વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દ્રશ્ય-1

(તે આળસમાં ઢીલો થઈ પડ્યો છે. તે જ્યાં છે તે જગ્યાએ ભંગાર ભરેલો છે. તે પણ ફટીચર હાલતવાળો ડ્રગ એડિક્ટ જેવો માણસ. જરૂરી ન મળતાં પશુની જે હાલત થાય તેવો માણસ.)

ડરતી-ડરતી ચીસો નાખતી છોકરીનો પ્રવેશ. તે પેલા માણસને જોતી નથી અને ભંગારના ઢગલામાં સમાઈ જાય છે. એકદમ શાંતિ. નાટક આગળ વધારવા હું તેને ઉઠાડી દઉં છું. તે ઊભો થઈ મંચ પર આંટા મારવા લાગે છે. અચાનક તેની નજર છોકરી પર પડે છે)

માણસ - તું કોણ છે ?

(છોકરી દરવાજો બંધ કરી દે છે.)

છોકરી   -  હું... હું ભુલી પડી છું. રસ્તો ભુલી ગઈ છું.

માણસ  -  ક્યાં જવું છે ?

છોકરી   -  ઘેર

માણસ  - રસ્તો કેમ ભુલી ગઈ ?

છોકરી   -  મારી પાછળ એક વરૂ પડ્યું હતું, તેનાથી બચવા હું ભાગી. ખબર નહીં, અહીં ક્યાં આવી ગઈ છું.

માણસ  -  વરૂ ક્યાં છે ?

છોકરી   -  તે બહાર છે.

(એક જુની તૂટેલી બારીમાંથી તે બહાર જુએ છે.)

માણસ  -  ક્યાં છે વરૂ ?

છોકરી   -  તે છે, છાપરા પર બેઠો છે.

માણસ  -  બકવાસ. તારો વહેમ છે.

છોકરી   -  એ વરૂ જ છે. મારા પર વિશ્વાસ રાખો.

માણસ  -  વરૂ કેવો હોય ? એટલે કે વરૂ કેવો દેખાય છે ?

છોકરી   -  મોટો, ઊંચા કદવાળા કૂતરા જેવો. મોટા મોટા દાંત, ઘુરકાટ કરે છે, ભસતો નથી. તે વરૂ જ છે. એક ચોપડીમાં મેં તેનો ફોટો જોયેલો.

માણસ  -  એ ફોટો તારા ભેજામાં ભરાઈ ગયો છે. એવું તો નથી થયું ને કે ફોટામાંથી નીકળીને એ તારી પાછળ પડી ગયો હોય ?

છોકરી   -  એવું તે કંઈ થતું હશે ?

માણસ  -  કેમ ન થાય ?

છોકરી   -  ફોટામાંથી વરૂ નીકળી આવે ?

માણસ  - જે ચોપડીમાં વરૂ રહે છે તે એનું ઘર છે. રાતે કદાચ એ ચોપડી એટલે કે ઘરની બહાર નીકળી આવી ગયો હોય, ભૂખ-તરસ મિટાવવા.

છોકરી   -  મને ડર લાગે છે.

માણસ  -  તું ડરે એ સ્વાભાવિક છે.

છોકરી   -  હું શું કરું ? મારે ઘેર જવું છે.

માણસ  -  ઘર ક્યાં છે ?

છોકરી   -  ગામને છેડે... વાસ છે.

માણસ  -  વાસ કયો છે ?

છોકરી   -  ઢોરવાડાની પાછળ સૂકાયેલા તળાવની પાસે.

માણસ  -  ઘેરથી નીકળી શું કામ ?

છોકરી   -  મામાએ થપ્પડ મારી. તેથી હું ગુસ્સામાં ઘેરથી નીકળી ગઈ.

માણસ  -  મામાએ થપ્પડ શું કામ મારી ?

છોકરી   -  મામાએ કહ્યું, પગ દબાવી દે.

માણસ  -  અને તેં ના પાડી, ખરું ને ?

છોકરી   -  હા.

માણસ  -  ઘરમાં બીજું કોણ કોણ છે ?

છોકરી   -  ફક્ત મામા જ છે.

