વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

     આ એક કાલ્પનિક વાર્તા છે.... વાર્તાના દરેક પાત્ર બસ મારી કલ્પના નો એક ભાગ છે.... આ વાર્તામાં જણાવેલી બધી જ ઘટનાઓ નો વર્તમાન સમયમાં... ભૂતકાળ કે ભવિષ્ય સાથે કોઈ સંબંધ નથી....!

     તેજસ...! ઓ... તેજસ...! હજુ કેટલી વાર છે...? જમવાનું તૈયાર છે...! ખબર નહીં આ છોકરો એવી તો કઈ વાર્તા લખે છે....? અને વળી એને કોઈ વાંચે પણ છે... કે... શું...! કોકીલાબેન... તેજસ ઉપર ગુસ્સો ઠાલવતાં બૂમો પાડીને બોલી રહ્યા છે....
     જી... મમ્મી...! બસ હવે પૂરું જ કરું છું...! તમે પપ્પાને તો બોલાવો...! તેજસે હજુ તો માત્ર નવી વાર્તા લખવાની શરૂઆત જ કરી હતી... અને કોકિલાબેન ના અવાજ માં અનુભવાતી ક્રોધની જ્વાળા ને જાણી લીધી હોવાથી.... પોતાના સ્ટડી ટેબલ ના લેમ્પની લાઇટ બંધ કરી અને નોટ-પેનને થોડીવાર માટે વિરામ આપવાનું વિચાર્યું...!
     કોકીલાબેન પોતાના વ્યસ્ત કામકાજથી જાણે થાક્યા હોય... એ રીતે સુનિલભાઈ ને બોલાવવા એમના બેડરૂમ ના દરવાજે પહોંચ્યા અને બોલ્યા...
     તો...હવે... તમને પણ જમવાનું આમંત્રણ આપવાનું છે...!
     સુનિલભાઈએ પોતાના રોજિંદા હિસાબ ની ડાયરી બંધ કરતાં કોકીલાબેન સામે જોતાં જોતાં કહ્યું...
     અરે ભાગ્યવાન...! આ જમવાના સમયે તને કયા માતાજી આવે છે... કે તું જાણે સાક્ષાત માતા ચંડી નું રૂપ ધારણ કરી લે છે...!
     ઓહ્...! તો... હવે... હું માતા ચંડી... એમ...ને...! ખરેખર હવે મને લાગે છે કે મારો સમય ઘરમાં પૂરો થવાની તૈયારી છે....! એક તો સમય ઉપર રસોઇ કરો... અને જમવા માટે બોલવું... તો દીકરો પોતાના જાદુઈ દુનિયા ના વિચારમાં... અને પિતા પોતાના વ્યવહાર જગતમાં...! અને... હા... તમારી વ્હાલી જાનકી... એ તો કેટલા બ્રહ્માંડ સર કરી ચૂકી છે... એનો તાગ તો ભગવાનને જડે એમ પણ નથી...!
       કોકીલાબેન એ પોતાનો ગુસ્સો ઠાલવતાં કહ્યું અને બીજું કંઈ બોલે તે પહેલાં સુનિલભાઈ એ રોજની આદત પ્રમાણે શરણાગતિ સ્વીકારતા કહ્યું...
     અરે ભાગ્યવાન....! થોડો વચ્ચે શ્વાસ તો લઈ લે.... અને ચાલ.... હું જમવાના ટેબલ ઉપર તારી સાથે મદદ માટે આવું છું....
      કોકીલાબેન એ સુનિલભાઈ સામે જોઈને જાણે ગંભીર રીતે એક ઊંડો શ્વાસ લીધો હોય એમ છણકો કરીને પાછા રસોડા તરફ તેજસ ના નામની બૂમો પાડતા જવા માંડ્યા...
     દાદર ઉતારવા નો અવાજ આવ્યો... અને ત્યાં જ સુનિલભાઈ પણ એમના રુમની બહાર આવ્યા... અને તેજસ ને જોતા બોલ્યા....
