વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બેક ટુ હોમ

બેક ટુ હોમ / જગદીપ ઉપાધ્યાય

      મારા જ  પાત્રો મારી સામે જંગે ચડ્યા છે. મારો પ્રોબ્લેમ એ છે કે મારા પાત્રોમાંથી કેટલાક પાત્રો કાલ્પનિક નહીં પણ  સાચુકલા છે. એક કવિતામાં મે લખ્યું હતું કે મે  લખેલી ઘટનાના પાત્રો સાચા બનીને સામે મળે છે! હું શું કરું? ખરેખર મારી આ વાર્તામાં એવું જ બન્યું છે. મારી વાર્તાનું પહેલું પાત્ર છું,  હું પોતે! અને મારા ઉપર હું પોતે જ સવાર થઇ ગયો છું.

      હું  બરોડા યુનિવર્સિટીમાંથી એમ.એ.માં ઇગ્લીશ સાથે  ફર્સ્ટક્લાસ માર્કે ઉતિર્ણ થયો છુ.  મારી વાર્તાઓ અને ધારાવાહિક કથાઓ વગેરે નાનામોટા સામયિકોમાં પ્રગટ થવા લાગી છે. પણ હું  સાહિત્યની  ઉંચાઇને આંબવા માગુ છું.  હુ માનવા લાગ્યો છું કે આ નાનકડા કૂંડાળાંમાંથી મારે બહાર નીકળી જવું જોઇએ. મને સવારમાં ટૂથપેસ્ટ-બ્રશ અંબાવાવા, મારા  ટેબલ પાસે સવારે નિયમિત ચા-નસ્તો મૂકી જવા, મારા કપડાને ધોઇ – ઇસ્ત્રી કરીને મારા  કબાટમાં ગોઠવી દેવા વગેરે નાની નાની બાબતોની મારી પત્ની  કેટલી કાળજી લે છે.!  તે પ્રાથમિક સ્કૂલની બપોરની પાળીમાં શિક્ષિકા તરીકે કામ કરે છે.  ભરુચની કોલેજમાં મને વ્યાખ્યાતા તરીકે નોકરી મળ્યા પછી મને પત્ની સાથે વૈચારિક રીતે ઘણું અંતર હોવાની પ્રતીતિં થાય છે. તેમાંય મુંબઇના એક માતબર દૈનિકમાં મારી ધારાવાહિક પ્રગટ થાય છે અને સર્જક ‘મોહનીશ’ તરીકે સાહિત્ય જગતમાં મારો  સિતારો ચમકી ઉઠે છે !  મારા  મનનું પંખી સાહિત્યના ગગનમાં સૌથી ઊંચે ઊડવા પાંખો ફફડાવવા લાગ્યું છે. 

      આ ધારાવાહિકના પ્રકાશન નિમિત્તે હું મુંબઇના લેખા પ્રકાશનના ચીફ ડો. રેણુના સંપર્કમાં આવું છું. ફોન પરની વાતો, પ્રકાશનમાં અને અન્ય ફંક્શનોમાં રૂબરૂ  મુલાકાતો વગેરેથી સંપર્ક ગાઢ બને છે ને ભરુચની કોલેજની વ્યાખ્યાતા તરીકેની નોકરી છોડી હું મારી ‘પોતાની’ કોઇ પણ વાત સાંભળ્યા વિના મુંબઇની કોઇ કોલેજમાં જોબ શોધી લેવાનો નિર્ણય કરું છું.  હું મને ભાર પૂર્વક કહું છું, ‘સાહિત્યના સોપાનો સર કરવા ઘર , પરિવાર, ગામ  વગેરે છોડ્યા વિના છૂટકો નથી.’ ને હું  એમ  માની ઘેરથી નીકળું છું.

પત્ની પૂછે છે, ‘ શા માટે અમોને છોડીને દૂર જાઓ છો?’

‘સાહિત્યના ચરમ બિંદુને પામવા!’

‘શું હૃદયનો પ્રેમ એ સાહિત્યનું ચરમ બિંદુ નથી?’

‘એ માત્ર સુફિયાણી વાતો છે.’ મને ન બોલવા દેતા મારું પાત્ર બોલે છે, ‘મારે પામવું છે સાહિત્ય જગતમાં સર્વોચ્ચ સ્થાન, મારે મેળવવા છે માન. ધન, પ્રતિષ્ઠા! એક પ્રગતિશીલ સમાજનો હું આલેખક! તમારા જેવા જુનવાણી માણસો સાથે રહી ન શકું.

‘ તમે વિકાસ માટે જાઓ છો તો હું તમને નહીં  રોકું પણ સ્નેહ સર્વ વ્યાપક અને નિત્ય નૂતન છે એ વાતની તમને સાહિત્ય પથમાં કોઇ વેળા ઝાંખી થાય તો  મારી પાસે જરૂર આવજો,’

      એ બધું સાંભળવાનો મારે સમય ક્યાં છે? કેટલી બધી ઉપલબ્ધિઓ મારી રાહ જોઇને બેઠી છે?

      હું ડો. રેણુ પાસે લેખા પ્રકાશનમાં આવી જાઉં છું.

      લેખા પ્રકાશન!  પ્રવેશતામાં  જ પ્રભાવિત કરે. પ્રવેશ ખંડમાં રિસેપ્શન સેન્ટર. રિસેપ્શન સેન્ટરની જમણી બાજુએ કાર્યાલય. ડાબી બાજુ  વિશાળ હોલમાં પ્રકાશિત પુસ્તકોનું એક્ઝિબિશન. તમે પુસ્તકોની વૈચારિક દુનિયામાં ખોવાઇ જાઓ. લેખા પ્રકાશનમાં પુસ્તક પ્રગટ થવું કોઇ નાનીસૂની વાત નથી. સારા સારા લેખકો લેખા પ્રકાશનના ચક્કર મારે છે. રિસેપ્શન સેન્ટરની પાછળ ચીફની ઓફિસ જેમાં પ્રકાશનને શોભાવતા ડો. રેણુ  ઇઝીચેરમાં એક્ટિવ બેઠા હોય. ડો. રેણુ.....! બોયકટ વાળ, મુસ્કાતા હોઠ, લેડીઝ ઓવરકોટમાં ઓપતું મુકત વિચારો વાળું વ્યક્તિત્વ ને મુખમાથી સરી પડતા ફિલોસોફીકલ વાક્યોના મિશ્રણવાળો વૈચારિક પ્રવાહ... મારી વાર્તાનું આ સાચકલું બીજુ પાત્ર! હુ માનું છું આ પાત્ર હું ધારું છું એ મુજબનું હશે! બુક ફેર, લિટરેચર ફેસ્ટિવલ, સાહિત્યિક મેળાવડાઓ કે પુસ્તક પ્રદર્શનો વગેરેમાં ડો.રેણુની સાથે રહેતા  હું  ડો. રેણુની ઝડપથી નજીક આવી ગયો છું. તેને  મારા  સાહિત્યિક મિત્રો મારું સદભાગ્ય ગણે છે.  

      હું લખવા ધારું છું એવી કિતાબ કે જેમા ચિરંતન મૂલ્યો ઉજાગર થયા હોય. કાળ પર એની અમીટ છાપ છૂટે. પણ હું જ મારા કહ્યામાં ન હોઉં તો મારી કલ્પનાના પાત્રો તો ક્યાંથી મારા કહ્યામાં હોય? તેઓ મારા મનને ભેદતી દલીલો કરે છે!  કોણ વાંચશે તમારી ચોખલિયાળી સામાજિક વાર્તાઓને? કોણ સરાહશે તમારા  રોતલિયા  પાત્રોને? કેવી રીતે પામશો માન, ધન અને પ્રસિદ્ધિ ?  

      મારી હીરોઇન તો જુઓ! એની અદાતો નિરાળી છે. એ મને કહે છે, ‘આહ, નિસાસા, આંસુઓ,  ઉદાસી, એકલતા, ગમ વગેરેથી પીડાય તે હું નહીં ! હું સુખ ન હોય તો સુખ શોધી લઉ! દર્પણો મારા નાઝ ઉઠાવે!, ફૂલો મને સલામ કરે, મને જોઇને  રસિક ન હોય એય રસિક બની જાય… હું કહું એ જ પ્રમાણે તમારે મને આલેખવાની છે. ! ચાલો થઇ જાવ તૈયાર, ઉપાડો કલમ….

        અને જુઓ મારી કલમથી મારી કલ્પનાની હીરોઇન કેવી ચીતરાય છે! -

      મારી હીરોઇન અંજુને કારમાંથી ધંધુકાના સ્ટેશને ઊતારીને  એના જીજાજી ધંધાકીય કામ માટે ભાવનગર ગયા. અંજુએ  ઊતરીને એક નજર ધંધુકા પર નાખી ને પાછળ રહેલા રેશમી કોરા વાળ ઊલાળીને આગળ ભરાવદાર છાતી ઉપર ફેંક્યા. એટલામાં અડધું  ધધુંકા  બેભાન થઇ ગયું! સામે ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ વાળો અંજુને જોતા જ ઊંધી સાઇડ આપવા માંડ્યો તે એક મોટર બીજી મોટર ઉપર ચડી ગઇ. એક સાથે કેટલાય એક સરખા ટ્રકોની લાઇન ચાલી આવતી હતી. તેમાના પેલા ટ્રકવાળાએ ફરવા નીકળેલા પ્રોફેસર હરીશસાહેબને ભાવનગરનો રસ્તો પૂછ્યો તો અંજુના ધ્યાનમાં મગ્ન એવા હરીશસાહેબે ડાબીને બદલે જમણી બાજુ તરફ ફંટાતા રસ્તા તરફ આંગળી ચીંધી દીધી તે ટ્રકોની લાઇન ભાવનગરને બદલે અમરેલી તરફ ઊપડી. હરખો શાકવાળો ઘરાકને એની મેતે  શાક જોખી ને પૈસા કંતાન નીચે મૂકી દેવાનું કહી અંજુને જોવા શાકની લારીની આગળ ઊભો રહી ગયો. હંસરાજ ડોસાના પ્રાણ નીકળું નીકળું હતા તે ઘરના સૌ ગંગાજળ પાતા હતા. મોટી વહુના હાથમાં જળનો વાટકો હતો. એટલામાં  એનો નાનો દેર હિતલો ઉતાવળો આવ્યો ને મોટી વહુને કહે, ‘ભાભી! પહેલા મને પાણી પાઇ લેવા દ્યો! અંજુ આવી છે હમણા અહીંથી નીકળશે. મારે ઝટ જોવા જાવું છે. મોટી વહુ કહે, ‘હેં... અંજુ આવી છે!’ એમ  બોલતા  પાણીનો વાટકો હિતલાના હાથમાં પકડાવી ને એ બહાર દોડી. હિતલો ચમચી લઇને હંસરાજ ડોસાના મોઢામાં મૂકવા ગયો તો હંસરાજ ડોસા ‘ અ… અ...અનજુ..!’ એમ લવો વાળતા,  એક હાથથી ઝાપટ મારીને ચમચીને ઉલાળી દેતા,  હડપ કરતા પથારીમાંથી બેઠા થયા ને ઓઢાડેલી ચાદર ફગાવતાક બહાર ઉપડ્યા. હંસામાસી ‘અરે! બુસકોટ તો પહેરતા જાવ! મરવા પડ્યા છે તોય ડોહાના લખણ નો ગયા! ’ એમ બોલતા તેમની પાછળ બળતરા કરતા રહ્યા. હંસરાજ ડોસા શેરીમાં આવીને મોટી વહુની પાછળ ઊભા રહીને એક હાથથી આંખે નેજવું કરીને ને એક હાથ કેડ પર રાખીને રોડ ઉપર નજર કરવા લાગ્યા. એમાં શેરીમાં આગળ  રહેતા હલુમાસીની જુવાન છોકરી બહાર કચરો નાખવા નીકળી. એને જોઇને હંસરાજ ડોસા કહે,’ વ’વ ! આ અ… અ... અનજુ? મોટી વહુ નીચલો હોઠ બહાર કાઢી મોઢું નકારમાં  હલાવતા કહે , ‘ના..રે! હવે આવી તે અંજુ હોતા હશે?’ આ સાંભળીને હલુમાસીની છોકરી પાંચ સુદર્શનની પડીકી સાથે પી ગઇ હોય તેવી રીતે  મોટી વહુ સામે મોઢું બગાડીને પોતાની ખડકીમાં ઘરી ગઇ ને તિરાડમાંથી અંજુ નીકળી કે કેમ તે જોવા લાગી. એટલામાં અંજુ છલકતા  જોબનથી નાનામોટા સૌને ન્યાલ કરતી ને પોતાની માદક નજરોથી હંસરાજ ડોસાને સદગતિ આપતી પસાર થઇ.

