્ર જોઇને મંત્ર જાપ કરવા જોઈએ.

4.           શુભ દિવસો: બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવાર.

5.            ઉત્તમ નક્ષત્ર: પુનર્વસુ, હસ્ત, ઉત્તરા, શ્રવણ રેવતી, અનુરાધા અને રોહિણી

 

મંત્ર સાધનામાં આસન અને માળા:

દર્ભ, મૃગ ચર્મ, વાઘ ચર્મ કે ઉનનું આસન લેવું જોઈએ. આસન ની લંબાઈ અને પહોળાઈ એક ચોરસ મીટરની હોવી જોઈએ જેથી આપણા શરીરનો કોઈ પણ ભાગ બહાર ના રહે અને મંત્ર જાપ વખતે પ્રાપ્ત થતી ઊર્જા અર્થિંગ થઈને ગ્રાઉન્ડ ના થાય. ઉપરોક્ત આસનો ઊર્જાનાં અવાહક છે માટે મંત્ર જાપ કરેલી ઊર્જા આસનમાં સંગ્રહિત રહે છે. તમે જે આસનનો ઉપયોગ કરતા હોય એ આસન બીજા કોઈને બેસવા માટે આપવું જોઈએ નહીં નહીતર તમે પ્રાપ્ત કરેલી ઊર્જા તમારી પાસે ન રહેતાં અન્ય સાથે વહેંચાઇ જાય છે અને મંત્ર જાપનું ધાર્યું ફળ મળતું નથી.

મંત્ર જાપ કરતી વખતે જો વચમાં કોઈ કામ માટે ઉઠવું પડે તો આસન અડધું વાળીને ઉભા થવું જેથી કોઈ નકારાત્મક ઊર્જા આસન ઉપર કબ્જો ના જમાવી શકે.

જયારે મંત્ર જાપ કરતા હોવ ત્યારે ઘણી વાર એવો અનુભવ થાય છે કે અચાનક મંત્ર ભૂલી જવાય, માળાની ગણતરીમાં ભૂલ પડે, વધુ પડતા વિચારો આવવા લાગે અને મન અસ્થિર થાય અથવા ઉચ્ચારણમાં ગરબડ થવા લાગે તો સમજવું કે જે તે શક્તિનો તમે મંત્ર જાપ કરો છો તે તમને બાધિત કરવા અને તમારી પરીક્ષા લેવા  તમને મંત્ર જાપ રોકવા માટે આ ખેલ કરાવી રહી છે. તમારે મંત્ર જાપ ચાલુ રાખવો જોઈએ. થોડા સમય પછી જાતે મન સ્થિર થઇ જશે.

રુદ્રાક્ષ, વૈજયંતિમાલા, તુલસી, સ્ફટિક, હાથીદાંત, લાલ મૂંગાની માળા, રક્ત ચંદન, હળદરની માળા, કમળ કાકડી કે કમળગટ્ટાની માળાથી જાપ સિદ્ધ થાય છે.

ગણપતિની ઉપાસના માટે લાલ મૂંગા અથવા હળદરની માળા, શિવજીની ઉપાસના માટે પંચમુખી રુદ્રાક્ષ અને કાળી, મહાકાલી અથવા અન્ય દેવીની ઉપાસના માટે રક્તચંદનની માળા ઉત્તમ છે.

ઘરમાં મંત્ર કરવાથી એક ઘણું ફળ, ગૌશાળામાં સો ગણું ફળ તીર્થધામમાં હજાર ગણું, નદી કિનારે લાખ ગણું, મંદિરમાં કરોડ ગણું અને શિવજીની નજીકમાં મંત્ર કરવાથી અનંત ગણું  ફળ પ્રાપ્ત થાય છે.

જાપ ત્રણ પ્રકારના હોય છે: વાચિક, ઉપાંશું અને માનસિક.

વાચિક જપ મંત્ર ધીરે ધીરે બોલીને થાય છે. ઉપાંશું જાપ અન્ય કોઈ ના સાંભળે એવી રીતે ધીરે ધીરે બોલીને થાય છે અને માનસિક જાપ મનમાં થાય છે. આ ત્રણે જાપમાં પહેલા કરતાં બીજો અને બીજા કરતાં ત્રીજો શ્રેષ્ઠ પ્રકાર છે.

સવારે જાપ કરતી વખતે બંને હાથ નાભિ પાસે રાખીને, મધ્યાહ્ન કાલે હૃદય પાસે રાખીને અને સાયંકાલે હાથ મોઢાની સમાંતર રાખીને જાપ કરવા જોઈએ. માળાને મોટી મધ્યમા આંગળી ઉપર રાખીને અંગૂઠાથી અંદરની બાજુએ ફેરવવી જોઈએ. માળા પૂરી થાય ત્યારે સુમેરુ એટલેકે માળાનું ફૂમતું ઓળંગવું જોઈએ નહીં અને માળા પલટાવી ફરીથી જાપ કરવો જોઈએ.

જાપ કરતી વખતે હલન ચલન કરવું, બોલવું, વાતો સાંભળવી, ક્રોધ કરવો, કોઈ ખરાબ વિચાર આવવો કે ખોટી, ખરાબ લાગણી ઉત્પન્ન થવી વગરે ક્રિયાઓ થવાથી મંત્રનું ફળ ઓછુ મળે છે.

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