વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માય હસબન્ડ ઇઝ મિસિંગ:

પ્રકરણ:૩ માય હસબન્ડ ઇઝ મિસિંગ


ઓહો! ભઈલા! આજે નવું પુસ્તક ઊપાડી લાવ્યો. જૂનાં બધા ઓગાળીને પી ગયો કે શું !?" મિહિરના હાથમાં નવું પુસ્તક જોઈ હિરેને કટાક્ષમાં કહ્યું.

"આ પણ વાંચી લીધું છે." આંખો ગોળાકાર ફેરવી મિહિરે ટૂંકમાં જવાબ આપ્યો.

"ઓહ! આ થઈને વાત! તારા વ્યક્તિત્વને આવું જ શોભે!"

    "તે કાવ્યા મહેતાનું નામ સાંભળ્યું છે?" મિહિરના મુખેથી અનાયાસે જ અમુક શબ્દો સરી પડ્યા. એને પોતાને અચંબો થયો કે એને ખોટા વ્યક્તિને ખોટો પ્રશ્ન શા માટે પૂછ્યો!

"હમ્મ્મ્મ્મ...! કાવ્યા મહેતા? મારા ખ્યાલથી... કદાચ મારી એકાદ ગર્લફ્રેન્ડનું નામ હતું કાવ્યા. હવે અટક યાદ નથી હો ભઈલા!" હિરેને હંમેશની જેમ હવામાં અધ્ધર વાતો કરવાની ચાલુ રાખી.
     
"માફ કરજે ભાઈ! ઊંધો પ્રશ્ન પૂછાય ગયો મારાથી તને. તું તારે લાગ્યો રહે તારા કામમાં." અણગમા સાથે મિહિરે સંવાદને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો.
             
"શું થયું મિહિર! કોણ છે કાવ્યા? શું એ તારી..?" ઢોંગીલા હાસ્ય સાથે હિરેન મિહિર તરફ આંખો નાની કરી જોવા લાગ્યો.

"નો મેન..! એક લેખિકા હતી!"

"હતી..! એટલે મરી ગઈ..!?"

"ના હવે! ખબર નહીં, અત્યારે ક્યાં છે? કદાચ લખવાનું મૂકી દીધું."

"તો એમાં તું શું કામ ચિંતાતુર થાય છે? નડ્યું હશે બહેનને કોઈ વિઘ્ન! એટલે ચોપડીઓ ચીતરવાની મૂકી દીધી હશે!"  બેદરકાર હિરેન પલંગ ઉપર પડેલા ઓશીકા સાથે રમવા લાગ્યો.

"હા કદાચ, વિઘ્ન જ નડ્યું હશે! જાતે જ રચેલું વિઘ્ન જાતને તો નડવાનું જ!" હમ્મમ્.....સાથે મિહિરે ઊંડો શ્વાસ ભર્યો.
              
"હા હો, સાચું કહ્યું તે!" હિરેનના નીરસ જવાબથી મિહિર સમજી ગયો કે હિરેનને વિઘ્ન વિશે જાણવામાં કોઈ રસ નથી, પણ મિહિરના આશ્ચર્ય વચ્ચે હિરેને અજુગતા જ પ્રશ્નનો મારો કર્યો.
           
"પણ ભઈલા! એના વિઘ્ન વિશે તને ક્યાંથી જાણકારી મળી! શું તું એના ચક્કરમાં તો..?"

"ના ભાઈ ના! વાત એમ છે કે છ વર્ષ પહેલાં કાવ્યા મહેતા લિખિત પ્રથમ નૉવેલ પ્રકાશિત થઈ હતી. એ પુસ્તકે ખૂબ ટૂંક સમયમાં જ ધાંધલ મચાવી હતી. સ્ત્રીસશક્તિકરણના ઉદ્દેશ્યથી લખાયેલા એ પુસ્તકને વાંચનના શોખીન દરેક વ્યક્તિએ હર્ષભેર વધાવ્યું હતું. એ પછી અઢળક સામાયિકોમાં, છાપાઓમાં એની ઢગલાબંધ વાર્તાઓ છપાવવા લાગી. આમ તો દરેકમાં છપાયેલી વાર્તાઓનો વિષય સતત સ્ત્રીસશક્તિકરણ જ રહ્યો. જેથી કાવ્યા મહેતાની વાર્તાઓને સ્ત્રીઓ તરફથી સતત આવકાર મળતો રહ્યો." મિહિરને ફરી લાગ્યું કે પોતે ખોટા વ્યક્તિને પાઠ ભણાવે છે.

"તો! એમાં વાંધો શું છે! આ વિષય અને એ વિષય ઉપર લખનારા નવા થોડી છે?" મિહિરના આશ્ચર્ય વચ્ચે હિરેને મિહિરના ભણાવેલા પાઠમાં રસ દેખાડ્યો.