       સિવિલ હોસ્પિટલના ગેટ પર બેઠેલો હરનામ ગુરખો અંજુને આવતી જોતા બંધ ગેટ ખોલવા એક બાજુના ડોરને અવળી બાજુએ ધક્કો મારવા લાગ્યો. ડોર ન ખૂલતા વધુ ધક્કો મારવા જતા એ ડોર ખડી ગયું તે ડોર ખોલ્યું હોય તેમ સાઇડમાં ગોઠવી દીધું ને એક જ ડોર ખરાબ ન લાગે એટલે બીજાને પણ ખેડવી ને સામેની બાજુએ ખોલ્યું હોય તેમ ગોઠવી દીધું. મેઇલ નર્સ બોય ડ્રેસિંગરૂમમાં જઇને ડો. હેમંત સાહેબને અંજુ આવી હોવાનો ફોન કરવા લાગ્યો. એકદમ કડકાઇથી સામે બેઠેલા દર્દી બહેન સાથે વાત કરતા ડો. હેમંત સાહેબ પર અંજુ નામની એવી મોહક અસર થઇ કે તેઓ દર્દી બહેન સાથે અતિશય સ્નેહ ને વહાલથી વાત કરવા લાગ્યા. ‘ એક જ દિવસમાં ફેર પડી જશે હો અંજુ બહેન! ખાવાની બધી છૂટ છે હો અંજુ બહેન! જરાય ચિતા ન કરતા હો અંજુ બહેન!’ પેલા બહેન કહે, ‘સા’બ! મારુ નામ અંજુબેન નથી પણ મંજુબેન છે’ તો ડો. હેમંત સાહેબ એ બહેનને કહે, ‘ના! તમારો દેખાવ એટલો ફાઇન છે ને કે તમને મંજુ બહેનને બદલે અંજુ બહેન નામ બહુ શોભે છે! જુઓ મારી પાસે પડેલી નમૂનાની બોટલમાંથી જ તમને પીવાની બોટલ આપું છું. તમારે લેવી નહીં પડે હો અંજુબહેન!’ મંજુબહેન બહાર નીકળતી વખતે એની સાથે આવેલી એની પડોશણ ને કહે, ‘રોયો! ડોક્ટર કેવો  લટુડિયો છે? ભલે ને, જેવો હોય તેવો!  આપણને દવાની બોટલ મફતમાં મળી ગઇને!’ એટલામાં  પોતાની નશીલી નજરોથી ત્યાં હાજર સૌને અંઘોળ કરાવતી, હવામાં પરફ્યુમની સુંગધ લહેરાવતી ને સૌ સૌના ગજા પ્રમાણે સૌને રસીલા સ્માઇલથી ન્યાલ કરતી અંજુ ગર્વિષ્ઠ ચાલે હોસ્પિટલની  લોબીમાં પ્રવેશી ને ડાબી બાજુએ આવેલી હોસ્પિટલની હેડ નર્સ રેખા ભટ્ટની  ઓફિસમાં ગઇ. એકમેક સાથે રેશમી ભાષામાં કામની વાતો પછી રેખા ભટ્ટે રંગીલા બનવારીનો  રંગીન ફોટો અંજુને આપ્યો. અંજુએ એ ફોટો મનભરી નીરખતા ‘ઓહ! યસ...‘ કહેતા પોતાના ફૂલ ગુલાબી પર્સમાં નાખ્યો!

     તમે જોઇ મારી હીરોઇનની એન્ટ્રી?!

     બનવારી મારો હીરો! મારા હીરો બનવારીને હવે આદર્શવાદી નાયક નથી થવું! તેને હવે વિલનના લક્ષણો વાળો હીરો બનવું છે. એ માને છે તે પ્રમાણે તે હોવો જોઇએ દાદુ માણસ! કોઇના બાપની સાડી બાર નહીં, કોઇ દંભ નહી, કોઇ છોછ નહીં, કે કંઇ કરવાનું એ છડેચોક, જે પૈસો કમાયેય એટલો ને ઊડાડેય એટલો! પહોંચતો  અને વગવાળો માણસ. નેતાઓ, પોલીસ અધિકારીઓ ને  બુટલેગરો હારે જેની ઉઠ બેસ! મારી હીરોઇન અંજુ આવાને કેડ ફરતે હાથ વીંટાળવા દે. ચોખલિયા હીરોનું કામ છે મારી હીરોઇનના નખરા ઉઠાવવાનું?

     હું નિયમિત લેખા પ્રકાશનમાં આવું છું. તેમાં છપાયેલા પુસ્તકો પર નજર રાખતો રહું છું. કેટલાક તો બહુ ઉત્તમ છે. કેટલાક વાચકોની બદલતી રસ રુચિને ધ્યાનમાં રાખીને લખાયા છે. તેના પરથી સાહિત્યના બદલાતા ટ્રેન્ડનો મને ખ્યાલ આવે છે. હવે લોકો ભેદભરમથી ભરપૂર, સસ્પેન્સ થ્રીલર, ઘોસ્ટ કે અર્ધમાનવના ચિત્રણવાળી, પરગ્રહવાસીઓના આક્રમણની કે ગ્રેટ રોબરી જેવી ભરપૂર રોમાંચક કથા-વાર્તાઓ પસંદ કરે છે. હુ લેખા પ્રકાશના ચીફ ડો. રેણુ પાસે બેસુ છું. એ બહુ ખૂલીને વાતો કરે છે. આટલા બધા કામકાજ વચ્ચે પણ સમય આપે છે. મને તેની કંપની બહુ જ આનંદ આપે છે. એમ જ થાય કે બસ એમની જોડે વાતો કર્યા કરું! જ્યારે સાહિત્યિક વાતો  થાય છે ત્યારે તેઓનો લગભગ સૂર એવો હોય છે કે ‘ઘણી કૃતિઓ ઉત્તમ હોય છે પણ કોણજાણે કેમ તેનું વેચાણ ધાર્યું નથી થતું. જો કે પ્રકાશકનો ધર્મ છે કે સત્વશીલ સાહિત્યને પોષવું એટલે એ બધું પ્રગટ કરવું જ રહ્યુ!’  પણ છેલ્લે એક વાત તેઓ કહે કે,  ‘મને તમારી સ્ટોરીઝ  પર વિશ્વાસ છે.  તે ડેફિનેટલી લોકોમાં બહુ સારી જગ્યા કરશે. શ્યોર!’  બસ આ સાંભળીને મને અજબનો નશો ચડી જાય છે. એમાંય જ્યારે હું ઊઠું ને તેઓ કહે કે, ‘ થેક્સ ફોર નાઇસ કમ્પની!’ ત્યારે તો હુ રોમાંચિત થઇ જાઉં છું!

     બસ એકવાર ડો.રેણુએ મને એક રોમાંચક ફેન્ટેસી આલેખવા કહ્યું અને જાણે આગમાં ઘી હોમાયુ! મારા પાત્રોને દોડવું હતુ અને ઢાળ મળી ગયો. તેઓ એના બદલતા મિજાજમાં અવતરવા થનગની રહ્યા. એટલી હદે તેઓ ઉત્તેજિત હતા કે  મારો હાથ પકડીને કાગળ પર  પોતાનું ઇચ્છિત ચિત્રણ કરાવવા લાગ્યા. જુઓ મારી આ નવલનો અંશ!

        થોડા દિવસ પહેલા મે બનવારીને મારી હિરોઇન પાસે જઇને ઇન્વિટેશન અપાવ્યું. મારી કલમની ભાષામાં!   તે અંજુને કહે , ‘અંજુ મેડમ! મારા ફ્રેન્ડને ત્યાં નાઇટ પાર્ટી  છે તમે આવશો?’  અંજુ મારી કલમમાં રંગ ભરતા કહે, ‘ તારા ફ્રેન્ડની નાઈટ પાર્ટીમાં શું જામે? બહુ બહુ તો આઇસ્ક્રીમના કપ ખવડાવે, ચવાઇ ગયેલી ફિલ્મીધૂન પર ઢંગધડા વગરનું નાચે, શરાબને જરા અડીએ ત્યાં તો અર્ધાપર્ધા લોકો નાકના ટીચકા ચડાવે. કદાચ હાઇફાઇ પાર્ટી હોય તો વળી પાંચ- દસ મિનિટ અંધારું કરી દે ને લોકો એકબીજાને છાના અડપલા કરી લે અને ઉપરથી ગુનો કર્યાનો ભાવ લઇને પાછા ફરે. બનવારી! હવે તો પાર્ટીનું કલ્ચર બદલાઇ ગયું! પાર્ટી તો કહેવાય ફ્રી લાઇફ સ્ટાઇલ વાળા લોકોની રેવ પાર્ટી!’

      મારા હીરો બનવારીને તો એટલુ જ જોઇતું હતું. તે મારી ભાષા છોડીને પોતાની ભાષા બોલવા લાગ્યો, ‘ઓહ! યસ, વ્હાય નોટ,  માય ડાર્લિંગ? આઇ ઓલ્સો વોન્ટ ટુ હેવ એન્જોય એટ ધ સેઇમ પાર્ટી!

      બનવારી મારી હીરોઇન અંજુને લઇને મારિયાના બીચ પર આવ્યો. એ બીચનું સૌંદર્ય અને ત્યાનો રંગીન માહોલ જોઇને એ નાચી ઊઠ્યો.

      સાંજ ઢળતા રેવ પાર્ટીના સ્થળે ઉન્માદી  સ્ત્રીઓ અને પુરુષો એકઠા થવા લાગ્યા. રેવ પાર્ટી શરૂ થઇ. દરિયાની લહેરો પર ઓરકેસ્ટ્રાએ પાશ્ચાત્ય પોપ સંગીતના સૂરો રેલાવ્યા અને ચિચિયારી ઊઠી. માત્ર જીન્સ પેન્ટ પહેરેલા બનવારીના હાથમાં હાથ નાખીને પારદર્શક ઓફ શોલ્ડર વનપીસ પહેરેલી મારી હીરોઇન પાર્ટીમાં આવી પહોંચી. કોઇ બ્લેક બ્યુટીએ સ્ટેજ પર આવી ધમાકેદાર પોપસોંગ્ઝ શરૂ કર્યા. તેના તોફાની ગોરા બોય ફ્રેન્ડે તેને ગિટાર પર સાથ આપ્યો. ઘડીભરમાં વાતાવરણ ગરમ થઇ ગયું. હવે રાત પથરાઇ ચૂકી હતી. રેવ પાર્ટીનો મુખ્ય ડાન્સ શરૂ થયો હતો. સંગીતના આક્રમક સૂરો પર અર્ધ અનાવૃત ડાન્સ ગર્લનું ઝૂંડ મુખ્ય ડાન્સર સાથે માદક અવાજો કાઢતું નાચતું હતું. તેની સાથે ઊંચી જાતના શરાબ, સિન્થેટિક ડ્રગ્ઝ, ચરસ, વગેરે કેફી દ્રવ્યોના સેવન સાથે નશામાં ચૂર હરકોઇ સ્ત્રી-પુરુષ એકમેકની બૂમો પાડતા નાચતા હતા. કોઇને કોઇનું બંધન નહોતું.  દૂર દરિયામાં કેટલાક સહેલાણીઓ હોડીઓમાં બેમ્બોના તાલે નશામાં ઝૂમતા હતા.

