વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

 

પ્રારંભ

 

જેનો કોઈ આરંભ નથી અને જેનો કોઈ અંત નથી એવાં, દૈવીય શક્તિથી બનેલાં આ અનંત બ્રહ્માંડમાં એક મહાકાય યાન તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું હતું.

પીળો રંગ અંહાર્બ પ્રજાતિની સભ્યતામાં શુભ મનાતો હતો, એટલે જ સ્પેસ-શીપના કેપ્ટન કેજીઝે દૂરથી જ એ પીળા રંગના તારાને જોઈને મનમાં નક્કી કરી લીધું હતું કે તેઓ એ દિશામાં આગળ વધશે.

હમણાં જ એમનું શીપ વર્મહોલથી સર્જાયેલાં પોર્ટલમાંથી પસાર થઈને આ અજાણી આકાશગંગામાં કોઈ અજ્ઞાત બિંદુએ આવ્યું હતું.

સ્પેસ-ટાઇમ ચાદર, એટલે કે અવકાશ અને સમયનાં સંકલનથી બનેલી ચાર પરિમાણ ધરાવતી ભૌમિતિક રચના સંપૂર્ણ બ્રહ્માંડમાં દરેક દિશામાં ફેલાયેલી છે, ફક્ત આડી કે ઊભી જ નહીં, પણ દરેક દિશામાં! આ ચાદરમાં પડેલો કોઈ પણ પદાર્થ ચાદરમાં ખાડો જન્માવે છે અને એ ખાડાના ઢાળને કારણે સ્પેસ-ટાઇમ ચાદર વંકાઈ જાય છે. પ્રકાશનાં કિરણો પણ જ્યારે એ પદાર્થ પાસેથી પસાર થાય છે, ત્યારે એમણે પણ એ વંકાયેલા પથ પર ગતિ કરવી પડે છે.

જ્યારે બ્લેકહોલનું સર્જન થાય છે, ત્યારે એનું પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળ આ સ્પેસ-ટાઇમ ચાદરને એટલી હદે પોતાની અંદર ખેંચી લે છે, કે એની અંદરથી પ્રકાશ પણ બહાર નથી નીકળી શકતો. બ્લેકહોલમાંથી કશું કહેતાં કશું પણ બહાર નથી નીકળતું.

વર્મહોલ એ બ્લેકહોલની વિરોધી સંકલ્પના છે અને બંને એકબીજા સાથે જોડાઈને એક સ્પેસ-પોર્ટલ બનાવે છે. બ્લેકહોલ અને વર્મહોલ કોઈ ટનલ જેવાં એ સ્પેસ-પોર્ટલના બે પ્રવેશદ્વારો તરીકેની ભૂમિકા ભજવે છે. બ્લેકહોલમાં પ્રવેશતી પ્રકાશ સહિતની દરેક વસ્તુઓ બીજા છેડેથી, એટલે કે વર્મહોલમાંથી બહાર નીકળી જાય છે. વર્મહોલ અને બ્લેકહોલથી સર્જાતી આવી ટનલનો ફાયદો એ છે, કે સેંકડો પ્રકાશવર્ષ દૂરનાં સ્થળે પલકવારમાં પહોંચી શકાય.

કોઈ પણ સજીવ દ્વારા આ પ્રકારના સ્પેસ-પોર્ટલનું સર્જન કરવું અશક્ય બાબત હતી; અંહાર્બો માટે પણ. જો કે, તેમણે બ્રહ્માંડમાં વિભિન્ન સ્થળોએ પહેલેથી જ અસ્તિત્વ ધરાવતાં આવાં સેંકડો સ્પેસ-પોર્ટલો શોધીને દૂરની આકાશગંગાઓ સુધીની યાત્રા માટે એમનો ઉપયોગ કરવાનું શીખી લીધેલું.

શીપની ખાસ પ્રકારની ધાતુ પરથી એ પીળા તારાનો ચળકાટ પરાવર્તિત થઈ રહેલો. આ પહેલા પણ તેઓ અનેક આકાશગંગાઓ ભટકી ચૂક્યા હતા, પરંતુ એમને એક પણ ગ્રહ એવો મળ્યો ન હતો, જ્યાં એમના જેવા સજીવો માટે જીવનની સંભાવના ધબકતી હોય. કેજીઝે નિયંત્રણ સંભાળતા ક્રૂને એ પીળા તારા તરફ શીપ વાળવાનો આદેશ કર્યો અને ફ્લાઇટ-ડેકમાંથી બહાર આવીને કોમન-રૂમમાં પ્રવેશ્યો. ત્યાં એના સહયાત્રીઓ અને હવે આ લાંબી યાત્રા પછી ગાઢ મિત્રો બની ગયેલા અંહાર્બ પ્રજાતીના અન્ય પાંચ સજીવો એક ટેબલ ફરતે બેઠા હતા.

વિશાળ સ્ફટીક જેવી આંખો, શરીરની સરખામણીમાં સહેજ મોટું મસ્તક, પગના ઘૂંટણ સુધી લંબાતા હાથ અંહાર્બ સજીવોની લાક્ષણિકતા હતા. ખાસ પ્રકારના પોશાકમાં સજ્જ એમની ખુલ્લી ત્વચા લીલા રંગની હતી, જેના પરથી નસો બહાર ડોકાઈ રહી હતી.

ટેબલની સપાટી એક સ્ક્રીનની જેમ વર્તતી હતી, જેનાં પર શીપનાં બહારનાં સેન્સીંગ ડિવાઇસો વડે તૈયાર થઈ રહેલો આ નવી આકાશગંગાનો નકશો ધીમે ધીમે પ્રદર્શિત થઈ રહ્યો હતો. એ સજીવો પોતપોતાના વિષયોના તજજ્ઞ હતા અને એમનું કામ કેપ્ટન કેજીઝને વસવાટ યોગ્ય ગ્રહ શોધવામાં મદદ કરવાનું હતું. સૌ કોઈ એ વિશાળ આકાશગંગાનાં નકશાનું એનાલિસિસ શરૂ કરે એ પહેલાં જ કેપ્ટન કેજીઝે એક પીળા તારા સામે આંગળી ચીંધીને પોતાનો વિચાર તેઓના દિમાગ સુધી ટ્રાન્સમિટ કર્યો, ‘આપણો શુભ રંગ. એ મને આશાસ્પદ જણાય છે.’

તેઓ આ રીતે સીધું દિમાગનાં તરંગો વડે જ કમ્યૂનિકેશન કરવાની ક્ષમતા ધરાવતા હતા. તજજ્ઞોએ જીજ્ઞાસાથી એ પીળા તારામંડળના ગ્રહોનું એનાલિસિસ શરૂ કરી દીધું અને સૌ કોઈના આશ્વર્ય વચ્ચે, એના બે ગ્રહો ‘હેબીટેબલ ઝોન’માં જણાતા હતા.

કોઈ પણ તારાની ખુબ નજીક રહેલા ગ્રહો ગરમ અને દૂર રહેલા ગ્રહો ઠંડા હોવાથી ત્યાં જીવન પાંગરી શકે એવી સંભાવના શૂન્ય હોય છે. માટે, પોતાના પિતૃ તારાથી બહુ નજીક પણ નહીં અને બહુ દૂર પણ નહીં એવા સલામત અંતરે આવેલી કક્ષામાં પરિક્રમા કરતા ગ્રહો પર જ જીવન પાંગરતું હોય છે. કેમ કે ત્યાં બહુ ઠંડું કે ગરમ નહીં એવું સમતોષ્ણ વાતાવરણ અને મહામૂલું જળ ઉપલબ્ધ હોય છે.

