વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમાંતર ૧

          તેને રખડવાનો બહુ શોખ. તે હમેશા પોતાની કાર લઈને નીકળી પડતો અને પહાડીઓ તરફ જતો. ત્યાં જઈને પ્રકૃતિ સૌન્દર્યના ફોટા પાડતો જે ટ્રાવેલર મેગેઝીનમાં છાપતા. આ વખતે તેણે નક્કી કર્યું કે તે થોડો આગળ જશે.

 

            પહાડીની તળેટીમાં વસેલું નાનું શહેર આમ તો સુખી. રમેશ મુંબઈમાં પોર્ટફોલિયો બનાવતો પણ હવે તે કંટાળ્યો હતો અને પાછો પોતાના વતનમાં આવી ગયો હતો. મોટી જમીનજાયદાદ હોવાથી તેણે કોઈ સ્થાયી નોકરી કરવાની જરૂર ન હતી. બહાર નીકળતી વખતે તેણે નીલાને કિસ કરી અને કહ્યું,”આજે આવતાં બપોરના બે વાગી જશે. આજે કંઇક સ્પેશલ બનાવ.”

 

            નીલાએ હસીને હકારમાં માથું હલાવ્યું અને અંદરની તરફ નીકળી ગઈ. રમેશ કાર લઈને બજારમાં આવ્યો અને પોતાના માટે થોડા સમોસા બંધાવી લીધા અને સાથે જ સિગરેટનું એક પેકેટ લઇ લીધું.

 

            મોહનલાલ નામના પિતાના મિત્ર મળ્યા તેમની સાથે થોડીવાર વાત કરવા રોકાયો પછી ઘડિયાળમાં જોયું અને કહ્યું,”કાકા, મોડું થાય છે. આવો ક્યારેક ઘરે ગપ્પા મારશું.”

 

            એમ કહીને ગાડીની ડ્રાઈવિંગ સીટ ઉપર ગોઠવાયો અને બાજુની સીટ ઉપર મુકેલા પોતાના નવાનક્કોર સોની કેમેરા તરફ નજર કરી. આજે તે પહેલીવાર વાપરવાનો હતો. અમેઝોન દ્વારા ગઈકાલે જ ડીલીવરી મળી હતી. તેણે કવર ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો અને ગાડી આગળ વધારી.

 

            એક નિશ્ચિત સ્થળે તેણે ગાડી રોકી દીધી. તે રોજ આ જગ્યાએ ગાડી રોકી દેતો અને એક સિગારેટ પીને પછી ગાડી લઈને આગળ વધતો. આજે પણ તેણે ગાડી રોકી દીધી અને વડના ઝાડ નીચે ઉભો રહીને સિગારેટ પીવા લાગ્યો. તેને લાગ્યું કે તેને ચક્કર આવી રહ્યા છે એટલે તે બેસી પડ્યો. થોડીવાર પછી તે ઉભો થયો તો તેને વિચિત્ર આભાસ થયો.

 

            કંઇક તો હતું જે અલગ હતું. તેણે વડ તરફ નજર કરી તો તેના પત્તાનો આકાર બદલાયેલો હતો. તેની વડવાઈઓ પણ રોજ કરતાં આગળ લાગી રહી હતી. તેણે ડપહાડીઓ તરફ નજર કરી તો તેમણે પોતાનું સ્થાન બદલી દીધું હોય તેમ લાગ્યું. તે વિચારવા લાગ્યો કે આ કઈ રીતે શક્ય બને? લાગે છે સિગારેટમાં કોઈ ગડબડ છે. તેણે પેકેટ કાઢીને જોયું તો તેની આંખો પહોળી થઇ ગઈ. તે પેકેટ ઉપરનું લખાણ કોઈ અન્ય ભાષાનું હતું.

 

            તેણે સામે જોયું તો ત્યાં તેની ગાડી ઉભી ન હતી. તે ડરી ગયો કે રખે કોઈએ હવામાં કોઈ કેમિકલ છોડીને તેની ગાડી ચોરી લીધી. તેણે ન વાપરેલો કેમરા પણ નહોતો. હવે શું કરવું એક વિચારતો રહ્યો.

