શરદીનો દરદી
શરદી,વરદી આપ્યા વગર આવે છે.શરદી ગુપ્ત રહેતી નથી.ગમે તેટલું સાઈલેન્સર ચડાવો તો પણ છીંક સાઈલન્ટ રહેતી નથી.છીંક ઓચિંતી આવે છે ને આખું શરીર ધમધમાવી જાય છે.છીંકનું એવું છે કે તેનું કશું કહેવાય નહિ.તે ક્યારે સિંગલ ટ્રેક પરથી ડબલ,ટ્રબલ કે મલ્ટીપલ ટ્રેક પર ચાલી જશે તેનું કંઈ નક્કી નથી હોતું.ક્યારેક તો તે અતિથિ કરતા વધુ ઝડપે આવે છે ને એક પછી એક તોપગોળાની જેમ નાકમાંથી વછૂટે છે ને વાયુનાં ઘણા ગુપ્ત દ્વારો પણ ખોલી નાખે છે.ઘણીવાર નાક સિવાય બીજા જ છિદ્રોમાંથી અવાજો આવતા રહે છે.છીંકનું કોઈ શાસ્ત્ર નથી,પણ તે શાસ્ત્રીય પદ્ધતિએ પણ પ્રગટ થતી રહે છે.તેમાં આલાપ,પ્રલાપને,તાન પલટાને,રાગરાગિણીને પૂરતો અવકાશ હોય છે.જેમ વરસાદ આવવાનો હોય ને વાદળો ગરજવા માંડે તેમ શરદી થતાં પહેલાં નાક ગરજવા ને ખરજ-વા લાગે છે.ગળું ભરાવા માંડે છે ને ખખડવા લાગે છે.અણીશુદ્ધ નાક નરમ પડવા લાગે છે ને આર્દ્ર થવા લાગે છે.ક્યારેક આમાંનું કઈ જ થતું નથી ને ઓચિંતી જ છીંક આવી ધમકે છે ને પછી તો છીંકની પરંપરા શરુ થઇ જાય છે.અ બધાંના પરિણામ સ્વરૂપ નાક ગળવા લાગે છે.નાક કોઈ નીક હોય તેમ વહેવા લાગે છે.કમબખ્તી તો ત્યારે થાય છે,જયારે પહેલી છીંક આવે છે ને તે ય છાંટા ઉડાડતી.તે એટલી અણધારી હોય છે કે તેને વધાવવા માટે નાકે દાબવા નાનકડું ચીંથરું ય હાથવગું નથી હોતું.ને પ્રવાહને ખાળવાનું અશક્યવત હોય છે.એટલે કોઈ ન જુએ તેમ ઊંધી હથેળીઓ કામે લગાડી દેવાય છે.એક હથેળી ખાલી નથી રહેતી તો બીજી કામે લાગે છે ને તે ભરાય છે તો શર્ટની બંને બાંયો પલળવા છૂટી મૂકી દેવી પડે છે. લૂંગી ય સાથ આપે છે ને તે પણ નીચેથી ઉપર તરફ તરબોળ થતી રહે છે ને એ બધામાં કોઈ કટકો હાથ લાગી ગયો તો ‘નાકદમન’,મર્દન શરુ થાય છે.પછી તો રૂમાલ,નેપકીન ને ટુવાલ ,ધસી આવતાં પૂરની સામે ખડકી દેવાય છે,પણ નાક ભાગ્યે જ સહકાર આપે છે ને લાલ થતું રહે છે.