તજજ્ઞોના ચહેરાઓ પર આનંદ છવાઈ ગયો. સૌ કોઈ મનમાં આશા રાખતા હતા, કે એ બે ગ્રહો પર એમની પ્રજાતિ માટે અનુકૂળ પરિસ્થિતિઓ હોય તો સારું. કેમ કે, આ પહેલા પણ તેઓ અનેક આકાશગંગામાં પ્રથમ નજરે વસવાટ યોગ્ય જણાતા આવા અસંખ્ય ગ્રહો સુધીનો વ્યર્થ ફેરો કરીને પાછા આવ્યા હતા. એ ગ્રહો પર જીવન તો ધબકતું હતું, પરંતુ ત્યાંની પરિસ્થિતિ એમની પ્રજાતિના સજીવો માટે જરા પણ અનુકૂળ ન હતી.

***

 

એમનું વિશાળ ગોળાકાર, ઉપગ્રહ જેવું જ ભાસતું યાન એ તારામંડળના એક લાલ ગ્રહ ફરતે પ્રદક્ષિણા કરવા લાગ્યું. એની જમીન પર ઉતરતા પહેલા તેઓ અવકાશમાંથી જ ગ્રહનાં વાતાવરણ અને જીવન અંગેની તમામ માહિતી એકઠી કરી લેવા માગતા હતા. સૌથી મહત્વનો પ્રશ્ન સલામતીનો હતો, કેમ કે શીપમાં કંઈક એવું હતું, જેને એમણે જીવનાં જોખમે પણ સાચવવાનું હતું.

એ લાલ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ મળ્યું અને ત્યાં જીવન માટે વાતાવરણ પણ અનુકૂળ જણાયું. તેમ છતાં, એ ગ્રહ એમનામાં ઉદાસીન અને ખીન્ન લાગણી જન્માવી રહ્યો હતો. સૌ કોઈએ ચર્ચા કરીને બીજા ગ્રહનો ડેટા એકઠો કરવાનું નક્કી કર્યું, જેથી પછી બંને ગ્રહોમાંથી જે વધારે અનુકૂળ જણાય, ત્યાં વધારે પરિક્ષણ માટે ઉતરાણ કરી શકાય.

યાન એ લાલ ગ્રહની કક્ષામાંથી બહાર નીકળીને બીજા ગ્રહ તરફ આગળ વધ્યું. રસ્તામાં જ, તેઓને સ્ક્રીન પર એ વાદળી રંગના ગ્રહની ઇમેજ મળવા લાગી હતી. વાદળી રંગની વચ્ચે તેઓએ લીલાશ પડતી ઝાંય પણ જોઈ. કેપ્ટન કેજીઝ સહીત સૌ કોઈને ત્યાં ભરપૂર માત્રામાં લીલા રંગની ફક્ત હાજરી જોઈને જ એ ગ્રહ સાથે પોતીકાપણું લાગવા માંડ્યું, કેમ કે એમની ત્વચાનો રંગ પણ એ જ હતો.

એમનું યાન આ વાદળી ગ્રહની કક્ષામાં પહોંચ્યું અને એની પ્રદક્ષિણા શરૂ કરી દીધી. એ દરમિયાન એમણે શક્ય એટલી તમામ પ્રાથમિક માહિતી મેળવી લીધી. ત્યાં ભરપૂર માત્રામાં ઓક્સીજન હતો, જગ્યાએ-જગ્યાએ સાગરના વિશાળ જથ્થાએ ભૂખંડને ઘેરી રાખેલો અને સૌથી મહત્વની બાબત, ત્યાં એમની ત્વચાના રંગને મળતી આવતી સજીવ-સૃષ્ટી પૂર્ણ સ્વરૂપમાં પાંગરી ચૂકી હતી.

અંતરિક્ષમાં કલ્પના બહારની લાંબી યાત્રા પછી, છેવટે અંહાર્બ સજીવોને પોતાનાં બીજા ઘર માટે શ્રેષ્ઠ સ્થળ મળી ગયું!

***

 

એ વિશાળ યાન ધીમે ધીમે ગ્રહનાં વાતાવરણમાં પ્રવેશ્યું અને છેવટે રાતનાં અંધારામાં એક મેદાનમાં આવીને અટક્યું. એ ક્ષણે જાણે ભૂકંપ થયો હોય એવી કંપારી પ્રસરી ગઈ. યાનનો પ્રવેશદ્વાર ખુલ્યો અને સૌથી પહેલા કેપ્ટન કેજીઝ સીડીઓ ઊતરીને બહાર આવ્યો. એની પાછળ પાંચેય તજજ્ઞોની ટુકડી પણ બહાર આવી. લાંબા સમયગાળા પછી તરોતાજા કરી દેતો પ્રાણવાયુ એમણે શ્વાસમાં ભર્યો. એમના શરીરમાં નવી ઊર્જાનો સંચાર થઈ ગયો. એમણે આસપાસ નજર ફેરવી. હમણાં જ જ્યાં ચારેકોર અંધકાર હતો, ત્યાં ઉગતા તારાનો પ્રકાશ પથરાઈ ગયો.

એમણે આસપાસની જીવસૃષ્ટીનું અવલોકન શરૂ કર્યું. મેદાનમાં ઊગેલાં મોટાભાગનાં વૃક્ષો એમનાં જ કદનાં હતાં. આ ગ્રહનું ગુરુત્વાકર્ષણ વધારે હોવાથી અન્ય ચોપગાં પશુઓ પણ અંહાર્બ પ્રજાતીના સજીવો કરતા કદમાં ઘણાં નાનાં હતાં. એટલી વારમાં તો સૂરજ પૂર્ણ રીતે ક્ષિતિજ પાસે ઝળહળવા લાગ્યો. જો કે તેમણે આ વાત પહેલેથી જ નોંધી રાખી હતી, કે એમની પ્રજાતિના મૂળ ગ્રહની સરખામણીમાં અહીંયા સમય અત્યંત ઝડપથી ચાલતો હતો. અહીં દિવસ-રાત ખુબ જ ઝડપથી પલટાઈ જતાં. તેઓ બહાર આવ્યા એને બસ થોડીક જ વાર થયેલી, છતાં આકાશમાં રહેલો તારો ઝડપથી એમનાં માથા પર આવી ગયો.

કેપ્ટન કેજીઝની અનુભવી આંખો જાણે એક નજરમાં જ આસપાસની સજીવ-સૃષ્ટીનો તાગ મેળવી રહી હોય એમ ચોતરફ ફરી રહી હતી. અંહાર્બો જે કશું પણ પોતાની આંખોથી જોતા, એ તમામ વિઝ્યુઅલ માહિતી સીધી યાનની સંચાલક પ્રણાલી સુધી ટ્રાન્સમિટ થઈ જતી હતી. એમની ત્વચા પર લાગેલાં નેનો-ડિટેક્ટર પણ સતત આ ગ્રહની હવામાંથી પ્રાપ્ત થતી માહિતી યાનની પ્રણાલીને પહોંચાડી રહ્યાં હતાં.

કેપ્ટન કેજીઝ તજજ્ઞોની ટુકડી તરફ ફર્યો અને ખુશી વ્યક્ત કરવા એમની સાથે દિમાગી તરંગોથી સંવાદ સાધ્યો, ‘આપણી લાંબી શોધયાત્રા અંતે સાર્થક રહી જણાય છે. ઘરથી દૂર, બીજુ એક ઘર મળી ગયું છે!’

