વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

૧. અપ્રગટ પ્રાગટ્ય

સગાઈ માટેનું આઉટફીટ જોઈને જ હું રોમાંચિત થઈ ગઈ. આજે મને ઊંઘ નહોતી આવવાની, એ વાત નક્કી હતી. ઊંઘવું જરૂરી હતું!! પણ, ઊંઘ આવે તો ઊંઘું ને....એક દિવસ રહીને મારા જીવનનું એક નવું પ્રકરણ શરૂ થવાનું હતું... કદાચ, સૌથી યાદગાર અને પ્રિય પ્રકરણ. અરીસા સામે બેસીને હું મારી પોતાની સુંદરતા નિહાળતી હતી. વાળની લટને રમાડતા રમાડતા આ બધા વિચારો મગજમાં ચાલતા જ હતાં, ત્યાં મોબાઇલની રિંગ વાગી. ફ્લેશ થતું નામ જોતા જ તરત મેં ગ્રીન બટનને સ્વાઇપ કર્યું. સામેથી આવતા મીઠા અવાજે મને આજે ફરી એકવાર મંત્રમુગ્ધ કરી દીધી.

 

"હેય ગોર્જીયસ...વાળની લટોને કેટલી રમાડીશ?"

 

જવાબ આપવાના બદલે હું આમતેમ જોવા લાગી. 'એને ક્યાંથી ખબર કે હું શું કરું છું? શું એ અહીં આવ્યો છે, મને મળવા? વાઉ....' મનમાં જ વિચારી મેં એને બધે શોધ્યો.

 

ફરી એનો એ મધુર અવાજ કાનમાં રણક્યો,

"મનમેં લડ્ડુ ફૂટા?"

 

એને શોધતી મારી આંખો આ સાંભળી એકદમ ઝીણી થઈ ગઈ અને હું હસી પડી.

 

"ઉફ્ફ.... આ તારી સ્માઈલ...તું જાણે છે ડાર્લિંગ? યુ હેવ અ કિલર સ્માઈલ... "

 

એ જાણતો હતો કે મને કેવી રીતે ખુશ કરવી. એક પછી એક એ જોરદાર વાક્યો બોલતો ગયો અને હું એની એ અદામાં પીગળતી ગઈ.

 

મને તો તમે ઓળખાતા જ હશો ને!! હું ગુજરાતની પ્રખ્યાત લેખિકા શૈવી ગુજરાલ. એક તરફ અત્યારે મારી નૉવેલ "પ્રેમના પારખાં" ધૂમ મચાવી રહી છે અને  બીજી તરફ મારા ઘરે મારા લગનની ધૂમ મચી છે. હજી અઠવાડિયા પહેલા તો હું એકલી મારા પાત્રો સાથે જ લીન રહેનાર એક વ્યસ્ત લેખિકા હતી. પાપાના આગ્રહથી મેં તર્પણને મળવાની 'હા' પાડી. બસ, એ એક મુલાકાત મુલાકાતોમાં અને એ મુલાકાતો પસંદમાં ક્યારે ફેરવાઈ ગઈ એની ખબર જ ના પડી!!! ફાસ્ટ ફોરવર્ડની જેમ જિંદગી દોડવા લાગી અને નવા વ્યક્તિના આગમનથી મારા પડછાયા સમાન કાયમ મારી સાથે રહેતી મારી કલમ છૂટી ગઈ.... કલમ છૂટી અને એની સાથે ચોવીસ કલાક સાથે રહેતા "પ્રેમના પારખાં"ના એ પાત્રો પણ... સૌથી પ્રિય પાત્ર નિમિત ગુજરાતી પણ....