       ડાન્સ પૂરજોશમાં શરૂ હતો, મારી  હીરોઇન પોપગીતના શબ્દો પર સૌની સાથે ‘હુ...ઉ...ઉ...ઉ...’ એમ શોર મચાવતા ચાલુ ડાન્સે બનવારીને સંબોધીને બોલી, ‘મારી સાથે ઝનૂન પૂર્વક નાચ .. ગરમ થઇજા ને મને આખી રાત પ્યાર કર! એટલામાં એક ભરાવદાર મસલ્સ, પહોળી છાતી, પહાડી કાયા, અણિયાળી દાઢી ને મારકણા ચહેરા વાળો ખલ પુરુષ આવીને  મારી હીરોઇન સાથે ડાન્સ કરવા લાગ્યો. બનવારી મારી હીરોઇન સામે આવવા ગયો તો પેલા ખલ પુરુષે બનવારીને ખેંચીને મજબૂત હાથથી  ઉપરાછાપરી ધક્કો દેતા તેને દૂર કરવાની કોશિશ કરી, બનવારીએ ખલપુરુષનો હાથ પકડીને મચકડ્યો અને તેને જોરથી નીચે પટક્યો. પેલો ખલપુરુષ ઊભો થતા  ગિન્નાયો ને બનવારીની છાતીમાં જબરજસ્ત ઘુસ્તો માર્યો. ને બન્ને જાન પર આવી એકબીજાપર પ્રહાર લાગ્યા. પણ એટલામાં પેલા ખલ પુરુષના સાગરીતો આવી ગયા અને બનવારીને ઝૂડવા લાગ્યા.  એ તો મારી હીરોઇને આયોજકોને મળીને તાત્કાલિક પોલીસને બોલાવી લીધી નહીંતર આજે બનવારીનો કેસ ખલાસ હતો. પોલીસ પેલાઓને પકડી ગઇ છતા બનવારીને એવો ડર પેસી ગયો હતો કે તે હવે આ બીચ છોડી દેવા માગતો હતો પણ મારી હીરોઇને એને હિંમત આપી કે એમ ડરીએ તો જીવાય કેમ? અને એ પેલી દરિયા કાંઠે આવેલી કોઠી પર બનવારીને  લઇને ગઇ. કોઠીનો મેનેજર તેની જ રાહ જોઇને બેઠો હતો. તેણે તેઓને ઇંગ્લિશરૂમની ચાવી આપી ને કંઇ કામ હોય તો ચોકીદારને જણાવવાનું કહીને તે નીકળી ગયો. એકાંત જગ્યાએ આવેલી દિવસે સુંદર લાગતી કોઠી અત્યારે મોડી રાત્રે ભયંકર લાગતી હતી. બનવારીએ અન્ય પ્રવાસીઓ વિષે પૂછતા ચોકીદારે ગાડીમાં ગોઠવાતા બે કપલને બતાવતા જણાવ્યું કે તેઓ જઇ  રહ્યા છે એટલે હવે કોઠીમાં માત્ર તમો જ છો. રંગત માણવાની તમામ શક્યતાઓ હતી પણ સાથે ભંયકર વાતાવરણમાં કંઇ પણ બનવાની આશંકા પણ હતી, બનવારીને ભીતર ડર લાગતો હતો પણ મારી હીરોઇન તો  કશા જ ડર વિના એ જ રંગમાં હતી. તેઓ બન્ને રૂમમાં ગયા. દૂર ક્યાંકથી શિયાળની લાળી સંભળાઇ. બારીમાંથી કાળી બિલ્લીની આંખો ચમકતી હોય તેવું લાગ્યું! બનવારીએ બારી બંધ કરી દીધી તો પણ દીવાલો ભેદીને એક સાથે કંઇ કૂતરાઓ રોતા હોય તેવો અવાજ આવવા લાગ્યો. મારી હીરોઇને શરાબી સ્નાન કરવાની ઇચ્છા પ્રગટ કરી. તેણે બનવારીને બિનધાસ્ત રીતે શરાબની બોટલ અંબાવતા બાથટબને જળથી ભરી તેમાં શરાબને મિશ્ર કરવા કહયું ને એ વનપીસના હૂક ખોલવા લાગી. બનવારી હુસ્નના નશામાં ઘડીભર ભયને ભૂલી અને શરાબની બોટલ લઇને બાથરૂમમાં ગયો.  લાઇટ કરી તો તેના હાંજા ગગડી ગયા. ટબમાં લોહીથી ભરેલા જળમાં એક દાંત હોઠની બહાર છે તેવી, વિસ્ફારિત આંખો વાળી,  હોઠો પરથી રેલાતા રક્તના રેલા વાળી એક અનાવૃત ગોરી ગોરી  પિશાચણીએ મારકણું હાસ્ય કરી, એનો લાંબા બિહામણા નખ વાળો હાથ બનવારી સામે લંબાવ્યો. બનવારીની રાડ ફાટી ગઇ.  તે  બહાર નીકળે તે પહેલા બાથરૂમનો દરવાજો દરવાજો જડબેસલાક રીતે આપોઆપ બંધ થઇ ગયો. પિશાચણી અટહાસ્ય કરવા લાગી. લાઈટના  લાલકાળા વેધક ચમકારા થવા લાગ્યા. પવનના સૂસવટામાં બારીબારણા જોરથી ભટકાતા હોય તેવા કડાકા – ભડાકા થવા લાગ્યા. એક સાથે કંઇ ભૂતોના  હૂ...હૂ..હૂ.. ઊ..ઊ..ઊ.. એવા અવાજો આવવા લાગ્યા. પિશાચણીનો  હાથ બનવારીની ડોક પર ગયો....

        અહીં હોરર છે અને હોરર નથી!  અહીં ઘટના છે અને ઘટના નથી! એક માત્ર ‘સોપારી’  શબ્દ ઉપર ઊંભેલાં  રહસ્યનું આકલન છેલ્લા પ્રકરણ સુધી મારા પાત્રો મને ન કરવા દે તો તમને વાંચકોને તો ક્યાંથી કરવા દે? મારા પાત્રોએ મારે હાથે કરાવેલું એમનું આ અદભૂત આલેખન... રોમાંચક કથા… કલ્પનાતીત વળાંકો ને ફલસ્વરૂપ સરજાયેલી અર્થાત્ મારા પાત્રોએ જ આલેખાવેલી  નવલકથા ‘સોપારી’ નું આ ચોથું પ્રકરણ ડો. રેણુએ લેખા પ્રકાશનના મુખપત્ર ‘અંગડાઇ’ માં મૂક્યુ ને ‘સોપારી’ નોવેલની ખરીદી માટે પડાપડી થઇ.

        મારી  પાંખોને હવા મળી ગઇ. ધડાધડ પુસ્તકો પ્રગટ થવા લાગ્યા, ઑર્ડર મળવા લાગ્યા. મારા પુસ્તકોની નકલો ફટાફટ વેચાતી હતી.

       મને જે માહિતી હતી તે પ્રમાણે ડો.રેણુના પતિ મિ. કામથ  વિદેશ હતા ને તેઓ ત્યાં આંતરાષ્ટ્રીય ક્ષેત્રે મોટેપાયે પ્રકાશનનો વ્યવસાય વિકસાવવા માગતા હતા. એવું પણ બનતુ કે અહીંની કમાણી ત્યાં મોકલવી પડતી. પણ ગમે તેમ ડો. રેણુ હવે નવો કિનારો શોધતા હોય તેવું મને લાગતું. મારી  લોકપ્રિય નવલ પરથી એક બે ફિલ્મો પણ બની.  ફિલ્મોની સફળતા વેળા તેઓ મને આલિંગન આપી બિરદાવતા. આ બધામાં મને પત્ની અને બાળક યાદ જ ન આવ્યા. એક વાર સ્વપ્નમાં મને મારી પત્ની આવેલી. ગંભીર માંદગીમાં પટકાયેલી તે તેના આચાર્ય, સહશિક્ષકો,  પાડોશીઓ કે અન્ય કોઇની સહાય લેવાની ના પાડતી હતી. પણ હું તો પ્રગતિવાદી હતો. આ બધામાં ક્યાં માનું તેમ હતો! ડો.રેણુની સાથે સાહિત્યિક કામો માટે વિવિધ શહેરોમાં જતા, નવરાશના  સમયે ત્યાંના વિવિધ જોવા લાયક સ્થળોએ  ફરવામાં હું તેને કંપની આપતો.  કોઇ રાત્રે ચાંદનીમાં નીતરતા બીચ પર અમો એકમેકના આંગળામાં આંગળા પરોવીને ફરતા. ભેજવાળો પવન આંગળિયોની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરી દેતો. તટ પર બેસીને હું ડો. રેણુની સાથે દરિયાના ઉછળતા મોજાઓની ભરતીમાં ખોવાઇ જતો. હું અને ડો. રેણું વળગીને બીચના કિનારે રેતીમાં એકમેકની ઉપર નીચે થતા અળોટતા હોઇએ એવી રોમાંચક કલ્પના મારા લોહીને ગરમ કરી દેતી. મને  થતું કે આ પાત્ર મારા  મનોગત પ્રમાણેનું છે. મને વિશ્વાસ બેસવા લાગ્યો હતો કે ડો. રેણુ જે કિનારો શોધે છે તે હું જ છું. મને લાગતું કે મને બધું પ્રાપ્ત થવા લાગ્યું  છે પણ એક નવલ સરેરાશ નીવડતા ‘અમારે તમારી નવલકથાઓ હાથમાં લેતા પહેલા વિચાર કરવો પડશે’ એમ સ્પષ્ટ કહી ડો.રેણુએ મારાથી સિફતથી એવું અંતર જાળવી લીધું કે મને ખ્યાલ આવી ગયો કે આ પાત્ર પણ મારી પહોંચની બહારનું છે.  વાસ્તવિક કહો કે કાલ્પનિક, ગજબના પાત્રો છે બધા...!

      લેખા પ્રકાશનમાં આવતા લેખકોમાં એક હતા મંદાકિની નાયર. તે બહુ સરસ લખતા. તે આધુનિક પરિવેશમાં મૂલ્યોને વણી જાણતા. તેની બોલબાલા હતી. તે મળતાને ખુશીનો માહોલ સર્જાઇ જતો. પણ અફસોસ! આ પાત્ર પણ મારી  જીવનરીતિથી બિલકુલ અલગ હતું. કહો કે સામો છેડો જ ગણાય. તેના પરિવાર વિશે  હું  તેને પૂછતો તો જાણવા મળતું કે તેઓનો પરિવાર સામાન્ય હતો. પરિવારમાં પતિ અને બે બાળકો. એમાંય પતિ સાહિત્યમાં કંઇ જાણતો ન હતો ને કંઇ કરતો પણ ન હતો. પણ ડો. રેણુ કહેતા ‘મંદાકિનીના બધા જ કામ તે કરે છે. મંદાકિની બસ લખે. તેમણે લખેલું સાહિત્ય મેગેઝિનમાં મોકલવું.  તેના કાર્યક્રમો ગોઠવવા, તેમના વતી પત્ર વ્યવહાર કરવો વગેરે બધુ જ તેનો પતિ નિખિલ જ કરે.’  નવાઇની વાત તો એ હતી કે મંદાકિની તેના વિશે ગર્વ કરતા તેને કહેતી, ‘મારા પતિ નિખિલ જેવો મે હોશિયાર માણસ જોયો નથી.’ તે કહેતી કે ‘તેનો સ્નેહ અપૂર્વ છે. તે મારી નાની બાબતોની કાળજી રાખે છે!’ મંદકિનીનું આ સાચુકલું પાત્ર મારા લોહીમાં ખટકો  ઊભું કરતું. મને થઇ આવતું, ‘નાની બાબતોની કાળજી તો મારી  પત્ની પણ રાખતી હતી પણ મે તેનું મૂલ્ય શું આક્યું હતુ?!

      મારી ખ્યાતિ ‘શોપિઝન’ ન્યૂઝ સુધી પહોંચી હતી.  હમણા તેમની  ઓફિસ ઉપરથી તેના “ચેતના’’ વર્તમાન પત્ર માટે નવી ધારાવાહિક આપવા ફોન ઉપર ફોન આવતા હતા. સામન્ય રીતે તેઓનું વલણ સામાજિક ચેતનાને ઉજાગર કરવાનું વધું હોય છે. આ વેળા મારા મનમાં પણ એવી  ભાવના  પ્રબળ પણે આકાર લઇ રહી હતી કે મંદાકિની નાયરની  જેમ મારા સાહિત્યથી મારી પણ કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં જગ્યા થાય. ને મે એક મૂલ્યનિષ્ઠ પોલીસ ઓફિસરની કથા આલેખવાનો નિર્ણય કર્યો. એવું થોડું છે કે પોલીસ માત્ર ને માત્ર દબંગ હોય કે માત્ર ને માત્ર રાજકીય નેતાનો હાથો હોય કે માત્ર ને માત્ર રુશ્વત ખોર હોય! મારે એક એવા સંનિષ્ઠ પોલીસ ઓફિસરની કથા સર્જવી હતી કે જે  નિર્ભીક જ નહીં પણ સાથે સાથે એક જન ચેતના જગાડનારો  સ્પિરિટમેન હોય!