એ પછી એક નાનાં ફ્લાઇંગ ફ્રાક્ટમાં બેસીને આસપાસના વિસ્તારમાં થોડુંક ભટક્યા પછી કેપ્ટન  કેજીઝને ખાત્રી થઈ ગઈ, કે આ ગ્રહની આબોહવા એમની પ્રજાતિ માટે અત્યંત અનુકૂળ હતી. પરંતુ ઝડપથી જ અંધારું ઘેરાવાં લાગ્યું અને આકાશમાં ઝળહળતો પેલો તારો એકાએક ક્ષિતિજ પાછળ ડૂબી ગયો. ત્યાં જ, એકસામટા કેટલાયે દિમાગી તરંગો કેપ્ટન કેજીઝ સુધી આવ્યા: ‘ના! આ ગ્રહ બરાબર નથી! કશીક ગરબડ થઈ રહી છે!’

તે ઝડપથી પાછો ફર્યા. તજજ્ઞોની ટુકડીમાં મોટાભાગના સજીવોની શારીરિક સ્થિતિ લથડવાં લાગી હતી. તેઓનું માથું દુખી રહ્યું હતું. પગમાં અશક્તિને કારણે તેઓ ઊભા રહી શકતા ન હતા. એમની ત્વચા પણ લીલામાંથી કાળાશ પડતી થવાં લાગી હતી. પરંતુ પેલાં ફ્લાઇંગ ક્રાફ્ટ અંદર નિયંત્રિત પ્રકાશ-વ્યવસ્થા કે અન્ય કોઈ કારણસર કેપ્ટન કેજીઝને અંધારાની કોઈ અસર થઈ ન હતી.

પોતાના સાથીઓની આવી હાલત જોઈને કેપ્ટન કેજીઝને નિરાશા ઘેરી વળી. અંધારામાં જોવાં માટે સક્ષમ, એની સ્ફટિક જેવી ચળકતી આંખોમાં રહેલા ઉત્સાહ અને આશા ભાંગીને કડકભૂસ થવા લાગ્યા.

***

 

યાનના એક ઠંડા ખંડમાં કેપ્ટન કેજીઝ ઊભો હતો. તેની સામે કાચની નાની-નાની હજારથી પણ વધારે પેટીઓ એક ઉપર એક કતારમાં ગોઠવાયેલી હતી. પેટીઓ અંદર પીળાશ પડતું વિચિત્ર પ્રવાહી ભરેલું હતું. અને એની અંદર તરતું હતું અંહાર્બ પ્રજાતિનું ભવિષ્ય; સમસ્ત અંહાર્બ પ્રજાતિના સર્વશ્રેષ્ઠ પુરુષોનાં શુક્રાણુ અને સર્વશ્રેષ્ઠ સ્ત્રીઓનાં અંડાણુ. તેઓએ એમને જીવનાં જોખમે પણ સાચવી રાખવાના હતા અને વસવાટ માટે સૌથી યોગ્ય ગ્રહ શોધીને ત્યાં એમના સંગમથી ભ્રૂણ તૈયાર કરીને પોતાની પ્રજાતિ વિકસાવવાની હતી. નવા ગ્રહનાં વાતાવરણમાં ટકી શકે એ મુજબ એમનાં જનીનમાં કેટલાક મૂળભૂત ફેરફાર કરવા પણ અનિવાર્ય હતા. એ સાથે જ એમની જનીન સંરચનાઓમાં એક ખાસ પ્રકારનો ફેરફાર કરીને એક અત્યંત વિશેષ ડેટા, એક કોડ, એમની અંદર જ સાચવીને મૂકવાનો હતો.

એમનાં ઘરે, એમના મૂળ ગ્રહ પર અંહાર્બ પ્રજાતિએ જ્ઞાનનાં તમામ ક્ષેત્રોમાં જે હદે પ્રગતિ કરી હતી, એ પોતાનામાં બેજોડ હતી. સતત સ્પેસ-ટ્રાવેલ કરતા રહેવા છતાં તેઓને પોતાનાં સ્તરની તો દૂર, એનાથી અડધી પણ વિકસિત સભ્યતા સમગ્ર બ્રહ્માંડમાં હજી સુધી ક્યાંય મળી ન હતી. તેમ છતાં, પોતાની પ્રજાતિનું અસ્તિત્વ ટકાવવાં માટે નવું ઘર શોધવાની તેમને જરૂર પડી હતી. કેમ કે, એમની ગણતરી મુજબ એમનો પોતાનો પિતૃતારો બહુ જ ઝડપથી સુપરનોવા તરીકે ફાટીને આસપાસના તમામ ગ્રહોનો વિનાશ કરવાનો હતો. એવું થાય એ પહેલાં જ અંહાર્બ પ્રજાતિએ નવાં આવાસ માટે કેપ્ટન કેજીઝની આગેવાનીમાં આ સર્ચ-મિશન મોકલ્યું હતું.

તેઓની યોજના સરળ હતી. થોડાક ભ્રૂણોને વસવાટ માટે યોગ્ય ગ્રહ પર સ્થાપિત કરીને આગળનો પ્રવાસ ચાલું રાખવો અને બીજો કોઈ યોગ્ય ગ્રહ શોધવો. ત્યાં પણ થોડાક ભ્રૂણોને રોપીને નવા ગ્રહની તલાશમાં આગળ વધવું. આ રીતે, શક્ય એટલા વધારે ગ્રહો પર પોતાની પ્રજાતિના જીવોને સ્થાપિત કરવાથી તેઓનાં અસ્તિત્વને બચાવવાની સંભાવના વધી શકતી હતી. કેમ કે, જરૂરી ન હતું કે દરેક ગ્રહ પર એમણે સ્થાપેલો જીવ જીવનના સંઘર્ષમાં વિજેતા જ બને!

જે ગ્રહ પર એમની પ્રજાતિનો જીવ પેઢીઓ સુધી ટકી જાય, એ જીવ પોતાની જનીન-સંરચનામાં છૂપાયેલા કોડનો ઉપયોગ કરીને અંહાર્બો સુધી સંદેશો મોકલી શકે. એ સંદેશો મળે એટલે અંહાર્બોને ખાત્રી થઈ જાય, કે જે ગ્રહ પરથી એ આવ્યો છે, એ ગ્રહ એમના વસવાટ માટે ઉત્તમ છે.

ધીમા પગલે એક તજજ્ઞ એ ખંડમાં આવ્યો. એ શરીરવિજ્ઞાનનો જ્ઞાતા હતો અને આ ખંડની જાળવણીનું કાર્ય તેનું હતું. તેની સ્થિતિ હવે સારી હતી, પણ તેની ત્વચા હજી સહેજ કાળાશ પડતી દેખાતી હતી. તેણે કેજીઝની પાસે આવીને સંવાદ સ્થાપ્યો, ‘આપણે ઉતાવળમાં નિર્ણય ન કરવો જોઈએ.’

‘પણ શું ખાત્રી કે આગળ જઈને આપણને આનાથી વધારે અનુકૂળ ગ્રહ મળશે જ? રસ્તામાં કશું અનિચ્છનીય થઈ ગયું તો?’

‘અહીંનું વાતાવરણ આપણા માટે સંપૂર્ણ રીતે માફક નથી, એ તે જોઈ લીધું. આપણે પહેલાં એનો વિસ્તૃત અભ્યાસ કરવો પડશે અને પછી અહીંનાં વાતાવરણને અનુકૂળ થવાં માટે આપણાં શરીરનાં બંધારણમાં પાયાની કડીઓમાં સુધારા કરવા પડશે. એમાં ધાર્યા કરતા વધારે સમય નીકળી જશે, જે કદાચ આપણી માટે હિતકર નથી. ’

‘કોઈ વચગાળાનો ઉકેલ ન કાઢી શકાય?’

