વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

હવેલીનો હકદાર-2

-------------------------


  

  પ્રકરણ-2.

----------------


  વીરસિંહ,વિક્રમસિંહનો કાકાનો દીકરો ભાઈ હતો.કાકા બહાદુરસિંહ લગ્નબાદ નાની ઉંમરે ગુજરી ગયેલા.અને જ્યારે માનસિંહ ગુજરી ગયા ત્યારબાદ વિક્રમસિંહ સાથે હવેલીમાં ન ફાવતા તે તેની મા સાથે પોતાની વાડીમાં સારું મકાન બનાવી ત્યાં રહેવા જતો રહ્યો હતો.


  વિક્રમસિંહે હજુ ભાગબટાઈની વાત નહોતી કરી.અને જ્યારે વીરસિંહ એ વાત કરતો ત્યારે વિક્રમસિંહ હસવામાં કાઢી નાખતો અને કહેતો કે,આપણે તો સાથે જ છીએ.હવેલી છોડવા મેં ક્યાં કહ્યું હતું.તેમ છતાં જોઈશું એવો ઉડાઉ જવાબ આપતો.


  વીરસિંહ,વિક્રમસિંહથી ઘણો દબાયેલો રહેતો.વિક્રમસિંહના પ્રભાવ આગળ તે કંઈ બોલી શકતો નહીં. તેને રમાબાનો પ્રેમ અને વાત્સલ્ય આડુ આવતું.તે રમાબાને મોટીમાં તુલ્ય સમજતો.સામે રમાબા પણ આ ખાનદાન કુટુંબના દુભાયેલા દિકરાપર ખૂબ પ્રેમ વરસાવતા.એ ઘણીવાર તેની વાડીએ તેના ઘેર જતા અને વીરસિંહની મા હેમાબા સાથે સમય વિતાવતા. 


  વીરસિંહને વિક્રમસિંહે પોતાની માયાજાળમાં લપેટવાનો ઘણો પ્રયત્ન કરેલો,અને થોડોક સફળ પણ થયેલો.વીરસિંહ જુવાન હતો.હજુ એના લગ્ન નહોતા થયા એ પહેલાં વિક્રમસિંહ તેને શરાબ સુંદરીના રવાડે ચડાવવા ખૂબ પ્રયત્ન કરતો રહેતો.


  એ વીરસિંહે જ્યારે મહેફિલ જામી હતી એ વચ્ચે આવી કહ્યું કે,મંજુનું ખૂન થયું છે અને ગોવીંદ કલ્પાંત કરે છે. વિક્રમસિંહ હેબતાઈ ગયો.શું કરવું ન કરવું તેના વિચારમાં તે પ્યાલીમાં રહેલો છેલો જામ ગટગટાવી ગયો.તેણે વીરસિંહને બાજુમાં બેસાડ્યો અને એક નજર ચારેતરફ ફેંકી ધીમેથી પૂછ્યું,


  "ક્યાં ખૂન થયું ? અત્યારે ત્યાં કોણ કોણ છે ? તને કેમ ખબર પડી ?".


  એકસાથે સવાલોથી વીરસિંહ મૂંઝાઈ ગયો.ત્યાં નાચનારી નજીક આવી અને માદક અદાથી વીરસિંહની સામે પ્યાલી ધરી.ઘડીક વીરસિંહ જોઈ રહ્યો અને પ્યાલી હાથમાં લઈ વિક્રમસિંહ તરફ જોઈ એકીશ્વાસે ગટગટાવી ગયો.


  "જાંબુડીવાડીની બંગલી પાછળ"વીરસિંહે પ્યાલી નીચે રાખી હોઠ લૂછતાં કહ્યું. વિક્રમસિંહનો મહેફિલનો નશો ઉતરી ગયો.વીરસિંહે તેની અંદરની ધ્રુજારી જોઈ પણ વિક્રમસિંહે જાણે કંઈ બન્યું ન હોય તેવો દેખાવ કરી કહ્યું,"આપણે હમણાં ત્યાં જવું પડશે".

--------------------


  રમાબાની હાજરીમાં વિક્રમસિંહ પોતાની જાંબુડી નામની વાડીમાં એશોઆરામ કરવા જતો.ત્યાં વાડીની મધ્યમાં ઘટાદાર વૃક્ષો વચ્ચે નાનો એવો બંગલો બનાવેલ જેનું નામ બંગલી રાખેલું.નીચે મોટો હોલ અને ઉપરના માળે ત્રણ મોટા બેડરૂમ ધરાવતો બંગલો ખૂબ  આકર્ષક હતો.