માણસ  -  બીજું કોઈ ? એટલે કે તારાં માબાપ, બહેન-ભાઈ  બધાં ક્યાં છે ?

છોકરી   -  ભાઈ-બહેન નથી, પપ્પા-મમ્મી મરી ગયાં છે.

માણસ  -  તને મામાએ જ ઉછેરીને મોટી કરી છે ?

છોકરી   -  હા.

માણસ  -  પાક તૈયાર થાય એટલે લણવામાં આવે છે.

છોકરી   -  એટલે ?

માણસ  -  ઊભી રે... બહાર કોઈક છે.

               (તે દોડીને બારીની બહાર નજર કરે છે અને આંગળીના ઈશારાથી છોકરીને ચૂપ રહેવા કહે છે.)

છોકરી   -  ક...કોણ છે ?

માણસ  -  ચૂપ રે. જોઉં છું કે કોણ છે ? તું છુપાઈ જા.

(છોકરી છુપાઈ જાય છે, માણસ બહાર નીકળી જાય છે.)

કોરસ   - 

વરૂ છે ભાઈ વરૂ છે

વરૂ છે ભાઈ વરૂ છે

ચાંદાને જોઈ ઘુરકે છે

ધીમે પગલે ચાલતો આવે છે

સન્નાટો છવાઈ જાય છે

ભેંકાર બધું જ લાગે છે

જ્યારે તેને ભૂખ લાગે ત્યારે

બેકાબૂ બની જાય છે

વરૂ છે ભઈ... વરૂ છે

વરૂ છે ભઈ વરૂ છે

અહીં વસ્તી માનવોની છે

વરૂ માનવોમાં છે

તે રહે છે બધાંની અંદર

એના દાંત જાણે કે ખંજર

ચીરફાડ કરી ખાઈ જાય છે

પછી મોં સંતાડી સૂઈ જાય છે

વરૂ છે ભાઈ... વરૂ છે

(કોરસનું પ્રસ્થાન, માણસનો પ્રવેશ)

માણસ  -  કોઈ નથી.

છોકરી   -  છુપાઈને બેઠો હશે.

માણસ  -  બની શકે.

છોકરી   -  હવે હું ઘેર કેવી રીતે જઈશ ?

માણસ  -  તે જે પણ હશે, થાકીને જતો રહેશે.

છોકરી   -  મેં ચોપડીમાં વાંચેલું કે આદમખોર વરૂ થાકતા નથી.

માણસ  -  ઘણી એવી વાતો હોય છે જે ચોપડીઓમાં લખેલી હોતી નથી.

છોકરી   -  પણ આ વાત તો મેં જાતે વાંચી છે.

માણસ  -  સારી વાત છે. તને વરૂની એક આદતની ખબર છે ?

છોકરી   -  ત... તમે કોણ છો ?

માણસ  -  તું જ કહે.

છોકરી   -  તમે... માણસ છો.

માણસ  -  અને ?

છોકરી   -  તમે ભલા માણસ છો ?

માણસ  -  અને ?

છોકરી   -  કદાચ તમે ભૂખ્યા છો.

માણસ  -  અને ?

છોકરી   -  અને શું ?

માણસ  -  સાંભળ. હું કંઈ ભલો માણસ નથી. પણ એમ જ સમજી લે કે હું માણસ પણ નથી.

છોકરી   -  માણસ નથી ? તો શું છો ?

માણસ  -  હું એક ગુનેગાર છું... ખૂની.

છોકરી   -  તમે કોનું ખૂન કર્યું છે ?

માણસ  -  મારી દીકરી, મારી પત્ની અને મારા આત્માનું પણ મેં ખૂન કર્યું છે. હું ગુનેગાર છું.

છોકરી   -  તમે જન્મજાત ગુનેગાર છો ? મારું કહેવાનું એમ છે કે....

માણસ  -  ના. હું જન્મજાત ખૂની નથી. હું કોઈ ગામડાની સ્કૂલના માસ્તર જેવો અસંતુષ્ટ માણસ છું.

છોકરી   -  એવું તે કંઈ હોય ?

માણસ  -  ખબર નહીં, શું થયું... હું તને એ કહી કે સમજાવી શકતો નથી અને તેની જરૂર પણ નથી.