 

            કોઈ ગડબડ થઇ છે એમ વિચારીને તે શહેરની તરફ પગપાળા જ પાછો આવ્યો તો શહેર થોડું બદલાયેલું હતું પણ તેમાં જેટલા લોકોને જોયા તે બધા જ અજાણ્યા હતા. દુકાનો બદલાયેલી હતી જ્યાં રસિકલાલની કરીયાણાની દુકાન હતી ત્યાં હવે કોઈ ટેલરની દુકાન હતી. જ્યાં મગનલાલનો પાનનો ગલ્લો હતો ત્યાં હવે કોઈ હાર્ડવેર દુકાન હતી. દુકાનોના નામ પણ કોઈ જુદી ભાષામાં હતા. તે ઉભી બજારમાં ફર્યો પણ કોઈ ઓળખીતું મળ્યું નહિ એટલે તે ઝડપથી ઘર તરફ આગળ વધ્યો. પોતાના બંગલાની બહાર ઉભા રહીને જોયું તો તેનું કન્સ્ટ્રકશન થોડું જુદું હતું. તેણે અંદર જવાનો પ્રયત્ન કર્યો પણ અંદર બે મોટા વિશાળકાય કુતરા બેસેલા હતા.

 

            કુતરાઓના ભસવાનો અવાજ સંભાળીને નીલાને બદલે કોઈ બીજી સ્ત્રી બહાર આવી અને રમેશ તરફ જોઇને કોઈ બીજી ભાષામાં પૂછવા લાગી. તે ઝડપથી બહાર નીકળ્યો. તે સમજી નહોતો શકતો કે શું થઇ રહ્યું છે. તે થોડીવાર બેસી રહ્યો અને પછી થોડું વિચારીને ફરી તે પાછો તે વડ પાસે પહોંચ્યો. તેણે ફરી પોતાના ખિસ્સામાંથી સિગારેટ કાઢી અને સળગાવી. તેને આશા હતી કે ફરી તેને ચક્કર આવશે અને ફરી બધું જેવું હતું એવું બની જશે. પણ એવું કંઇ ન થયું.

 

            તેણે એક વિચાર કર્યો અને ત્યાં મુકેલા બાકડા ઉપર સુઈ ગયો. તેણે વિચાર્યું કે કદાચ હું સ્વપ્નમાં હોઉં. થોડીવાર પછી આંખ ખુલી તો બધું એવું જ હતું. વડના પાંદડાનો આકાર જુદો હતો અને પહાડીઓ બદલાયેલી હતી. ઘણો સમય થઇ ગયો હતો અને તેને ભૂખ લાગી હતી.

            તે પાછો બજાર તરફ આવ્યો અને એક હોટેલમાં પ્રવેશી ગયો. ત્યાં કાઉન્ટર ઉપર બેસેલા વ્યક્તિ તરફ ગયો અને તેને કહ્યું,”ભૂખ લાગી છે કંઇક ખાવાનું મળશે?”

 

            તે વ્યક્તિએ કોઈ જુદી ભાષામાં જ જવાબ આપ્યો જે રમેશને ખબર ન પડી. રમેશે ઇશારાથી કહ્યું એટલે તે સમજ્યો. રમેશે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને બતાવ્યો તો તેણે પોતાની પાસે રહેલી જુદી નોટો બતાવી અને તેના પૈસા તરફ આ નહિ ચાલે એવો ઈશારો કર્યો.

 

            પણ હોટેલવાળાને રમેશનો ઉતરેલો ચેહરો જોઇને દયા આવી અને તેને એક ટેબલ ઉપર બેસવા કહ્યું અને તેને ખાવા માટે આપ્યું. ખાવાનું પણ સાવ જુદું હતું પણ રમેશને કકડીને ભૂખ લાગી હતી એટલે તે બધું ઝડપથી ખાઈ ગયો.