  અત્યારે મંજૂના ખૂનનું સાંભળ્યા પછી વિક્રમસિંહને ત્યાં જતી વખતે મનમાં ધ્રુજારી સાથે તેના પગ પણ ધ્રુજી રહ્યા હતા કેમકે,મહેફિલ પુરી થયા પછી તે મંજુ સાથે રંગીનરાત મનાવવા આવવાનો હતો.ત્યાં જ આ સમાચાર મળતા તેનું મન ખાટું થઈ ગયું.


  ચારેબાજુ સન્નાટો છવાયેલો હતો.રાત અજવાળી હતી પણ મધરાત. જીપ બહાર રાખી કે,તરત હકુભાએ ઝાંપો ખોલી નાખ્યો.બંને તેની સામે જોયા વગર આગળ વધ્યા કે,હકુભાએ પૂછ્યું,


  "બાપુ કંઈ કામ હોય તો બૂમ મારજો"


  વિક્રમસિંહે કંઈ જવાબ ન આપ્યો પણ વીરસિંહે તેની સામે જોઈ કહ્યું,"કોઈ આવે તો પહેલા અમને જાણ કરજે અને જાગતો રહેજે."...કહી તેણે ટોર્ચ ચાલુ કરી આગળ વધ્યો.વિક્રમસિંહ ચારેબાજુ નજર ફેરવતો તેની સાથે થયો.બંગલીના પડથારમાં આવતા વિક્રમસિંહે કહ્યું,


  "એકમિનિટ"કહી તે ત્યાં રાખેલી ખુરશીપર ધબ દઈને બેસી ગયો.વીરસિંહે જોયું તેનો શ્વાસ ફૂલી ગયો હતો.તેણે વીરસિંહ સામે જોઈ કહ્યું,


  "આ વાતની બીજા કોને ખબર છે ?"


  "કોઇને ખબર નથી...હકુભાને પણ નહીં".ત્યાંજ જાણે કોઈ રડતું હોય તેવો અવાજ આવ્યો કે,બને ઉભા થઇ એકબીજા સામે જોયું.વીરસિંહે કહ્યું,


"આ ગોવીંદનો અવાજ છે".કહી તે ટોર્ચનો શેરડો ફેકતો બંગલી પાછળ જ્યાંથી અવાજ આવતો હતો તે તરફ દોડ્યો.ત્યાં જઈને જોયું તો ગોવીંદ ઉભડક પગ રાખી લાશની સામે જોઈ ડુસકા ભરતો દેખાયો.પાછળની લાઈટો બંધ હોવાથી ચન્દ્રના આછા પ્રકાશમાં વિક્રમસિંહે જોયું તો ગોવીંદની બાજુમાં મંજુ ચતોપાટ પડી હતી.ખંજર તેની બે છાતી વચ્ચે ખુચેલું હતું.તેની છાતીથી પેટ સુધી લોહી જામ થયેલું દેખાયું.તેની આંખો ખુલી હતી.


  વિક્રમસિંહ જોતો રહી ગયો કે,આજ રાત્રે તેણે જ જે કપડા પહેરી આવવા કહ્યું હતું એ જ કપડા પહેરી સજીધજીને તે આવી હતી.લીલા કલરના રેશમી ચણીયા ચોળી અને એજ કલરની પાતળી ઓઢણી. પણ અત્યારે તે  લોહીથી ખરડાયલી લાલ થઈ ગયેલી.


  વીરસિંહે જઈ ગોવીંદના ખભે હાથ રાખ્યો કે,તેણે હેબતાઈ પાછળ જોયું.વિક્રમસિંહ થોડો નજીક આવ્યો પણ પાછો ચાર ડગલા પાછળ હટી ગયો.તેને લાગ્યું કે,મંજુ જાણે ખુલી આંખે તેને જોઈ રહી ન હોય.વીરસિંહે તરત બાજુમાં પડેલું ફાળીયું લઈ મંજુની લાશને ઓઢાડી ગોવીંદને હાથ પકડી ઉભો કર્યો કે,ગોવીંદ 'બાપુ'...કહી ફરી રોઈ પડ્યો.


  વિક્રમસિંહના મનમાં મંજુ રમતી રહી.તેનામાં તે સ્વર્ગનું સુખ માણતો. તેનું દેહ લાલિત્ય તેને ચુંબકની જેમ ખેંચતુ.તેનું હાસ્ય,તેનું ગીત,અને સ્વર્ગની સુંદરી જેવું તેનું રૂપ વિક્રમસિંહને સ્વર્ગીય આનંદ આપતું. અને અત્યારે થયેલું તેનું ખૂન ?.વિક્રમસિંહ માનસીક આઘાતમાં દિગ્મૂઢ થઈ ગયો. વીરસિંહે તેને હાથ પકડી ઢંઢોડયો.


