વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શ્વાસ વગરની કાયા:

પ્રકરણ-૧ : શ્વાસ વગરની કાયા


સૂર્યના તીવ્ર કિરણો સાંજના સોહામણાં વાતાવરણથી ઠંડા પડી જઈ આછાં નારંગી રંગમાં પરિવર્તન પામ્યાં હતાં. આખો દિવસ ધરતીને પોતાની અગનજ્વાળાથી બાળતા તડકાના સામ્રાજ્યને અલવિદા કહી હવાની ઠંડી લહેરખીઓએ ધરતીના કણ-કણ ઉપર પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. ઠંડક અને શાતા પ્રદાન કરતી સાંજ જેમ ઢળતી હતી તેમ એ માયાના હૃદયમાં સતત લાય ઉપજાવતો ઉચાટ જન્માવતી હતી. ઘરના વરંડામાં ઊભેલી માયાની નજર સતત કોઈને શોધતી હતી. એની આંખો ઘરની બહાર દૂર સુધી દેખાતા રસ્તાને કલાકોથી નિહાળતી હતી. વળી ક્યારેક પાછળ ફરી વરંડામાં લગાડેલા અને રંગીન ફૂલોથી સજાવેલા હીંચકાને એક નજર કરી લેતી હતી. હાથની આંગળીઓ વચ્ચે પકડેલી તીક્ષ્ણ પતરીને માયા વારેઘડીએ બીજા હાથનાં કાંડા ઉપર મૂકી આંખો બંધ કરી પતરીને ઘસી નાખવાનો પ્રયત્ન કરતી, પણ...

'કદાચ મયૂર આજે ચોક્કસ પાછો...' એમ વિચારી પતરીને હાથથી દૂર કરી નાખતી. વળી ફરી વાવાઝોડાની જેમ ઉધમાત મચાવતા વિચારોની હારમાળાથી ત્રસ્ત થઈ પતરીને હથેળી ઉપર મૂકી આંખો મીંચી કાઢતી. માયાના હાથના કાંડા પર પડેલા અઢળક લાલ લીસોટાઓ પંદર દિવસથી પતરીની તીક્ષ્ણ ધાર સાથે રમાયેલી રમતનું પ્રમાણ પૂરું પાડતાં હતાં. તથા શરીર ઉપર ઠેરઠેર પડેલા ઉઝરડાઓ પંદર દિવસ પહેલા બની ગયેલી વિચિત્ર અને અણધારી ઘટનાના સાક્ષી પૂરવાર થતાં હતાં. ધરતી ઉપર ધમધોકાર વરસ્યા પછી જેમ આભ સાવ કોરુંધાકોર થઈ જાય, તેમ માયાની આંખો પંદર દિવસના સતત રુદન પછી શુષ્ક અને કોરી થઈ ગઈ હતી. તેમ છતાં હવાની હળવી લહેરખીથી આમતેમ ઝૂલતા ખાલી હીંચકાને જોઈ માયાનો કંઠ ભરાઈ આવતો હતો. માયાના ભરાયેલા કંઠમાંથી હળવું ડૂસકું વાતાવરણમાં પ્રસરી માહોલને વધુ ગંભીર અને ભયાવહ બનાવતું હતું.

આટઆટલા દિવસથી અનુભવાતા ઉચાટે માયાને ભીતરથી કોરી નાખી હતી. નસોમાં વહેતું રક્ત હવે એના શરીરનાં અંગેઅંગમાં સતત બળતરા ઉપજાવતું હતું. હૈયે અનુભવાતી વ્યાકુળતા હવે અસહ્ય થઈ પડી હતી. માયાને કાં તો મૃત્યુને ગળે વળગી હવે નિરાંતે ઊંઘી જવું હતું અથવા છેલ્લી વેળાએ મયૂરને મળી મન ભરી રડી લેવું હતું. આટલી ક્ષુલ્લક વાતમાં મયૂર પોતાને રડતી મૂકીને જતો રહેશે, એવું માયાએ સ્વપ્નમાં પણ ધાર્યું નહોતું. વર્ષોથી મયૂર તરફ સતત અભેદ વહેતો માયાનો અપ્રતિમ પ્રેમ મયૂર એક ક્ષણમાં વિસારી માયાને મૃત્યુને હવાલે મૂકી જતો રહ્યો; એ વાત માયા માટે અસહનીય બનતી જતી હતી. પોતે જે કર્યું એ ફક્ત મયૂરને પામવા માટે જ તો કર્યું હતું! પોતાનો વાંક શું હતો?