       આ માટે મારા મનમાં એક પ્લોટ આકાર લઇ રહ્યો હતો. રાજકીય નેતાએ મારા હીરોને ફસાવવા મોકલેલી હીરોઇન એનો પાઠ પૂરેપૂરો ભજવે છે. પણ કોર્ટમાં અંતિમ જુબાની આપતી વેળાએ હીરોઇન હીરોની જનસમુદાય માટેની નિર્વ્યાજ  સમર્પણ ભાવના જોઇ તેના પ્રત્યે આકૃષ્ટ થઇ જાય છે અને  તેની ફેવરમાં બયાન આપી બેસે છે ને અહીંથી એક ક્રાંતિપ્રેરક અભિયાન સાથે સ્નેહના બળથી સીંચાતી  પ્રેમકથાની  શરૂઆત થાય છે. આવા પ્લોટ વાળી કથા આગળ કઇ રીતે ચલાવવી ને આ વખતે હીરો, હીરોઇન ને સાઈડ પાત્રો બદલી નાખી કેવા કેવા નવા પાત્રોનું સર્જન કરવું તે  અંગે વિચારતો હું મારા ટેબલ પર માથું ઢાળીને સૂઇ ગયો. મોડી રાત્રે  ખટ ખટ ખટ... એવા  દરવાજે ટકોરા પડ્યા અને હું એકદમ જ જાગી ગયો. જોયું તો દરવાજે ચાર લોકો ઉભા હતા ! હાથમાં હથિયાર, મોઢા ઉપર લોહીના છાંટા અને આંખોમાં વિચિત્ર ચમક ! હું છળી ઉઠ્યો. એ લોકો અટ્ટહાસ્ય કરવા લાગ્યા. 
“કેમ મોહનીશજી ? કેમ છો ? અમને ના ઓળખ્યા ? અરે, હું તમારી હીરોઇન અંજુ. આ તમારા પાત્રો બનતા અમારી ટોળીના  રઘલો, પકો, ભૂરી અને આ પાછળ ઊભા એ તમારા સદાબહાર હીરો ઇન્સ્પેક્ટર બનવારી. હા હા હા, ક્યાંથી ઓળખો ? તમે તો હવે સામાજિક ચેતનાની  કથા  લખવાના રવાડે ચડ્યા છો ને !? હવે અમારું શું કામ તમને ? પણ સાંભળો, અમે એવું નહિ કરવા દઈએ. અમે તમારા દરેક લેખ, વાર્તા...અરે કવિતામાં પણ ઘૂસ મારીશું. તમારે અમને જીવિત રાખવા જ પડશે. એક પછી એક થ્રીલર લખવું જ પડશે. અમે જ તમારી કલમ બનીશું અને અમે કહીએ એ જ પ્રમાણે તમારે લખવું પડશે ! આ ધારાવાહિક વર્તમાન પત્ર ‘ચેતના’ માં પ્રગટ થયા પછી એના પ્રકાશન બાબતે કાંઇ વિચાર કર્યો? તમને ખબર છે ને ડો.  રેણુનો મિજાજ! એક પીડિતા નારીની નવલકથા ફ્લોપ ગયેલી ત્યારે તો તમે બચી ગયેલા. કોઇની સાડીબાર રાખતા નથી એ! આ વખતે શું સ્થિતિ થશે એ કલ્પના તમને ભલે ન હોય પણ અમને છે. અમો તમોને કોઇપણ  રીતે ફેલ જવા દેવા માગતા નથી!  તો  ચાલો થઇ જાવ તૈયાર, ઉપાડો કલમ અને એક સસ્પેન્સ કમ થ્રીલર લખવાનું શરૂ કરી દો. અમે બધા જ એમાં આવવા જોઈએ, નહિ તો...” હું તો અવાક થઇને જોઇ રહુ છું.  

    મારી ઊંઘ ઊડી જાય છે. ને હું કલમ હાથમાં લઉં છું.

    પોલીસ ઇનિસ્પેક્ટર બનવારીને ત્યાંની લેડી ડોક્ટર લીના સારેસા સાથે સુવાળાં સંબધો છે. તે લીના  સારેસાની માતાના રહસ્યમય મૃત્યુનો કેસ હેન્ડલ કરી રહ્યો છે.

    કુટુંબમાં લીના સારેસા અને તેની માતા બે જ હતા. મોર્ડન લાઇફ જીવતા લીના સારેસા  અપરિણીત હતા ને વિપુલ પૈતૃક સંપત્તિ ધરાવતા હતા. એકવાર તેઓ સેમિનારમાં ગયા હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્શો તેની માતાનું મર્ડર કરીને બહુ મોટી મતા લૂંટી ગયા હતા. સ્વાભાવિક છે કે હવે તેનો ડોળો લીના સારેસા ઉપર જ હોય. એથી આ કેસના મૂળ સુધી પહોંચવુ જરૂરી હતુ. આ કેસમાં પોલીસ ઇનિસ્પેક્ટર બનવારીને નામ, દામ અને લીના સારેસા સાથેનો સુવાળો સહચાર એમ ત્રિવિધ ફાયદા આંખ સામે હતા તેથી એ તનતોડ મહેનત કરી રહ્યો હતો!  લીના સારેસા સાથે જાહેરમાં ફરવું મુશ્કેલ હોઇ એ કોઇ એવા એકાંત સ્થળની શોધમાં હતો કે જ્યાં એ બિનધાસ્ત પણે લીના સારેસા સાથે રાતો ગુજારી શકે. એમાં હમણા સીમમાં ડફેરોની રંજાડની બહુ ફરિયાદ હોય રાત્રી રાઉન્ડમાં નીકળતા પી.આઇ. બનવારીના  ધ્યાનમાં દિલાવર બાપુનો રજવાડી ઘાટનો જૂનો બંગલો આવ્યો.  તેણે જમાદાર દોલુભાને આ વિષે પૂછતા તેમના જણાવ્યા પ્રમાણે -

      નગરથી દૂર વનવિસ્તારમાં બંધ હાલતમાં પડેલા  દિલાવરબાપુના બંગલામાં કોઇ મૂળ રખેવાળનો કુટુંબી  દસ-પંદર દિવસે સાફ સફાઇ માટે જાય છે. બાપુના વારસદારો તો વિદેશ છે. બધા કહે છે કે દિલાવરબાપુ બસો કિલોમીટરની ખેપ કાપીને આ સુંદર જગ્યાએ  એની માશૂકા સાથે અહીં રંગરેલિયા મનાવવા આવતા.

     આ બંધ પડેલા બંગલા સાથે કઇ કેટલીય જોડાયેલી દંતકથાઓ દોલુભાએ પી.આઇ. બનવારીને સંભળાવી અને વધુમાં તેઓએ રાત્રે ત્યાં જવું ઘણું જોખમકારક હોવાની  વાયકા લોકોમાં પ્રચલિત હોવાનું જણાવ્યું. પી.આઇ. બનવારીએ એ દિશામાં પોતાનું મગજ દોડાવ્યું. પી.આઇ. બનવારીએ મૂળ રખેવાળના કુટુંબીનો સંપર્ક કર્યો ને એ તેને રીઝવવામાં સફળ થયો.

      જિલ્લામાં નવા આવેલા ડી.વાય.એસ.પી. અંજુ સિન્હા બહુ કડક અને નિર્ભય હતા. ડી.વાય.એસ.પી. અંજુ સિન્હાની માત્ર અસમાજિક તત્વો ઉપર જ નહીં પણ પોલીસ ખાતા ઉપર પણ ધાક હતી  એટલે પી.આઇ. બનવારીને પોતાની રહેમ નજર હેઠળ ચાલતી અસામાજિક પ્રવૃતિઓ ડી.વાય.એસ.પી. અંજુ સિન્હાના ધ્યાનમાં ન આવી જાય તેનો ડર હતો. પી.આઇ. બનવારીએ તમામ ભાઇલોગને હમણા ડી.વાય.એસ.પી.  અંજુ સિન્હાની ઘોંસ હોવાથી ગેરકાયદેસર પ્રવૃતિના કેન્દ્રો બંધ રાખવાની સૂચના આપી દીધી હતી. ડી.વાય.એસ.પી.  અંજુ સિન્હા ક્યારે ઓચિંતાના પોતાના  પોલીસ મથકની મુલાકાત લે તે નક્કી નહોતું. જો કે પોતે નિશ્ચિંત હતો તોય તે સાવધ રહેતો હતો.

      બે દિવસમાં જ લીના સારેસાનો ફોન આવ્યો ને  પોતે સામેથી કોઇ એકાંત જગ્યાએ તેની સાથે રાત્રી ગાળવા માગતા હોવાનું જણાવ્યુ.  પી.આઇ. બનવારી તેને એ જ રાત્રે નક્કી કર્યા મુજબ મળ્યો અને તેઓની કારમાં તેને દિલાવર બાપુના બંગલે લઇ આવ્યો. પેલો રખેવાળનો  કુટુંબી તમામ વ્યવસ્થા કરી દઇને પોતાની બક્ષિશ  લઇને નીકળી ગયો.  રાત્રે એ અદભૂત બંગલામાં ફક્ત બે જણા હતા એક પી.આઇ. બનવારી અને બીજા યુવાન લીના સારેસા!   ઉપરના માળે વિશાળ એ-વન રૂમમાં  રોયલ ફર્નિચર અને રજવાડી પલંગ જોઇ લીના સારેસા તાજ્જુબ થઇ  ગયા. વિશાળ બારીઓના પડદા ખોલતા ચાંદનીમાં ચારેકોર વનરાઇનો અદભૂત નજારો દેખાતો હતો. સામે કળાતા હબસણની  છાતી જેવા ડુંગરો મનને ભરી દેતા હતા. લીના સારેસા ઇચ્છતા હતા એવા જ નીરવ શાંતિ અને એકાંત હતા. પી. આઇ. બનવારીએ  બારી પાસે ઊભેલા લીના સારેસાને પાછળથી ખેંચીને આહોશમાં લીધા. ઘાસમાં ચિનગારી પડતા જેમ ઘાસ સળગી ઊઠે તેમ બન્નેના તનબદનમાં આગ લાગી. મદહોશ લીના સારેસા પલંગ પર સૂતા.  બનવારી તેના પર ઝૂકવા જાય ત્યાં અચાનક ધડામ દઇને બારણું ખૂલ્યું. બનવારીએ સફાળા ઊભા થઇ જોયું તો દરવાજામાં ઊભા હતા ડી.વાય.એસ.પી. અંજુ સિન્હા! તે કંઇ વિચારે તે પહેલા તેનો ફોટો પડી ગયો. ડી.વાય.એસ.પી.અંજુ સિન્હાને હાથે કઢંગી હાલતમાં પકડાઇ જતા હિંમતવાન એવો તે એકદમ ડરી ગયો. ડી.વાય.એસ.પી. અંજુ સિન્હા સત્તાવાહી સ્વરે બોલ્યા, ‘ નીચે આવો બન્ને ,, પછી વાત કરીએ… ને તેઓ રૂઆબદાર પગલા ભરતા નીચે જવા પાછા વળ્યા. તેના બુટનો અવાજ પરસાળમાં પડઘાઇ  રહ્યો. રખેવાળ તો એકદમ વિશ્વાસુ હતો ને તેને મળતી બક્ષિશની રકમ પણ મોટી હતી તેથી એ તો બાતમી ન  આપે તો પછી ડી.વાય.એસ.પી. અંજુ સિન્હાને પોતે પુરાતન બંગલામાં હોવાની બાતમી કઇ રીતે મળી? બંધ દરવાજો છતા તેઓ અંદર કઇ રીતે પ્રવેશ્યા? વગેરે બાબતો વિષે વિચારતો તે લીના સારેસાને લઇને નીચે આવ્યો તો ડી.વાય.એસ.પી.  અંજુ સિન્હાએ તેના ગુનાહિત કૃત્યના પુરાવા બદલ લેખિત કબૂલાતનામું લીધું અને વેધક રીતે પૂછ્યું, ‘બાદલપુર આત્મહત્યા  કેસની તપાસ કેમ ધીમી ચાલે છે? મારે બે દિવસમાં રિપોર્ટ જોઈએ!’  ને તેઓએ તેને તેની ગાડી પોતાની ગાડીની પાછળ લઇ લેવા કહ્યું.  પોલીસ મથક આવતા ડી.વાય.એસ.પી. અંજુ સિન્હાએ પોલીસમથકમાં અંદર આવવાને બદલે,  તે બન્નેને આવતી કાલે બપોરના અગિયાર વાગ્યે પોતાની કચેરીએ હાજર થવાનો આદેશ કરીને,  પોતાનું વાહન મારી મૂક્યું.  લીના સારેસા પણ પોતાની કારમાં રવાના થયા. તે પોલીસ મથકમાં જવા પાછો વળે તે પહેલા તેના મોબાઇલમાં હેડ ઓફિસના કોન્સ્ટેબલ સી.પી.ચૌહાણનો કોલ આવ્યો. તેણે સમાચાર આપતા જણાવ્યું, ‘આવી ગયા સાહેબ! હું તમોને ક્યારનો મોબાઇલ જોડું છું પણ તમે રાત્રી રાઉન્ડમાં કોઇ એવા વિસ્તારમાં હશો કે  નેટવર્ક પકડાતું નહીં હોય! જુઓ સીધા જ સરકિટ હાઉસે આવો. ડી.વાય.એસ.પી. અંજુ સિન્હા મેડમ આવ્યા છે. ને અહીં સરકિટ હાઉસમાં રોકાયા છે. રાત્રી રાઉન્ડમાંથી ગમે ત્યારે આવો પણ તમોને રાત્રે જ મળવા આવવાનું કહ્યું છે.’ ને તે ચકિત થઇ ગયો.