 

            બહાર આવીને તે વિચારવા લાગ્યો કે ન જાણે તે ક્યાં ફસાઈ ગયો છે. હજી થોડા સમય પહેલાં નીલાને બાય કહીને નીકળ્યો અને મોહનકાકાને મળ્યો અને અત્યારે અહીં મને કોઈ ઓળખતું નથી અને અહીની ભાષા પણ ખબર નથી પડતી. એવા વિચારોએ તેની આંખમાં આંસુ આવી ગયા અને તે જોરજોરથી રડવા લાગ્યો. તેની આસપાસ ભીડ જમા થઇ ગઈ. બધા તેને કોઈ જુદી ભાષામાં પૂછી રહ્યા હતા. થોડી જ વારમાં ત્યાં એક વ્યક્તિ આવ્યો અને તેણે રમેશને પોતાની પાછળ આવવાનું કહ્યું. તે તેની પાછળ ગયો.

 

            તે વ્યક્તિ ડોક્ટર હતો જે તેને એક કલીનીકમાં લઇ ગયો. ત્યાં બેઠા પછી તેણે કોઈ વિચિત્ર ભાષામાં પૂછ્યું પણ તેને કંઇ ખબર ન પડી. તે ડોક્ટર તેની મથામણ સમજી ગયો. તેણે પોતાના ડ્રોવરમાંથી એક યંત્ર કાઢ્યું જેમાં બે માઈક અને બે હેડફોન લાગેલા હતા. એક હેડફોન તેણે પોતે પહેર્યો અને બીજો રમેશને પહેરાવ્યો અને પછી માઈકમાં પોતી ભાષામાં બોલ્યો અને રમેશને સંભળાયું,”તું કોણ છે અને તારું નામ શું છે?”

 

            રમેશને હાશ થઇ અને તેણે પોતાની વીતકકથા તે ડોક્ટરને કહી.

 

            તે ડોકટરે કહ્યું,”મને આશ્ચર્ય છે એવા ઘણા બધા લોકોને મળી ચુક્યો છું જે દાવો કરે છે કે તે કોઈ પૃથ્વી નામના ગ્રહના વાસી અને અચાનક તેમની નજર સામેનું દ્રશ્ય બદલાઈ ગયું અને અહીં પહોચી ગયા. પણ અમારી ગ્રહમાળામાં પૃથ્વી નામના ગ્રહનું કોઈ અસ્તિત્વ નથી. તું જે ભાષા બોલે છે તે પણ સાવ જુદી છે. આ કદાચ સમાંતર વિશ્વ હોઈ શકે. તું અત્યારે મારી વાત સમજી રહ્યો છે તેનું કારણ છે અમારા વૈજ્ઞાનિકોએ બનાવેલું આ સાધન જેના દ્વારા મારા મનના વિચારો તારા સુધી તારી ભાષામાં પહોચે છે. જો કે તું અને તારા જેવા ઘણાબધા લોકો અહીં ક્યાંથી આવે છે તે હજી સુધી જાણી શક્યા નથી પણ તે જાણવાના પ્રયત્નો શરુ છે. પણ હવે તારા માટે એ સારું રહેશે કે તું અમારા પુનર્સ્થાપના વિભાગમાં થોડા દિવસ રહે અને અહીની ભાષા અને અહીનું કલ્ચર શીખ. કોઈ કામ શીખ જેનાથી અહીં સારી રીતે જીવી શકે. તે ઉપરાંત કોઈને પૃથ્વી નામના ગ્રહના સંદર્ભો આપવાનું બધા કર નહીતો બધા તને ગાંડામાં ખપાવી દેશે કારણ એવા કોઈ ગ્રહનું અસ્તિત્વ છે જ નહિ.”

 

            તે ડોકટરે કદાચ પુનર્સ્થાપના વિભાગને જાણ કરી દીધી હતી એટલે થોડી જ વારમાં એક વિચિત્ર આકારવાળી ગાડી આવી જેમાં રમેશ બેઠો અને નવું જીવણ શરુ કરવા નીકળી પડ્યો.       

 

ક્રમશ:

 

( સચિન મધુકર પરાંજપેની અગમ્ય વાર્તાનો આધાર લઈને લખાયેલી કૃતિ)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