હસતાં રમતાં
@@
ફિલ્મી ગીતનો બેસ્વાદ
હવે કવિતાઓ કોઈ વાંચતું નથી ને ખાસ કોઈ ભણાવતું પણ નથી. શિક્ષકોને પણ કવિતા સમજાતી નથી,એવી સ્થિતિમાં જતે દિવસે કવિતાને બદલે ફિલ્મી ગીતનો આસ્વાદ પરીક્ષામાં પૂછાય ને વિદ્યાર્થી તેનો બેસ્વાદ કરાવે તો આઘાત ના લાગવો જોઈએ.એવી જ એક પરીક્ષામાં મેં ૧૦ માર્કનો પ્રશ્ન પૂછ્યો.
સરસ્વતીચંદ્ર (૧૯૬૮)
કહાં ચલા એ મેરે જોગી,જીવનસે તું ભાગ કે
કિસી એક દિલ કે કારણ,યૂં સારી દુનિયા ત્યાગકે ...
છોડ દે સારી દુનિયા કિસીકે લિયે,એ મુનાસિબ નહીં આદમીકે લિએ
પ્યારસે ભી જરૂરી કંઈ કામ હૈ,પ્યાર સબકુછ નહીં જિંદગીકે લિએ
તનસે તનકા મિલન હો ન પાયા તો ક્યા મનસે મનકા મિલન કોઈ કમ તો નહીં
ખૂશ્બૂ આતી રહેં દૂર હી સે સહી સામને હો ચમન કોઈ કમ તો નહીં
ચાંદ મિલતા નહીં સબકો સંસારમેં હૈ દિયા હી બહોત રોશની કે લિએ...
કિતની હસરતસે તકતી હૈ કલિયાં તુમ્હે ક્યોં બહારો કો ફિર સે બુલાતે નહીં
એક દુનિયા ઉજડ હી ગઈ હૈ તો ક્યા દૂસરા તુમ જહાં ક્યોં બસાતે નહીં
દિલ ન ચાહે ભી તો સાથ સંસાર કે ચલના પડતા હૈ સબકી ખુશી કે લિએ...
ગીતકાર: ઇન્દીવર @ ગાયક: લતા મંગેશકર @ સંગીતકાર: કલ્યાણજી આણંદજી
આનો જવાબ: શું છે કે ગોરધનકાકાએ સરસતીચન્દ્ર કરીને બૌ લાંબી વાર્તા લખેલી.હવે એને નવરાશ હતી તો લખી પણ એનો જુલમ અમારી ઉપર હું કામ?એણે લખી તો ગોવિંદભઈએ ફિલમ બનાવીને!એ ની બનાવતે તો અત્યારે ગર્લફ્રેન્ડ જોડે મસ્તી કરવાને બદલે આ જવાબ લખવાથી તો બચતે.પણ ત્રાસ તો વેઠવો જ પડેને!એક તો એટલી જૂની ફિલમ,૧૯૬૮ની,મારા બાપાના વખતની.તેનો સવાલ અમને પૂછે તો કાંદા આવડે!પણ લખવું તો પડશે જ. દહ માર્ક કોને કડવા લાગે?મનીષ કરીને એક હીરો છે.સરસતી નામ.તે કુમુદના લવમાં છે. કુમુદ નૂતન બનેલી છે. મસ્ત લાગે છે,હીરો તો હાળો હાવ બબૂચક જ લાગે છે.હવે શું છે કે તેને સાવકી મા હતી.તેને પેટમાં દુઈખું ને બંને લવરને છૂટા પાડવાનું પાપ કઈરું. સરસતી હો હાવ બાઈલો તે નવ દો ગ્યારા થઇ ગયો.હવે કુમુદને કંઈ ઘરમાં તો ની જ રખાયને! તે એને હો પરણાવી ઘાલી,તે હાળો હાવ જ ખાધેલ પીધેલ.ફિલ્મમાં ઉપદેશ સારો મળે છે.પીધેલ તો હાળા મરવાના જ.તે આ હો મઈરો.કુમુદ તો બિચારી વિધવા થઇ ગઈ.એનો સસરો હો ભગવાનનો માણસ.તે રખડેલ સરસતીને ઘરે લઇ આવ્યો.એને આંખો સામે જોતાં કુમુદની જે હાલત થઇ છે,વાત જ જવા દોની.જેને લવ કરેલો તેને જ હહરાએ છાતી પર લાવી મૂઈકો.ની જીવાય,ની મરાય.