પોલીસ મથકથી બે મિનિટના અંતરે સરકિટ હાઉસ હતું. તે સરકિટ હાઉસ પર આવ્યો તો  હક્કો  બક્કો રહી ગયો. ડી.વાય.એસ.પી. અંજુ સિન્હા એક  સોફા પર બેઠા હતા.

તો હમણા ગયું તે કોણ હતું?

ડી.વાય.એસ.પી. અંજુ સિન્હાએ તેને, ‘ક્યાં હતા? એવું પૂછતા એણે તેઓની અગાઉની સૂચના મુજબ તે નગરમાં પ્રથમ રાત્રી રાઉન્ડમાં જઇને આવતો હોવાનું જણાવ્યું. તેઓએ બાદલપર આત્મહત્યા કેસની વિગતો માગી. જવાબમાં તેણે જણાવ્યું કે, ‘પકા શેઠે તેની પ્રેમિકા એવી રઘાની બૈરીને તેના ઘરમાં બેસાડી હોવાથી તેની ઘરવાળીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. ડી.વાય.એસ.પી.  અંજુ સિન્હાએ લાગતો  જ, ‘બાદલપર આત્મહત્યા કેસમાં તપાસ કેમ ઢીલી ચાલે છે?’  તેવો સવાલ પૂછ્યો. તેના જવાબમાં તેણે ખરા ખોટા ખુલાસા કર્યા.  

      ડી.વાય.એસ.પી. અંજુ સિંહાએ ‘પોતાને પોલીસ ટૂકડી લઇ બાદલપુર જેવા સંવેદશીલ સ્થળોની ખબર લેવા નીકળવું પડે છે તો તમે શું કરો છો? જ્યાં રાઉન્ડ મારવો જરૂરી છે ત્યાં રાઉન્ડ મારવાને બદલે બીજે ક્યાં ભટકો છો?’ જેવા ધારદાર સવાલો પૂછતા કહ્યું કે, ‘એ બધી વાતો પછી. હાલ તુરત બાદલપુર પહોંચવું જરૂરી છે. ચાલો હું પણ સાથે આવું છું.’ પોલીસ ટૂકડી સાથે તેઓ બાદલપર પહોંચ્યા તો ડી.વાય.એસ.પી.અંજુ સિંહાની વાત સાચી નીકળી. સામસામે જામેલા ધીંગાણામાં લાકડી અને ધારિયા ઊડતા હતા. થોડી પળોનો પણ વિલંબ થયો હોત તો બહુ મોટી હિંસક ઘટના ઘટી હોત. હવામાં ફાયરિંગ કરીને તેઓએ બન્ને જૂથ પર કાબૂ મેળવ્યો ને આ પક્ષે રઘાની અને સામે પક્ષે પકા અને ભૂરીની ધરપકડ કરવાની સાથે કેટલાક તેઓના સાગરીતોની પણ ધરપકડ કરી. તેઓના હાથમાં હથિયાર, મોઢા ઉપર લોહીના છાંટા અને આંખોમાં વિચિત્ર ચમક હતી !  

       નગરમાં પાછા આવતા ડી.વાય.એસ.પી. અંજુ સિન્હાએ પી.આઇ. બનવારીને સવારે અગિયાર વાગ્યે બાદલપપુર કેસની સંપૂર્ણ ફાઇલ લઇને વડી કચેરીએ પહોંચી જવાનું જણાવ્યું ને ધરપકડ કરાયેલા ગુનેગારોને એમની સાથે લઇને તેઓ નીકળી ગયા. તેમના કાફલાને  જતા તે જોઇ રહ્યો. તેનું મગજ ચકરાવે ચડ્યું હતું! આવતી કાલે ડી.વાય.એસ.પી. અંજુ સિહા પાસે રજુ કરવાની બાદલપુર કેસની ફાઇલ એક વાર જોઇ લેવા એ પોલીસ સ્ટેશને ગયો તો ઓફિસમાં પહોંચાતા જ તે થથરી ગયો. સામે ચેઇર પર ડી.વાય.એસ.પી. અંજુ સિહા બેઠા હતા!  ‘બાદલપર આત્મહત્યા કેસમાં તપાસ કેમ ઢીલી ચાલે છે?’ તેવો સવાલ જાણે તેના ચહેરા પર હતો!

    નવલકથાનો થોડો ભાગ મે શોપીઝન ન્યૂઝમાં મોકલ્યો ને મારી ધારણા પ્રમાણે જ થયું. શોપિઝન ન્યૂઝની ઓફિસમાંથી ફોન આવ્યો, ‘ નવલ માટે આભાર મોહનીશ જી! પણ એક વાત કરવા માટે આપને ફોન કર્યો છે. તમારી નોવેલનો બેઝ સસ્પેન્સ તરફ જાય છે. શું તમે સામજિક પૃષ્ઠ ભૂમિ પર તમારી ધરવાહિક ન ચલાવી શકો?’ શું જવાબ આપવો તે મને  સૂઝે તે પહેલા મારા પાત્રોએ તેઓનો દાવો ઊભો રાખવા મારી પાસે વકીલાત કરાવી, ‘ આપની વાત બરાબર છે પણ સર્જક તરીકે મારું પહેલું કામ તો વિમુખ થતા જતા ભાવક વર્ગને સાહિત્ય તરફ અભિમુખ કરવાનું છે. એટલે તેની બદલાયેલી રસ રુચિ તો ધ્યાનમાં લેવા રહ્યા! મે મોકલેલા કથા ભાગનો રિસ્પોન્સ જુઓ. એવું લાગે તો આ વાર્તામાં  સામાજિક નિરૂપણ ને પૂરો અવકાશ છે.’

સામેથી જવાબ મળ્યો, ‘ ઓ. કે.સર!’  

      મારી આ ભેદ ભરમ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર નવલકથા “ચેતના’’ વર્તમાન પત્રમાં શરૂ થઇ  અને તહલકો મચી ગયો. અને એ વર્તમાન પત્રની ડિમાન્ડ દોઢ ગણી વધી ગઇ. સ્વાભાવિક છે કે આવા સંજોગોમાં કોઇ પણ ન્યૂઝ પેપર લેખકને એની રીતે આલેખન કરવા જ દે!

      કાલ્પનિક પાત્રો તો કલ્પના બહારના હોય એ સમજી શકાય પણ વાસ્તવિક પાત્રો પણ એવા નીકળે ત્યારે મારું આખુ અસ્તિત્વ હલબલી જાય છે. લેખા  પ્રકાશનમાં  એવા જ એક લેખક તપન વર્મા આવતા. તેઓ અપરિણીત હતા. તેમના પ્રત્યે ડો. રેણું અત્યંત આદર રાખતા! માનોને એ તેના પર આફરીન હતા પણ તપન બહુ પ્રતિસાદ ન આપતા. તેની સાથે પરિચય વધતા  તે તપન વર્માને પરણી જવા કહેતો તો તપન વર્મા  ભાવુક થઇને હકીકત જણાવતા, ‘અમો બસ અમારી એન્ગેજમેન્ટ સેરેમની પતાવીને હોટેલમાંથી પાછા ફરતા હતા ને અક્સ્માત થયો.  તેણીની નસપર  ઇજા થઇ. પછી તેણી  વારંવાર સ્મૃતિ ગુમાવી બેસે છે. પણ તેથી શું હું એને છોડી દઉં? હું પશુ નથી માણસ છું અને તેમાંય પાછો સર્જક છું. હું જે સાહિત્યની પરિણતિ સ્નેહમાં થતી નથી તે સાહિત્યને અલ્પજીવી ગણું છું.’

      પત્રકાર કામિનીને વડોદરા બાજુ જવાનું થતા તે વિસ્તારમાંના મારા ગામે  જતી આવી! પત્રકારો ક્યાંથી ગોતી કાઢતા હશે મૂળ? તેણે લીધેલી મારા ઘરની તસવીરો મને બતાવી.  હજુ એ તુલસી ક્યારો એમ જ લીલો હતો. જાણે હું  ઘરમાં હાજર હોઉં એમ મારા વાંચન-લેખન ખંડમાં વર્ષો પહેલા ટેબલ પર જે પુસ્તક વાંચતા વાંચતા ઊંધું મૂકીને નીકળ્યો હતો તે એમ જ પડેલું હતું. એમ જ મારો કબાટ ગોઠવેલો હતો. એમ જ ઘર ગોઠવાયેલું હતું. મારી પત્નીની યુવાની પણ એકાદ બહુ આછી એવી સફેદ વાળની લટ પાસે હજુ અટકીને ઊભી હતી. કામિની ‘હું  વધું માહીતિ આપીશ  પછી મારા ઉપર એક મોટો લેખ તૈયાર કરશે,’ તેમ કહીને ગઇ. શું માહિતી હું આપીશ? મારા હૃદયમાં વધુ  એક ખટકો ઉભો થયો.

        આ દરમિયાન અક્ષર સાહિત્ય સભાએ  એક સામાજિક વિષય પર વાર્તા સ્પર્ધા કરેલી. એ સ્પર્ધા માટે મે એક વાર્તા તૈયાર કરી. વાર્તા જક્કડ વાળી હતી! પણ વાર્તામાં મને કશુક ખૂટતું હોય તેવું લાગ્યું. મારા જેવો સાહિત્યકાર સ્પર્ધામાં ભાગ લે અને વાર્તા પ્રોત્સાહક ઇનામને પાત્ર ન ઠરે તો તો એ મારા માટે સહેજ નાલેશી જેવું ગણાય, તેથી  શોપીઝન ન્યૂઝના ‘ચેતના’ વર્તમાન પત્રમાં કોલમ લખતા મારા મિત્ર એવા પીઢ વાર્તાકાર રાજેન્દ્ર દ્વિવેદીને મે આ વાર્તા બતાવવાનું નક્કી કર્યું અને તેનો સંપર્ક કર્યો તો તેઓએ તે વાર્તા પોતાને ઇમેઇલથી મોકલી આપવા કહ્યું. મે એ પ્રમાણે વાર્તા મોકલી આપી. વાર્તા બરાબર વાંચીને રાજેન્દ્ર દ્વિવેદીએ મને ફોન કરીને એ વાર્તા વિષે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો! તેણે જણાવ્યું કે, ‘ ભાઇ! વાર્તા બહુ સરસ છે પણ તે સામાજિક કથાને બદલે રહસ્ય કથા વધુ બની રહે છે! તમે નીવડેલા સર્જક છો. તમે સ્પર્ધાના નિયમો બરાબર જુઓ. પહેલું જ લખ્યું છે કે સ્પર્ધામાં સામજિક વિષય પર વાર્તા લખવાની છે. માઠું ન લગડતા પણ તમે આ વાર્તામાં જે રઘો અને અન્ય પાત્રો ઘૂસાડ્યા છે તે વાર્તાનો ટોન ફેરવી નાખે છે! અલબત્ત આ તો મારી સમજ છે. બાકી તો તમે માહિર છો! ઓ.કે. આ બાબતે કંઇ કામ હોય તો ચોક્કસ મને જણાવશો!’ તે ફોન મૂકે છે ને હું માથું પકડીને બેસી જાઉં છું! રાજેન્દ્ર દ્વિવેદીને કેમ સમજાવું કે ‘હું એટલું તો સમજી શકું જ કે મારે સામાજિક કથા જ લખવાની છે પણ સામાજિક કથા લખતા કોણ જાણે ક્યાંથી આ પાત્રો વાર્તામાં ઘૂસી ગયા?! હું બહુ વિચારું છું. કેટલાય વિષયો મનમાં સૂઝે છે પણ એનો છેડો અંતે તો સસ્પેન્સ તરફ જ જાય છે!’

