વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

        કુંડલી--2
    ***********
   
     કુંડલી ભાગ 1 માં આપણે જોયું,અબ્દુલ અને ભવાની બાળગોઠીયા હતા.ભવાની આગળ ભણવા કાશી જાય છે.તેણે અબ્દુલ ને જન્મકુંડળી બનાવી આપેલી તે પ્રમાણે જ થતું આવેલું.પરંતુ ત્રીજું બાળક આવવાના સમાચાર જાણી અબ્દુલ હેરાન થઈ ગયેલો.બાદમાં ભવાની મોટો કથાકાર થઈ 'બાપજી'તરીકે ખ્યાતિ પામ્યો..હવે આગળ જોઈએ.-

        "કુંડલી--2"

      અબ્દુલ નો બાળ ગોઠીયો ભવાની જે હવે બાપજી તરીકે મહાન કથાકારરૂપે ખ્યાતી પામેલા.દેશ વિદેશ માં તેની કથાઓ યોજાતી.ટી.વી.પર તેનું લાઈવ પ્રસારણ થતું.એની કેસેટો ગામેગામ ગુંજતી રહેતી.એવા બાપજી બે કથાઓની વચ્ચે
બાર પંદર દિવસના વિશ્રામ દરમ્યાન પોતાને ગામ આવતા.

      પોતાના ઘરના વિશાળ પ્રાંગણમાં સવાર સાંજ ભક્તોને આશીર્વચન આપતા તેમજ સત્સંગ કરતા. ગામના લોકોને તે અંગત રીતે
મળતા.પરિચિતો ની અંગત પૂછપરછ કરતા.
જરૂર હોય ત્યાં યોગ્ય મદદ કરતા.એ દરમ્યાન મીડિયા ને હાથ જોડી દૂર રાખતા.

    તે જ્યારે ગામમાં આવતા ત્યારે સાંજનો સત્સંગ પૂરો થયેથી અબ્દુલ અચૂક મળવા આવતો.બાપજીએ ઘણીવાર આર્થિક મદદ
માટે પૂછેલું પણ અબ્દુલ સંતોષી જીવ હતો.
તે કહેતો કે તમારી વાડી જ મારે હસ્તક છે.
મારે બીજું શું જોઈએ !

     આજ પોતાને આવ્યે ત્રીજો દિવસ થયો
તોયે અબ્દુલ ન આવ્યો તેથી બાપજીને તેની
યાદ આવતી રહી.સવારે ફુલોનો ટોપલો દેવા
આવેલી અબ્દુલ ની ભત્રીજી આયેશા ને પૂછેલું પણ ખરું.
   
      "અલી આયેશા તારો કાકો અબ્દુલ કેમ છે ? મજામાં 'ને ? તેને મારી પાસે મોકલજે".

      પણ એતો "હોવે બાપજી"કહીને હસીને
ચાલી ગયેલી.પણ બાપજીને તેની યાદ સતાવતી રહી. સાંજે સત્સંગ બાદ લોકોના ચાલ્યા ગયા બાદ તે પૂજારૂમમાં ગયા.આજ ઉપવાસ હોવાથી વાળુની ચિંતા નહોતી.પૂજા કરી બહાર આવી હીંચકે બેઠા.

     ફરી અબ્દુલની યાદ આવી,કેમ નહીં આવ્યો હોય ! તેણે આંખો બંધ કરી મનન કર્યું .દાઢી પર હાથ ફેરવ્યો આંખો ખોલી ત્યારે તેના તેજોમય મુખપર થોડું હાસ્ય ફરકી ગયું. "રે. કાના કહી તેઓ ઉભા થયા.

    હાથમાં છત્રી લઈ ખભે શાલ વીંટાળી તે વાડી તરફ નીકળી ગયા જ્યાં તેનું બાળપણ વીત્યું હતું અને અબ્દુલ સાથે જીવનભરની ભાઈબંધી થયેલી.ચાર પાંચ ભક્તો તેની સાથે આવવા પાછળ આવ્યા પરંતુ બાપજીએ હાથના ઈશારે ના પાડી.

