વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રસ્તાવના

“વહેંચવાના લાડુ”

- 'વાંચેલું, સાંભળેલું, જોયેલું, ગમેલું, અનુભવેલું અને વહેંચેલું'

 

 

જય શ્રી કૃષ્ણ મિત્રો,

કેટલાક સમયથી એવું મન હતું કે એક એવી સ્પેસ હોવી જોઇયે જ્યાં અભિવ્યક્તિને કોઈ પરિમાણ ન હોય. કોઈ ચોક્કસ વિષય ન હોય, કોઈ ચોક્કસ બંધન ન હોય. Thinking out loud જેવું, પણ ફેસબુકની પોસ્ટ્સ જેવું પણ નહીં કે જેમાં આજે અહીં ગયો ને તહીં કશુંક ખાધું, કોઈ સમીક્ષાઓ પણ નહીં, કે કોઈ ફિલ્મ કે પુસ્તકની સમીક્ષાઓ – એ તો હું અલગથી મૂકતો જ રહું છું. પણ કોઈ એવા વિચારો કે જે કોઈ વાચનથી કે કોઈ શ્રવણથી કે કોઈ દ્રશ્યથી ઉદભવ્યા હોય, અને એ વિચારો જ્યાં વહેંચી શકાય એવી સ્પેસ – એવા વિચારોનો સંગ્રહ કે જેના બે મુખ્ય ઉદ્દેશ હોય. એક તો એ કે એ કોઈ જગ્યાએ સંગ્રહ પામે તો મને પોતાને ભવિષ્યમાં ફરીથી વાંચીને એ વિચારોને મમળાવવા ગમે અને બીજું કે મારા મિત્રોને, મારા વાચકોને કોઈ મને ગમતીલી વસ્તુનું, વાતનું કે વિચારોનો લાભ મળે.

પહેલે તો એ સ્પષ્ટતા કે હું પોતાને કોઈ ઉચ્ચ વિચારક માનતો નથી, એટલે જાણતો પણ નથી કે જે વિચારો આપની સમક્ષ વહેંચીશ એ આપને ગમશે કે નહીં, કે આપે આપેલા સમયની વસૂલાત કરી શકશે કે નહીં, પણ એ આવેલા વિચારો મને માણવાના ગમ્યા અને થયું કે આપની સમક્ષ મૂકું. આ જ કારણોસર ઘણાં સમયથી કરેલો વિચાર હંમેશા પાછો ઠેલતો આવ્યો હતો, પણ આજે સવારે એક સરસ મજાનું પુસ્તક વાંચતો હતો અને એમાં આવેલી એક બે લાઇન વાંચીને થયું કે આ શેર કરું અને એમાં મને શું અને શા માટે સારું લાગ્યું એ શેર કરું. ત્યારે થયું કે દોસ્ત, આવું તો આના પહેલા પણ થઈ ચૂક્યું હતું. જ્યારે સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક ‘મારા અનુભવો’ વાંચ્યું ત્યારે ઘણીબધી વાર, જ્યારે ગુણવંત શાહની કોઈ કટાર વાંચતો હતો ત્યારે, જ્યારે અસ્મિતા પર્વ પર કાજલ ઓઝા વૈદ્યને સાંભળ્યા ત્યારે, જ્યારે શાહબુદ્દીન રાઠોડની ‘શો મસ્ટ ગો ઑન’ વાંચી ત્યારે વગેરે વગેરે... અને હવે તો એમાંથી કઈ પર્ટીક્યુલર વાત ગમેલી અને કઈ શેર કરવા માંગતો હતો એ પણ ભૂલી ગયો. એટલે મોડું કરવામાં કોઈ ભલીવાર નથી. વાચકોને નહીં ગમે તો એ વચ્ચેથી વાંચવાનું છોડી દેશે, અથવા કેટલાક શુભચિંતકો જાણ કરશે, કોઈને ગમશે તો એમના મિત્રો સાથે વહેંચશે. એટલે આમ જુઓ તો ખૂબ જ અનિશ્ચિતતા સાથે આ સંગ્રહ શરૂ કરી રહ્યો છું. બીજી એક અનિશ્ચિતતા એ પણ છે કે આ કૉલમ હું કેટલી ચાલુ રાખીશ કે કોઈ ચોક્કસ અંતરાલ પર આમાં નવા પ્રકરણો ઉમેરતો જઈશ કે પછી મજા આવશે ત્યારે? અત્યારે તો થોડી સ્વચ્છંદતા, થોડી સ્વતંત્રતા માણીશ અને બધું જ અનિશ્ચિત જ રાખીશ. Just going with the flow…! અત્યાર સુધી મોટા ભાગે fiction જ લખવાનો અનુભવ છે મને. અને એ વિભાગમાં આપ સૌએ ખૂબ પ્રેમ પણ આપ્યો છે. વિચારોની અભિવ્યક્તિ પણ મોટા ભાગે fiction દ્વારા જ કરી છે. લેખ વગેરે વિભાગમાં ફિલ્મ સમિક્ષા સિવાય ખાસ અનુભવ નથી. તો એક નવું ખેડાણ છે. જોઇયે ક્યાં લઈ જાય છે!

હવે આવીએ આ સંગ્રહના નામ વિષે. એક સરસ મજાનો સંયોગ થયો. આજે સવારે જ આ સંગ્રહ શરૂ કરવાનો વિચારે કર્યો – ત્યારે નામ વિચાર્યું કે “વાંચેલું, સાંભળેલું, જોયેલું, ગમેલું, અનુભવેલું અને વહેંચેલું”. પણ એ નામ ઘણું લાંબુ લાગી રહ્યું હતું. કોઈ પંચલાઇન કે કેપ્શન જેવું. નહીં કે કોઈ પુસ્તકનું ટાઇટલ. એટલે મનના એક ખૂણે એ મૂકીને બીચ પર ચાલવા નીકળ્યો. ટેવ મુજબ ચાલતા ચાલતા યૂટ્યુબ પર અસ્મિતા પર્વનો એકાદ વિડીયો જોઈ રહ્યો હતો ત્યાં જય વસાવડાને એક સવાલ પૂછવામાં આવ્યો જેના જવાબના એક ભાગ રૂપે એમણે એક સરસ વાત કરી કે “મને જે પણ જોઉં, સાંભળું, શીખું, માણું એ બધા વાચકો સાથે શેર કરવાનું મન થાય. જેમ કોઈ બાળકને જ્યારે કોઈ લાડુ આપે અને એને હરખભેર મન થાય અને એ દોડતો શેરીમાં નીકળે અને પોતાના મિત્રો સાથે વહેંચે એમ હું પણ મને જે ગમ્યું હોય એ મારા વાચકો, મિત્રો સાથે શેર કરી દઉં.” અને મારા ચેહરા પર એક સ્મિત રમી ઉઠ્યું – ‘લે આ જ કરવા માટે તો મેં પણ આ સંગ્રહ ચાલુ કરવાનું વિચાર્યું સવારે જ, અને અત્યારે મનગમતા સર્જકે પણ એ જ વાત કરી..! વાહ..! હવે તો શુભસ્ય શીઘ્રમ..! અને આ વાત પરથી મને સંગ્રહનું નામ પણ મળી ગયું. – ‘વહેંચવાના લાડુ’

તો સફર શરૂ કરીયે મિત્રો..!

આપના પ્રતિભાવોની ખાસ રાહ જોઈશ.

- હાર્દિક રાયચંદા (માંડવી કચ્છ)

hardik.raychanda@gmail.com

+91 98251 98717

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