મારું  વાંચન મને કહે છે કે માણસે આજીવન શીખવું જોઇએ. જ્યાંથી પણ શીખવા મળે ત્યાંથી! શીખવાથી માણસ નાનો નથી થઇ જતો! અને હું ઘણી મથામણ પછી રાજેન્દ્ર દ્વિવેદીને ફોન જોડું છું ને મારા આ પ્રોબ્લેમ વિષે જણાવું છું કે, ‘ ગમે તેમ કરું પણ મારા આ બધા પાત્રો મારા પર સવાર થઇ જાય છે.’  રાજેન્દ્ર દ્વિવેદીએ હસીને હળવાશથી ઉત્તર આપતા કહ્યું, ‘ થાય ભઇલા! આવું થાય! હું તમને ઉપાય બતાવું છું. એમની સામે જંગે ચડો! એમની જ કારીગરીથી એમને માત આપો! એવું કંઇક કરો કે આ જ પાત્રોને  સિવેલિયન પાત્રોમાં ફેરવી નાખો. જેમકે રઘાને રઘુનાથ શેઠ બનાવી દો. રહસ્યનો તંતું ફક્ત વાર્તાની ચમત્કૃતિ પૂરતો અત્યંત બારીક કરી નાખો. ને તમારી પાસે તો કવિત્વ શક્તિ છે તેની આછીં છાંટ ગદ્યમાં નાખો જેથી ગદ્ય એકદમ પ્રવાહી અને સુવાળું બને. ને આ રીતે આ વાર્તા અને બીજી થોડી વાર્તાઓ લખો એટલે ધીરે ધીરે આ પાત્રોનો સફાયો થઇ જશે. એવું ન બને તો કોઇ ધારાવાહિકમાં આ પાત્રોનું કોઇ અથડામણ, અકસ્માત કે એવા કોઇ કારણોસર મૃત્યું પણ બતાવી દઇ શકો કે જેથી ધારાવાહિકમાં આપોઆપ નવા પાત્રો આવી શકે. નવા પાત્રોને સામજિક્તા તરફ વાળતા રહી તમે તમારા વાંચકોની ઋચિમાં બદલાવ લાવી શકો! મને શ્યોર ખાત્રી છે કે પછી તમારા પાત્રો તમારા માટે આવો પ્રોબ્લેમ ક્રિએટ નહીં કરે! તો ચાલો કરો શરુઆત! કાંઇ તકલીફ હોય તો હું બેઠો છું. પ્લીઝ સે એની ટાઇમ!’

     અમો બન્ને અજાણ છીએ કે મારા પાત્રો અમારી વાતો સાંભળી રહ્યા છે ને મનોમન હસી રહ્યા છે કે, ‘ લેખકશ્રી આવી જાઓ મેદાનમાં! જોઇએ છીએ કે કોણ જીતે છે જંગમાં? હવે તો  અમારા અસ્તિત્વનો પણ સવાલ છે!....’    

      હું રાજેન્દ્ર દ્વિવેદીની સૂચના ધ્યાને લઇને મારા પાત્રોને સિવેલિયન ઓપ આપીને, રહસ્યનો એક પાતળો દોર સાંધીને, પદ્યની છાંટ વાળી એક સામાજિક  વાર્તાનું સર્જન કરુ છું.  

      ભૂરી સવારમાં અંજુશેઠણીને ત્યાં કામે પહોંચી જાય. ભૂરીને પકાશેઠની ઉમર કળાય પણ અંજુશેઠાણીની ઉમર કળાય  નહીં. માંડ એકાદ  લટ સફેદ થઇ હોય તો. ગૌર નમણા ચહેરા પરથી જુવાનીને જવું ગમતું ન હોય એમ લાગે. વિશાળ લોચન પર ભલે હવે એવા નેત્રકટાક્ષો ન હોય પણ આંખ પર ચશ્મા નહીં ને એવી કોઇ સ્થૂળતાયનોય શરીરમાં પ્રવેશ નહીં  એટલે તમે અંજુ શેઠણીને ને પાછળથી જુઓ તો ખ્યાલ ન આવે કે એ કોઇ ઉમર લાયક વ્યક્તિ છે. ભૂરી પૂછે, ‘તમારી ઉમર પકા શેઠ  કરતા ઘણી નાની હશે કેમ, અંજુશેઠણી?’  અને અંજુશેઠણી ઠી…ઠી…ઠી... હસતા વિસ્મય ભરેલો જવાબ આપે!, ‘ શું હું નાની?  પકા શેઠ  કરતા હું ક્યાંય મોટી!’ ને પછી પકા શેઠ ની સામે જોઇને કહે, ‘ કહો તો આને  હું તમારા કરતા કેટલી મોટી?’

પકા શેઠ ખાટને જોરથી ઠેલો મારી ફંગોળો ખાતા ગમ્મતનું ફોરું વરસાવતા  બોલે, ‘ માત્ર ચૌદ વરસ!’

        એ બન્ને  હસી પડે અને... 

     વયસ્ક અરીસાને જુવાની ફૂટી જાય. થાંભલીને કેળના પાન ફૂટે. આંગણામાં સૂરજનો પડછાયો લીલવાઇ જાય. અંજુ શેઠણીના શ્વાસો હરણી થઇ જાય. હીંડોળાને ઠેલો નાખતા પકા શેઠના પગમાં વાયરો ફૂટે. ભૂરીના  મનમાં મોરનું વૃંદ કળા કરવા લાગે ને ઇંદ્રના દરબારમાં નૃત્ય કરતી અપ્સરાઓ સ્તબ્ધ પૂતળીઓ થઇ જાય.

     અંજુ શેઠાણી  મા નાના  છોકરાનું ધ્યાન રાખે એમ પકાશેઠનું ધ્યાન રાખે. ભૂરીને બહુ નવાઇ લાગે. પકા શેઠને હીંડોળે હીંચકતા હીંચકતા લહેરથી મીઠાઇ ખાતા ને હસતા હસાવતા જોવાનું ભૂરીને બહુ ગમે. ભૂરીને બેય માણસ દીકરીની જેમ રાખે. ભૂરીનો ભાઇ  કોલેજ કરે. એની ફી પકા શેઠ ભરી દે. ભૂરી ઉપકાર માનતા અંજુ શેઠાણીને  કહે, ‘પકા શેઠે અમારા ગરીબના જીવનમાં અજવાળું કરી દીધું! શેઠનું નામ જ પ્રકાશ છે ને! ક્યા ફોઇએ પાડેલું?’

અંજુ શેઠાણી બોલે, ‘ એમની ફોઇએ ક્યાં પાડેલું? ? મે પાડેલું! એ જન્મ્યા ત્યારે જ. નહી પકા શેઠ?!’

પકા શેઠ બોલે. ‘હા..!’

એ બન્ને હસી પડે અને... 

      આસોપાલવ પરથી લીલવર્ણું કંકુ ખરવા લાગે. તસવીરમાંની અલ્લડ કન્યકાના કેશમાંની વેણી મહેંકવા લાગે. શૂન્યમાં સિતાર રણઝણવા લાગે.  પકા શેઠનો હિંડોળો હવામાં તરવા લાગે. ભૂરી  ઊભી ઊભી  ઘટાટોપ જંગલમાં ખોવાઇ જાય.  અંજુ શેઠણી  ઓગળીને અજવાળું  થઇ જાય  ઇંન્દ્રના  દ્વારે ઝૂલતા કલ્પવૃક્ષના પાંદડાઓ  હવામાં સ્થિર થઇ જાય.

     કોઇ પાડોશણ પોતાની પુત્રવધૂને પગે લગાડવા આવે તો અંજુશેઠણી  એના પર પોતાની પુત્રવધૂની જેમ હેત વરસાવે અને પડોશણને વહુની કાળજી લેવા જણાવતા કહેવા લાગે, ‘જો વહુને લાજ નહીં કઢાવવાની ને ડ્રેસને એવું પહેરવા દેવાનું!’

     અંજુશેઠણી ની આ આધુનિક્તા કે કુલિનતા ભૂરીને બહુ સ્પર્શે.  ભૂરીથી પૂછાઇ જાય, ‘હે અંજુ શેઠણી!  તમે સાસરે આવ્યા ત્યારે એ સમયમાં તો તમારે ઘરમાં મોટેરાઓની લાજ કાઢવી પડતી હશે નહીં?’

અંજુશેઠણી અચરજનું પૂર વહાવે, ‘ રધુ  શેઠ  તો મને ફ્રોક પહેરવા દેતા! ને હું આવી ત્યારે ઘરમાં ક્યાં કોઇ બીજુ હતુ! આના માવતર તો વાંઝિયા હતા! બોલો તો, પકાશેઠ!  સાચું કે  નહી?!’

પકા શેઠ  હિંડોળે ઝૂલતા ઝૂલતા કહે, ‘ સાવ સાચું,  હું ય નહોતો!’  

ભૂરી ધારણા બાંધતા પકા શેઠને  પૂછે,  ‘તો પછી રઘુ શેઠે  બીજુ લગ્ન કર્યું હશે ને તમારો  જન્મ થયો હશે, બરોબરને પકાશેઠ! .’

પકાશેઠ  કહે, ‘ ના રે...! બીજુ લગ્ન તો શું શશી શેઠાણી  પાસે બીજા લગ્નની વાત પણ ન થાય! તે મારી મા શશી શેઠાણીને તો ક્યાંથી જોયા હોય! દીવાસળી વગર તાપ કરી દે. મારા બાપા રઘુ શેઠ ઉપર એની જબરી ધાક!’  

‘તો પછી પકા શેઠ!  તમારો જનમ કેવી રીતે થયો?’

‘અંજુ શેઠણી અમારે ઘેર આવ્યા એટલે! નહીં અંજુ શેઠાણી?

અંજુ શેઠણી  જવાબ આપે તે પહેલા  ભૂરી પૂછી બેસે ‘અરે પકા શેઠ ! તમે હતા જ નહીં તો અંજુ શેઠાણી  તમને વરીને આવે કઇ રીતે?’

‘મારા જનમ પહેલા અંજુ શેઠણી મને પરણ્યા! આને વાત કરો તો અંજુ શેઠણી!’  

         ને અંજુ શેઠણી  એ સમયમાં ખોવાઇ જાય. બસ અંજુ શેઠાણી  પોતાની વાર્તા ભૂરીને કહેવાનું શરૂ કરે અને હવે ખરેખર મારી  વાર્તા શરૂ થાય! વાર્તાની આ કલાત્મક ગૂંથણીમાં ગૂંથાયેલા અંજુ સેઠાણીની વાર્તાના રંગો એટલે  મારી  વાર્તા ‘ ઇન્દ્રધનુનો ચૌદમો રંગ!’

      મારી આ વાર્તા સામાજિક હોવા છતા ફકરે ફકરે આશ્ચર્યો ઊભા કરતી હતી જેને અક્ષર સાહિત્ય સભાનું પ્રથમ ઇનામ મળેલું. પાઠ્ય પુસ્તકમાં આ વાર્તા મૂકવાની પણ ચર્ચા ચાલેલી. પણ અફસોસ! વાચકોનો પ્રતિભાવ દર વખતની જેમ પૂરજોશમાં નહોતો! વાંચકો આ સ્ટોરીને કદાચ અપવાદ ગણી શકે!  બસ મારા પાત્રોએ રીતસર મારો ઉધડો લીધો! – ‘તમે પ્રથમ ઇનામનો ગર્વ કરોમાં મોહનીશ! તમે પ્રથમ એટલે આવ્યા કે નિર્ણાયકોમાં એક તમારી મથામણથી પરિચિત એવા તપન વર્મા  હતા. તમારી શૈલીની નોંધ પણ તેઓએ લેવડાવી! બાકી તેઓની જગ્યાએ સત્યમ કામઠ હોત તો તમારું પત્તું સાવ કપાઇ ગયું હોત!  તમે સમજી લો... અભિપ્રાય તો વાંચકો આપે એ જ !

     મારી અંજુ સિરીઝ તો બેહદ લોકપ્રિય થઇ. તેના પરથી વેબસિરીઝ પણ ઊતરી. લોકોના મળેલા જબ્બર પ્રતિભાવને ધ્યાનમાં રાખી વેબસિરીઝના નિર્માતાઓએ મારી પાસે આવા હટકે પાત્રો વાળી કથાની માગણી કરી. મારા પાત્રો હવે મારા ઝાલ્યા રહે?  મારા પાત્રો મારી પાસે અવનવા અદભૂત વિષયો  વાળી કથાઓ જ લખાવવા મગતા હતા!  

           ઉપરની ‘ઇન્દ્રધનુંનો ચૌદમો રંગ’ ની વાર્તામાંની  અંજુ શેઠાણીને જરા હટકે ટચ આપીને  મારા પાત્રોએ  રસપ્રચૂર નવલ ‘ અક્ષત કન્યા’ લખાવી! તેનુ એક કોર્ટ રૂમનું દૃશ્ય જુઓ. -

     પાંજરામાં એક તરફ અંજુ શેઠાણી છે ને એક તરફ બનવારી શેઠ છે. કોર્ટની આ ત્રીજી મુદત છે.