તજજ્ઞ થોડીવાર મૌન રહ્યો અને પછી બોલ્યો, ‘એક ઉકેલ છે.’

આ શબ્દોથી કેપ્ટન કેજીઝને ફરી આશા બંધાઈ.

***

 

કેપ્ટન કેજીઝ યાનમાં જ રહેલી એક પ્રયોગશાળામાં, વિશાળ ટેબલ પર બંધક અવસ્થામાં પડેલાં વાનર પ્રજાતિનાં દશ માદા પશુઓને જોઈ રહ્યો હતો. પોતાની પ્રજાતિ સાથે અમુક પ્રકારે શારીરિક સામ્ય ધરાવતી એ દશ માદાઓનાં શરીરે ઘણી બધી રૂંવાટીઓ હતી. શરીરવિજ્ઞાનના એ તજજ્ઞની દેખરેખમાં, અન્ય તજજ્ઞોની સહાયથી એક નાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. તેઓએ એ બંધક રહેલી માદાઓના ગર્ભમાં અંહાર્બ પ્રજાતિઓના શુક્રાણુ રોપ્યા હતા. થોડાક જ સમયમાં એ માદાઓ હવે એક નવા જ પ્રકારના જીવને જન્મ આપવાની હતી.

સૌ કોઈ ઉત્કંઠાથી એ જ ક્ષણની રાહ જોઈ રહેલા. આ પ્રયોગ પહેલા, કેપ્ટન કેજીઝ અને તજજ્ઞોએ વિસ્તારથી ચર્ચા કરેલી. શરીરવિજ્ઞાનના તજજ્ઞે યાનમાં ઉપલબ્ધ ટાંચાં ઉપકરણો વડે એક એવું પરિક્ષણ હાથ ધર્યુ હતું, જેની સફળતા સંપૂર્ણપણે સંભાવના પર જ ટકેલી હતી.

અંહાર્બ પ્રજાતિ માટે આ ગ્રહ અજ્ઞાત કારણોથી અંધારૂ થયાં પછી પ્રતિકૂળ બની જતો હતો. એટલે તેમણે પોતાની પ્રજાતિના અંશને અહીંનાં જ એવાં કોઈ પશુના ગર્ભમાં રોપવાનું નક્કી કર્યું, જે એમની સાથે થોડેક અંશે શારીરિક સમાનતા ધરાવતો હોય. પરિણામે, એ માદાઓ વડે એક એવી સંકર પ્રજાતિ જન્મી શકે, જેનામાં મહત્તમ લક્ષણો અંહાર્બ પ્રજાતિના હોય. જો આ પ્રયોગ સફળ રહ્યો, તો તેઓ એવા વધારે જીવો સર્જવાનું વિચારી રહ્યા હતા.

‘શું આ નવા પ્રકારનો સજીવ એટલો બુદ્ધિશાળી હશે, કે એ એની જનીન સંરચનામાં સચવાયેલો કોડ સમજીને આપણને સંદેશો મોકલી શકે?’ કેપ્ટન કેજીઝને રહી-રહીને અત્યંત મહત્વનો સવાલ જાગ્યો.

‘આપણે ફક્ત આશા રાખી શકીએ.’

‘સાચું, આપણે ફક્ત આશા જ રાખી શકીએ.’ કેપ્ટન કેજીઝ બોલ્યો અને ફરીથી પેલી માદા પશુઓ સામે જોયું. એમાંથી એક માદાને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગયેલી અને હવે કોઈ પણ ઘડીએ એ નવો જીવ આ સૃષ્ટીમાં અવતરવાનો હતો.

***

 

૧૧૦૦ વર્ષો પહેલાં, મહાન માયા નગરનાં જંગલોમાં

 

એક સામટી હજારો આંખો ત્યારે આકાશ સામે મંડાયેલી હતી. તારાઓથી મઢેલું સ્વચ્છ આકાશ એ રાત્રે પણ હંમેશની જેમ સુંદર અને શાંત જણાતું હતું. હવામાં અલગ-અલગ ઔષધિઓ અને પદાર્થોના ધૂપની તીવ્ર ગંધ પ્રસરેલી હતી.

માયા સભ્યતાનાં એ મહાન નગર, તિકાલનાં મુખ્ય મંદિર બલ્હામનાં પ્રાંગણમાં એકઠાં થયેલાં લોકો આકાશ તરફ મીટ માંડીને ચમત્કારની રાહ જોઈ રહેલાં. એ ચમત્કાર, જેની બલ્હામના પુજારી કુકલ્કે સૌ કોઈને આશા બંધાવેલી. હમણાં જ જે મનુષ્યની બલિ ચડાવાઈ હતી, એનું બલ્હામનાં છેક ઉપલાં પગથિયેથી દડીને જમીન પર આવેલું માથું પણ જાણે એની ફાટેલી આંખોથી આભને તાકી રહેલું!

મંદિરની પ્રત્યેક બાજુએ ૯૧ પગથીયાઓ હતાં. એટલે ચારેબાજુઓનાં કુલ પગથિયાઓ ૩૬૪ થતાં હતાં. ટોચના વ્યાસપીઠ સમા ઓટલાનાં પગથીયાને પણ એમાં ઉમેરીએ તો કુલ પગથિયાઓનો આંકડો થતો હતો: ૩૬૫! એક વર્ષના કુલ દિવસોની જેમ જ. સમગ્ર વર્ષને ૩૬૫ દિવસોનું બનેલું ગણવું એ માયા સભ્યતાનાં ખગોળશાસ્ત્રની અનોખી ખાસિયત હતી. આ અને આવું ઘણું જ્ઞાન એમને એમના પૂર્વજો તરફથી મળેલું હતું. સૌથી આશ્ચર્યની વાત તો એ હતી, કે વર્ષ દરમિયાન બે વાર, વસંત અને પાનખરમાં નિશ્ચિત દિવસોએ નાગના આકારની એક છાયા આ મંદિર ઉપર પડતી હતી.

એ મનુષ્યનું ધડ હજી છેક ઉપરનાં પગથિયે જ પડ્યું હતું અને એની બાજુમાં ઊભો હતો, કુકલ્ક. ભીન્ન વિદ્યાઓ અને ઈશ્વરી તાકતો વિશે એની પાસે જે જ્ઞાન હતું, એની સમગ્ર માયા પ્રદેશમાં ચર્ચા થતી. જો કે, સૌથી વધારે ચર્ચા થતી એની સાપ જેવી ફેણ ધરાવતી જીભની. ઘણાં લોકોનું તો માનવું હતું કે કુકલ્ક સાપની કાંચળી જેમ સમયાંતરે આખાયે શરીરની ત્વચા ઉતારીને બદલી પણ શકતો. એના વિશે તો આવી ઘણી બધી વાયકાઓ પ્રચલિત હતી.

પ્રાંગણમાંની ભીડમાં સૌથી આગળ ઊભેલા તિકાલનાં રાજાની અધિરાઈ વધતી જતી હતી. એમણે સાદ પાડીને કુકલ્કને પૂછ્યું કે ઈશ્વરો ખરેખર આવવાના છે કે પછી હજી એમને વધારે નરબલિઓ આપવી પડશે? રાજા માનતા હતા કે નરબલિ વિના કોઈ પણ વિધિ અપૂર્ણ જ ગણાય અને એવી અપૂર્ણ વિધિથી ઈશ્વરો નારાજ થઈ જાય. કિંતુ, કુકલ્કે અગાઉ પણ રાજાને સમજાવવાનો પ્રયાસ કરેલો, કે ઈશ્વરોને બોલાવવાની વિધિમાં કોઈ જ જાતની બલિ આપવાની જરૂર ન હતી. તેમ છતાં, રાજહઠ સામે એણે નમતું જોખવું પડેલું.

