વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાથ તારો મારો

દિનેશે રડી રહેલી વીણા સામે જોયું અને કહ્યું,"ગાંડી, રડે છે શું કામ હું તો આ રહ્યો તારી સામે. અત્યારે દેહ ભલે આંગણામાં હોય પણ હું તો તારી સાથે જ છું. તારો મારો સાથ ફક્ત અત્યાર પુરતો નહીં પણ જનમોજનમનો છે. સાથે જીવ્યા છીએ અને તેના દરબારમાં પણ સાથે જ જઈશું. ફરી જો અવતરવાનું હશે તો સાથે જ આવીશું."

 

         પહેલાં વીણાને લાગ્યું કે ભ્રમ થયો છે પણ પછી ઉપર જોયું તો પોતાના પતિ દિનેશના દર્શન થયાં. તે વિચારવા લાગી કે આ કઈ રીતે શક્ય છે? તેમનો દેહ તો અત્યારે ઠાઠડીમાં બંધાયેલો છે.

 

        પૂર્ણ ઘર લોકોથી ભરાયેલું હતું અને ઘરમાં રોકકળ શરૂ હતી. આમ તો દિનેશની જવાની ઉંમર ન હતી પણ આયુષ્યની ડોર તો ઈશ્વરના હાથમાં હતી જે તેણે નિર્દયતાથી કાપી દીધી હતી.

 

        ફક્ત વીણા જ તેને‌ જોઈ શકતી હતી. દિનેશે તેને ઈશારો કર્યો કે ચાલ મારી સાથે પણ વીણાએ નકારમાં માથું ધુણાવ્યું. દિનેશ દુઃખી થઈને હવામાં તરવા લાગ્યો, વિચારવા લાગ્યો કે શું મારો પ્રેમ ઓછો પડ્યો?  શું વિણા જનમોજનમનો વાયદો વિસરી ગઈ.

 

         તેણે હજી થોડા દિવસ ત્યાં જ રહેવાનું હતું. તે કોણ રડે છે અને કોણ નાટક કરે છે તે જોઈ રહ્યો. તે પોતાની ઠાઠડી સાથે સિધ્ધપુર જઈ આવ્યો અને શાતિથી પોતાના દેહને અપાતો અગ્નિદાહ જોઈ આવ્યો.‌ ઈચ્છા થઈ કે પુત્રના ખભે હાથ મુકી સાંત્વના આપે અને કહે,"બેટા, દુઃખ ન કરીશ જીવન ક્ષણભંગુર છે. હવે તું તારી જવાબદારી સારી રીતે ઉપાડજે, તારી માતાની કાળજી રાખજે." પણ તે જાણતો હતો કે દીકરા સુધી આ વાત નહીં પહોંચે.

 

          તે તરતો ઘરે આવ્યો. ઘરમાં એકાંત થયા પછી વીણાએ તેની સામે જોયું અને કહ્યું,"નાથ, તમે મારા વિશે ભલે ગમે તે વિચાર્યું હોય, પણ હું પત્ની હોવાની સાથે એક મા પણ છું. દીકરાઓ માટેના આવા કઠણ સમયમાં તરત તમારી સાથે નહીં આવું. તમારી બધી વિધીઓ સારી રીતે પાર પાડીને તમારી સાથે આવીશ." દિનેશના ચહેરા ઉપર સ્મિત આવી ગયું.

 

         અગિયારમા અને બારમાની વિધી સારી રીતે પાર પાડી અને તેરમાના દિવસે વીણા તેમની સાથે નીકળી પડી, પોતાની પાછળ શું વિધી થાય છે, તે જોવા પણ ઊભી ન રહી.

 

(આશા છે મારા માતાપિતા અને ઈશ્વર મને તેમનાં નામ આ રીતે એકવચનમાં લખવા માટે માફ કરશે. આ સત્યઘટના છે અને પિતાના તેરમાના દિવસે માતાએ વગર કોઈ બિમારીએ પ્રાણ છોડ્યા હતા.)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