     કોર્ટમાં વિચિત્ર કેસ આવ્યો છે. રઘો કહે છે કે આ અંજુ મારી પત્ની છે. પકો કહે છે કે ના અંજુ મારી પત્ની છે. અંજુ અગાઉ ક્યા રહેતી હતી તો જાણવા મળે છે કે  મેરામ વનમાળીને ત્યાં! કોર્ટ મેરામ વનમાળીને બોલાવે છે ને પૂછે છે કે આ અંજુ તારી સાથે રહેતી હતી? મેરામ વનમાળી કહે છે ‘હા’!  આગલો સવાલ પૂછાય છે શું ‘ અંજુ તારી પત્ની છે?’ મેરામ વનમાળી બહુ વિચિત્ર જવાબ આપે છે ‘ અંજુ જે કહે એ કબૂલ! જો એ હા કહેતી હોય તો એ મારી પત્ની છે પણ ના કહેતી હોય તો એ મારી પત્ની નથી! ‘ આ કેસ હેન્ડલ કરનાર પી.આઇ. સદાશિવ વાગ્લેની જુબાની લેવામાં આવે છે ત્યારે એ કહે છે કે આ ત્રણે ખોટા છે આ અંજુ નથી પણ અંજુ શેઠાણી છે ને બનવારી શેઠના પત્ની છે.

      કોર્ટે બનવારી શેઠને બોલાવ્યા છે. જજ બનવારી શેઠને પૂછે છે, ‘પી.આઇ. સદાશિવ વાગ્લે કહે છે કે આ અંજુ નથી પણ અંજુ શેઠાણી છે અર્થાત  એ તમારી પત્ની છે! એ સાચુ છે! ‘ તો બનવારી શેઠ કહે છે , ‘ હા! એ સાચુ છે . આ અંજુ શેઠાણી જ છે  ને મારી પત્ની છે!’ અંજુ ને જજ આ વિશે પૂછે છે તો અંજુ કહે છે કે ‘ હા હું એની સાથે રહી છું એ ખરું પણ બનવારી શેઠ મારા પતિ નથી! મે એની ચૂંદડી ઓઢી નથી. નથી મે એક રાત એની સાથે ગુજારી! તો એમારા પતિ કેવી રીતે હોય ?!’  જજ પૂછે છે, ‘તો તું જ કહે ખરેખર તારો પતિ કોણ છે!’ અંજુ ધડાકો કરે છે, ‘કવિ કમલનયન સાહુ’ કોર્ટમાં સન્નાટો  વ્યાપી જાય છે. આટલો  બધો પ્રખ્યાત કવિ ને એ આ સ્ત્રીનો પતિ?’   કોર્ટ વળી મુદત પાડે છે. હવેની મુદતમાં જજ કવિ કમલનયન પૂછે છે કે શું આ તમારી પત્ની છે.’ કવિ કમલનયન કહે છે કે , ‘ના, આ મારી પત્ની નથી!’ અંજુ કહે છે કે, ‘શા માટે ના પાડો છો? હુ તમારી સાથે ચાર ફેરા ફરી છું. શા માટે તમે મને પાસે લેતા નથી. મારા પર વિશ્વાસ રાખો હું આજે પણ અક્ષત છું!’

     જજ સહિત કોર્ટમાં હાજર તમામ લોકો આશ્ચર્ય પામી જાય છે કે પાંચ પાંચ વ્યક્તિઓનો પતિ તરીકે નો દાવો ને વળી બધા સાથે સહવાસ તો પણ આ સ્ત્રી અક્ષત કઇ રીતે હોઇ શકે?’ કોર્ટે અંજુ પાસે આ બાબતે ખુલાસા માગ્યા તો અંજુએ એના જડબેસલાક ખુલાસા આપ્યા!  જુઓ, એણે બનવારી શેઠની સાથે રહ્યા છતા અક્ષત કેવી રીતે રહી  તે  બાબતે  કરેલો ખુલાસો!

     અંજુ બહુ સ્વસ્થ રીતે બોલતી હતી, ‘ નામદાર! મારી મા ભૂરી બનવારી શેઠને ત્યાં વર્ષોથી કામ કરતી હતી! બનવારી શેઠના અનેક ઉપકારો અમારા કુટુંબ પર હતા. હું નાનપણથી બનવારી શેઠને ત્યાં મા સાથે થોડું ઘણું કામ કરાવવા જાતી! એક દિવસ બનવારી શેઠે  મને ગાગરને બદલે હેલ ઊંચકતા જોઇ ને મારી ઉપર વારી ગયા! તેણે મારી માને કહ્યું, ‘આ તારી અંજુ મને આપ. હું તને મો માગી રકમ આપીશ અને તને વચન આપું  છું કે હું અજુને હથેળીમાં રાખીશ!’ મા ના ન કહી શકી અને મને એણે શેઠને આપી દીધી! હું કોઇ નવોઢાની જેમ સજી નહોતી! નહોતી મેં ચૂંદડી ઓઢી! કે મારા મનમાં કોઇ એવી ભાવનાયે નહોતી! બસ, એક મંદિરમાં ઇશ્વરની સાક્ષીએ અમોએ સામ સામે હાર પહેરાવ્યા! મારે માટે તો એ ઔપચારિક વિધિ જ હતી. મારા આવવા છતા મોટા શેઠાણીએ પણ કોઇ વિરોધ ન કર્યો!  મારી કુમળી છાતી ધડકતી હતી. મને હતુ કે શેઠ મને સિંહ જેમ હરણીને પીંખે એમ  પીંખી નાખશે! પણ એવું કશુયે ન થયું! બનવારી શેઠ અઢળક ધન સંપત્તિ કમાવા સદાનંદ સ્વામી પાસે અઘોર તંત્ર સાધના કરાવવા માગતા હતા. તેમાં તેને તેની યુવાન કન્યા કે યુવાન પત્નીને બેસાડવાની હતી. કન્યા અક્ષત હોય તો વધુ પરિણામ મળે એવું તાંત્રિકનું કહેવાનું હતું. અને બુદ્ધિમાન બનવારી શેઠે તેની આમ પત્ની ને આમ પાછી અક્ષત એવી મારો ઉપયોગ કર્યો! તંત્ર વિધિ સફળ થઇ. બનવારી શેઠ હરિફોને પછાડી માર્કેટ સર કરવામાં કામિયાબ થયા. લક્ષ્મીનો ધોધ વછૂટ્યો. શેઠ અને તેનો પરિવાર મને દેવીની જેમ રાખતા હતા પણ....!

     હવે તમેજ કહો કોઇપણ વાચક આગળ વાંચવા પ્રેરાય કે નહીં કે આગળ શું થશે? શેઠ જેવા ધનવાન પાસે અંજુ કેવી રીતે અક્ષત રહી તે જાણ્યા પછી વાચકને સ્વાભાવિક જિજ્ઞાસા થાય કે ધનવાન  સિવાય અંજુને ક્રૂર, બળવાન, સ્વરૂપવાન અને બદ્ધિમાન પુરુષોની વચ્ચે જીવવાનું થયું તો પણ તે અક્ષત કેવી રીતે રહી? ન તો આ પાંચે પુરુષો સન્યાસી હતા કે ન તો અંજુ સાધ્વી હતી છતા ક્યુ બળ અંજુને ઉગારતું હતુ. વાચકો આ ધારાવાહિકના પ્રકરણોની રાહ જુએ કે ન જુએ ? તેના પરની વેબ સિરીઝ ધૂમ મચાવે કે ન મચાવે?

      હજુ તો એક નવલ પૂરી થઇ ન હોય ત્યાં તો  બીજી નવલ લઇને મારા પાત્રો આવી ગયા હોય! વળી    મારાપાત્રો આવા આવા  મારા ધાર્યા બહારના પ્લોટ લઇ આવે. એટલું જ નહી મારી કથાઓમાં તેઓએ  નક્કી કર્યા મુજબ તેઓ સાચે જ ગમેતેમ કરીને ઘૂસ મારી  જ રહે! જુઓ,  તે લોકો મારી પાસે લખાવવા માગે છે તેવી કેટલીક વાર્તાઓના પ્લોટ -

     - એક જંગલમાં વનસ્પતિજન્ય શોધ કરવા એક વૈજ્ઞાનિક ભટકતો હોય છે ને એવામાં એ નિર્જન વનમાં ઝાડના પાનના  વસ્ત્રો પહેરેલી એક અત્યંત સુંદર નવ કન્યા એ જુએ છે અને...

     - એક લલના જોમ્બીઓના નગરમાં આવી. તેને બાતમી મળી હતી કે આ નગરમાં એક એવો જોમ્બી વસે છે કે તે જે ડ્રગ્ઝનું સેવન કરે છે તે ડ્રગ્ઝનું સેવન કરવાથી યુવાની કાયમ રહે છે. ખૂબ તપાસ કરતા તેને જાણવા મળ્યું કે એ ઝોમ્બી કાં તો કોઇ ઝઘડામાં માર્યો ગયો  છે. કાં તો કોઇ ગેંગસ્ટર સાથે ભળી ગયો છે. કાંતો કોઇ રુપસુંદરીઓ એને ઉઠાવી ગઇ છે.  એ લલનાએ પાછા ન વળતા જાન પર આવીને એની શોધ શરૂ કરી અને .... 

      - કેટલાંક સાહસિકોને કોઇ એક ભયાનક જંગલમાં જાનના જોખમે પહોંચી શકાય તેવી એક અંધારી ગુફાનો જૂનો નક્શો મળી આવે છે.  જેમાં સોનાનો મોટો ખજાનો છૂપાયેલો છે. વાયકા એવી હતી કે એ તરફ ગયેલા કોઇ પણ માણસો હજુ સુધી પાછા ફર્યા જ નથી. જીવસટોસટની બાજી ખેલી સત્તરમી વારના પ્રયત્ને તે સાહસિકો  એ ગુફા સુધી પહોંચી અંદર પ્રવેશ કરે છે અને...

     હું મારા પાત્રોને  સમજાવું છું કે તમે બધે ઘૂસ ન મારો’  તમે કહો છો એવી સાહસ કથા લખવા મારે ઇંગ્લીશ સાહસકથામાં હોય છે તેવા પાત્રો જોઇએ તો મારા પાત્રો કહે, ‘ એમાં કઇ મોટી વાત છે?’ રઘો તરત જ રોકી થઇ જાય ને પકો પીટર!  મારી હીરોઇન અંજુ? શોર્ટ હાફપેન્ટ, ભરાવદાર ઉરોષ્ઠને ઉપસાવતું સીવલેસ ટોપ, ખુલ્લા કોરા વાળ, માથે રાઉન્ડ  હેટ, ગોરી પિંડીઓ પર  કાળી જાળી વાળા મોજા ને  લોંગ બૂટ !  પીટર એનું નામ પૂછે તો તેના માદક હોઠોમાંથી શબ્દો સરે, ‘માય સેલ્ફ એન્જેલા!’ ને તમે જાણો છો અમારે બનવારી તો સદાબહાર! કોઇ પણ કથા ને કોઇ પાત્રમાં ચાલે. ભલે ને આ સાહસ કથામાં એને ભોમિયો બનાવો! તે તૈયાર ! બસ શરત એટલી કે એને અંજુ સાથે કામ પડવું જોઇએ! 

      મારે જે લખવું હતુ એ લખવાનો તો ક્યાં એ વિશે વિચારવાનો સમય પણ મારા આ પાત્રો આપતા નહોતા. કોઇ ચિરંજીવ કૃતિ હજુ સુધી મારે હાથે લખાઇ નહોતી. વિવેચકો મારી કે મારી કૃતિઓની અવગણના કરી શક્તા ન હતા પણ તેઓ મારી કૃતિઓને કેટલે અંશે સાહિત્યિક ગણવી તેના ઉપર સવાલો ઊઠાવતા હતા. એક લેખક તરીકે મારા અસ્તિત્વનો સવાલ ઊભો થયો હતો.  પણ એક વાત ચોક્ક્સ મારા પાત્રો મને લોકપ્રિયતાની ટોચે પહોંચાડવામાં સફળ થયા હતા. 