કુકલ્કે ત્રણેક દિવસ પહેલા જ ઈશ્વરોને આ સંસારમાં બોલાવવા માટે કરવી પડતી વિધિઓ પૂર્ણ કરેલી અને ત્રણ દિવસથી નગરજનો બલ્હામનાં પ્રાંગણમાં ઉત્સવ ઉજવી રહેલાં. કુકલ્કે રાજા સહીત તમામ લોકોને આશા બંધાવેલી, કે ઈશ્વરો આકાશમાંથી ઉતરશે અને સૌ કોઈને પોતાની સાથે મનુષ્યોનાં ખરાં ઘર એવાં, અન્યત્ર આવેલાં એક સ્વર્ગસમાં સંસારમાં પાછા લઈ જશે. સૌ કોઈ દુ:ખ અને વ્યાધિથી ભરેલાં આ સંસારમાંથી અનંત સુખ પ્રદાન કરતાં સંસારમાં ચાલ્યાં જવાની ઈચ્છા રાખતાં હતાં.

પરંતુ આજે, ત્રીજા દિવસની રાત્રીએ સૌ કોઈ રાહ જોઈને થાકી ગયેલાં. કુકલ્ક પરથી એમનો વિશ્વાસ ધીમે ધીમે ડગવા લાગ્યો હતો. એમાંનાં કેટલાકે તો ત્યાં જમીન પર જ આડા પડી જઈને સુઈ જવાનું નક્કી કર્યું. રાજાએ પણ આંખો મીંચીને પોતાની આરામદાયક બેઠક પર માથું ઢાળી દીધું. પણ, કુકલ્ક જાગતો રહ્યો અને થાક્યા વગર બલ્હામની ટોચનાં પગથિયે ઊભો રહીને આકાશને તાગતો રહ્યો. રાત્રી જેમ આગળ વધતી ગઈ, એમ એની આશા પણ વધારેને વધારે બળવાન થતી ગઈ.

છેવટે, એ મનુષ્યોએ પહેલા કદી ન સાંભળ્યો હોય એવો વિચિત્ર ઘોંઘાટ આકાશમાં ગરજવા લાગ્યો અને સુઈ ગયેલી તમામ આંખો જાગી ગઈ. એમણે ગરદનો ઊંચકીને ઉપર જોયું. એક વિશાળ ચમકતા ગોળા જેવો કોઈ પદાર્થ ધીમી ગતિએ નજીક આવતો જણાતો હતો. નગરજનોનાં હૃદય જાણે અશ્વો જેમ ઝડપથી દોડવાં લાગ્યાં હતાં. એક મહાન ચમત્કારના સાક્ષી બનવાની સૌ કોઈને ખુશી પણ હતી, અને સાથે આકાશના ઈશ્વરોને રૂબરૂ મળતા પહેલાં થઈ રહેલો ભય પણ એમનાં અંતરને જકડી રહ્યો હતો.

જે થોડાઘણા ભયગ્રસ્ત મનુષ્યો હતા, એ તરત જ પગ ઉપાડીને દૂર જંગલ તરફ ભાગવા લાગ્યા. ઈશ્વરની સમક્ષ જવાની અને આ સંસાર છોડવાની એમની તમામ ઈચ્છાઓ બાષ્પીભવન પામી ગઈ. એમના ગયા પછી, રાજા અને એના પરિવાર સહિત ઘણા નીડર નગરજનો આંખમાં હર્ષના આંસુ સાથે પ્રાંગણમાં ઘૂંટણીયે પડીને ઈશ્વરનું સ્વાગત કરવા લાગ્યા હતા.

બલ્હામની ટોચ પર ઊભેલો કુકલ્ક પણ ઘૂંટણે પડી ગયેલો. એનું ઉન્નત મસ્તક આકાશ સામે હતું અને તેના બંને હાથ હવામાં ફેલાઈ ગયા હતા. એ અજાણ્યા ઈશ્વરોને ભેટવા માટે તત્પર હતો.

*** 

 

૪૭૦૦ વર્ષો પહેલાં, સિંધુ નદીના કાંઠે

 

સિંધુ નદીના કાંઠે, યુવાન રાજા પ્રસેજીતની નવસ્થાપિત રુદ્રાવર્ત નગરીનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. અન્ય આવાસો અને મુખ્ય મહેલનું નિર્માણકાર્ય રૂપરેખા પ્રમાણે આગળ વધી રહેલું, પણ દેવાલયનાં નિર્માણમાં વારેઘડીએ બાધા આવી રહી હતી. મેદાની પ્રદેશોની યાત્રા દરમિયાન, રાજા પ્રસેજીતે ત્યાંની અમુક નગરીઓમાં એક જ વિશાળ પથ્થરમાંથી કોતરીને ઘડ્યાં હોય એવાં વિશિષ્ઠ પ્રકારનાં દેવાલયો જોયેલા. એમની ભવ્યતાથી પ્રસેજીત અંજાઈ ગયેલો અને ત્યારથી જ એણે મનમાં ધારી લીધેલું, કે જ્યારે એનાં નવાં નગરનું નિર્માણ થશે, ત્યારે એનું મુખ્ય દેવાલય અદ્દલ એ જ પ્રકારનું હશે.

આ કાર્ય માટે રાજા પ્રસેજીતે દક્ષિણ પ્રાંતમાં નામના ધરાવતા સ્થપતિ વિકારાચાર્યને આમંત્રણ આપેલું. એમનું મૂળ નામ તો કંઈક બીજું જ હતું, પણ શરીરની એક ખોડને કારણે એમને વિકારાચાર્ય એવું ઉપનામ મળેલું. એમના પગના ઘૂંટણ એ રીતે વળેલા હતા, કે જેથી બંને પગના પંજાઓ સામેની બદલે ડાબી અને જમણી બાજુએ રહેતા. એમના વિશાળ કપાળ પર, વચ્ચોવચ્ચ ત્રિશુલનું એક તિલક હતું, એમના લગભગ કેશરહિત મસ્તક પરથી શ્વેત શિખા છેક ઘૂંટણ સુધી લંબાતી હતી. એમની આંખોની બંને કીકીઓનો રંગ એકબીજાથી ભિન્ન હતો. એક કીકી બિલકુલ કાળી અને એક કીકી નીલવર્ણી! એમના હોઠોના ખૂણેથી સતત લાળ પણ ટપકતી રહેતી. આવા વિચિત્ર દેખાવને કારણે સૌ કોઈનાં મનમાં વિકારાચાર્ય પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થતી.

રાજા પ્રસેજીત અને એના ખાસ પ્રધાન ચંદ્રધાન સાથે જ્યારે વિકારાચાર્યએ પહેલીવાર બેઠક કરેલી, ત્યારે જ વિકારાચાર્યએ સ્પષ્ટતા કરેલી, “રાજન, જેવું તમે ઈચ્છો છો એવું ભવ્યાતિભવ્ય દેવાલય માત્ર મારી પાસે રહેલી સ્થાપત્યવિદ્યાનાં જ્ઞાનથી બાંધવું શક્ય નથી. તમે જેમનાંથી અભિભૂત છો એવાં, મેં અગાઉ બાંધેલાં દેવાલયોનું નિર્માણ સરળ વાત છે. એ માટેનું જ્ઞાન મને મારા પૂર્વજો તરફથી વારસામાં મળ્યું છે. પરંતુ, તમે જેની માંગણી કરી રહ્યા છો, એવું દેવાલય કેવી રીતે બાંધવું એનું મને જ્ઞાન નથી. હું એવું પણ નથી કહેતો કે એ અશક્ય કાર્ય છે, પણ એનાં બાંધકામ માટે મારે એક ખાસ પ્રકારની વિધિ કરવી પડશે અને એમાં મારા સિવાય કોઈ હાજર નહીં રહી શકે.”

