વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેઘાર્યન

 મેઘાર્યન 

આ વાર્તામાં “મેઘા – પ્રિન્સેસ ઓફ વરુણપ્રસ્થ” ના પાત્રો લઈને લખેલી છે. આ વાર્તાના પાત્રો મેઘા અને આર્યવર્ધન ભગવાનના દૈવી અંશો છે. તેથી તેમની પાસે દૈવી શક્તિ અને સામર્થ્ય રહેલું છે. તે પોતાની શક્તિથી ઈચ્છા અનુસાર કોઈ પણ જગ્યા અને સમયે જઈ શકે છે.  માણસ પોતાના કર્મથી ભાગ્યના લેખ બદલી શકે છે. અહી આર્યવર્ધનનો તેના રચીયતા સાથેનો સંઘર્ષ બતાવ્યો છે.             

સાપુતારાના વાંકાચુકા રસ્તા પરથી મારી કાર પસાર થઈ રહી હતી. મારી ડિફેન્ડર્સ સીરિઝની સોળમી બુક કર્તવ્યયુદ્ધ આજે લોન્ચ થવાની હતી. તેનો કાર્યક્રમ સાપુતારાના એક રિસોર્ટમાં રાખવામાં આવી હતી. હું ડ્રાઇવિંગ કરતાં યુવરાજ ફિલ્મના ગીત સાંભળી રહ્યો હતો. મેં ગીત બદલવા માટે સીડીપ્લેયરનું નેક્સ્ટ બટન દબાવ્યું. ત્યાં કારને પાછળથી ઝટકો લાગ્યો. તેના કારણે કાર બેકાબૂ થઈને ચાલવા લાગી. મે કારને રોકવા બ્રેક લગાવી પણ બ્રેક લાગી નહીં. આગળ એક મોટો વળાંક હતો એટલે મેં કાર એક બાજુએ વાળવા માટે પ્રયત્ન કર્યો પણ કારનું સ્ટેરિંગ મારા કાબુમાં રહ્યું નહોતું. તેથી મેં ત્વરિત નિર્ણય કરીને ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી નાખ્યો અને બહાર કૂદી ગયો. તે સમયે મારા માથામાં કઈક વાગ્યું એટલે હું બેહોશ થઈ ગયો        

                      

મારી આંખો ખૂલી ત્યારે હાઇવેની એક બાજુએ સૂતો હતો. હું તરત ઊભો થઈને હાઇવે પાસે આવ્યો. રાતનો સમય હોવાથી ચારે બાજુ કઈ પણ સ્પષ્ટ દેખાતું ન હતું. હું અહી કઈ રીતે આવ્યો તે વિષે મને કઈ યાદ નહોતું. મને અચાનક માથામાં પીડાનો અહેસાસ થયો એટલે મેં માથા પર હાથ મૂક્યો. કઈક ચીકણું પ્રવાહી મારા હાથમાં ચોટયું. અંધારામાં આંખો ટેવાઇ ગયાં પછી મેં જોયું તે લોહી હતું. મારા માથાના ઘાવમાંથી લોહી નીકળીને ઠરી ગયું હતું. 

મેં ફરીથી માથામાં હાથ મૂક્યો પણ આ વખતે પીડાના લીધે મારા મુખમાંથી ચીસ નીકળી ગઈ. મેં તરત જ હાથ પાછો હટાવી લીધો. મારા કપડા લોહીવાળા થઈ ગયા હતાં. મને ખબર નહોતી કે હું કઈ જગ્યા પર છું. મેં રસ્તાની બીજી બાજુએ નજર કરી તો ત્યાં એક રેલિંગ બનાવેલી હતી અને તેની પાછળ ગાઢ અંધારું હતું. એટલામાં મને કારના હોર્નનો અવાજ સંભળાયો.

હું કોઈ પણ કિમતે અહીથી બહાર નીકળવા માંગતો હતો. એટલે રસ્તાની વચ્ચે જઈને મેં કારને રોકવા માટે હાથ પહોળા કરી દીધા. પણ તે કાર અટક્યા વગર મારી જમણી બાજુએ થઈને નીકળી ગઈ. તે કારની પાછળ બીજી ત્રણ કાર પસાર થઈ પણ કોઈ રોકાઈ નહીં. કદાચ મારા ચહેરા અને કપડા પર લોહી જોઈને કાર ચાલકને ડર લાગતો હશે. એટલે કોઈ કાર રોકતું નહોતું.

મારા આખા શરીર પર અનેક જખમ હતા પણ મને તેનો દર્દ હવે અનુભવાઈ રહ્યો હતો. આ દર્દમાંથી બહાર નીકળવા માટે એક ક્ષણ માટે મને થયું કે અત્યારે જ સામેની રેલિંગ પરથી કૂદીને મરી જવું છે. મેં એ રેલિંગ તરફ ચાલવાનું શરૂ કર્યું. પણ ત્યાં જ મને ચક્કર આવવા લાગ્યા અને હું રસ્તા પર જ બેહોશ થઈ ગયો. મારી આંખો બંધ થતાં પહેલાં મેં એટલું જોયું કે એક કાર ઊભી રહી હતી.

 

હું કેટલો સમય બેહોશ રહ્યો તે મને ખ્યાલ નહોતો. મારી આંખો ખૂલી ત્યારે મેં જોયું કે હું એક નાના રૂમમાં બેડ પર સૂઈ રહ્યો હતો. મેં તરત ઊભા થવાનો પ્રયત્ન કર્યો. પણ મારા પગે પાટો બાંધેલો હતો એટલે હું બેડ પરથી ઊભો ના થઈ શક્યો. કોઈએ મારી સારવાર કરીને મારા આખા શરીર પર જ્યાં ઇજા થઈ હતી ત્યાં બેન્ડેજ લગાવેલી હતી.

મેં આખા રૂમમાં નજર કરી તો તો છતની પાસે એક નાની હવાબારી હતી અને મારા બેડની સામેં એક દરવાજો હતો. મેં જોરથી બૂમ પાડીને કહ્યું, “કોઈ અહી છે? હું કઈ જગ્યા પર છું?” મેં જવાબ મળવાની આશા રાખી હતી પણ કોઈ જવાબ મળ્યો નહીં. એટલે મેં ફરીથી એ જ શબ્દોનું  ઉચ્ચારણ કર્યું પણ એ જ સન્નાટો જોવા મળ્યો. છેવટે હું પોતાનાથી હાર માનીને ફરીથી બેડ પર સૂઈ ગયો.

અમુક સમય પસાર થયાં પછી સામેનો દરવાજો ખૂલ્યો અને એક યુવતી રૂમમાં દાખલ થઈ. તેણે ગોગલ્સ, માસ્ક અને લેબકોટ પહેર્યો હતો એટલે મને લાગ્યું કે તે ડૉક્ટર હશે. મેં તે યુવતીને પૂછ્યું, “ડૉક્ટર, હું કઈ જગ્યાએ છું અને અહી કઈ રીતે આવ્યો?”

 

મારો સવાલ સાંભળીને તે યુવતી હસી પડી. મને આ બહુ અજીબ લાગ્યું. મેં તેને ફરીથી પૂછ્યું, “તું કોણ છે?”

જવાબમાં તે યુવતીએ તેનું માસ્ક અને ગોગલ્સ હટાવ્યા. મેં તેને પહેલાં ક્યારેય જોઈ નહોતી પણ મને તેનો ચહેરો પરિચિત લાગ્યો. તે યુવતી બોલી, “તમેં મને ઓળખી ?”

“ના, મેં આ પહેલા તને ક્યારેય જોઈ નથી. તો હું કઈ રીતે તને ઓળખી શકું ?” મેં તે યુવતીને જવાબ આપ્યો. મારી વાત સંભાળીને તે યુવતીએ કહ્યું, “મારું નામ મેઘા છે. હું તમારી એક રચના છું.” મને તેનો જવાબ અજીબ લાગ્યો. કોઈ યુવતી મારી રચના કઈ રીતે હોઇ શકે આવો વિચાર મારા મનમાં ઉદભવ્યો.