ઢળતા સૂર્યને ક્ષિતિજમાં વિલીન થતો માયા નિહાળતી રહી. એજ આશા સાથે કે કાલે ઉગનારો આ જ સૂરજ કદાચ મયૂરને પોતાની પાસે પાછો મોકલશે.
  
                      *****

"મયૂર, જીવનમાં સતત ચાલતી દોડધામ પછી દરેક ચિંતાઓ અને વ્યાકુળતાઓ ઉપર મૂકાતો પૂર્ણવિરામ છે તું! સાચું કહું... ક્યારેક એવું થાય કે કલાકો સુધી તારી સાથે આ હીંચકે જ બેસી રહું. તારી હૂંફ મારા આગ ઓકતા જીવનને શાતા આપે છે. તારો સંગાથ મારામાં વહેતા રુધિરને જીવંતતા આપે છે, મયૂર!"  મારા જમણા હાથની સુંવાળી આંગળીઓ મયૂરના માથે હળવેથી ફરી રહી હતી. ડાબા હાથની આંગળીઓ મયૂરની કોમળ હથેળીઓને પંપાળતી હતી. મારી આંખો અનાયાસે જ મયૂરની આંખોના ઊંડાણમાં ઉતરતી જતી હતી.
કેવું વિચિત્ર ખેંચાણ હતું એની નજરમાં, એના વ્યક્તિત્વમાં...કેવો વિચિત્ર કેફ! અને એ કેફને હું જીવનભર માણવા ઇચ્છતી હતી.

"તું પણ સાવ પાગલ છે! ક્યારેક તારી આવી વાતો મને ભીતરથી ધ્રૂજાવી નાખે છે. મારા માટેની તારી ઘેલછા મારા કાળજાને સતત કોતરી ખાય છે!" મયૂરનો ચહેરો સાવ ફિક્કો નજરે ચઢ્યો. એની નજરમાં ઊંડી ઉતરેલી હું એના હૈયેથી ફક્ત ખોબો ભરી ઉચાટ લઈ બહાર નીકળી.

"મનુષ્ય સતત પ્રેમ માટે વલખાં મારે છે મયૂર! લોકો એક ટીપું પ્રેમ પામવા સાત દરિયા ઓળંગી જાય છે; અને એક તું છે! જેને અખૂટ પ્રેમ મળે છે, તેમ છતાં એ જ પ્રેમ તારા કાળજાને દઝાડે છે! શા માટે આવો છે તું મયૂર? શા માટે પ્રેમનું કોઈ મહત્વ નથી તારા જીવનમાં?"
એનો ઉચાટ મારા ચિત્તને શા માટે કોરે? એના મનમાં સળગતો દાવાનળ મને શા માટે દઝાડે! ગુસ્સામાં હીંચકેથી ઊભી થઈ મેં ઘરમાં પ્રવેશવા પગ ઉપાડ્યા. મારો અણગમો જાણે એ પિછાણી ગયો. એટલે એણે એક ઝટકામાં મારો હાથ પકડી મને એની તરફ ખેંચી લીધી અને એની છાતીએ વળગાડી લીધી.

"માયા, હું એવું નહોતો ઇચ્છતો. મને ફક્ત એ વાતનો સતત ભય રહે છે કે ક્યારેક જીવન મારી વગર જીવવાનું થશે તો તું સાવ નબળી પડી જઈશ. મારા માટેની તારી ઘેલછા મારા અભાવમાં તને સંપૂર્ણપણે કોતરી ખાશે. હું એવું નથી ઇચ્છતો કે મારી માયા કોઈ પણ કાળે કમજોર પડે. બસ આ જ કારણ..." એની વાતો સાંભળી મારું હૃદય ભરાઈ આવ્યું. મયૂર વગરની માયા, અને શ્વાસ વગરની કાયામાં કોઈ ભેદ છે ખરો! એની આવી વિયોગની વાતો મને હચમચાવી કાઢે છે! એક પણ ક્ષણ વેડફયા વગર મેં મારા હોઠ એના ગુલાબી હોઠ ઉપર સજ્જડ જડી દીધા. એને બોલતો અટકાવવાનો આનાથી વધુ યોગ્ય ઉપાય છે જ ક્યાં!? મારું સંપૂર્ણ અસ્તિત્વ જાણે એના ભીતર ઓગળી જઈ એકરસ થવા લાગ્યું. જાણે મારામાં અને એનામાં કોઈ ભેદ જ ન રહ્યો.