આ સાંભળીને પ્રધાન ચંદ્રધાનની આંખોમાં શંકા ઘેરાઈ આવેલી. એણે પૂછ્યું, “કેવી વિધિ?”

“આ સંસાર બહારની ખાસ શક્તિઓ પાસેથી સહાય મેળવવાની વિધિ.”

આ સાંભળીને ચંદ્રધાનની શંકા દૃઢ થઈ ગઈ. પહેલીવાર જોતાવેંત જ એને વિકારાચાર્ય પ્રત્યે શરીરની ખોડખાપણોને કારણે ઘૃણા આવી ગયેલી. એણે બાળપણથી જ સાંભળેલું કે શરીરની ખોડ સાથે જન્મતા બાળકો રાક્ષસી આત્માઓથી ગ્રસીત હોય છે. અને જ્યારે વિકારાચાર્યે ખાસ વિધિની વાત કરી, ત્યારે ચંદ્રધાનને ખાત્રી થઈ ગઈ, કે વિકારાચાર્ય કોઈ દુષ્ટ કે દાનવી તાકાતના ઉપાસક જ હશે. એણે પ્રસેજીતના કાનમાં ધીમા અવાજે પોતાની શંકાનું ઝેર રેડ્યું. પોતાના પરમ વિશ્વાસુની વાત સાંભળીને યુવાન પ્રસેજીત પણ ગેરમાર્ગે દોરવાયો.

“શ્રીમાન, તમારા જ્ઞાન પ્રત્યે મને માન છે, પણ તમારી વાત મને શંકાજનક લાગે છે. ઈશ્વર માટેનાં આવાસનું નિર્માણ સંપૂર્ણ રીતે ઈશ્વરી શક્તિઓની સહાય વડે જ થાય, એવી મારી ઈચ્છા છે. હું તમને ભેદી અને અજ્ઞાત વિધિઓ કરવાની મંજૂરી ન આપી શકું.”

“પરંતુ રાજન, એ વિના આ કાર્ય શક્ય જ નથી.”

“શ્રીમાન, તમે જોઈએ એટલી સોનામહોરો માગી લો, પણ અમારાં દેવાલયનું નિર્માણ કરી આપો.”

“ક્ષમા, રાજન. મેં કહ્યું એ પ્રમાણે, એ ખાસ વિધિ અનિવાર્ય છે.”

રાજા પ્રસેજિતને કોઈ પ્રત્યુત્તર ન સૂઝ્યો એટલે એની બદલે પ્રધાન ચંદ્રધાન બોલ્યો, “મહાશય, ફક્ત એક શરતે રાજન વિધિ માટે અનુમતિ આપી શકે.”

રાજા પ્રસેજિત અને વિકારાચાર્યે જિજ્ઞાસાથી એની સામે જોયું. ચંદ્રધાને ઉમેર્યું, “તમારે આ વિધિ અમારી અને નગરજનોની હાજરીમાં કરવાની રહેશે.”

રાજાને આ વાત ગમી ગઈ, પણ વિકારાચાર્યના ચહેરા પર અસંમતિ સ્પષ્ટ વર્તાતી હતી. તેઓ બે હાથ જોડીને ઊભા થયા, સહેજ નમ્યા અને વિનમ્ર અવાજે બોલ્યા, “રાજન, ક્ષમા કરશો. એવું મારાથી નહીં થઈ શકે. આપ મને રજા આપો એટલે હું મારા દેશ પાછો ફરું.”

રાજા પ્રસેજિતને આ વાત સહેજ પણ પસંદ ન આવી. એનું યુવાન લોહી ગરમ થઈ ગયું અને એણે ઊભા થઈને કમરે લટકતી તલવારની મૂઠ પકડી, “તમે મને વિકટ પરિસ્થિતિમાં મૂકી રહ્યા છો, મહાશય. જ્ઞાન અને જ્ઞાનીઓનો હું પ્રસંશક છું, પણ કોઈ જાતનું અપમાન હું સહન નથી કરી શકતો. દેવાલયનાં નિર્માણ વિના તમે પાછા નહીં જઈ શકો, આ મારો આદેશ છે.”

વિકારાચાર્યના ચહેરા પર ભય અને મૂંઝવણ ઘેરાઈ આવ્યા. પરંતુ એ જાણતા હતા, કે રાજહઠ સામે જીતવું મુશ્કેલ હતું.

એ દિવસ પછી આજે સાત મહિના પસાર થઈ ગયેલા. વિકારાચાર્યનાં માર્ગદર્શન નીચે કાર્ય કરતા શિલ્પીઓ અને મજૂરો રાતદિવસ પહાડસમી વિશાળ શિલાને કોતરીને દેવાલયનાં નિર્માણ પાછળ સંઘર્ષરત રહ્યા હતા. પરંતુ એક પછી એક, એમ સારી ગુણવત્તાની કુલ ત્રણ વિશાળ શિલાઓ વેડફાઈ ગયેલી. દેવાલયનાં ગર્ભગૃહની બહારના સ્તંભોની કોતરણી વખતે જ અંદરથી ખોખલી થઈ જતી શિલાઓમાં તિરાડો પડતી અને થોડાક દિવસો બાદ એ ભાંગી જતી.

આજે, ચોથી શિલા પણ એ જ રીતે પડી ભાંગી હતી. રાજા પ્રસેજીતના ગુસ્સાની કોઈ સીમા રહી ન હતી. પ્રધાન ચંદ્રધાનની કાનભંભેરણીને કારણે એના મનમાં એ વાત જડ થઈ ગયેલી, કે વિકારાચાર્ય જાણીજોઈને નિર્માણ કાર્યને ખોરંભી રહ્યા હતા.

પ્રસેજીત, ચંદ્રધાન અને એમના સંરક્ષકો ઉતાવળા પગલે એ સ્થળ તરફ આગળ વધી રહેલા, જ્યાં દેવાલયનું નિર્માણકાર્ય ચાલતું હતું. ખીન્ન વદને વિકારાચાર્ય, શિલ્પીઓ અને કારીગરો પોતાની દિવસોની મહેનતને ધ્વંસ થયેલી જોઈ રહેલા. પ્રસેજીતે ત્યાં પહોંચીને તરત જ તલવાર ખેંચી અને વિકારાચાર્યની ગરદન પર રાખી દીધી. આઘાત પામેલા વિકારાચાર્યના શ્વાસ જ થંભી ગયેલા. ફાટી આંખે ત્યાં હાજર સૌ કોઈ તલવારની તિક્ષ્ણ ધારને જોઈ રહેલા, જે ગરદનની ત્વચાને વિંધવાથી જરાક જેટલી જ દૂર હતી.