મને ઘણી વાર પ્રશ્ન થયો છે કે ઓચિંતી શરુ થતી શરદીમાં પાણી પુરવઠો આવે છે ક્યાંથી?વરસાદ આવે ને નદીનાળાં ઉભરાય તે તો સમજાય,પણ પળ પહેલાં કોરું રહેલું નાક આટલું ભયજનક સપાટીએ પહોંચે છે કઈ રીતે?નાક એટલું વરસતું રહે છે કે થોડી થોડી વારે ઊંધા ફુવારાનો નાજુક અનુભવ વારંવાર થતો રહે છે.વારંવાર લૂંછાવાને કારણે નાક લાલ મરચા જેવું થઇ જાય છે.રૂમાલ પણ લૂંછાઇ લૂંછાઇને ભીનાં પૂંઠાં જેવાં થઇ જાય છે.નાક ઓછુ પડે છે તો પાણી, આંખોથી પણ વહેવાં લાગે છે.જાણે નહેરો તૂટી ગઈ હોય! શરીર પર માથું ગોઠવી રાખવાનું અઘરું થઇ પડે છે.ઘણીવાર લાગે છે કે એક છીંક આવશે ને માથું,માટલાની જેમ નીચે પડશે.માથું ભારે થવાને કારણે પગ પણ ભારે થઇ જાય છે.કંઈ ચેન પડતું નથી ને નાક કોઈ સાંકળ ખેંચતું હોય તેમ સતત ખેંચાતું રહે છે. ભાડાનું મકાન ખાલી થઇ જાય છે પણ નાક ખાલી થતું નથી,ને સજ્જનો ગમે ત્યાં નાકનું ગોડાઉન ખાલી કરતા નથી એટલે નાક ખાલી થવા મરણિયું થાય છે ને નાકનો માલિક વગર લગ્નેય નાક ખેંચ્યે રાખતો હોય છે. નાક વરસવા માટે નાકે આવી જાય છે ને તેને રોકતા નાકે દમ આવી જાય છે.આંખો ચાર થાય ને તારામૈત્રક રચાય તેવું શરદીનું પણ છે.એક શરદીવાળું નાક કોઈ કોરા નાકને જુએ તો ‘ધારા’ મૈત્રક રચાય છે ને સામેવાળાના નાકમાંથી પણ ધારાઓ વહેવા માંડે છે.
આમ નાકનો આપણે બહુ મહિમા કરતા નથી.પણ આંગળીઓ ફેરવવા પણ નાક જરૂરી છે.નાક વગર તો આંખો ય ઝાંખી જ રહેતે.ચશ્માં મૂકાય છે નાક પર એટલે આંખ જુએ છે. નાક ન હોત તો શરદીનું શું થયું હોત તેની કલ્પના પણ ધ્રૂજાવી જાય છે. શરદીને કારણે ઘણાનું નાક રહી જાય છે તે ન ભૂલવું જોઈએ.
એમ કહેવાય છે કે દવા વગર પણ શરદી સારી થઇ જ જાય છે,પણ માણસનો જીવ રહેતો નથી એટલે એ ઈલાજ કરવા દોડાદોડી કરી મૂકે છે.શરદીને સલાહકારોની તંગી કદી પડી નથી. જાતભાતના મસાલાઓવાળી ચા ગેસ પર ચડતી રહે છે.ઘણીવાર ચા સારી થઇ હોય તો તે મૂળ દર્દી સુધી બહુ પહોંચતી નથી.તે વચમાં જ ટોલનાકાઓ પર પતી જાય છે.કોઈ સીરપ મોઢે માંડ્યા કરે છે તો કોઈ ગોળીઓ ગળતા રહી ઘોરતા રહે છે.કેટલાક શરદી થઈ છે એમ માનીને આલ્કોહોલિક પણ થતા રહે છે.કોઈ પોલીસને શરદી થયેલી મેં જોઈ નથી,તેનું કારણ એ કે પોલીસચોકીમાં આલ્કોહોલની નવાઈ નથી હોતી.ડોકટરો પણ શરદીની દવા તો કરે ને કરાવે જ છે.શરદીમાં દરદીની ગરદી સ્વાભાવિક છે.શરદીમાં કોઈ મરતું નથી,પણ મરવા જેવા ઘણા થઇ જાય છે.પછી શરદીનેજ થાય છે કે હવે સારા થવું જોઈએ એટલે તે સુકાવા માંડે છે.હાલત તો ત્યારે પણ ખરાબ જ હોય છે.ભીંત પરથી ખરતા હોય તેમ પોપડા ખરવા લાગે છે.નાક બંધ થઇ જાય છે ને નોટબંધી જેવી સ્થિતિ થઇ જાય છે.અવાજ મુકેશ જેવો થઇ જાય છે.ગીત સાયગલનું ગવાય છે,’અબ જી કે ક્યા કરેંગે જબ નલ હી છૂટ ગયા...’