               (કોઈ ચીસ સંભળાય છે. ચીસ સાંભળી છોકરી પણ ચીસ પાડે છે. તે કુહાડી ઉઠાવી લે છે અને દરવાજા પાછળ સંતાઈ જાય છે.)

છોકરી   -  કોણ હશે ?

માણસ  -  વરૂ આ રીતે ચીસ ન પાડે.

છોકરી   -  કોઈ મુસીબતમાં ફસાયેલો હોય એવું બને.

માણસ  -  હા, બની શકે.

છોકરી   -  હવે તો અહીં શાંતિ છે.

માણસ  -  કદાચ તેણે ફાડી ખાધો હશે.

છોકરી   -  શું ? વરૂએ તેને મારી નાખ્યો ?

માણસ  -  મને શું ખબર ? હું તો અંદર છું, બહાર ગયો જ નથી.

(બહારથી કોઈ બૂમ પાડે છે – દરવાજો ખોલો...)

છોકરી   -  કો’ક છે.

માણસ  -  હું જોઉં છું.

                     (દરવાજો ખોલી દે છે. એક વિચિત્ર અચંબા જેવો લાગતો વ્યક્તિ પ્રવેશે છે.

તે દરવાજો બંધ કરી દે છે.)

માણસ  -  તું કોણ છે ?

વિદૂષક -  મને શું ખબર ?

માણસ  -  હું એમ કહું છું કે તું છે કોણ ?

અચંબો  -  મને ખબર નથી કે હું કોણ છું.

છોકરી   -  છતાં... કોણ છો ?

અચંબો  -  હું... હું છું. સંતોષ થયો ?

માણસ  -  પણ તારું કોઈ નામ નથી ?

અચંબો  -  કેમ ન હોય ?

છોકરી   -  તમારું નામ શું છે ?

અચંબો  -  ઘણાંય નામ છે. મને જોઈને અચરજ લાગે તેઓ મને અચંબો કહે છે. દરેક જણ પોતાની સગવડ મુજબના નામે મને બોલાવે છે.

માણસ  -  જેમ કે ?

અચંબો  -  જેમ કે કોઈ મને આતંકવાદી કહે છે, તો કોઈ નકસલી. કોઈ કહે છે કે હું ખૂબ પહોંચેલો લાગું છું. મારી મા મને સાપલીયું કહેતી.

માણસ  -  સાપોલીયું.... એટલે કે સાપનું બચ્ચું.

અચંબો  -  કેમ કે મારી પાંપણો પલકારો નથી મારતી.

છોકરી   -  પણ અત્યારે તો તમે પાંપણો પલકારો છો.

અચંબો  -  હું પુરેપુરો સાપ નથી.

માણસ  -  તું કામ શું કરે છે ?

અચંબો  -  પહેલાં સેનામાં હતો.

માણસ  -  પછી ?

અચંબો  -  પછી શું ?

માણસ  -  સેનામાં હોવું એ તો ગર્વની વાત છે, ખરું ને ?

અચંબો  -  ખાલી-અમથા ગર્વ કરવાથી શું થવાનું છે ?

છોકરી   -  એટલે ?

અચંબો  -  મને સાપ પકડવાનો શોખ છે.

માણસ  -  તેથી સેનામાંથી નીકળી ગયો ?

અચંબો  -  સેનામાં ઘણા બધા સૈનિકો છે. એકાદ ઓછો થાય તો સેનાને ફરક પડતો નથી. આંતરે દિવસે સૈનિકો સામસામે અથડામણમાં મરતા રહે છે. એટલે કે શહિદ થતા રહે છે.

માણસ  -  ફક્ત સાપ પકડવાના શોખને કારણે સેના છોડી ? મને કંઈ મગજમાં બેસતું નથી.

અચંબો  -  તમે બિલકુલ બુદ્ધુ છો. ભઈ, વાત એમ છે કે મને સેનાથી નફરત છે.

માણસ  -  એવું તે કંઈ હોતું હશે ?

અચંબો  -  સારું. તમે જ કહો. દેશનું રક્ષણ કોણ કરે છે ?

માણસ  -  સૈનિક.

અચંબો  -  અને સૈનિક કોણ હોય છે ?

માણસ  -  તમે અને હું.