     ભાદરવાનો બફારો શાંત થયો હતો. વાતાવરણ ઠંડક પાથરી રહ્યુ હતુ.તળાવની પાળે થઈ તે અબ્દુલની વાડીને  ઝાંપે પહોંચ્યા. ઝાંપો ખોલ્યો. તેના અવાજથી અબ્દુલની નજર તે બાજુ ગઈ. તે સફાળો ઉભો થઇ દોડ્યો.

     "અરે, બાપજી બાપજી પધારો આવો" કહી તરત પોતાના ફાળીયાથી ખાટલો ઝાટક્યો અને દોડીને ઓરડીમાંથી એક નવી ગોદડી લઈ આવી ઝાટકીને પાથરી. પક્ષીઓ કલબલાટ કરતા પોતાના માળા તરફ જતા હતા.એક મોર થોડો નજીક આવી કળા કરવા મંડી પડ્યો.અબ્દુલ બાપજીના પગ પાસે બેસી ગયો..

     બાપજીએ આ જોઈ હસીને કહ્યું,"અરે ભાઈ મારી બાજુમાં બેસ"
    અબ્દુલ ગદગદિત થઈ ગયો."મને શરમાવો નહીં બાપજી હું નીચે તમારા પગ પાસે જ બેસીશ.જોકે હું એને પણ લાયક નથી."

    બાપજીએ.મંદ મંદ હાસ્ય સાથે કહ્યું,"અબ્દુલ હું અહી તારા બાળગોઠીયા ભવાની તરીકે આવ્યો છું.મને પણ બે ઘડી ભવાની તો બનવા 'દે".બાપજી એ તેના માથા પર હાથ મુક્યો.

    અબ્દુલ ચોધાર આંખે રડી પડ્યો.બાપજી તેના પર હાથ ફેરવતા રહ્યા.અબ્દુલને આખા
શરીરે ઝણઝણાટી. વ્યાપી ગઈ.તેણે વિચાર્યુ
આ ફકીર જેવા ઓલિયાને મળવા ધનવાન
લોકોને પણ સમય માગવો પડે છે.અને આ
ફરીસ્તો મારે આંગણે !તેણે આભારવશ ઉપર જોયું.

    ત્યાં વીજળીનો તેજ ચમકારો થયો.એ ચમકારામાં બાપજીના તેજસ્વી મુખારવિંદ માં અબ્દુલને પરવરદિગાર ની ઝાંખી થઈ.તેને એકક્ષણમાં વિચાર આવી ગયો.શું અલ્લાહના ફરીસ્તાઓ આવાજ હોતા હશે.!મનમાં તેણે ઘણો વિચાર કરેલો કે,હું તેને મળવા જઈશ ત્યારે આમ કહીશ 'ને તેમ કહીશ પણ તે મળવા જ ન ગયો અને પોતાના કિસ્મત પર રોતો રહ્યો.

      ત્યાં બાપજી ધીમેથી બોલ્યા," બોલ અબ્દુલ તું શાની ચિંતામાં પડ્યો છો તે કહું ?" અબ્દુલે નીચે જોઈ  આસુ લૂછયા અને મનમાં ગ્લાનિ અનુભવી રહ્યો કે,આ ભવાની હવે ભવાની નથી તે તો અલ્લાહનો ફરીસ્તો જ છે.મારા મનની વાતો પણ જાણી લેશે.

     "તું જન્મકુંડળી નો વિચાર કરતો હતો 'ને ? પણ તે ખોટી ન પડે.મનમાંથી એ વિચાર કાઢી નાખ.મોજ કર પરવરદિગાર ને યાદ કરી અને પાક જીવન ગુજાર.મારા આશીર્વાદ તારી સાથે છે.ખોટી ચિંતામાં ક્યાં ફસાયો ?".