"વાંધો એને લખેલા વિષય ઉપર નહોતો. વાંધો એ બાબત ઉપર હતો કે એને પોતાના લખાણમાં એ વિષયના એક જ પાસાને ઉજાગર કરતી બાબતોનો સમાવેશ કર્યો હતો. જેમાં સ્ત્રી સ્વતંત્રતા કરતા સ્વચ્છંદતાની અને સ્ત્રી જાગૃકતા કરતા ઉશ્કેરવાની બાબતો વધુ જોર દઈને લખાઈ હતી! એને વાર્તાઓમાં સ્ત્રીઓને કેન્દ્રમાં રાખી. જેમાં સ્ત્રીઓને અબળા નારી તરીકે જ દર્શાવવામાં આવી. એની તેજાબી કલમ આ વાર્તાઓમાં સતત પુરુષોને ધિક્કારતી રહી! દરેક વાર્તાઓમાં એણે સ્ત્રીઓની યાતનાઓ માટે ફક્ત પુરુષોને જવાબદાર ગણાવ્યાં! પુરુષોનો જ થુત્કાર કર્યો."
      
"ઓહ! એમ...હશે હવે! બહેનને પુરુષોથી વધુ પડતું નડતર મળ્યું હશે, નહીં!? પણ ભઈલા તને બહેન વિશે આટલું ઊંડું જ્ઞાન મળ્યું ક્યાંથી? ચોક્કસ કોઈ ઘાલમેલ લાગે છે મને?" હિરેને ફરી મિહિરના ટાંટિયા ખેંચવાના ચાલુ કર્યા.

"શું હિરેન, દરેક વાતને આડી જ રીતે લેવું જરૂરી છે? અરે આ બુક હું જ્યાંથી લાવ્યો ત્યાંના લાઇબ્રેરિયનને મોટાભાગના દરેક પુસ્તકો અને એના લેખકો વિશે જાણકારી હોય છે. એમણે મને આ કાવ્યાગાથા કહી સંભળાવી."
   
"હે શું વાત છે? અરે, દેખાડ.. દેખાડ... જરાક જોવા તો દે. આ લેખિકા મહોદયા દેખાય છે કેવી?" ઉત્સાહમાં આવી હિરેને, મિહિરના હાથમાં રહેલા પુસ્તકને ખેંચી લીઘું.

"ઓહ મેન! આ તો જોરદાર."
         
"વિચારજે પણ નહીં. આપણી પહોંચની બહારની છે એ સ્ત્રી! આ ફોટો પણ છ વર્ષ પહેલા જ્યારે એની પ્રથમ પુસ્તક છપાય હતી તે વખતનો છે. હાલ તો કોઈ જ નથી જાણતું એ લેખિકા છે ક્યાં? એનું છેલ્લું પુસ્તક ચાર વર્ષ પહેલાં છપાયું હતું. એ પછી એ લેખિકાનું નામ ન તો કોઈ સામાયિકમાં દેખાયું, ન તો કોઈ વ્યક્તિ એને રૂબરૂ મળી." મિહિરના ચહેરા ઉપર બદલાયેલા હાવભાવ એનાં હૃદયમાં દફનાયેલાં ભેદી સંસ્મરણોનું પ્રમાણ પૂરું પાડવા લાગ્યા.

"ઓહ! એટલે બહેન ગેબી દુનિયામાં અલોપ થઈ ગયાં એમ ને?" અચંબા સાથે લાપરવાહીની મિશ્રિત લાગણીઓ હિરેનના અવાજમાં પડઘાતી હતી.

"ખબર નહીં! પણ જે સ્ત્રીની કલમ જ્વાળા ઓકતી હોય એવી સ્ત્રીનું એકાએક આમ અદ્શ્ય થઈ જવું અચરજ પમાડે છે." મિહિરના ચહેરા ઉપર કાવ્યા વિશે જાણવાની તાલાવેલી સ્પષ્ટ દેખાતી હતી.
    
"મૂકને હવે ભઈલા! મહોદયાશ્રી હિમાલય પ્રસ્થાન કરે કે સ્વર્ગ, આપણે શું? ચાલ ઊભો થા! આજે તને કાકાના ધાબાની સેર કરાવું!" કાવ્યાના વિચારોને ચકડોળે ચઢેલા મિહિરને હિરેને પીઠ ઉપર ધબ્બો મારીને નીચે ઉતાર્યો.

"અરે યાર હિરેન! આજે પણ તે જમવાનું નથી બનાવ્યું? તારો વારો હતોને આ...."