અચંબો  -  તમે ક્યારેય સાંભળ્યું છે કે ફલાણા નેતાનો છોકરો સેનામાં છે ?

માણસ  -  બધાં કંઈ સેનામાં ના હોય.

છોકરી   -  અમુક ડોક્ટર પણ હોય છે.

અચંબો  -  ડોક્ટર, એન્જિનીયર એટલે આ બધા કમાણીના ધંધા કરનારા. મારો કહેવાનો મતલબ એ છે કે જેને જુઓ તે સૈનિક બની શકે છે. પણ ડોક્ટર, એન્જિનીયર કે નેતા નથી બની શકતા, ખરું ને ?

છોકરી   -  જે કહેવું હોય તે ચોખ્ખેચોખ્ખું કહી દો ને.

અચંબો  -  પહેલી વાત તો એ કે અજાણ્યા માણસો સાથે વાત કરવી જ નકામી છે. ચોખ્ખેચોખ્ખું કહેવા છતાં ગૂંચવાડો તો રહેવાનો જ. તેનો શું અર્થ ? ખાલી અમથી બક બક કરવી.

માણસ  -  હું જાણું છું કે સેનામાં હોય તેને કેવી મુસીબતો છે.

અચંબો  -  સેનામાં હોવું જ મુસીબત છે. સેનાની જરૂર જ શું છે ?

માણસ  -  તો દેશનું રખવાળું કોણ કરશે ?

અચંબો  -  સેનામાં રહીને દેશનું રખવાળું કરવામાં શું તૂક છે ? જો આરામથી રહેવું જ હોય તો સેનાને ખતમ કરો. હથિયાર અને....

છોકરી   -  અને શું ?

અચંબો  -  અહીં એક સાપ છે.

છોકરી   -  ત..ત... તો ?

માણસ  -  અહીં ખરેખર એક સાપ છે.

છોકરી   -  તું એને પકડી લઈશ ?

અચંબો  -  એ માટે તો આવ્યો છું. હું અવારનવાર અહીં આવું છું. અહીં દરવાજો ક્યારેય અંદરથી બંધ નથી હોતો. આજે બંધ હતો. તમે બંને શું ગુલ ખિલાવતાં હતાં, હેં ?

માણસ  -  જીભ સંભાળીને બોલ. મેં આ છોકરી અંદર આવી પછી દરવાજો બંધ કરેલો.

અચંબો  -  અને આ અહીંયા શું કામ આવી છે ?

માણસ  -  તેની પાછળ એક વરૂ પડ્યો હતો.

અચંબો  -  કેમ ? શું આ સાચું બોલે છે ?

છોકરી   -  હા, એ વરૂ જ હતો. હું જીવ બચાવવા અહીં આવી ગઈ.

અચંબો  -  અહીં આવવાની જરૂર શું હતી ?

છોકરી   -  હું રસ્તો ભૂલી ગયેલી.

અચંબો  -  હું અહીં આવતો-જતો રહું છું. મેં તો કોઈ વરૂને જોયો નથી.

માણસ  -  બની શકે. કદાચ હાલમાં અહીં આવ્યો હોય.

અચંબો  -  અહીં ફક્ત સાપ રહે છે.

માણસ  -  તું સાપ શું કામ પકડે છે ?

છોકરી   -  મદારી છો ?

અચંબો  -  ના. હું કમનસીબ છું.

માણસ  -  દરેક જણ કોઈ ને કોઈ કારણે કમનસીબ હોય છે. કમનસીબી બધાંના ભાગે આવે છે.

છોકરી   -  તમારે એવી તો શું તકલીફ છે ?

અચંબો  -  મારી દીકરી પરણાવવાલાયક થઈ ગઈ છે.

માણસ  -  એ તો ખુશનસીબીની વાત છે.

અચંબો  -  તે મારી આઠમી દીકરી છે.

છોકરી   -  એટલે કે તારે બધી દીકરીઓ જ છે, દીકરો નથી ?