     ભાઈ... તેજસ...! આજે સાચવવું પડશે...! નહીં તો ૧૯૪૫ પછી ત્રીજો એટમ બોમ ડાઈનીંગ ટેબલ ઉપર જ ફૂટવાનો છે...!
     તેજસ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો...
     પપ્પા...! મમ્મી નું આ રોજનું છે...! જો કે ખરેખર તો વાંક આપણો જ છે...! તમે ચિંતા નહીં કરો...! તમે ફ્રેશ થઈને ટેબલ ઉપર આવો...! હું ત્યાં સુધી મમ્મીને થોડી મદદ કરું... એટલે મને ગુસ્સો થોડો ઓછો થઈ જાય...!
     સુનિલભાઈએ તેજસ સામે હસતાં હસતાં જોઈને હા પાડી... અને હાથ-પગ ધોવા બાથરૂમ તરફ જવા માંડ્યા... અને તેજસ રસોડામાં પ્રવેશ્યો અને બોલ્યો...
     મમ્મી...! ઓ... મમ્મી...! આજના મેનુમાં શું છે...?
     કોકિલાબેન ને ખબર પડી ગઈ હતી કે હવે બાપ-દીકરો મળીને માખણ વાળી કરવાના છે...! એટલે પોતે આજે કોઈને વાત નહીં સાંભળશે... એ ઈરાદે બોલ્યાં...
     બસ... બસ...! જો... મેનુ જ જાણવું હોય તો રસોઈ જાતે જ કરતાં શીખો...! હવે લગ્નની ઉંમર થવા જઈ રહી છે.... અને ખબર નહીં ભવિષ્યને કોઈ ચિંતા છે પણ ખરી કે નહીં...!
      આજે ખરેખર કોકીલાબેન કોઈપણ રીતે શાંત પડે એમ ન લાગતાં... તેજસ ફ્રીજમાંથી પાણીની બોટલ લીધી.... રસોડાના પ્લેટફોર્મ ઉપરથી ગ્લાસ ઉપાડ્યા... અને સીધો જ ડાઈનીંગ ટેબલ ઉપર પહોંચ્યો અને બોલ્યો...
     આજે મમ્મી નું પ્રેશર કંઈક વધારે જ ઊંચું છે... પપ્પા...! આજે તિથિ શું છે...? ક્યાંક અમાસ તો નથીને...! અને આટલું બોલતાં જ સુનિલભાઈ અને તેજસ ખડખડાટ હસી પડ્યા...
     અનાયાસે કોકીલાબેન નું ધ્યાન ત્યાં જ હોવાથી... રસોડામાંથી બહાર આવતાં આવતાં બોલ્યા...
     બરાબર છે...! બાપ મને ચંડી દેવી કહે છે... અને દીકરો તિથિઓ જોઈ રહ્યો છે...! હું જ મુરખ છું કે જમવા માટે જીવ બળી રહી છું...!
     એટલે તેજસ તરત કોકિલાબેન ના હાથ માં થી શાક ની તપેલી લઈને ટેબલ ઉપર મૂકે છે... અને કોકિલાબેન ના ખભે હાથ મૂકતાં બોલે છે...
     અરે મમ્મી...! તું તો આ દુનિયાની બેસ્ટ મમ્મી છે...! અને તું ચંડી દેવી નહીં... પણ માતા અન્નપૂર્ણા નો અવતાર છે...! હવે... તું અહીં જરા શાંતિથી બેસ... અને એ બોલ કે આજે કેમ આટલી અકળાઈ ગઈ છે...!
     કોકીલાબેન એ તેજસનો હાથ ખભા ઉપરથી ખસાડયો... અને ખુરશી ઉપર બેસતાં... એમની મૂળ ચિંતા વ્યક્ત કરતા બોલ્યા...
     જાનકી... સવાર થઈ ગઈ છે...! અને એનો ફોન પણ નથી ઉપાડતી...! તું તારી વાર્તા માં પડ્યો રહે... અને તમે તમારા કામમાં...!