"દીદી...હું જાઉં અંદર?" ઓચિંતો જ કાંતાબાઈનો અવાજ સાંભળી માયા હીંચકા ઉપરથી ઊભી થઈ ગઈ. એણે પોતાના બન્ને હાથ પોતાની પાછળ સંતાડી રાખ્યા. જાણે કશુંક હતું એના હાથમાં જે એ કોઈને પણ દેખાડવા ઇચ્છતી નહોતી.

"હા જા! એમાં પૂછે છે શું? તારા સાહેબ તો ક્યારના કામ પર નીકળી ગયા! તું ઝડપથી કામ પૂરું કર. મારે એ પછી મયૂરની દવા લેવા બહાર જવું છે." માયાએ આમતેમ નજર ફેરવતા જવાબ આપ્યો.
                        ******

"સર, હું માયા. હું કાલે પણ આપની પાસે આવી હતી. મયૂર, મારા પતિ... અડતાળીસ કલાક પહેલા ઘર છોડીને નીકળ્યા હતા... હજુ, હજુ સુધી ઘરે પાછા ફર્યા નથી. આપ મહેરબાની કરી આપની કાર્યવાહીને થોડી ઝડપી બનાવો. મારા મયૂરને પ્લીઝ મારી પાસે પાછો લાવી આપો. સર... હું હાથ જોડું છું આપની સમક્ષ!" બોલતાં જ માયાની છાતીમાં ડૂમો ભરાઈ ગયો. આંખો જે બે દિવસથી સતત વહીને સાવ ઉજ્જડ થઈ ગઈ હતી એ મયૂરનું નામ હોઠ પર લાવતા જ ફરી ખારા નીરથી ઉભરાઈ આવી.
  
"જુઓ મિસ. માયા, મેં તમને કાલે પણ કહ્યું હતું અને આજે ફરી કહું છું... મિસ્ટર મયૂરની કોઈ જૂની તસ્વીર હોય તો આપો અમને; જેથી એમને ઓળખવામાં અને શોધવામા થોડી મદદ મળે." ફાઈલના પાનાઓમાંથી માથું ઊંચું કર્યા વગર જ ઇન્સ્પેક્ટર શાહે કડકાઈથી ઉત્તર આપ્યો.

ગભરાયેલી માયાએ હળવેથી પોતાની બેગમાંથી એક કાગળનો ડૂચો બહાર કાઢ્યો. ધીમેથી એણે એ ડૂચાને સરખો કરી ઇ.શાહ તરફ ધર્યો. કાગળ તરફ જોઈ ઇ.શાહે અણગમા સાથે ઊંડો શ્વાસ ભર્યો, અને કંટાળાજનક નજરે માયા તરફ અમુક ક્ષણ જોતાં રહ્યાં. ઇ.શાહનો કંટાળો કળી ગયેલી માયા થોડા ખચકાટ સાથે બોલી,

"નહીં ચાલે?"

"ચાલશે મેડમ, જે હોય એ આપી દો. હું આજે જ શહેરના ખૂણેખાંચરે મિસ્ટર મયૂરના ફોટો ચીપકાડાવી દઈશ. એકાદ ફોટો તમારી પાસે પણ રાખજો. તમે પણ અમને સહકાર આપશો તો તમારા પતિને ઝડપથી શોધી કાઢીશું! બાકી બીજી બધી કાર્યવાહીઓ તો મેં કાલથી જ આરંભી દીધી છે. તમારા પતિના સંબંધિત બીજા કોઈ પ્રશ્ન હશે તો અમે તમને બોલાવીશું." ઇ.શાહે પરિસ્થિતિની ગંભીરતાને સમજીને અવાજમાં હળવી સહાનુભૂતિ ભેળવી જવાબ આપ્યો. માયા ઊભી થઈને પોલીસથાણામાંથી બહાર નીકળવા આગળ વધી.
     
"મિસ. માયા! તમારા શરીર ઉપર આટઆટલા ઉઝરડાઓ પડવાનું કોઈ કારણ?" ઇ.શાહે પહેલી વખત ફાઈલોમાંથી માથું ઊંચું કર્યું.
   
"સ્ત્રીજાતિ છું, સાહેબ! થોડા ઘણા જખમ તો જીરવી લેવાં જ પડે. દરેક ઉઝરડાનું કારણ જગજાહેર ન કરાય." ચહેરા પર કોઈ અભેદ્ય સ્મિત સાથે માયા પોલીસથાણામાંથી ઝડપથી બહાર નીકળી આવી. ઇ.શાહ એક જ ક્ષણમાં માયાની નજરમાં છુપાયેલો ભેદ પામી ગયાં.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