અચંબો  -  દીકરો જન્મતાં જ મરી જાય છે. દીકરાની લ્હાયમાં ને લ્હાયમાં સાત દીકરીઓને રેતના ઢગલામાં જીવતી દાટી ચૂક્યો છું. મેં જોયું કે દીકરા મરી જાય છે. તેથી વિચાર્યું કે એકાદ બાળક તો હોવું જોઈએ. એ રીતે આ દીકરી બચી ગઈ. હવે તે જુવાન થઈ ગઈ છે. અમારા ગામમાં એક પણ છોકરી જીવતી નથી. છોકરીને જનમતાં જ મારી નખાય છે. વર્ષો બાદ અમારા ગામમાં જાન આવશે.

માણસ  -  લગ્ન ક્યારે છે ?

અચંબો  -  હમણાં ક્યાંથી ? હજુ રૂપિયા ભેગા કરવા પડશે. દીકરીને ખૂબ ધામધૂમથી વિદાય કરીશ.

છોકરી   -  એમ ?

અચંબો  -  હા, તેથી જ સાપ પકડવા નીકળ્યો છું. અહીં એક સફેદ સાપ છે. તેની ખાલ બહુ મોંઘી વેચાય છે. લાખો કમાઈશ.

માણસ  -  સાપની ખાલ વેચીશ ? પકડાઈ ગયો તો ?

અચંબો  -  એ સિવાય કોઈ રસ્તો નથી. સાપની ખાલ વેચીશ. છોકરીને પરણાવીશ.

છોકરી   -  સાપને મારશો તો શાપ લાગશે.

અચંબો  -  છતાંય મારીશ.

માણસ  -  જેલ થશે. દંડ થશે. દીકરીનાં લગ્ન અટકી પડશે.

અચંબો  -  છતાં હું તો સાપને મારવાનો.

માણસ  -  કોઈની પાસેથી ઉછીના લઈ લો. કરજ કરી લો.

અચંબો  -  કરજ માટે અનામત રાખવી પડે છે. જામીનગીરી દેવી પડે. મારી કોઈ આબરૂ નથી. બધાં મારા મોં પર થૂંકે છે. કહે છે કે કેવો નકટો છે, દીકરીનું એને ઘમંડ છે.

માણસ  -  હું પણ ખૂની છું. પણ કારણ જુદું છે.

અચંબો  -  તેં કોનું ખૂન કર્યું છે ?

છોકરી   -  તમે બંને ચૂપ રહો. કેવી ભયાનક વાતો કરો છો, હું અહીં ક્યાં ફસાઈ ગઈ !

માણસ  -  હું બંધાણી છું.

અચંબો  -  એટલે કે નશો કરે છે ?

માણસ  -  હા. નશો કરવા માટે મેં ચોરીઓ કરી, લૂંટફાટ કરી. એટલે સુધી કે કુટુંબને મારી બેઠો. હવે અહીં છુપાઈને પસ્તાઉં છું. પુણ્ય કમાવાના બધા દરવાજા મેં બંધ કરી દીધા છે.

છોકરી   -  બધું ગુમાવ્યા પછી પણ ઠેકાણે આવવાની કોશિષ કરવામાં કંઈ ખોટું નથી.

માણસ  -  ઉપદેશ ના દે. તું ઉંદરડી જેવી છોકરી અમને શીખવી રહી છે ?

અચંબો  -  એ ઠીક કહે છે.

માણસ  -  મારી પાસે બે દિવસ ચાલે તેટલી નશાની પડીકીઓ છે. ત્યાં સુધી તેની બધી વાત ઠીક લાગશે. મારો નશો ખતમ થયો તો એની ગમે તેવી વાતો મને હિંસક વરૂ બનતાં નહીં રોકી શકે.

અચંબો  -  નશો નહીં કરે તો તું વરૂથી પણ વધારે ખતરનાક થઈ જઈશ એમ જ તારો કહેવાનો મતલબ છે ને ?

માણસ  -  હા. મારો મતલબ એ જ છે. સાંભળ, સાપ પકડીને તું અહીંથી જાય ત્યારે આ છોકરીને પણ તારી સાથે લઈ જજે. તેના ઘેર મૂકી દેજે.

અચંબો  -  સારું. મારી દીકરી એના જેવડી જ મોટી છે.

                     (અચાનક છોકરી ચીસ  પાડે છે. એક સફેદ સાપ બારીમાં અડધો લટકેલો છે. તે સાપ ઓરડામાં આવી રહ્યો છે.)