      ડો. રેણુને તેના પતિએ તેઓ પ્રકાશનમાં  સ્થિર થઇ જતા તેમના કારોબારમાં મદદ કરવા વિદેશ બોલાવ્યા હતા. મને ડો. રેણુની મદદથી વિદેશના એક સાહિત્યિક કાર્યક્રમમાં  આમંત્રણ મળ્યુ ને એ પછી  તો વરસમાં બે ત્રણ વાર મારે વિદેશ જવાનું થયુ. હું એક દિવસ હોટેલમાં બેઠો હતો ને પોતાની મેરેજ એનેવર્સરીની ઉજવણીનું આમંત્રણ દેવા ડો. રેણુ અને તેના પતિ આવ્યા. મને સ્નેહ પૂર્વક કાર્ડ આપીને ડો.રેણુ નજીકના મોલમાં એક બે વસ્તુની ખરીદી કરવા  માટે ગયા. તે દરિમ્યાન તેના પતિ મારી પાસે બેસી બહુ લાગણી પૂર્વક વાત કરવા લાગ્યા. પોતાની પત્ની ડો. રેણુને કંપની આપી તેને સાચવવા બદલ તેણે મારો ખૂબ આભાર માન્યો ને કહ્યું કે, ‘તેણી બહુ સ્નેહાળ છે. તે એકલી  હિજરાઇને જીવે ને એમાં તેના જીવનની મોંઘી પળો વેડફાઇ જાય એ મને યોગ્ય નહોતુ લાગતું, મે તેને તેની રીતે જીવનની પળોને જીવવાની  છૂટ આપી હતી. તે આજે પ્રસન્ન અને સ્વસ્થ છે તેનો મને આનંદ છે,’  હું હલબલી ગયો. મને થયું શું એક માણસ આટલી હદે કોઇને ચાહે?. આટલી બધી ઉદારતા? હું એક પ્રકાશક એવા મિ.કામથને જાણતો હતો પણ પ્રેમાળ પતિ એવા મિ. કામથને જાણતો નહોતો. ડો. રેણુ આવતા તેણે કહ્યુ કે, ‘ હું  અહીં જ સ્થિર થઇ જવા માગુ છું. ત્યાંનુ કામકાજ હવે મારી નાની બહેન કામિની સંભાળશે. હુ સમયાંતરે ત્યાં આવતી રહીશ.’ અને મારો આભાર માની તેઓ તેના પતિ સાથે હાથમાં હાથ પરોવીને ચાલી ગયા.

      દૂર રહીને પણ પત્નીને સુખની પળો  આપનાર ઓ મિ. કામથ!,  પતિના સ્નેહ માટે, પતિના કાર્ય માટે આટલુ મોટું લેખા પ્રકાશન, આટલી મોટી પ્રતિષ્ઠા એક પળમાં જતા કરનાર ઓ રેણુ! બસ કરો હવે!  મારી બુદ્ધિને હતપ્રભ કરી દેતા તમારા વાસ્તવિક પાત્રો મારા ભીતરમાં ગજબનું તાફાન મચાવે  છે.

      હું  વિદેશથી આવું છું ને  વિચારું છું. કોને મારી અંદરનો લેખક ઊંચાઇ કહે છે? મને રાષ્ટ્ર્રીય કક્ષાએ સાહિત્યિક સમેંલનમાં પ્રમુખસ્થાન મળવાનું તો બાજુએ રહ્યું પણ ભાગ લેવા જવાનું નિમંત્રણ પણ માંડ મળ્યું. એ પણ મંદાકિની નાગરે જવાની ના પાડી તેથી તેના વિકલ્પે. સંમેલનના પ્રમુખ સંપતરાવ પણ ક્યાં પોતાના પદથી સંતુષ્ઠ હતા?!   દેશનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન આ વર્ષે પણ પોતાને ન મળતા અન્ય ભાષાના સાહિત્યકારને મળ્યાનો તેમને વસવસો હતો. વાત રહી મારી બુકોના વેચાણની તો જરૂર એનું ધૂમ વેચાણ થયું છે પણ બુકર પ્રાઇઝથી તો હું ઉર્ફે લેખક મોહનીશ કેટલો દૂર છું?!  

      હું બન્ને હાથ માથે મૂકીને અકળાઇ ઉઠું છુ! મારા પાત્રોએ મને પોપ્યુલારિટી જરૂર આપી છે પણ ઉંચાઇ નથી આપી. ક્યારેક તો મારા પાત્રો સામે જંગે ચડીને હું એટલો તણાવમાં આવી જાઉં છું કે મને આપઘાત કરવાનું મન થાય છે. મારા ખુદના અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે.

     મંદાકિની નાગર રાષ્ટ્ર્રીય કક્ષાના સાહિત્યિક સમેંલનમાં એટલે ભાગ લેવા આવી શકે નહોતા  કે તેના પતિને તે સમય દરમ્યાન ઓપરેશન હતું. રાષ્ટ્રીય સાહિત્ય સંમેલનમાંથી આવીને હું મંદાકિની નાગરને ત્યાં ગયો. તેનો પતિ હવે ઘણો સ્વસ્થ હતો. તેમનો પરિવાર કિલ્લોલ કરતો હતો. મને થયું કે આવું દૃશ્ય જોવા મળવું એ જ જીવનની સુખની પળ  છે. મે જોયું તો એક કૂતરો કૂતરી પાસે બેઠો હતો. તે ઉઠીને મંદાકિનીના બાળકો પાસે આવ્યો. તેને મંદાકિનીના બાળકોએ  રોટી નાખી  પણ  તે ખાવાને બદલે  અશક્ત એવી માદા પાસે એ રોટી લઇ ગયો.

      વડોદરાના ખ્યાત સિસ્ટર નિવેદિતા સંકુલનો  સ્થાપના દિન ઉજવાઇ રહ્યો છે. હું આ સંસ્થાના સર્વાંગી શિક્ષણ, જીવનલક્ષી અભિગમ, ઇતર પ્રવૃતિઓ વગેરેથી પ્રભાવિત છું.  આ સંસ્થા દર વર્ષે પોતાના સ્થાપના દિનના ઉજવણીના ફંક્શનમાં એક ખ્યાતનામ સાહિત્યકારને બોલાવે છે. અને આ વર્ષે હું  વિદેશથી આવી ગયો હોવાથી સંસ્થા મને ફંક્શનમાં મુખ્ય મહેમાન પદે નિમંત્રવા માગે છે. મારી અનુમતિ માટે એના નિયામકે મને  ફોન કર્યો છે. હું મારી અનેક વ્યસ્તતાઓ વચ્ચે તે સંસ્થા માટે સમય કાઢવાની ખાત્રી આપું છું. તેઓ મને  મારો  વિસ્તૃત પરિચય મોકલી આપવા જણાવે છે ને મારા વિસ્તૃત પરિચય માટે  હું  ફોનમાં  કહું છું, ‘ બસ ...સર્જક મોહનીશ!’  જો આટલું જ કાફી હોત તો તેઓએ મને મારો વિસ્તૃત પરિચય મોકલી આપાવા જણાવ્યું ન હોત! મારા અહમને ઉઝરડો થાય છે! હું ભણતો ત્યારે આ સંસ્થા હજુ અસ્ત્તિત્વમાં નહોતી આવી. એટલે કદાચ આ સંસ્થાને હું આ વિસ્તારનો છું એ ખ્યાલ ન પણ હોય! આ વિસ્તાર છોડ્યે મને કેટલા વર્ષો થઇ ગયા?

      જો કે હું પણ સાહિત્યની ટોચે પહોંચી જાઉં  ત્યાં સુધી મારી  અસલ વિગતો પ્રગટ થવા દેવા ક્યાં માગું છું!

      સાહિત્યની ટોચ? હું અકળાઇ ઊઠું છું. મારા પાત્રો  પર રીતસર ગુસ્સે થાઉં છું. હું બોલી ઉઠું છું, ‘આ રીતના તમારું આલેખન કરવાથી હું લોકો પર છવાઇ જઇશ એવું સતત સમજાવતા રહીને તમે લોકો મારી વાર્તાઓને તમારી મરજી મુજબનો ઘાટ અપાવતા રહ્યા છો. હું તમને પૂછવા  માગું છું, ‘ સાહિત્યની જે ઊંચાઇ મંદાકિની નાગરમાં  છે  એ મારા સાહિત્યમાં કેમ નથી!’

     મારા અશ્ચર્ય વચ્ચે મારી હીરોઇન અંજુ મારી પાસે બેસી જાય છે અને બહુ જ શાંત પણ મક્કમ સ્વરે કહે છે, ‘સાહિત્યમાં ઉંચાઇ તો જીવનમાં ઉંચાઇ હોય તો આવે. સાહિત્યકાર તરીકે એ ખરો નીવડે છે જે માણસ તરીકે ઉત્તમ નીવડે છે. ભીતરમાં હોય એ બહાર આવે! તમારું ખુદનું પાત્ર જેવું હોય એવા તમારા પાત્રો હોય મોહનીશ! તમારા મતે સાહિત્યની ઉંચાઇ નો અર્થ છે  માન,  ધન ને  પ્રતિષ્ઠા!  તમારી કલ્પનાના વિશ્વનું સર્વોચ્ચ સ્થાન જેવું હોવું જોઇએ એવું સ્થાન અમોએ તમોને અપાવ્યુ.  માનવજાત સામે પરમ આદર્શ ઉભો કરે તેવું સાહિત્ય રચવા માટે માનવ જાત માટે સ્નેહ જોઇએ! તમે તો તમારા કુંટુંબને પણ  સ્નેહ નથી આપી શક્યા!’

જવાબ સાંભળીને  હું સડક થઇ જાઉં છું અને એક ઉંડા વિચારમાં સરી પડું છું.

      ફંક્શન શરૂ થાય છે. મારા માથાભારે પાત્રો ધરાર જગ્યા કરીને મારી સામે ગોઠવાઇ ગયા છે. સંગીત અને નૃત્યના સુંદર કાર્યક્રમો વચ્ચે ઉદઘોષણા થાય છે, ‘હવે કાવ્ય પાઠ કરશે રાજ્ય કક્ષાની યુવા પ્રતિભા શોધ સ્પર્ધામાં ‘કાવ્ય સ્પર્ધા’માં  પ્રથમ આવનાર આ સંસ્થાના ધો.12ના તેજસ્વી છાત્ર સાર્થક મહેતા. અમને જાણાવતા આનંદ થાય છે કે સાર્થક મહેતા એસ.એસ.સીમાં બોર્ડમાં સ્કૂલ ફર્સ્ટ આવ્યા છે.’ તાળીઓના ગડગડાટ વચ્ચે એક તરુણ ઉઠીને સ્ટેજ પર આવે છે. ફેંન્ચકટ દાઢીથી ઓપતા મારા ચહેરા સામે તે તરુણ આદર અને ભાવથી જુએ છે. તેની નજર મારી આરપાર ઊતરી જાય છે.

      તે પ્રેમ વિષય પરની તેની વિજેતા કાવ્ય કૃતિ વાંચવાની શરૂઆત કરે છે. મારા  તાર તાર પુલકિત થઇ રહ્યા છે. મને થાય છે  ડો.રેણુ,  મંદાકિની નાગર, તપન વર્મા એના જીવનને પામ્યા છે.  જીવનની ઉંચાઇએ ઉભો છે પેલો શ્વાન!. તે તરુણની કવિતા ચોટ કરી રહી છે! મને પ્રતીત થાય છે કે વિશેષ તો પામી છે  મારી  પત્ની કે જેને સાહિત્યને માટે કોઇ ધખારો નથી. જેને હું સામાન્ય સ્ત્રી ગણતો હતો  એવી તેણે મારી પ્રતિષ્ઠાને સહેજ પણ આંચ ન આવે તે માટે પોતાના પડછાયાને પણ મારાથી દૂર રાખ્યો છે. પોતે શું પામ્યો છે? સાહિત્યનું ચરમ બિંદુ ક્યું?! મને મારી પત્નીના વાક્યો  યાદ આવે છે , ‘તમે વિકાસ માટે જાઓ છો તો હું તમને નહીં રોકું પણ સ્નેહ સર્વ વ્યાપક અને નિત્ય નૂતન છે એ વાતની તમને સાહિત્ય પથમાં કોઇ વેળા ઝાંખી થાય તો  મારી પાસે જરૂર આવજો,’   પ્રેમની આ કવિતા સાંભળતા ‘મોહનીશ’ ઉપનામ ધારણ ક્રરી જીવનની ઊંચાઇ શોધવા નીકળેલો એ મોહન મહેતા મારી આંખ સામે તાદૃશ્ય  થાય છે. મારી ભીતર સ્નેહની સરવાણી ફૂટે છે. હું જોઉં  છું તો મારી સામે બેઠેલા પાત્રો ઓજસ્વી અને ઉદાત્ત બની ગયા છે.

     અને સમારંભને અંતે  હું મારા  પુત્ર સાર્થકની સાથે  ઘર ભણી પાછો વળું છું.  

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