મજબૂત મનોબળ ધરાવતા વિકારાચાર્ય જરાય પણ હલ્યા વિના લાળ ટપકતાં મોંએ, મક્કમ અવાજમાં બોલ્યા, “રાજન, મને મૃત્યુનો ડર નથી. તમે ઈચ્છો તો મારું મસ્તક આ જ ક્ષણે ધડથી અલગ કરી શકો છો, પણ એમ કરવાથી વાસ્તવિકતા નહીં બદલાય. હું તમને ફરીથી કહું છું, કે આ દેવાલય માત્ર સ્થાપત્યવિદ્યાનાં જ્ઞાનથી નહીં બંધાય.”

રાજા પ્રસેજીતનો ગુસ્સો થોડોક શાંત થયો અને એણે તલવાર પાછી ખેંચીને આદેશ આપ્યો, “ઠીક છે, વિધિની તૈયારી કરો.”

“મારી શરતે.” વિકારાચાર્ય મક્કમતાથી બોલ્યા.

“તમારી શરતે.” પ્રસેજીતે ધીમા અવાજે કહ્યું.

પ્રધાન ચંદ્રધાન રાજાને રોકવા ગયો, “પણ રાજન, આ માણસ—”

“બસ પ્રધાનજી! જોઈએ તો ખરા, શું પરિણામ આવે છે.”

પ્રધાન ચંદ્રધાન ક્ષોભમાં મૂકાઈ ગયો. વિકારાચાર્યના ચહેરા પર સહેજ સ્વસ્થતા છવાઈ. એમણે ઉપવસ્ત્રના છેડા વડે મોંના ખૂણેથી ટપકતી લાળ સાફ કરી. એ પછી, દૂર શિખરો ઊંચકીને ઊભેલી પર્વતમાળાઓ તરફ આંગળી ચીંધીને તે ઉત્સાહથી બોલ્યા, “રાજન, સામે ઉભેલા ઉત્તુંગ પર્વતોને કોતરીને હું તમને એવું ભવ્ય દેવાલય બનાવી આપીશ, કે તમારા વંશજો એને જોઈને તમારી મહાનતાને યાદ કરશે અને તમારું નામ ઇતિહાસમાં અમર થઈ જશે!"

આગળ, કોઈને પણ ના સંભળાય એમ વિકારાચાર્ય ધીમેકથી બબડ્યા, “તેઓ જરૂર મદદ કરશે! તેઓ છેવટે આપણા જ છે ને !”

***

 

ઈજીપ્ત – લગભગ ૪૭૦૦ વર્ષો પહેલાં

 

લગભગ સમગ્ર શરીરે કાળી રૂંવાટી ધરાવતી એક બિલાડી યુવાન રાજા જોઝરના ખોળામાં રમી રહેલી. જોઝર ઘણો આનંદિત હતો. ગઈ કાલે જ એની તાજપોશી થયેલી. પોતાના પિતા પછી હવે તે સમગ્ર ઇજિપ્ત સામ્રાજ્યનો સર્વેસર્વા બન્યો હતો. મહેલના વિશાળ ઝરૂખામાંથી, દૂર સુધી પથરાયેલાં રાજ્યને નિહાળતો તે કોઈની રાહ જોઈ રહેલો. એ સમયે, આશરે એક દાયકા પહેલાની ઘટના તેની સ્મૃતિમાં ફરીથી જીવંત થઈ રહેલી.

એ દિવસે, રોજિંદી કાર્યવાહીઓ પૂરી થઈ ગયા પછી મહેલનાં વિશાળ સદનમાં સમ્રાટ, એમનો દિકરો જોઝર અને અંગત મિત્ર એવા થોડાક વજીરો બેઠા હતા. સમ્રાટનો ભત્રીજો ઈવાખુ એક ખાસ માણસને સદનમાં લઈ આવવાનો હતો.

જ્યારે ઈવાખુ પાછળ એ ખાસ માણસ સદનમાં પ્રવેશ્યો, ત્યારે જોઝર સિવાય સૌ કોઈએ નાકનું ટીચકું ચડાવી લીધું. એ માણસના ચહેરા અને હાથ પરની ચામડી જાણે એ સોએક વર્ષનો હોય એમ લચી પડેલી હતી. એની આંખોના ડોળા પણ ઘણા ત્રાસા હતા અને આખા ચહેરા ઉપર નાના-નાના ખાડા પડેલા હતા. સમ્રાટ તો એને જોઈને લગભગ ઉલટી જ કરી ગયેલો. ઈવાખુએ સમજદારી વાપરીને તરત જ પોતાનું ઉપવસ્ત્ર ઊતારીને આગંતુકનો ચહેરો ઢાંકી દીધો.

“માફી સમ્રાટ, આના દેખાવને અવગણશો. આ માણસ ઘણો કામનો છે. એની પાસે ઈશ્વરો સાથે વાત કરવાની તાકાત છે.”

સમ્રાટને ગુસ્સો ચડેલો, પણ ઈવાખુ એમનો ભત્રીજો હોવાથી એમણે ગુસ્સો દાબી રાખ્યો અને બોલ્યા, “એક તો આટલો કદરૂપો માણસ અને ઉપરથી ઈશ્વર સાથે વાત કરવાની તાકાત? શક્ય જ નથી.”

“પણ સમ્રાટ, એકવાર એની વાત તો સાંભળો.”

સમ્રાટને એની કોઈ વાતમાં રસ જ ન હતો. એમણે જવાબ આપવાની પણ પરવા ન કરી અને ઊભા થઈને પોતાના વજીરગણ સાથે ચાલતા થયા. ઈવાખુએ નિસાસો મૂક્યો અને એ કદરૂપા માણસ સામે જોયું.

જોઝરે પણ પિતાની પાછળ સદનમાંથી બહાર જવા માટે પગ ઉપાડ્યા. સદનમાં એકમાત્ર એને જ પેલા માણસને જોઈને ચીતરી ન ચડેલી. તેને ઉલટાની એની સ્થિતિ જોઈને દયા સાથે જિજ્ઞાસા પણ જાગેલી. જતી વખતે, જ્યારે એ માણસ પોતાના ચહેરા પરથી ઈવાખુનું ઉપવસ્ત્ર હટાવી રહેલો, ત્યારે થોડીક ક્ષણો માટે એની અને જોઝરની નજરો મળી હતી. એ ગણતરીની ક્ષણો દરમિયાન, જોઝરે એની આંખોમાં જાણે કોઈ અલૌકિક તત્ત્વ જોઈ લીધેલું.

એ વાતને દાયકો પસાર થઈ ગયેલો અને જોઝર ધીમે-ધીમે એ ઘટનાને ભૂલી પણ ગયેલો. પરંતુ, ગઈ કાલે તાજપોશી પછી નગરના રસ્તાઓ પર જ્યારે તેની સવારી નીકળેલી, ત્યારે ભીડમાં હજારો ચહેરાઓ વચ્ચે તેણે ફરીથી એ જાણીતી આંખોને જોયેલી. એ કદરૂપા માણસે ચહેરા ફરતે કપડું બાંધી રાખેલું, પણ તેની ત્રાસી આંખો એની ઓળખ છતી કરી દેતી હતી.

એક જ ક્ષણમાં જોઝરને પેલી ઘટના ફરી યાદ આવી ગઈ અને તેણે એ કદરૂપા માણસ સામે આંગળી ચીંધીને પોતાના ખાસ સેવકને કહ્યું, “એ માણસ, એને કાલે મહેલમાં મારા તરફથી આમંત્રણ આપો. ધ્યાન રહે કે એની સાથે સારો વ્યવહાર થાય.”

જોઝરની સ્મૃતિયાત્રા એના ખંડના દરવાજા પર પડતા ટકોરાથી અટકી ગઈ અને એણે પાછળ ફરીને જોયું. એક દાસી પાછળ પેલો કદરૂપો માણસ ઊભો હતો. જોઝરે દાસીને ચાલ્યા જવાનો ઈશારો કરીને મહેમાનને અંદર આવકાર્યો.