"ચૂપ રહે. તું જમવાથી મતલબ રાખ. જમવાનું કાકા બનાવે કે કાકી? તને એનાથી શું લેવાદેવા! ઊભો થા મારા બાપ! પૈસા તું ન આપતો, બસ! હું આપીશ." બળજબરીથી ઊભો કરી હિરેને મિહિરને વચ્ચે જ બોલતો અટકાવ્યો

            *****

માયાની બદહાલી જોઈ કોઈને પણ એની તરફ અનુકંપા ઉપજે એ સ્વાભાવિક હતું. વેરવિખેર વાળ અને સૂજેલી પાંપણો લઈ એ શહેરની એક-એક શેરીઓ ફરી વળી. સતત દસ દિવસથી મયૂરની એક ઝલક માટે તરસી રહેલી માયા, મયૂરને શોધવા શહેરના દરેક ઘરનાં પગથિયાં ચઢવા, એકેએક બારણાં ખખડાવવા તૈયાર હતી. પોતે જાણતી હતી કે મયૂર પોતાના જેટલો જિદ્દી નહોતો જ! એક દિવસ આ રીતે એ જીદ ઉપર ચઢશે અને માયાને આમ રઝળતી મૂકી દેશે એવો ખ્યાલ પણ માયાને ક્યાં હતો!?

શિયાળાની ઠંડી રાત્રિના લગભગ અગિયાર વાગ્યા હતા. ગુલાબી સાડીમાં લપેટાયેલી માયા ઠંડીમાં ધ્રૂજતી શહેરના મુખ્ય રસ્તેથી ધીમા પગલે પોતાના ઘર તરફ પ્રસ્થાન કરી રહી હતી. માનસિક અને શારીરિક રીતે થાકીને સાવ બેજાન થયેલી માયા એકએક પગલાં માંડ ભરી શકે એવી હાલતમાં હતી. હાથમાં ફક્ત એક ફોટો લઈ એ પોતાના પ્રેમીની શોધમાં નીકળી પડી હતી. માયાની દસ દિવસની રઝળપટ્ટી પછી પણ મયૂરનો કોઈ પત્તો નહોતો. રસ્તામાંથી પસાર થતા મોટા વાહનોને જોઈ માનસિક રીતે ભાંગી ગયેલી માયાને સતત એ વાહનોની અડફેટમાં આવી જઈ જીવન ટૂંકાવવાની ઇચ્છા થતી હતી.
'પણ, કદાચ ઘરે...ઘરે મયૂર પાછો આવી ગયો હશે! કદાચ એ પણ મારી વગર નહીં રહી શક્યો હોય એટલે એ પણ મારી પાસે પાછો દોડી.....' આ વિચારથી માયાનું મુખ એક ક્ષણ માટે ખીલી ઉઠતું. જીવતી લાશ થઈ ગયેલી માયા ફરી એકવાર જાણે નવપલ્લવિત થઈ મંદ-મંદ હસવા લાગતી. આવા વિચાર માત્રથી ઘર તરફ ચાલતા એના પગની ગતિ આપમેળે વધી જતી. ઘડીકમાં રડતી; ઘડીકમાં હસતી; ક્યારેક તો હાસ્ય અને રુદન એકસાથે એના મુખે ઉભરાતું. કાળમીંઢ અંધકારમાં સતત બદલાતા એના વિચિત્ર ભાવો એની દશાને વધુ દયનીય બનાવતાં હતાં.
   
ઘરના વરંડામાં પ્રવેશતાં જ માયાનું શરીર બરફ માફક થીજવા લાગ્યું. થોડીક ક્ષણ પહેલા દેખાતો ચંદ્ર જેવો ચમકતો માયાનો ચહેરો ફરી અમાવસ્યાની કાળી રાત્રિના અંધકારમાં પરિણમ્યો. બંધ ઘરના દરવાજે લટકતું તાળું જોઈ એના શ્વાસોશ્વાસ ભારે થવા લાગ્યાં.
'એનો અર્થ એમ છે કે મયૂર નથી આવ્.....' વિચાર સાથે જ માયાનું શરીર જડ થઈ ઘરના વરંડામાં ફસડાઈ ગયું. ઘરની અંદર પ્રવેશવાનું કોઈ કારણ હતું જ ક્યાં! અરે ઘરની અંદર જ તો મયૂર સાથે જીવેલી અઢળક સ્મૃતિઓ હજુ પણ શ્વાસ ભરી રહી હતી. જે આજે મયૂરની ગેરહાજરીમાં માયાને પળે પળે ડંખતી હતી. માયા ઘરની બહાર જ વરંડામાં કોકડું વળી ફસડાઈ પડી. પોતાના ઢીંચણને પેટ સાથે દબાવી માયા ધ્રુસકે ચડી. કાળમીંઢ અંધકારમાં માયાનું રુદન હવામાં ફેલાઈને ધીમે ધીમે ક્ષીણ થવા લાગ્યું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