તેમાં તોડ એવો પઇડો કે સરસતીએ કુમુદની બેન કુસુમ સાથે મેરેજ કરી લેવા.હવે જેને કુમુદ જોઈતી હોય તેને તમે કુસુમ આપો તો ગિન્નાય જ ને! ની માઈનો. તેટલું ઓછું હોય તેમ કુમુદ સાધુ થઇ ગઈ.પછી પેલાનો પિત્તો જાય જ ને!એ પણ સંસાર છોડવા તૈયાર થઈ ગયો એટલે ના છૂટકે તેણે કહેવું પડ્યું,કે અઈલા મારા જોગી,આમ ભાગીને ક્યાં ચાલ્યો?કોઈ એક જણ ને હારું કંઈ દુનિયા ઓછી જ છોડી દેવાય?પણ પેલો માને?એને તો કુમુદ જ જોઈતી હતી,એટલે નૂતન પેલા મનિશીયાને સમજાવવા લાગી,’હવે ફિઝિકલ રીલેશન ની થયાં તો ની થયાં,આપણા મન મળેલાં છે તે કંઈ ઓછું છે?કંઈ જ ની મળે તેના કરતા દૂરથી સુગંધ આઇવા કરે ને બાગ સામે ને સામે રહે તેનાથી રાજી રે’ આ હાળું ખરું.અઢારની એક છોકરી જોઈતી હોય ત્યાં તમે નવ નવ ની બે બતાવો તો ચાલે?કુમુદ અક્કલ વગરની જ વાત કરે છેને!પેલો હું,કોઈ બી ની માને.ચાંદો ની મળતો હોય તો દીવાથી કામ ચલાવી લેવાનું કુમુદ સમજાવે છે,પણ પેલો માને? જ્યાં જે જોઈએ તે તો જોઈએ જ કેની !સાચું તો એ છે કે ગીતકાર ઇન્દીવર પોતે હો કોઈના લવમાં હતો ને ફ્રસટ્રેટ થયેલો એટલે એણે આશ્વાસન મેળવવા આવું ગીત લખી મારેલું ને કલ્યાણજી આણંદજીએ મસ્તીથી ફીટ કરી દીધેલું.બાપુએ શું સિતાર વગાડી છે!આફરીન!ને લતાબાઈનો અવાજ હોય એટલે પૂછવાનું જ શું?હાર્ટ હથેળીમાં ના આવી જાય તો પૈહા પાછા.
બીજા અંતરામાં પણ નૂતન હીરોની પાછળ પાછળ જઈને એક જ વાત સમજાવે છે કે એક પ્રેમ તૂટી ગયો તો કંઈ ખાટુંમોળું થઇ જતું નથી.હજી પણ કેટલી બધી કળીઓ તને એ આશાએ તાકી રહી છે કે તું ફરી ઘર માંડે.ફરી લવ કરે.જોઈએ તો લવલવ કરે,પણ આમ ભૂખડીબારસની જેમ ભટક્યા ન કરે. ખરેખર તો સરસાતીએ સાવકી માની છાતી પર ઢગલો બૈરાં ખડકી દેવાં જોઈતાં હતાં કે એ હો ખો ભૂલી જાય.છેલ્લે બે હાથ જોડીને નૂતન કહે છે કે મનની ઈચ્છા વગર હો દુનિયામાં બીજાઓની સાથે ચાલવું પડે છે.આ હાળી ટ્રેજેડી છે. વિધુર મરદો ફરી લગન કરી શકતા હતા,પણ બૈરાનું એવું હતું કે રંડાય તો ફરી મંડાય ની.અરે! સરસતીચંદ્રના લેખક ગોરધનકાકા હો બબ્બે વાર પરણેલા,પણ તેની હિરોઈનને તો વિધવા જ રાખેલી.આ મને તો ખોટું જ લાગે છે ને મારું ચાલે તો ગોરધનકાકાના બીજા લગન હું તો ફોક જ કરું,પણ દહ માર્કના સવાલમાં તો કેટલુંક થાય?
માસ્તર સાહેબ,મારી વાત ખોટી હોય તો લાફો મારજો પણ માર્ક ની કાપતા.તમે હો મરદ જ છોને,પરવડે તો ચાર રાખજો,પણ ખાર ની રાખતા.ગૂડ લક.ભગવાન તમારું ભલું કરે.જય સરસતી...@@@