 

“હું માણસ છું કોઈ ભગવાન નહીં. હું એક માણસને કઈ રીતે બનાવી શકું ?” મેં તે યુવતી સામેં દલીલ કરી. પણ તે યુવતી હસીને બોલી, “તમેં એક લેખક છો. તમેં અનેક નોવેલ લખી છે. હું તેમાંની એક નોવેલનું મુખ્ય પાત્ર છું. હું મેઘા, વરુણપ્રસ્થની રાજકુમારી છું. તમેં મને ક્યારેય વાસ્તવમાં જોઈ નથી. તમેં બસ મારી કલ્પના કરી છે. તેના કારણે તમેં મારાથી પરિચિત નથી.”

 

“મેઘા, વરુણપ્રસ્થની રાજકુમારી ! એ મારી ડિફેન્ડર્સ સીરિઝની પહેલી નોવેલ હતી. પણ તેનું એક પાત્ર નોવેલમાંથી બહાર વાસ્તવિક જીવનમાં કઈ રીતે આવી શકે ?” આ પ્રશ્ન મારા મનમાં ઉઠ્યો. પણ એ સવાલને મેં મનમાં જ દબાવી દીધો. અત્યારે હું મારી નજર સમક્ષ રહેલા આ સર્જનને નિહાળવા માંગતો હતો.

ખરેખર મેઘાની સુંદરતા અંગે જે કલ્પના કરી હતી તેના કરતાં પણ તે વધુ સુંદર હતી. પરંતુ મને વાસ્તવિક પરિસ્થિતિ વિષે મને ખ્યાલ હતો. મેઘાએ કહ્યું, “અવિચલ હું જાણું છું કે તમેં ખૂબ જ પ્રેમથી મારી રચના કરી હતી. તમેં મને તમારા જેવો જ પ્રેમ કરનાર પુરુષ સાથે મારું મિલન કરાવ્યું હતું. તે માટે હું સદાય આપની આભારી રહીશ. તમેં મારા માટે ભગવાન સમાન છો. પણ અત્યારે મારે તમને એક જરૂરી વાત કહેવા માટે આવી છું.”

હું મેઘાના મુખેથી મારું નામ સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયો. તેના સૂરીલા કંઠેથી મારું નામ સાંભળીને હું જાણે એક ક્ષણ માટે મારી તકલીફ ભૂલી ગયો. મેઘાએ મારી આંખો સામેં ચપટી વગાડીને કહ્યું, “અવિચલ તમેં શું વિચારો છો ?”

 

“તે કહ્યું મતલબ રસ્તા પર બેહોશ થતાં પહેલાં મેં જે કાર જોઈ હતી તે તારી કાર હતી. તું મને અહી લઈને આવી અને મારો જીવ બચાવ્યો.” મેં સ્વસ્થ હોવાનો દેખાવ કરતાં કહ્યું. એટલે મેઘા હસીને બોલી, “હું જાણું છું કે તમેં શું વિચારી રહ્યા છો? પણ અત્યારે આપણે તેના કરતાં પણ વધારે જરૂરી કામ કરવાનું છે. જેના માટે હું અહી આવી છું. અને જેના લીધે તમારી આવી હાલત થઈ છે.”

મેઘાની વાત સાંભળીને મેં તેને સવાલ પૂછ્યો, “તું શેના વિષે કહી રહી છે?” મારા પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં મેઘાએ લેબકોટના ખિસ્સામાંથી નેપકિન કાઢીને તેની આંખો લૂછીને મને સામેં પ્રશ્ન પૂછ્યો, “તમેં જાણો છો કે તમને આ બધી ઇજાઓ કઈ રીતે પહોંચી?”

“ના, મને બરાબર યાદ નથી પણ એટલું યાદ છે કે કઈક વસ્તુ મારી કાર સાથે અથડાઇ હતી. તેના લીધે કારની બ્રેક ફેલ થઈ ગઈ હતી. કાર પહાડી પરથી પડી જવાની હતી. એટલે તેનાથી બચવા માટે હું કારનો દરવાજો ખોલીને બહાર કૂદી ગયો. તે સમયે મારા માથામાં પથ્થર વાગ્યો અને હું બેહોશ થઈ ગયો હતો.”  મેં આખી ઘટનાને યાદ કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું.

“પણ તમારી કાર સાથે શું અથડાયું હતું અને કારની બ્રેક કેમ ફેલ થઈ હતી તે વિષે તમને કઈ ખબર છે ?” મેઘાએ ફરીથી સવાલ કર્યો. એટલે જવાબમાં મેં ફક્ત નકારમાં માથું ઝુકાવ્યું. મેઘા બોલી, “તે કામ તમારી સૌથી મોટી અને ઉતમ રચના દ્વારા કરવામાં આવ્યું છે.” મેઘાના અવાજમાં ગુસ્સો અને આંખોમાં આસું હતાં. જાણે કે આ શબ્દો બોલવામાં તેને તકલીફ પડી રહી હતી.

“આ કામ તમારી સૌથી પ્રિય રચના, તમારા પ્રતિબિંબ સમાન એવા આર્યવર્ધને કર્યું છે.” મેઘાએ જાણે હદય પર પથ્થર મૂકીને કહ્યું. પણ આર્યવર્ધનનું નામ સાંભળીને મારી આંખો સામેં અંધારું છવાઈ ગયું. હું શું કહું તેની મને ખબર જ ના પાડી. 

મને મેઘાની કહેલી વાત પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મેં તેને સવાલ કર્યો, “મેઘા તું કઈ રીતે કહી શકે છે કે મારી આ હાલત માટે આર્યવર્ધન જવાબદાર છે.”

મારો સવાલ સંભાળીને મેઘા રૂમની બહાર જતી રહી એટલે હું પાછો સૂઈ ગયો. પણ થોડો સમય પસાર થયાં પછી મેઘા પરત આવી અને તેણે મારા હાથમાં થોડા પર્ણ મૂક્યા. મેં તે પર્ણને ધ્યાનથી જોયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે એ તુલસીના પર્ણ હતાં. પછી મેં મેઘા સામેં જોયું તો તેણે મને પર્ણ ખાવા માટે ઈશારો કર્યો.

એટલે મેં પર્ણ ખાઈ લીધા. ત્યારબાદ મને ચક્કર આવવા લાગ્યા પણ મેં ખુદને સંભાળીને આંખો ખુલ્લી રાખી. થોડી ક્ષણો પછી મારા શરીરની બધી પીડા દૂર થઈ ગઈ. ત્યારબાદ  મેં બેડ પરથી ઊભા થવાનો પ્રયત્ન કર્યો. તેમાં હું સફળ થયો એટલે હું થોડું અંતર ચાલ્યો પણ ત્યાં જ મારું સંતુલન ખોવાઈ જતાં હું નીચે પડી ગયો.

મેઘા તરત મારી પાસે આવી અને મને ટેકો આપીને ઊભો કરીને બેડ પર બેસાડયો પછી તેણે મારા શરીર પર બાંધેલા પાટા ખોલી નાખ્યા. મારા બધા જખમ પર રૂઝ આવી ગઈ હતી પણ મારા શરીરમાં હજુ થોડી અશક્તિ હતી. મેઘાની આંખોમાં જોયું તો મને કોઈ અકળ ભાવ દેખાયો.

છેવટે મેં કહ્યું, “મેઘા મેં તારું દિલ દુભાવ્યું હોય તો મને માફ કરજે. મારો એવો કોઈ ઇરાદો ન હતો. બસ તે આર્યવર્ધન વિષે કહ્યું એટલે મને થોડો ગુસ્સો આવી ગયો હતો.” આ સાંભળીને મેઘા હસી પડી અને બોલી, “હું જાણું છું કે તમેં ક્યારેય કોઈનું દિલ ના દુખાવી શકો. મને તમારા વિષે બધી ખબર છે અને તમને મારા વિષે બધી ખબર છે.” મેઘાની વાત સાંભળીને હું ચોંક્યો પણ મને તેની વાત સમજાઈ નહીં.