 

પરમદિવસે તો હું તર્પણ સાથે સગાઈ કરી એની સાથે કાયમ માટે જોડાઈ જઈશ. સગાઈના દિવસે જ એ અમેરિકા પાછો ઊડી જશે. હા, તમે સાચું સમજ્યા... એ મારો એન.આર.આઈ. દુલ્હો છે... ચટ મંગની પટ બ્યાહને સહર્ષ વધાવી લેનાર એન.આર.આઈ. સસરાએ મહિના પછીની લગનની તારીખ પણ નક્કી કરાવી દીધી છે. મહિના પછી અમારા લગન લેવાશે અને હું કાયમ માટે તર્પણની થઈ જઈશ... આ બધું કેટલું રોમાંચક લાગે છે, નહીં!!!

તમને થશે તો પછી "પ્રેમના પારખાં" અધૂરા રહી જશે??

 

અરે ના, પ્રથમ નૉવેલની સફળતા બાદ અત્યારે હું એનો બીજો ભાગ લખી રહી છું અને એ પણ જલ્દી પૂરો થઈ જ જશે.

 

તમને ખબર તર્પણને મળતા પહેલા મારા મનમાં મારા જીવનસાથી તરીકે નિમિતનો જ ચહેરો હતો. નિમિતનો સ્વભાવ, એનો દેખાવ, એની સ્ટાઇલ, એની સમજણ, એની હઠ, એની નજર, એનો પ્રેમ... એનું જ બધું મારા માનસપટ ઉપર હતું. હું જયારે તર્પણને મળી ત્યારે એમાં પણ નિમિત શોધતી હતી પણ તર્પણનું વ્યક્તિત્વ જ એટલું ચુંબકીય હતું કે ધીરે ધીરે નિમિત ભૂંસાતો ગયો અને તર્પણ રચાતો ગયો...

 

તર્પણ એની વાતોથી મને કાયમ જ મંત્રમુગ્ધ કરી દે..... અત્યારે જ જુઓ.... સગાઈને બે દિવસ પણ રહ્યા નથી અને અત્યારે એણે મસ્કા મારવાનું સુજ્યું છે.

 

"શૈવું...તારા વગર હું એક મહિનો કેમનો જીવીશ?" તર્પણે પૂરી ફિલ્મી સ્ટાઈલમાં કહ્યું.

 

"જેમ હું એના વગર એક અઠવાડિયાથી જીવું છું એમ જ..."

 

હું એકદમ ચોંકી ગઈ. આ અવાજ ક્યાંથી આવ્યો? મેં ફરી રૂમમાં આમતેમ જોયું....

 

પણ કોઈ દેખાયું નહીં... તરત જ મને થયું કે તર્પણે મસ્તી કરી હશે, એટલે મેં સામે કહ્યું,

"જાનુ.... તને જોવો છે... અત્યારે જ.... એક ફોટો મોકલને!!!"

 

લાગણીની ચાસણીમાં માંગણીને મેં એવી રીતે ડુબોળી કે તરત જ એણે ફોટો મોકલી આપ્યો. મેં વાત કરતાં કરતાં જ ફોટો જોયો. બેકગ્રાઉન્ડમાં એનો રૂમ જ હતો એટલે એ નક્કી થઈ ગયું કે એ અત્યારે એના ઘરે જ છે. તો પછી શું એ મારો ભ્રમ હતો?

 

"હવે હું તને તારો ભ્રમ લાગું છું?"

 

ફરી મને એ જ અવાજ સંભળાયો... નક્કી હવે તો આ રૂમમાં કોઈ છે જ, જે મારી સાથે ગમ્મત કરે છે. હું તર્પણ સાથે વાત કરતાં કરતાં જ એને શોધવા લાગી. સામે તર્પણ મારા રિપ્લાઈની રાહ જોતો હતો.

 

"માન્યું કે હું તારા જેટલો સુંદર નથી દેખાતો. તો પણ, થોડી તારીફ તો બનતી હૈ ના બોસ..."

 

છેક ત્યારે મને યાદ આવ્યું કે ફોટો જોઈને મેં કોઈ રિપ્લાય તો આપ્યો જ નથી.

 

"અરે, હું ફોટો જોવામાં જ એટલી મશગૂલ થઈ ગઈ કે તારા વખાણ કરવાના જ ભૂલી ગઈ."