     તેજસે એક ગ્લાસમાં પાણી ભર્યું અને કોકિલાબેન ને આપવા જતો હતો... કે ડોરબેલ વાગ્યો...! એટલે તેજસે પાણીનો ગ્લાસ કોકીલાબેન ને આપતા કહ્યું...
     લો... મમ્મી...! આ તમારી ચિંતા નું નિદાન... તમારી લાડકી... જાનકી... આવી ગઈ... તમે પાણી પીઓ... હું દરવાજો ખોલું છું...! અને તેજસ દરવાજો ખોલવા પહોંચ્યો...
     દરવાજો ખોલતાં જ... ખિલખિલાટ હસતી... અને યુવાનીના તરવરાટ માં થનગનાટ કરતી... જાનકી અંદર આવી... અને દોડીને સીધી જ કોકીલાબેન પાસે પહોંચી અને એમને ભેટતાં જ બોલી...
     ઓ માય ડિયર મોમ...! આઈ લવ યુ... મોમ...! પપ્પા આઈ લવ યુ ટુ...!
     કોકીલાબેન ને છણકો કરતાં... જાનકી નો હાથ પોતાના ખભા ઉપરથી ઉતાર્યો... અને હજુ એ કંઈ બોલે એ પહેલાં જ... સુનિલભાઈ સ્થિતિ સાચવવાં વચ્ચે બોલ્યા...
     જાનકી...! ક્યાં હતી સવારથી...? તારી મમ્મી કેટલી ચિંતામાં હતી... એટલીસ્ટ... તારે ફોન તો કરવો જોઈએ....!
     કોકીલાબેન ને ખ્યાલ આવી ગયો કે સુનિલભાઈ... જાનકી નો બચાવ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે...! એટલે જાનકીને બોલતાં પહેલાં જ.... તેમણે સુનિલભાઈ સામે આંખો મોટી કરી... અને ચેતવણીના સૂરમાં કહ્યું...
     હવે... તમે પક્ષપાત કરવાનું બંધ કરી દો...! અને તૂં જાનકી... ક્યાં હતી સવારથી...?
     જાનકી એ એના પર્સમાંથી એક લેટર કાઢ્યો... અને હસતાં હસતાં બોલી...
     મમ્મી.... પપ્પા...! આ જુઓ... ગુડ ન્યુઝ...! અમારી કોલેજમાંથી ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે સ્ટુડન્ટનો સિલેક્શન હતું... ગયા મહિને...! અને મારું સીલેક્શન થઈ ગયું છે... મારે ઇજિપ્ત જવાનું છે...!
     સુનિલભાઈ અને કોકીલાબેન એકબીજા સામે જોઈ રહ્યાં હતાં કે તેજસ બોલ્યો....
     અરે વાહ જાનકી.... આ તો ખરેખર ગુડ ન્યુઝ છે...! તો ક્યારે જવાનું છે...?
     સુનિલભાઈએ કોકિલાબેનને આંખોના ઇશારાથી શાંતિ રાખવા કહ્યું... એટલે કોકીલાબેન શાંત થતાં બોલ્યા...
     હવે... પહેલા જમી લો બધાં...! આ બધી વાત તો પછી પણ થશે... અને ખરેખર તો મારી ઈચ્છા નથી કે તું આટલે દૂર જાય...
     તેજસે પોતાની ડિશમાં શાક લેતા કહ્યું...
     અરે મમ્મી...! ઈજીપ્ત જવાનો ચાન્સ બધાને નહીં મળે...! અને જાનકી જઈને આવશે... તો મને પણ મારી વાર્તા માટે નવો વિષય મળી જશે...!
     તેજસના ઉત્સાહ અને શાંત કરવા માટે સુનિલભાઈ વચ્ચે જ બોલ્યા...
     તેજસ... હવે, પહેલા શાંતિથી જમી લેશું...! જાનકી... જા... તું પણ ફ્રેશ થઈને આવ... પછી બધાં સાથે જ જમવાનું શરૂ કરીએ....

(વધુ આગળ ના ભાગમાં...)
        ‌.                                  - મહેશ શાહ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