      અબ્દુલથી બાપજીના ગોઠણપર માથું મૂકી રડી પડાયું.બાપજી તેના માથાપર હાથ ફેરવતા રહયા , તેના મનમાં એક વિચાર ઝબકી ગયો. મારી મુંજવણ તે જણાવ્યા વગર જાણી ગયા.તો તેને તે પણ ખબર પડી ગઈ હશે કે હલીમાંને સારા દિવસો જાય છે.અને તે છતાં તે કહે છે,મોજ કર ! એના વિષે પૂછું?.

    પણ તેનો અંતરાત્મા ના પાડી ઉઠ્યો.એને આજ અલૌકિક શાંતી મહેસુસ થઈ રહી હતી. તેણે ફરી આંસુ લૂછયા.અને બાપજી સામે જોયું .બાપજી એ એની પીઠ થાબળી કહ્યું,

"જઇશું અબ્દુલ,મારો પૂજાનો સમય થયો".

     બને ઘેર જવા ઉપડ્યા.બને મૌન હતા.પણ જાણે આંતરમનથી વાતો કરતા રહયા. બાપજીનું ઘર આવ્યેથી અબ્દુલે બે હાથ જોડી રજા માંગી.બાપજીએ મંદ હાસ્ય સાથે આશીર્વાદ આપતા કહયું,

   "ખુશ રહો મોજ કરો, આવતો રહેજે અબ્દુલ"

        અબ્દુલ આભારવશ ઘેર આવ્યો.પોતાના ઓરડામાં જઇ આડો પડ્યો.આ જોઈ હલીમાં તરત ઓરડામાં આવી.તે નજીક આવી.તેના પગ પાસે બેસી પોતાની હડપચી અબ્દુલના ગોઠણ
પર ટેકવીને બોલી,

    "આજ.બે દિવસથી વાડીએ જ રોકાયા, મને સારા દિવસો જાય છે તેનો હરખ પણ ન કર્યો,"

     અબ્દુલ ઘા ખાઈ ગયો અને મનમાં નિસાસો નાખ્યો, "યા અલ્લાહ "

    ત્યાં હલીમાં બોલી ,"તમે પણ ભાભીજાન ની જૂઠી વાતોમાં આવી ગયા 'ને"

    "કેવી જુઠી વાતોમાં."અબ્દુલ સડક થઈ ગયો.
    "મને સારા દિવસો જાય છે એ વાતમાં."
    "તે તો , તે સારા દિવસો નથી ! "અબ્દુલ હવે થોથવાયો.

    "ના રે મારા ભોળિયા ખાવિંદ એ તો ભાભી એ મારી મશ્કરી કરી તો મેં પણ સામે હા ભણી."

   અબ્દુલ તેને જોતો જ રહી ગયો.
     "મને પેટમાં ગરબડ ને લીધે ઉલટી 'ને ઉબકા આવ્યા 'તા,હું મોરીમાં જઈ બેઠી,ભાભી મને પાણીનો લોટો આપવા આવ્યા અને મારી સામે એવા ભાવથી જોઈ મને ચૂંટી ખણી, જવાબમાં મેં હકારમાં ડોક નીચે કરી.મેં તો એની મજાક કરી હતી,મને ક્યાં ખબર હતી કે,તે આમ તમને કહી દેશે".

   હવે અબ્દુલ નું હ્રદય નાચી ઉઠ્યું.તેણે મનોમન બાપજીને યાદ કર્યા.તેનું વાક્ય અબ્દુલ ના મનમાં ગુંજી ઉઠ્યું, "ખુશ રહો, મોજ કરો."

     અબ્દુલે હલીમાંને નજીક ખેંચી ને પોતાની
છાતી સરસી ચાંપી દીધી."યા લ્લાહ "કહી
તે અબ્દુલમાં સમાઈ જઈ બોલી."અરે પહેલા
વાળુ તો કરી લો ,,,ઓહ માડી રે...."

          ******************સંપૂર્ણ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