મહેમાન અંદર આવ્યો અને જોઝરની સામે બેસવાને બદલે ઊભો જ રહ્યો, “સમ્રાટ, હું જાણતો હતો, કે તમે તમારા પિતાથી ઘણા અલગ છો.”

“એ દિવસે ઈવાખુએ દાવો કરેલો, કે તું ઈશ્વરો સાથે વાત કરવાની તાકાત ધરાવે છે. એવો દાવો કરનારા એ પછી મને ઘણા માણસો મળ્યા હતા, પણ કોઈની આંખોમાં મેં એવી સચ્ચાઈ જોઈ ન હતી, જેવી તારી આંખોમાં હતી.”

મહેમાને જવાબ આપવાને બદલે વિનમ્રતાથી મસ્તક નમાવ્યું.

“તું જન્મથી જ આવો છે? કે આ કોઈ શાપ છે?”

“શાપ કહો કે વરદાન, અમારામાં આ વંશપરંપરાગત છે.”

“એ દિવસે, તું શા માટે મારા પિતાને મળવા આવેલો.”

“ઈશ્વર સાથે સંપર્ક કરવાની જે તાકતની હું વાત કરું છું, એનું રહસ્ય મને મારા પિતા પાસેથી અને એમને એમના દાદા પાસેથી મળેલું. પણ અચરજની વાત એ છે, કે એ બંનેમાંથી કોઈએ એ તાકતનો ઉપયોગ ન કરેલો. એમને એમના વડવાઓ પાસેથી ચેતવણી મળેલી, કે એ તાકત ત્યારે જ વાપરવી, જ્યારે સંસાર પર ભયાનક સંકટ ઘેરાયું હોય.”

“તો તું એવી તાકત ધરાવતો હોવાનો દાવો કેવી રીતે કરી શકે?”

મહેમાન જોઝરની બેઠકની નજીક આવ્યો. કમરેથી ઝૂકીને, જોઝરની આંખોમાં આંખો પરોવીને તે આત્મવિશ્વાસથી બોલ્યો, “હું એને મારામાં અનુભવી શકું છું.”

જોઝરે એની આંખોમાં એક દાયકા પછી ફરીથી કોઈ અલૌકિક તત્ત્વ જોયું અને એ મંત્રમુગ્ધ થઈ ગયો.

મહેમાન આગળ બોલતો ગયો, “મારે તમારા પિતાને મળીને એક યોજના વિશે વાત કરવી હતી. મારે એક મહાન સપનું સાકાર કરવું હતું. હું ઈશ્વરોને આપણાં સંસારમાં બોલાવી શકું છું, પણ એ માટે મારે એક મજબૂત કારણ જોઈએ. વિના કારણ એમનો સંપર્ક કરવાથી કદાચ એ મારા પર કોપાયમાન થાય.”

“તારે કેવું કારણ જોઈએ?”

“એક ખાસ પ્રકારની સંરચના બનાવવાનું કારણ. બીજી એક વાત; હું ઈશ્વરને બોલાવી તો લઉં, પણ ઈશ્વરો મને એનાં બાંધકામનું ફક્ત જ્ઞાન આપશે. શ્રમકાર્ય માટે મજૂરો અને વિશાળ શિલાઓની જરૂર તો તમારે જ પૂરી કરવી પડશે.”

આટલું બોલ્યા પછી મહેમાન પાછળ ખસી ગયો. નજરબંધી તૂટ્યાં પછી જોઝર ફરી સભાન થયો. તે હજી સામે ઊભેલા માણસનું મન કળી શક્યો ન હતો. તેણે પૂછ્યું, “મને હજી તારી વાત સમજાતી નથી. તારા સ્વાર્થ માટે હું શા માટે મદદ કરું?”

મહેમાનના કદરૂપા ચહેરા પર હળવું સ્મિત દેખાયું અને એ ધીમેકથી ઝરુખા તરફ આગળ વધ્યો. એણે રાજ્ય બહારનાં વિશાળ ખુલ્લાં મેદાન તરફ આંગળી ચીંધી, જ્યાં થોડાક લઘુ કદનાં ત્રિકોણાકાર બાંધકામ આવેલાં હતાં. એ બાંધકામ સમ્રાટો અને એમના પરિવાર માટે કબરો તરીકે વપરાતા. જોઝરના ખોળામાંથી કૂદીને બિલાડી પણ ઝરુખાની પાળ પર આવીને બેઠી અને તીણો અવાજ કાઢવાં લાગી. જાણે એને સમજાવતો હોય એમ, મહેમાન એની પીઠ પસારવા લાગ્યો.

“ત્યાં, એમનાં સ્થાને એક એવું વિશાળ ત્રિકોણાકાર બાંધકામ રચાશે, જે માણસની કલ્પનાથી ક્યાંય ભવ્ય હશે. એમાં વિવિધ ખંડો હશે, જેને આપ અને આવનારા સમ્રાટો પોતાની જરૂરીયાતો માટે વાપરી શકશે. એ રચના એટલી બેજોડ હશે, કે સૈકાઓ સુધી મનુષ્યો એની સામે જોઈને આપણી મહાન સભ્યતા પ્રત્યે આદર વ્યક્ત કરશે. તમારું નામ ઇતિહાસમાં અમર થઈ જશે. શું તમે એવું નથી ઈચ્છતા?”

જોઝર છેવટે તો સમ્રાટ હતો. પોતાની નામના અને ખ્યાતી મૃત્યું પછી પણ કાયમ રહે, એવી એની પણ ઈચ્છા હતી. તેને ડર ફક્ત એક જ વાતનો હતો, જે તેણે વ્યક્ત કર્યો. “પણ તારા વડવાઓની ચેતવણીનું શું? તને ખરેખર લાગે છે કે આવાં કાર્ય માટે ઈશ્વરોને અહીં બોલાવવાથી તેઓ આવશે? અને શું ખાત્રી કે અહીં આવ્યા પછી તેઓ કોપાયમાન નહીં થાય?”

“હું નથી માનતો કે એવું કશું થશે. એમણે સર્જેલા સજીવોએ એમને યાદ કર્યા અને એમની સામે સહાય માટે હાથ ફેલાવ્યા એ જાણીને ઉલટાનું તેઓ રાજી થશે.”

જોઝરે થોડીક ક્ષણો સુધી એની વાત પર વિચાર્યા કર્યું અને પછી એ પણ બેઠો થઈને ઝરુખાની પાળ પાસે આવ્યો. તેણે નગર બહારનાં મેદાનોમાં બંધાયેલા નાનાં-નાનાં ત્રિકોણાકાર બાંધકામો જોયા અને પછી આંખો બંધ કરીને ધાર્યું, કે ત્યાં એમની જગ્યાએ એથી પણ વિશાળ ત્રિકોણાકાર બાંધકામો ગર્વથી ઊભેલા છે. જોઝરને એ કલ્પના રમણીય લાગી અને આંખો ખોલ્યા વગર જ એ બોલ્યો, “ખરેખર, અજાયબી જ હશે એ!”

મહેમાનના ચહેરા ઉપર એક સ્મિત આવી ગયું. એક અદ્ભુત ઘટનાના સાક્ષી બનવાનો, એમાં નિમિત્ત બનવાનો સમય આવી ગયો હતો. એની બંને ત્રાંસી આંખોમાં હર્ષનાં અશ્રુ આવી ગયા!

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