માણસ  -  સાપ... તારો શિકાર છે.

અચંબો  -  હું તેને પકડું છું. તમે બંને સંતાઈ જાઓ. નહીંતર એ ભડકી જશે.

            (બંને છુપાય છે. અચંબો સાવધાનીપૂર્વક દીવાલને અડકીને બારી તરફ આગળ વધે છે. અચાનક સાપ તેને વિંટળાઈ વળે છે. અચંબો તરફડિયા મારતો, ચીસો પાડતો જમીન પર પડી દમ તોડી દે છે. બંને હતપ્રભ... સાપ અચંબાની છાતી પર વાંકોચૂંકો થઈ લસરતો પ્રસ્થાન કરે છે.)

વાજિંત્રો સાથે કોરસનો પ્રવેશ

સંભાળીને રહેજો... ભઈ સંભાળીને રહેજો

રાતે ના સૂઈ જતા, ઘર-ઘરમાં છે સાપ

તરસ લાગે તો તરસ્યા રહેજો, તળાવમાં છે સાપ

ચીસો નાખે છે મરઘાં-બતકાં, વાડામાં છે સાપ

એક દોરડું એમ હલે છે, જાણે કોઈ સાપ

ઝેરી દાંતોવાળો છે એ, ઝેરીલો સાપ

દરમાંથી નીકળ્યો છે, બહાર સરકી રહ્યો છે સાપ

ધરતી પર સર... સર... સરકતો આગળ વધે છે સાપ

કોરસનું પ્રસ્થાન

છોકરી   -  સાપને મારવા નીકળેલો.

માણસ  -  સાપે તેને જ મારી નાખ્યો.

છોકરી   -  હવે એની છોકરીનું શું થશે ?

માણસ  -  મને શું ખબર, શું થશે ?

છોકરી   -  એ સાચું જ કહેતો હતો. તે કમનસીબ હતો.

માણસ  -  કમનસીબ તો હું છું. મને સાપ કરડ્યો હોત તો કેવું સારું થાત !

છોકરી   -  મેં ચોપડીમાં વાંચ્યું છે. બંધાણી લોકો સાપના ઝેરનો નશો કરે છે. તેમને સાપનું ઝેર ચડતું નથી.

માણસ  -  બકવાસ બંધ કર. હજારો-લાખો ચોપડીઓ આ દુનિયામાં છે. કોઈ ચોપડીમાં કોઈ ખાસ માણસના મોતનો ઉલ્લેખ નથી હોતો. બંધાણી નશા વગર મરી જાય છે. તેને ઝેરની જરૂર પડતી નથી, સમજી ને ? બંધાણીને તો જીવવા માટે ઝેરની જરૂર હોય છે.

છોકરી   -  બહુ ઝેરી સાપ હતો. જો આ લાશ લીલી પડી ગઈ છે.

માણસ  -  સાપને કારણે તારા મગજમાંથી વરૂનો ડર નીકળી ગયો એ સારું જ થયું, ખરું ને ?

છોકરી   -  હવે રાત થઈ રહી છે, મારે ઘેર જવું છે.

માણસ  -  બહાર વરૂ છે અને વરસાદ પણ થાય એવું લાગે છે.

છોકરી   -  મારે તો જવું પડશે.

માણસ  -  તને વરૂ ખાઈ જશે.

છોકરી   -  તમે મારી સાથે ચાલો. મને રહેણાંક વિસ્તાર સુધી મૂકી જાવ.

માણસ  -  હું એ બાજુ ના જઈ શકું. હું ખૂની છું, પોલીસ મને શોધે છે.

છોકરી   -  તમારો નશો ખત્મ થઈ જશે પછી તો બહાર નીકળશો ને ?

માણસ  -  ચૂપચાપ બેસી જા, મને વિચારવા દે.

            (નીરવ શાંતિ. અંતરાલ. અચાનક દરવાજો ભારે અવાજ સાથે ખૂલી જાય છે. છોકરી ચીસ પાડે છે. સફેદ સાપ દરવાજાની વચ્ચોવચ્ચ ફેણ ચડાવી બેઠો છે... અંધકાર)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