 

એમ તો છોકરીઓ વાતને ગોળ ફેરવવામાં એક્સપર્ટ હોય છે. મારાથી ફેલાયેલું રાયતું સાફ કરવા મેં મારા એ જ ગુણની આજે મદદ લીધી.

 

"તર્પણ, હવે હું સૂઈ જાઉં? નહીંતર કાલે મારી આંખો નીચે ડાર્ક સર્કલ આવી જશે...જે તને જરાયે નહીં ગમે, રાઈટ?"

 

"શૈવું... મને તો ઊંઘ જ નથી આવતી...

 

વાતો કરને મારી સાથે!!"

 

"એ તારી સાથે વાતો કરશે તો હું એકલો શું કરીશ?"

 

ફરી એ જ અવાજ... એકબાજુ તર્પણ સાથે વાતો ચાલતી હતી અને બીજીબાજુ હું એ જ સમયે મારા આખા રૂમમાં કોઈને શોધતી હતી. કશે કોઈ ના દેખાયું, એટલે મને થયું કે મારો વહેમ હશે! હું તર્પણને ગુડ નાઇટ કહેવા જ જતી હતી ત્યાં ફરીથી એ અવાજ મારા કાનમાં અથડાયો.  હવે એ નક્કી હતું કે મારું મન તર્પણની કર્ણપ્રિય વાતોમાં નહોતું લાગવાનું એટલે મેં તર્પણને ‘ઊંઘ આવે છે’નું બહાનું કરી ગુડ નાઇટ કહી ફોન કટ કર્યો.

 

પલંગ ઉપર ફોન નાખી હું ફરીથી રૂમમાં કોઈની હાજરી શોધવા લાગી. એટલામાં મને ફરી એ જ અવાજ સંભળાયો.

 

"તું મારી શોધમાં છે?"

 

"કોણ છે? જે હોય તે સામે આવો... આ મસ્તી કરવાનો સમય નથી...."

 

"મસ્તી તો તે કરી મારી સાથે... હું તો..."

 

અધૂરા વાક્યે જ અવાજ બંધ થઈ ગયો. મને લાગ્યું કે આગળ કંઈક બોલશે પણ થોડીવાર રાહ જોયા પછી પણ અધૂરું વાક્ય પૂરું ના થયું ત્યારે મેં સામે સવાલ કર્યો.

 

"વાક્ય કેમ પૂરું ના કર્યું? તમને મારી બીક લાગતી હોય તો આઈ પ્રોમિસ કે આઈ વિલ નોટ હર્ટ યુ... યુ કેન ટ્રસ્ટ મી."

 

"ટ્રસ્ટ તો પૂરો હતો કે તું મને આમ એકલો નહીં મૂકે....પણ તે મૂક્યો ને!!!"

 

"કોણ છો તમે? મારી નજર સામે આવવું છે કે નહીં?" આ વખતે મારા અવાજમાં ગુસ્સો અને જુસ્સો બંને હતા.

 

થોડીવાર કોઈ જ અવાજ ના આવ્યો.

 

ધીમે રહીને ફરી મારી પાછળથી એ અવાજ સંભળાયો. આ વખતે અવાજ નજીકથી આવતો હોય એવું લાગ્યું. મેં પાછળ ફરીને જોયું. જોતાંની સાથે જ જાણે કે ભૂત જોયું હોય એમ હું ડરી ગઈ. ડરથી આંખો પહોળી થઈ ગઈ. હું આપોઆપ ચાર પાંચ ડગલાં પાછળ ખસી ગઈ. ફૂલ એસીમાં પણ માથે પરસેવો બાઝી ગયો. મારે મોટેથી બૂમ પાડવી હતી પણ મારો અવાજ જ ગળામાંથી ન નીકળ્યો. ગળું સુકાવવા લાગ્યું. પાછી બે ડગલાં પાછળ ખસી.

 

ક્રમશઃ 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