  


    વીરસિંહે ઈશારો કર્યો અને પોતે ગોવીંદનો હાથ પકડી આગળ બાજુ ચાલ્યો.વિક્રમસિંહ તેની પાછળ આવ્યો. દિવાલના વળાંક વળતી વખતે તેણે પાછળ જોયું.તેને લાગ્યું કે,પવનને હિસાબે જાણે ઓઢાળેલું ફાળીયું કમર સુધી હટી ગયું હોય.દૂરથી જાણે તે તેને જતો જોઈ રહી હોય તેમ લાગતા વિક્રમસિંહ ઝડપથી આગળ વધી ગયો.

------------------


  "જો ગોવીંદ,મને બહુ અફસોસ છે પણ આ ખૂન કોણે કર્યું એની તપાસ કરાવી એ નરાધમને સખ્ત સજા આપીશ...પણ.."... કહી વિક્રમસિંહે વીરસિંહ સામે જોયું ત્યાં ગોવીંદે ઉભા થઇ રોષથી કહ્યું,


  "હું અત્યારેજ પોલીસસ્ટેશનમાં જઈ પોલીસ બોલાવું છું"...વીરસિંહે તેનો હાથ પકડી નીચે બેસાડતા કહ્યું,


  "અહીં ગામડા ગામમાં એક હવાલદાર અને બે પોલીસનું થાણું, એ શું કરશે ? અને ઓલા હવાલદાર નટુભાને તો તું ઓળખશ, ફોતરીમાંથી તેલ કાઢે એવો છે."


  ગોવીંદ ફરી રડી પડ્યો.તેને યાદ ત્રણ વર્ષ પહેલાં પોતાની બહેન લખમી ગુમ થયેલી ત્યારે નટુભાએ જાણવાજોગ નોંધ લખી હતી.જ્યારે તે પૂછવા જાતો ત્યારે ઉડાઉ જવાબ આપી ધમકાવતો.


  વીરસિંહે ફરી સમજાવતા કહ્યું,"તારી પત્ની મંજુનું ખૂન થયું એ દુઃખની વાત છે,હું તારી હાલત સમજુ છું પણ ઉતાવળે કોઈ પગલું ભરીશું તો ક્યાંક નટુભા તારી  ઉપર શક કરશે".


  "તો શું મારે ચૂપચાપ બેસી રહેવું.તમે મારા માલીક છો,મારા અનદાતા છો પણ..."...ફરી ગોવીંદ રોઈ પડ્યો.વિક્રમસિંહે ઈશારો કર્યો કે,વીરસિંહે તેને માથે હાથ ફેરવી ઉભો કરી બંગલીની અંદર દોરી ગયો.વિક્રમસિંહ તેની પાછળ આવ્યો.વીરસિંહે વિસ્કીના ત્રણ પેગ બનાવ્યા.અને એક ગોવીંદને આપતા કહ્યું,


  "થોડું પી લે ગોવીંદ,પછી તને સમજાવું,"


  ગોવીંદે તેની સામે જોઈ ગ્લાસ હાથમાં લીધો.વિક્રમસિંહે ઉભા થઇ બારી પાસે જઈ બહાર જોયું.અજવાળીરાતનું આજનું અજવાળું તેને અંધારીયું દેખાયું.મનમાં અનેક વિચારો ફરી વળ્યા.


  અશ્વિનને બોલાવું?.. એ આ લાશનો નિકાલ કરે...ના ના.હું જ જીપમાં નાખી ક્યાંક દૂર ફેંકી આવું..તેણે પાછા ફરી જોયું તો ગોવીંદ દારૂ ઢીંચતો દેખાયો અને વીરસિંહ તેના ખભ્ભે હાથ રાખી ઉભો થયો અને નજીક આવી કહ્યું,


  "ભાયા માની જાય તો સારું"


  વીરસિંહને ખબર હતી કે,વિક્રમસિંહ કેવો ક્રૂર છે.ગોવીંદ અત્યારે તેનું કહ્યું નહીં માને તો તે ગમે તે કરી બેસશે.


  "તેને માનવું પડશે વીરસિંહ.".. કહી વિક્રમસિંહે એકી શ્વાસે પેગ પૂરો કરીને ઉભો થયો.

-------------------ક્રમશ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