મેઘા ફરીથી બોલી, “અવિચલ તમને ખબર છે ને કે મારી શક્તિઓની કોઈ સીમા નથી જે તમેં મને પ્રદાન કરી હતી. ચાલો હું તમને તેનું ઉદાહરણ બતાવું.” આટલું કહીને મેઘાએ તેનો હાથ મારા તરફ લંબાવ્યો. મેં વધારે વિચાર્યા વગર તેનો હાથ પકડી લીધો અને તેની સાથે ચાલવા લાગ્યો.

અમેં રૂમમાંથી બહાર નીકળ્યા એટલે મને ચારેય બાજુ પ્રકાશ દેખાયો. જાણે કે સેકડો સૂરજ એકસાથે પ્રકાશિત થઈ ઉઠયા હોય. એક ક્ષણ માટે મારી આંખો બંધ થઈ ગઈ. ધીરેથી મેં આંખો ખોલી ત્યારે મને વિશાળ સમુદ્ર દેખાયો અને તેમાં પ્રતિબિંબ પાડતો સુર્ય દેખાયો.

અત્યારે સવારનો સમય હતો એટલે જાણે સુર્ય સમુદ્રના પાણીમાંથી બહાર આવી રહ્યો હોય તેમ લાગતું હતું. તે ખરેખર ખૂબ જ સુંદર નજારો હતો. હું અત્યારે મેઘા સાથે કોઈ બહુમાળી બિલ્ડિંગની એક બારી પાસે ઊભો હતો. મારી નજર સમક્ષ ત્રણેય બાજુ સમુદ્ર દેખાતા હું સમજી ગયો કે આ જરૂર કોઈ દ્વીપ હોવો જોઈએ. એટલે મેં મેઘાને પૂછ્યું, “આ કઈ જગ્યા છે ?”

મેઘાએ આકાશ તરફ જોઈને કહ્યું, ”આ પૂર્વીય પ્રશાંત સમુદ્રમાં આવેલો એક નાનો દ્વીપ છે અને અત્યારે જે મકાનમાં આપણે છીએ તે મારી બહેન ક્રિષ્નાપ્રિયાનું એકાંતસ્થાન હતું.” મેઘાનો જવાબ સાંભળીને જાણે મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હોય તેમ મને લાગ્યું.

હું પાછો તે રૂમમાં આવ્યો જ્યાં પહેલાં હું સૂતો હતો. મેઘા મારી પાછળ તે રૂમમાં આવી. મને મારા મમ્મી-પપ્પાની યાદ આવતી હતી એટલે બેડ પર થોડી વાર બેસી રહ્યા પછી મેં મેઘા સામેં જોઈને કહ્યું, “મેઘા મારે ઘરે પાછા જવું છે. તો તું હવે મને મારા ઘરે પહોંચાડી દઇશ ?”

“સોરી અવિચલ, પણ હું તે કરી શકું તેમ નથી.” મેઘાએ એકદમ બેફિકરાઈથી કહ્યું. મેઘાનો આવો જવાબ સાંભળીને મને નવાઈ લાગી. મેં તેનું કારણ પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો, “આર્યવર્ધન અત્યારે તમારા ઘરની આસપાસ જ રહીને તમારા આવવાની રાહ જોઈ રહ્યો છે. તમેં તમારા ઘરે પાછા જાવ અને તેની જાળમાં ફસાઈ જાવ. એટલે ત્યાં સુધી તમારે અહી જ રહેવું પડશે.”

હું થોડીવાર સુધી વિચાર્યા પછી બોલ્યો, “ઠીક છે તારું કહેવું યોગ્ય છે. પણ શું તું મને આ દ્વીપના સમુદ્રના  કિનારે લઈ જઈશ. હું થોડો સમય એકાંતમાં રહેવા માંગુ છું.”

મારી વાત સાંભળીને મેઘા હસીને બોલી, “હા કેમ નહીં, જરૂર.” આટલું કહીને મેઘાએ રૂમના તળિયે હાથની આંગળીનો સ્પર્શ કર્યો એટલે ત્યાં એક ખાનું બની ગયું જેમાં નીચે તરફ સીડીઓ જતી હતી. મેઘાએ મને તે સીડી પર નીચે ઉતરવા માટે કહ્યું. હું તે સીડીના પગથિયાં ઉતરીને એક પછી એક કરીને પાર કર્યા પછી ખુલ્લી જગ્યા પર આવ્યો.

મેં આસપાસ નજર કરી પણ ચારે બાજુ અંધકાર હતો એટલે મેં પાછળ સીડી તરફ નજર કરી. પણ તે સીડી ગાયબ થઈ ગઈ હતી એટલે મેં મેઘાને બોલવવા માટે તેના નામની બૂમ પાડી પણ તેણે સાંભળી નહીં. એટલે હું વધારે વિચાર્યા વગર આગળ ચાલવા લાગ્યો. ત્યાં મને બીજી એક ઉપરની બાજુ તરફ જતી સીડી મળી અને તેના ઉપરના ભાગમાંથી થોડું અજવાળું આવી રહ્યું હતું.

એટલે જેવો મેં તે સીડી પર પગ મૂક્યો કે તરત જ હું સમુદ્રના કિનારે આવી ગયો. મને અત્યારે કઈ પણ સમજાતું નહોતું છેલ્લા 12 કલાકમાં જે કઈ બન્યું તેના પર મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ગઈ કાલે રાત્રે મારી ડિફેન્ડર્સ સીરિઝની 16 મી નોવેલ ‘કર્તવ્યયુદ્ધ’ એક કાર્યક્રમમાં લોન્ચ થવાની હતી. એટલે  હું ઘરેથી   તે કાર્યક્રમમાં  જવા માટે નીકળ્યો ત્યારે રસ્તામાં મારી કારની બ્રેક ફેલ થઈ ગઈ.

 

એટલે હું ચાલુ કારમાંથી દરવાજો ખોલીને બહાર કૂદી ગયો. ત્યારે મારા માથામાં એક પથ્થર વાગ્યો. જેના કારણે હું બેહોશ થઈ ગયો. થોડા સમય પછી હોશ આવ્યો ત્યારે એક કાર દેખાઈ અને ફરી બેહોશ થઈ ગયો. અને હવે જાગ્યો ત્યારે આ દ્વીપ પર હતો. તેનાથી પણ વધારે અજીબ અને આશ્ચર્યની વાત એ હતી કે એક સુંદર યુવતી મારી સાથે હતી. જેનું કહેવું હતું કે તે મને અહી લાવી હતી અને તે મારી નોવેલનું એક પાત્ર મેઘા હતી.

હવે મારે એ નક્કી કરવાનું હતું કે આગળ શું કરવું જોઇએ. હું આ વિષે વિચારતો હતો ત્યાં જ મારા પગની પાસે એક તીર જમીનમાં ઘૂસી ગયું. તીર જોઈને મને થોડો ડર લાગ્યો એટલે મેં આસપાસ જોયું પણ કોઈ દેખાયું નહીં. હું ઝડપથી એ બીજી દિશામાં ચાલવા લાગ્યો ત્યાં જ બીજું એક તીર મારા પગની પાસે આવીને જમીનમાં ઘૂસી ગયું. મેં ફરી આગળ ચાલવા માટે પગ ઉઠાવ્યો ત્યાં જ મારી ઉપર તીરવર્ષા થઈ. પણ મને કોઈ તીર વાગ્યું નહીં બધા તીર મારી ચારેય બાજુ જમીન પર ખૂંપી ગયાં.

હવે મારી સામેં સોનેરી રંગનો પોષક પહેરેલો એક યુવાન ઊભો હતો. છાતીના ભાગમાં તેણે કવચ પહેરેલું હતું. ખભા પર તીરનો ભાથો અને ડાબા હાથમાં ધનુષ્ય પકડેલું હતું. કમરબંધ સાથે એક મ્યાન બાંધેલું હતું જેમાં રૂપેરી મૂઠવાળી તલવાર ચમકી રહી હતી. તે યુવકે તેનો ચહેરો એક કપડાંથી ઢાંકેલો હતો. એટલે હું સમજી ગયો કે આ ચોક્કસ મેઘાનો સહાયક યોદ્ધા હશે.

મેં તેને હાથ ઊંચો કરીને તેને બૂમ પાડી ત્યાં જ તે યોદ્ધાએ એક તીર મારી તરફ છોડી દીધું. એ તીરને મારી તરફ આવતું મેં આંખો બંધ કરી. થોડી ક્ષણો પછી મને કોઈ પીડા થઈ નહીં એટલે મેં આંખો ખોલી. ત્યારે મેં જોયું કે મેઘા હાથમાં તલવાર લઈને મારી આગળ ઊભી હતી. મેઘાએ પોતાની તલવારથી તીરના બે ટુકડા કરી નાખ્યા હતાં.

તે યોદ્ધાએ એકસાથે બે તીર છોડ્યા. પણ મેઘા આંખના પલકારામાં તે બંને તીરના ટુકડા કરી નાખ્યા. આ જોઈને હું એક ક્ષણ માટે ચકિત થઈ ગયો. મેં ફક્ત મેઘાની સ્ફૂર્તિ અને ચપળતાની ફક્ત કલ્પના કરી હતી પણ તેને મારી નજરો સમક્ષ જોઈને શું કરવું તે વિચારી શકતો નહોતો.

પણ બીજી તરફ જે યોદ્ધાએ મારા પર તીર છોડ્યા હતાં તે મેઘાને અહી મારૂ રક્ષણ કરતાં જોઈને ગુસ્સે થયો. તેણે પોતાનું ધનુષ્ય પાછું ખભા પર ધારણ કરીને તલવારને મ્યાનમાંથી ખેંચી કાઢી. આ જોઈને હું સમજી ગયો કે હવે મેઘા અને તે યોદ્ધા વચ્ચે યુદ્ધ થશે.  

મેં મેઘાના કપડાં પર નજર કરી તો તે પહેલાં કરતાં અલગ હતાં. પહેલી વાર જ્યારે મેઘા મારી સામેં આવી ત્યારે તેણે જીન્સ ટીશર્ટ પહેર્યું હતું અને અત્યારે એક નાનું કવચ પહેર્યું હતું. મેં મેઘાને પૂછ્યું કે શું તે આર્યવર્ધન છે ?

ત્યારે મેઘાએ કહ્યું, “તે યોદ્ધા આર્યવર્ધનનો વિશ્વાસુ સેનાપતિ ચંદ્રકેતુ છે.” આટલું કહ્યા પછી મેઘા અને તે યોદ્ધા એકસાથે અદ્રશ્ય થઈ ગયાં. હું આ બધું જોઈને મેઘાં નોવેલની શરૂઆતનો પ્રસંગ યાદ આવી ગયો( .) જેમાં મેઘા અને આર્યવર્ધન વચ્ચે ભયાનક યુદ્ધ થયું હતું. પણ આ વખતે મેઘાની સામેં આર્યવર્ધન નહીં પણ આર્યવર્ધનનો સેનાપતિ ચંદ્રકેતુ હતો. એટલે મેઘાના સામર્થ્ય આગળ ચંદ્રકેતુ વધારે સમય ટકી શકે તેમ નહોતો.    

 

થોડી ક્ષણો પછી મને આકાશમાં વીજળી કડક્વાનો અવાજ સંભળાવા લાગ્યો. ત્યારે મને મનમાં કોઈ કહેવા માંગતુ હોય તેમ લાગ્યું. એટલે મેં આંખો બંધ કરી તો મને ચંદ્રકેતુ મારી સામેં દેખાયો. તે મારા પર તલવાર લઈને પ્રહાર કરવા આવતો હતો ત્યાં જ મારો એક હાથ ઊંચો થયો અને ચંદ્રકેતુનો પ્રહાર અટકાવી દીધો. મેં જોયું કે હું જાણે મેઘાના શરીરમાં સમાઈ ગયો હતો. મને મારા મનમાં મેઘાનો અવાજ સંભળાયો. તેણે કહ્યું,”અવિચલ અત્યારે તમારું અને મારું અંતરમન એકબીજા સાથે જોડાયેલા છે. તેથી તમેં અત્યારે મારી આંખોથી જોયેલા દ્રશ્યો જોઈ શકો છો અને ઘટનાઓ અનુભવી શકો છો.”

આટલું કહીને મેઘાએ ચંદ્રકેતુ સામેં જોયું. હવે ચંદ્રકેતુ ફરીથી મેઘા તરફ તલવાર તીરની જેમ ફેકી પણ મેઘાએ તલવાર પકડીને તોડી નાખી. આ બધુ બન્યું ત્યારે મેઘા અને ચંદ્રકેતુ આકાશમાં વાદળની માફક તરી રહ્યા હતાં. મેઘા ચંદ્રકેતુની તલવાર તોડી નાખ્યા પછી તેની પાસે જઈને છાતી પર એક મુક્કો માર્યો. તે મુક્કામાં એટલી તાકાત હતી કે તેના કારણે ચંદ્રકેતુ ખૂબ જ દૂર સમુદ્રમાં જઈને પડ્યો. પણ તેનાથી ચંદ્રકેતુ પર વધારે અસર થઈ નહીં. તે થોડી ક્ષણોમાં પાછો મેઘાની સામેં આવી ગયો.

પછી મેઘા અને ચંદ્રકેતુ એકબીજાને મુક્કા મારવા લાગ્યા. તે બંનેના મુક્કામાં એટલી બધી શક્તિ હતી કે આસપાસના આકાશમાં ભયંકર અવાજ થઈ રહ્યો હતો. આ દરમિયાન ચંદ્રકેતુએ મેઘાના માથા પર  પ્રહાર કર્યો તેના કારણે મેઘા બેહોશ થઈને નીચે પડવા લાગી પણ સમુદ્રની સપાટીને સ્પર્શ થતાં મેઘાને ફરીથી હોશ આવી ગયો. તે તરત પોતાની મૂળ સ્થિતિમાં આવી ગઈ અને જમીન પર ઊભી હોય તેમ સમુદ્રના પાણી પર ઊભી રહી ગઈ.

ચંદ્રકેતુ પણ આકાશમાંથી મેઘાની સામેં સમુદ્રની સપાટી પર આવી ગયો. તેમની વચ્ચે ફરીથી લડાઈ શરૂ થઈ ગઈ. પણ આ વખતે તેમના દરેક પ્રહાર વખતે અવાજ તો થતો હતો અને સાથે પાણીના ઊંચા મોજા પણ ઊછળી રહ્યા હતાં. આ જોઈને લાગતું હતું કે જાણે સમુદ્રના પેટાળમાં ભૂકંપ થયો હશે અથવા મોટું ચક્રવાત બન્યું હશે.

મેં મેઘાને લડાઈ અટકાવવા માટે કહેવાનો પ્રયત્ન કર્યો પણ મારા ગળામાંથી અવાજ નીકળ્યો નહીં. મેં ચંદ્રકેતુની શક્તિ જેટલી આંકી હતી તેના કરતાં અનેક ઘણી વધારે હતી. મેં ભગવાનને પ્રાર્થના કરી હવે લડાઈ અટકી જાય પણ મેઘા અને ચંદ્રકેતુની લડાઈ અટકી નહીં. એટલે હવે મારી પાસે આ લડાઈને એક પ્રેક્ષકની માફક જોઈ રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો.

 પણ ત્યાં જ શ્રીહરિ નારાયણે મારી પ્રાર્થના સાંભળી લીધી હોય તેમ તે બંનેની લડાઈ અટકી ગઈ. મેઘા અને ચંદ્રકેતુ સ્થિર મુદ્રામાં ઊભા રહ્યા. થોડી વાર પછી ચંદ્રકેતુ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. ત્યારબાદ મેઘાએ પોતાની આંખો બંધ કરી અને મેં મારી આંખો ખોલી. હું સમુદ્રકિનારે જ ઊભો હતો અને મેઘા મારી સામેં ઊભી હતી. મેં મેઘાને પૂછ્યું, “ચંદ્રકેતુ આર્યવર્ધનનો સેનાપતિ છે તો તેણે આર્યવર્ધનના કહેવાથી જ મારા પર હુમલો કર્યો હશે ને ?”

જવાબમાં મેઘાએ કઈ કહ્યું નહીં. બસ હા કહેતી હોય તેમ ઈશારો કર્યો. મેં કહ્યું,”મેઘા, મને માફ કરી દે. મને ખ્યાલ નહોતો કે મારા અહી આવવાથી તારે આવી લડાઈ લડવી પડશે. ચંદ્રકેતુ આટલો શક્તિશાળી હશે અને તારી સાથે આટલી ભયાનક લડાઈ લડશે તેવી મને કલ્પના પણ નહોતી.” મારી વાત સાંભળીને મેઘાએ ફક્ત સ્મિત કર્યું. 

ત્યારબાદ થોડીવાર સુધી હું અને મેઘા કઈ બોલ્યા નહીં. મેં સમુદ્ર તરફ નજર કરી તો હજી સૂર્યોદય થયાને થોડો જ સમય થયો હતો. મેં કઈ કહ્યું નહીં એટલે મેઘા બોલી, “અવિચલ હવે આપણે આ જગ્યાને છોડીને બીજી જગ્યાએ જવું પડશે. ચંદ્રકેતુ આ સ્થાન વિષે જાણી ગયો છે. તે શક્ય એટલી ઝડપથી આર્યવર્ધન પાસે જતો રહેશે. આર્યવર્ધનને આ સ્થાનની જાણ થશે એટલે તરત અહી આવી જશે. મારી મોટા ભાગની શક્તિ ચંદ્રકેતુ સાથેની લડાઈ વખતે વપરાઇ ગઈ છે. એટલે મારે શક્તિ ફરીથી મેળવવા માટે આરામ કરવો પડશે.”

મેં મેઘાને હકારમાં ઈશારો કર્યો એટલે મેઘાએ મારી પાસે આવીને મારો હાથ પકડ્યો. એટલે ચારેય તરફ ધુમ્મસ છવાઈ ગયું. તે ધુમ્મસ એટલું ગાઢ હતું કે તેમાંથી બહારની બાજુએ જોઈ શકાતું નહોતું. થોડો સમય પસાર થયાં પછી તે ધુમ્મસ અચાનક ગાયબ થઈ ગયું. મારી આસપાસની જગ્યા બદલાઈ ગઈ હતી. પહેલાં સમુદ્રના કિનારે હતો અને હવે એક પર્વતની ટોચ પર હતો.

અહી પર્વતની ટોચ પર એક નાનું કેબિન હતું અને પર્વતની ચારે બાજુ દૂર સુધી હરિયાળું જંગલ આવેલું હતું. ઉપર આકાશમાં ખૂબ ઓછા વાદળો હતાં. વાદળી રંગનું આખું આકાશ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું.   પર્વતની તળેટીથી ક્ષિતિજ સુધી કોઈ પણ જગ્યાએ ખુલ્લી જમીન દેખાતી નહોતી. મેં મેઘાને પૂછ્યું, “મેઘા આ કઈ જગ્યા છે ?”

મેઘા બોલી, “આ એમેઝોનનું જંગલ છે. આપણે અત્યારે સાઉથ અમેરિકામાં છીએ. અહી આપણને થોડો સમય મળી જશે. હવે તમેં આ ઘરમાં જઈને આરામ કરો. હું થોડીવારમાં આવું છું.”

આટલું કહીને મેઘાએ પર્વતની એક ધારથી નીચે તરફ જંગલ તરફ કૂદી ગઈ. હું ત્યાં રહેલા કેબિનનો દરવાજો ખોલીને તેમાં દાખલ થયો. આખી કેબિન લાકડાની બનેલી હતી. તેમાં એક ખૂણામાં નાનું ટેબલ અને બીજી બાજુ એક બેડ હતો. હું બેડ પર બેસીને મેઘાના આવવાની રાહ જોવા લાગ્યો. ત્યાં મારી નજર ટેબલ પર મૂકેલી એક બુક પર પડી. મેં તરત ટેબલ પરથી તે બુક હાથમાં લીધી.

 

તે બુકના કવર પર આર્યરિદ્ધિ લખેલું હતું અને એ બુકના લેખક તરીકે મારું નામ હતું. આર્યરિદ્ધિ મારી પહેલી નોવેલ હતી. પણ આ નોવેલ ક્યારેય હાર્ડકોપીમાં પ્રકાશિત થઈ નહોતી તો અહી બુક રૂપે કઈ રીતે આવી એ મને સમજાયું નહીં. આમ પણ મેં આ નોવેલને ઘણા સમયથી વાંચી નહોતી એટલે ફરી વાંચવાના હેતુથી તે બુક ખોલી.

પણ આખી બુક ખાલી હતી તેમાં કોઈ પણ લખાણ નહોતું. આખી બુક કોરા પાનાથી ભરેલી હતી અને બુકની વચ્ચે એક વાદળી રંગનું બટન હતું. મેં જિજ્ઞાસાવશ તે બટન દબાવ્યું એટલે તરત આખું કેબિન ધ્રૂજવા લાગ્યું. થોડીવાર પછી તે ધ્રુજારી બંધ થઈ અને ખૂબ ધીમો પક્ષીઓનો મધુર કલરવ સંભળાવવા લાગ્યો. 

મેં કેબિનનો દરવાજો ખોલ્યો તો બહારનું આખું દ્રશ્ય બદલાઈ ગયું હતું. ઉપરની બાજુએ જમીન દેખાઈ રહી હતી અને સામેં એક નાનું તળાવ હતું. મેં બહાર નીકળીને જોયું તો કેબિન એક ગુફામાં આવી ગયું હતું. મારી નજર સામેં એક નાનું તળાવ હતું જેમાં સુંદર કમળના ફૂલ ખીલેલા હતાં. આજુબાજુ વૃક્ષો પર પક્ષીઓ કલરવ કરી રહ્યા હતાં. તળાવની સામેની બાજુએ એક વિશાળ મહેલ નજરે પડી રહ્યો હતો. તે મહેલની ઉપરની બાજુએ છત થોડી ખુલ્લી હતી તેમાંથી સુર્યનો પ્રકાશ આવી રહ્યો હતો.    

 

હું તે મહેલની સામેં જોઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તળાવના પાણીમાં વમળો ઉત્પન થવા લાગ્યા. મને લાગ્યું કે તળાવમાંથી કોઈ બહાર આવી રહ્યું છે એટલે હું તરત પાછો કેબિનમાં જતો રહ્યો અને દરવાજો બંધ કરી દીધો. દરવાજામાં એક નાની તિરાડ હતી તેમાંથી હું બહાર તરફ શું થાય છે તે જોવા લાગ્યો.

થોડીવાર સુધી વમળો ઉત્પન્ન થતાં રહ્યા પછી પાણીમાંથી એક યુવતી બહાર નીકળી. તેની પીઠ મારી તરફ હતી. તેનું શરીર ભીનું હોવાના કારણે તેના બધા કપડા શરીર સાથે ચોંટી ગયાં હતાં. તેણે ફક્ત એક ટીશર્ટ અને શોટ્સ પહેર્યા હતાં. તે યુવતી મારી તરફ ફરી પણ મને તેનો ચહેરો દેખાયો નહીં.

પણ તેની સુંદરતા સ્વર્ગની કોઈ દેવી સમાન હતી. તેના હાથ નીલકમળની પાતળી દાંડી સમાન હતાં જે તેના ઘૂટંણ સુધી લાંબા હતાં. તેના પગની પાની બારમાસીના ફૂલની સમાન નાજુક લાગતી હતી. જ્યારે નિતંબ સંગેમરમરમાંથી કોઈ કારીગરે કંડાર્યા હોય તેમ લાગતું હતું. પાતળી કમર કમળના ફૂલની જેમ નાજુક લાગી રહી હતી. ઉન્નત ઉરોજ તેને અપ્રિતમ સૌંદર્ય અર્પી રહ્યા હતાં. એ યુવતીની સોનેરી ઝુલ્ફો પવનથી ઊડી રહી હતી પણ સાથે એ યુવતીનો ચહેરો પણ છુપાવી રહી હતી. મારા મનમાં એકવાર તે યુવતીની સાથે મારું આખું જીવન પસાર કરવાની ઈચ્છા થઈ ગઈ. 

હું હજી તે યુવતીને નિહાળવા માંગતો હતો પણ મને મારું મન કઈક અઘટિત થવાનું કહી રહ્યું હતું એટલે હું પાછો બેડ પર સૂઈ ગયો. હું તે યુવતીના શારીરિક સૌંદર્યના આધારે તેના ચહેરાની કલ્પના કરવા લાગ્યો. ત્યાં જ કેબિનનો દરવાજો કોઈએ નોક કર્યો. તેના કારણે હું તરત બેડ પરથી ઊભો થઈ ગયો. મને લાગ્યું કે કદાચ આર્યવર્ધન આવ્યો હશે. એટલે મેં તરત બેડની નીચેથી એક તલવાર બહાર કાઢીને હાથમાં પૂરી તાકાતથી  પકડી રાખી અને દરવાજો ખોલ્યો. હું ચોંકી ગયો કેમકે મારી સામેં તે યુવતી ઊભી હતી જેને મેં થોડા સમય પહેલાં તળાવમાંથી બહાર નીકળતાં જોઈ હતી. પણ હું તેનો ચહેરો જોઈ શક્યો નહોતો અને અત્યારે પણ તેણે પોતાનો ચહેરો એક ફૂલ વડે ઢાંકી રાખ્યો હતો. તેણે એ જ કપડા પહેરેલા હતા જે તળાવમાંથી બહાર નીકળતી વખતે પહેર્યા હતાં.

 

“કેમ અવિચલ, થોડી વાર પહેલાં મને જોઈને પામવાની ઈચ્છા થઈ હતી અને હવે સામેં જોઈને કઈ બોલતાં નથી.” તે યુવતીએ કહ્યું.                                

મને એ યુવતીનો અવાજ પરિચિત લાગ્યો. હું કઈ કહું એના પહેલાં તે યુવતીએ તેના ચહેરા આગળથી ફૂલ હટાવી દીધું. તેનો ચહેરો જોઈને મારૂ મન જાણે સુન્ન થઈ ગયું હોય તેમ લાગ્યું. તે મેઘા હતી.

“મેઘા, તું અહી ? કઈ રીતે આવી ?” મારા મનમાં ઘણા સવાલો થઈ રહ્યા હતાં. પણ મેઘાએ મારા હોઠ આંગળી મૂકીને કહ્યું, “હમણાં કોઈ સવાલ પૂછીશો નહીં. પહેલાં મારે તમારી એક ઈચ્છા પૂરી કરવી છે અને તમારે મારી એક વિનંતી સ્વીકારવાની છે.”

હું મેઘાની સમજ્યો નહીં એટલે બોલ્યો, “મેઘા તું સ્પષ્ટ શબ્દોમાં કહી દે કે તારે શું કરવું છે?”

 

મેઘા મારી વાત સાંભળી હસી પડી. તેણે કઈ કહ્યા વગર તેના ગુલાબની પાંખડી જેવા મુલાયમ અધરો મારા અધરો પર મૂકી દીધા અને મને તેની બાહોમાં જકડી લીધો. મને મેઘા આવું વર્તન કરશે તેનો ખ્યાલ નહોતો. એટલે મેં તેને ધક્કો મારીને ખુદને છોડાવવા પ્રયત્ન કર્યો પણ તેની પકડ ખૂબ મજબૂત હતી. હું  મેઘાને પામવા માંગતો હતો પણ આ રીત યોગ્ય નહોતી.

મેં બંને હાથ વડે મેઘાનો ચહેરો પકડીને તેને સાથ આપવા લાગ્યો. થોડી વારમાં અમારી વચ્ચેથી કપડાં અને શરમના આવરણો દૂર થઈ ગયાં. પછી બંને એકબીજા તૃપ્ત કરવાની હોડમાં લાગી ગયાં અને ત્યારબાદ એ બેડ પર જ સૂઈ ગયાં.

 

મારી આંખો ખૂલી ત્યારે બેડ પર હું એકલો હતો. મેઘા બહાર કઈ બાજુ ગઈ હશે તે જાણવા માટે મેં કેબિનનો દરવાજો ખોલ્યો. મેઘા મારી સામેં તળાવના કિનારે બેસીને તેમાં તરી રહેળી માછલીઓને ચારો નાખી રહી હતી. મને જોઈને મેઘા બોલી, “અવિચલ હવે તમને કેવું લાગી રહ્યું છે ?”                 

હું અત્યારે એકદમ તાજગી અનુભવી રહ્યો હતો. મેં ઉત્સાહપૂર્વક કહ્યું, “મને અત્યારે તાજગીભર્યું વાતાવરણ લાગે છે અને આ વાતાવરણમાં એક અલગ રોમાંચનો અનુભવ થઈ રહ્યો છે.”

 

મેઘાએ પોતાની જગ્યા પર ઊભા થઈને કહ્યું, “તો હવે તૈયાર રહો. આર્યવર્ધનને આ જગ્યાની જાણ થઈ ગઈ છે અને તે અહી આવી રહ્યો છે. થોડી ક્ષણોમાં તે અહી આવી જશે. તમેં મારો સહવાસ કર્યો. તે દરમિયાન મારી જીવનઉર્જા સિવાયની અષ્ટ મહાસિદ્ધિનું જ્ઞાન તમારી અંદર સમાવી દીધું છે. એટલે તમેં આર્યવર્ધનનો સામનો કરી શકશો. કારણ કે આ યુદ્ધ તમારે જ લડવું પડશે. હું આર્યવર્ધન સામેના યુદ્ધમાં વધારે સમય સુધી ટકી ના શકું પણ તમેં તમારી કલ્પનાશક્તિ વડે ચાહો ત્યાં સુધી યુદ્ધ કરી શકો છો.”

મેઘાની વાત પૂરી થઈ ત્યાં જ અમારી આસપાસનું દ્રશ્ય બદલાઈ ગયું. હવે અમેં એક મેદાનીપ્રદેશમાં હતાં. અહી આખી જમીન પર ઘાસ ઊંઘેલું હતું. ખૂબ દૂર અમુક વૃક્ષો નજરે પડતાં હતાં. મેં આ જગ્યા વિષે ક્યારેય કઈ જોયું કે સાંભળ્યું નહોતું. મેં મેઘાને પૂછ્યું, “મેઘા, આ કઈ જગ્યા છે અને અત્યારે આપણે પૃથ્વી પર છીએ કે તારી દુનિયામાં છીએ?”

મેઘાએ કહ્યું, “આપણે અત્યારે પૃથ્વી પર જ છીએ. આર્યવર્ધને જ્યારે અમારી દુનિયામાંથી આ દુનિયામાં આવવા માટેનો દ્વાર ખોલ્યો ત્યારે તેની સાથે સમય અને સ્થાન મુજબ મારી દુનિયાની અમુક ગુપ્ત જગ્યાઓ અહી પૃથ્વી પર આવી ગઇ. જેમાંથી બે જગ્યા પર આપણે ગયાં હતાં. પહેલી પ્રશાંત સાગરનો દ્વીપ અને બીજી એમેઝોનના જંગલની કેબિન હતી. અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છીએ તે મારું અને આર્યવર્ધનનું યુદ્ધ અભ્યાસનું ક્ષેત્ર છે.”

મેઘા મારા સવાલનો જવાબ આપતી હતી ત્યારે મારી નજર એક આકૃતિ પર પડી. જે મારી તરફ આવી રહી  હતી પણ ખૂબ દૂર હોય તેમ લાગતું હતું. મેં તે આકૃતિ તરફ ઈશારો કરતાં મેઘાને ફરી સવાલ પૂછ્યો, “શું તે આર્યવર્ધન છે?” મેઘાએ હા કહેતી હોય તેમ ઈશારો કર્યો.

હું મેઘાથી થોડો દૂર જઈને આર્યવર્ધનની સામેં જઈને ઊભો રહ્યો. મારા મનમાં એક સવાલ થયો કે આખરે આર્યવર્ધન મને કેમ મારવા માંગે છે? પણ હવે મેઘાને એ સવાલ પૂછવાનો સમય નહોતો. મેં આંખો બંધ કરીને એ તમામ પ્રસંગોને યાદ કર્યા જે આર્યવર્ધન સાથે ગાઢ રીતે સંકળાયેલા હતાં. એટલે મને મારા સવાલનો જવાબ મળી ગયો. આર્યવર્ધન થોડો નજીક આવ્યો એટલે તેણે પીઠ પર બાંધેલી મ્યાનમાંથી તલવાર બહાર કાઢી.

આર્યવર્ધન મારું સર્જન હતો એટલે મને તેનાથી જરા પણ ડર લાગ્યો નહિ. એ મારી કલ્પનાનું શ્રેષ્ઠ સર્જન હતું. તે મારું જ એક અલગ સ્વરૂપ હતું. હવે મારે ખુદનો સામનો કરવાનો હતો. આર્યવર્ધન મારી સામેં આવ્યો. તેની આંખોમાં ગુસ્સાની જ્વાળાઓ દેખાઈ રહી હતી. હું મોટા અવાજે બોલ્યો, “આર્યવર્ધન તું અહી જે નિશ્ચય કરીને આવ્યો છે તે કદી પૂરો નથી થવાનો. માટે તું પાછો ચાલ્યો જા.”

મારી વાત સાંભળીને આર્યવર્ધનના ચહેરા પર હાસ્યની રેખા ફેલાઈ ગઈ. તે બોલ્યો,”તું ભલે મારો સર્જક અને ભાગ્યવિધાતા છે. પણ જો માનવ ધારે તો પોતાના કર્મથી ભાગ્યના લેખ બદલી શકે છે. આ ભગવાન નારાયણે કહ્યું છે. હું પણ મારા ભાગ્યના લેખ બદલવા માટે આવ્યો છું. એ લઈને જઈશ જેના પર મારો હક છે.” વાત પૂરી કરીને આર્યવર્ધને તેના હાથમાં રહેલી તલવારને મારા તરફ ફેંકી. તે તલવાર મારાથી થોડે દૂર જમીનમાં ખૂંપી ગઈ.

હું તે તલવાર પાસે આવ્યો અને આર્યવર્ધન સામેં જોયું. આર્યવર્ધન બીજા મ્યાનમાંથી તલવાર બહાર કાઢીને ઊભો હતો. મેં તે તલવારને હાથ લગાવ્યો એટલે તેમાંથી એક પ્રકાશનો લિસોટો નીકળ્યો અને મારા શરીરમાં લીન થઈ ગયો. ત્યારબાદ મારા શરીર પર આર્યવર્ધનની જેમ ધાતુનું કવચ આવી ગયું. મેં તે તલવારને બંને હાથ પકડીને શ્રીહરિ નારાયણને યાદ કર્યા પછી આર્યવર્ધન સામેં જોયું.

મેં કહ્યું, ”આર્યવર્ધન, તું મારી શ્રેષ્ઠ કૃતિ છે. મેં તને બધું જ આપ્યું છતાં પણ મારી સામેં દ્રોહ કરી રહ્યો છે. તું નારાયણનો એક અંશાવતાર છે એ વાતને પણ ભૂલી ગયો છે. તારો જન્મ કલ્કિ અવતારની સહાયતા માટે થયો છે.”

મારી વાત સાંભળીને આર્યવર્ધન મારી તરફ દોડી આવ્યો અને અમારી તલવાર એકબીજા સાથે ટકરાઇ. અમેં બંને પાછા હટયા અને ફરીથી અમારી તલવારો એકબીજા સાથે અથડાઇ. આમ થોડા સમય સુધી બંને તલવારોની ટક્કર થતી રહી.

પછી નવા હુમલો કરવા માટે આર્યવર્ધન પાછળ હટયો ત્યારે તે બોલ્યો, “ભલે તે મારું સર્જન કરીને મને એ તમામ સુખ આપ્યું પણ તેની કિમત મેં તને ચૂકવી છે. તે મારા પ્રેમને મારાથી દૂર કરી દીધો. હું જ્યારે મારી શ્રી થી અલગ થયો ત્યારે મને અપાર તકલીફ પડી હતી. હું તને એ જ તકલીફનો અનુભવ કરાવવા માટે આવ્યો છું, એ તકલીફ અને દર્દ તને ત્યારે જ સમજાશે જ્યારે તું તારી પ્રિય વસ્તુને ગુમાવીશ.”

આર્યવર્ધને પોતાની વાત પૂરી કરીને તલવાર નીચે ફેંકી દીધી અને જમીન પર પગ પછાડ્યો. તેના કારણે જમીન પર તિરાડ પડી. આ જોઈને મેં પણ મારી તલવાર નીચે ફેંકી દીધી. કારણ કે યુદ્ધ હંમેશા બે સમાન યોદ્ધાઓ વચ્ચે જ થઈ શકે. અત્યાર સુધી હું આર્યવર્ધન સાથે મારી શારીરક ક્ષમતાથી લડી રહ્યો હતો. પણ હવે મારે મેઘાની શક્તિ અને મારી કલ્પનાશક્તિથી આર્યવર્ધન લડવાનું હતું.

આર્યવર્ધન આંખના પલકારામાં મારી પાસે ધસી આવ્યો. તેણે મારી જમણી આંખ પર મુક્કો મારવાનો પ્રયત્ન કર્યો. પણ મેં તેનો પ્રહાર ચૂકવી ઊંચી છલાંગ લગાવી. પછી મેં ઊંચાઈથી આર્યવર્ધનના માથા પર બંને હાથની મુઠ્ઠીવાળીને મુક્કો માર્યો. પણ આર્યવર્ધન મારી ચાલ સમજી ગયો હોય તેમ મારો હાથ પકડી લીધો અને ખૂબ ઝડપથી મને ગોળગોળ ફેરવીને મારો હાથ છોડી દીધો.

તેના કારણે હું તેનાથી ખૂબ દૂર જઈને પડ્યો. મારું શરીર જમીન પર પટકાયું ત્યારે મને વધુ પ્રમાણમાં ગેદીમાર વાગ્યો અને શરીરના અમુક ભાગમાં ઇજાઓ થઈ. પણ એ બધી ઇજાઓ એની જાતે જ ધીરેથી અદ્રશ્ય થઈ ગઈ અને જે શારીરિક પીડા થઈ રહી હતી તે પણ દૂર થઈ ગઈ.

હું ઊભો થયો ત્યારે આર્યવર્ધન મારી સામેં ઊભો હતો. એટલે અમારી વચ્ચે ફરી લડાઈ શરૂ થઈ. એક રીતે આ દ્ધન્દયુદ્ધ હતું જેમાં અમેં કોઈ શસ્ત્રનો ઉપયોગ કર્યો નહોતો. અમેં એકબીજાને મુક્કા મારી રહ્યા હતાં. ક્યારેક આર્યવર્ધન મારા પર હાવી થતો તો ક્યારેક હું તેના પર હાવી થતો હતો. લાંબા સમય સુધી આમ યુદ્ધ થતું રહ્યું પણ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં.

 

આર્યવર્ધન અહી મારી લખેલી નવલકથા કર્તવ્યયુદ્ધનો અંત બદલવવા આવ્યો હતો અને રિદ્ધિને પોતાની સાથે લઈ જવા માંગતો હતો. જે કોઈ પણ સંજોગોમાં શક્ય નહોતું. હું હાર માનવા માટે તૈયાર નહોતો  એટલે આર્યવર્ધન મારા પર ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે આ વખતે મારા પેટ અને માથા પર એકસાથે મુક્કો માર્યો. તેના કારણે હું થોડા સમય માટે બેહોશ થઈ ગયો.

ત્યારબાદ આર્યવર્ધન અટક્યા વગર મારી છાતી અને ચહેરા પર મુક્કા મારવા લાગ્યો. મેઘા એ સમયે ત્યાં આવી ગઈ. તેણે આર્યવર્ધન રોકાઈ જવા માટે કહ્યું પણ આર્યવર્ધન મેઘાની વાત સાંભળ્યા વગર મારા પર પ્રહાર કરતો રહ્યો. એ થોડા સમય પછી મને હોશ આવતાં મેં મનમાં રુદ્રનારાયણનું સ્મરણ કરીને આર્યવર્ધનની છાતી પર લાત મારી દીધી.

અચાનક થયેલા પ્રહારથી આર્યવર્ધન થોડો દૂર ફેંકાઇ ગયો. મેં ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ મારો પ્રયત્ન નિષ્ફળ ગયો. મેઘા દોડીને મારી પાસે આવી અને તેણે મારો હાથ પકડીને મને ઊભો કર્યો. મેઘાએ મને સ્પર્શ કર્યો એટલે મારા શરીરમાં શક્તિનો નવો સંચાર થયો. હવે મેં  મેઘાને થોડું દૂર જવા માટે ઈશારો કર્યો.  

હવે આર્યવર્ધન મારી તરફ મક્કમ ચાલે આવી રહ્યો હતો. હું તેના તરફ દોડવા લાગ્યો એટલે એ મને જોઈને દોડવા લાગ્યો. અમારા બંને વચ્ચેનું અંતર ઓછું થવા લાગ્યું. આર્યવર્ધને મારી પાસે આવ્યો એટલે તેણે મને છાતી પર મુક્કો માર્યો. પણ ફરીથી મેં તેનો પ્રહાર ચૂકવીને તેના કપાળમાં મુક્કો માર્યો. તેનાથી આર્યવર્ધન તરત જ થોડી ક્ષણો માટે બેહોશ થઈ ગયો.

થોડી ક્ષણો પછી તેણે આંખો ખોલી ત્યારે હું તેની છાતી પર જમણો પગ મૂકીને ઊભો હતો. મેં જમણો હાથ ઊંચો કર્યો એટલે મારા હાથમાં એ તલવાર આવી ગઈ. જે આર્યવર્ધને મને લડવા માટે આપી હતી. મેં એ તલવારને આર્યવર્ધનના ચહેરા તરફ કરીને કહ્યું, “આર્યવર્ધન એક વાત યાદ રાખ. હું તારો સર્જક છું. હું તારું સર્જન કરી શકું તો તને મૃત્યુ પણ આપી શકું છું.”

“હું મારા પાત્રને જીવું છું અને તેની દરેક તકલીફનો અનુભવ કરું છું. ત્યારબાદ જ તેને કાગળ પર ઉતારું છું. આર્યવર્ધન દરેક વ્યક્તિના મનની વાત જાણી શકે છે. એટલે તું અત્યારે મારા મનના વિચારો જાણ. એક મહાન યોદ્ધા સાચા અર્થમાં ત્યારે જ ધર્મનું પાલન કરી શકે જ્યારે તે વિરહનો અનુભવ કરે છે. તે જે તકલીફ સહન કરી છે તેના પહેલાં હું તે વિરહનો અનુભવ કરી ચૂક્યો છું. મારો એ વિરહ સદાય ને માટે છે. પણ તારો થોડા સમય માટે જ રિદ્ધિ અલગ રહેવું પડશે. તે જલ્દી તારી પાસે પછી આવશે. એ હું તને પ્રોમિસ કરું છું.”

આટલું કહીને મેં આર્યવર્ધનની છાતી પરથી પગ હટાવ્યો અને તેની તરફ હાથ લંબાવ્યો. આર્યવર્ધન મારો હાથ પકડીને ઊભો થયો. તેની આંખોમાં પસ્તાવો હતો. તે મારી સામેં ઘૂંટણે બેસી ગયો અને બોલ્યો, “મને માફ કરી દો. તમેં મારા સર્જક છો. તમારી સામેં હથિયાર ઉપાડ્યું એ મારી ભૂલ હતી. મને માફ કરી દો. હું હવે મારી દુનિયામાં પાછો જાવ છું અને મારા અહી આવવાથી જે બદલાવો થયાં હતાં તે પુનઃ પહેલાંની જેમ થઈ જશે. તમેં પાછા એ બુક લોન્ચિંગ કાર્યક્રમમાં પાછા જતાં રહેશો.”

આર્યવર્ધને મેઘા સામેં જોઈને હાથ લાંબો કર્યો. મેઘા હસીને તેની પાસે આવી અને તેનો હાથ પકડ્યો. બંનેએ એકસાથે આંખો બંધ કરી એટલે તરત પ્રકાશના ગોળામાં રૂપાંતરિત થઈને અદ્રશ્ય થઈ ગયાં. તે સાથે જ મારી આસપાસનું દ્રશ્ય બદલાઈ ગયું. હું પાછો એ કાર પાર્કિંગમાં આવી ગયો જ્યાં મારી બુક લોન્ચ થવાની હતી.

હું કાર પાર્કિંગમાંથી બહાર નીકળીને હૉલના મખ્ય દ્વાર પાસે આવ્યો. ત્યાં સંખ્યાબંધ લોકો અંદર પ્રવેશી રહ્યા હતાં. મેં મનમાં વિચાર્યું કે જો હું આ બધા લોકોથી બચીને અંદર પ્રવેશી શકું તો સારું રહેશે. ત્યાં જ હું હૉલના સ્ટેજના પાછળના ભાગમાં આવી ગયો. આ અચાનક બનેલી ઘટનાએ મને મેઘાની શક્તિઓની યાદ અપાવી. જે મેઘાએ મને આર્યવર્ધન સાથે લડવા માટે આપી હતી. પણ લડાઈ પૂરી થયાં મેઘાએ તેની શક્તિ પાછી લીધી નહોતી.

 હું મનમાં એકવાર હસ્યો. ત્યાં મને પાછળથી એક અવાજ સંભળાયો. “hey આર્યવર્ધન” હું પાછળ ફર્યો તો મારી ચાહત મારી સામેં હતી. 

આ વાર્તા મારી આવનારી નવી ડિફેન્ડર્સ સીરિઝ નોવેલ કર્તવ્યયુદ્ધની એક ઝલક છે. આ સીરિઝની પહેલી નોવેલ મેઘા:Princess of Varunprastha અને બીજી નોવેલ રિદ્ધિ :Amazing Girl શોપિજન પર પ્રકાશિત થઈ ચૂકી છે. ટૂંક સમયમાં મેઘા નોવેલનો બીજો ભાગ મેઘા: The Quest of Krishnapriya આવશે.                                                                                                                                   

 

                                                       

 

  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