વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અનોખી સ્પર્ધા

     આજે દસમી વાર તે મારી સામે જીતી ગઈ હતી. વાત જાણે એમ બની કે મારી ઓફિસમાં એક છોકરી નવી જ જોડાઈ.  અમે બંને એક જ ટ્રેનથી સવારે આવીયે અને રેલ્વે સ્ટેશનેથી ત્રણસો મીટર દૂર ઓફિસ તરફ જઈએ.


     તે જોડાઈ તેના બીજે દિવસે હું સવારે ઓફિસ નજીક પહોંચ્યો, ત્યારે તે મારી આગળ ધીમી ચાલે ચાલી રહી હતી. ઓફિસમાં પ્રવેશ્યા પછી તેણે સ્મિત આપીને ગુડ મોર્નિંગ કહ્યું. હું વિચારમાં પડી ગયો કે ટુંકો રસ્તો અપનાવ્યો હોય તો પણ તેની આટલી ધીમી ઝડપે મારાથી આગળ કેવી રીતે પહોંચી ગઈ!


      બીજે દિવસે મેં મારી ઝડપ વધારી પણ ઓફિસમાં પહોંચીને જોયું, તે મારાથી પહેલાં જ પહોંચેલી હતી. હું બીજે દિવસે પણ તેનાથી હારી ગયો હતો. આ ઘટનાનું પુનરાવર્તન થવા લાગ્યું અને મારા મનમાં એક તરફી પ્રતિસ્પર્ધા નિર્માણ થવા લાગી.


    હું જુદા જુદા કયાસ કાઢવા લાગ્યો. તેના પગ મારા કરતાં લાંબા છે એટલે તેનું ડગલું મોટું હશે એટલે એક ડગલામાં મારાથી દોઢ ગણું અંતર કાપતી હોવી જોઈએ. વચ્ચે કદાચ થોડી ઝડપથી ચાલતી હશે અને ઓફિસ આવતાં જ ચાલ ધીમી કરતી હશે. વારંવાર થતી હારથી મારી અંદરનો પુરુષ વધુ છેડાઈ ગયો હતો.


     અંતે નક્કી કર્યું કે આજે તો તેને હરાવી દઈશ, એટલે થોડા ટુંકા રસ્તે હું લગભગ દોડતાં જ ઓફિસમાં વિજયી ભાવે પ્રવેશ્યો. પણ મારું સ્મિત તરત વિલાઈ ગયું કારણ તે પહેલેથી જ હાજર હતી.


    તે જલદી કેવી રીતે પહોંચે છે તે રહસ્ય જાણવા હું ઉતાવળો બન્યો. બીજે દિવસે તેનાથી  થોડો જ પાછળ ચાલવા લાગ્યો. જ્યારે રહસ્ય ખુલ્યું ત્યારે મેં મારા માથે હાથ મારી દીધો. થોડા આગળ સુધી પહોંચે એટલે તેનો કોઈ મિત્ર બાઈક ઉપર લિફ્ટ આપતો અને ઓફિસના વળાંક ઉપર ઉતારતો તેથી કોઈ દિવસ હું તેને જોઈ શક્યો નહોતો.


      અંતે મેં મારા મનમાં જન્મેલી પ્રતિસ્પર્ધાની ભાવના દૂર કરી અને હસીને પ્રતિસ્પર્ધા વિશે તે છોકરીને કહ્યું. તે છોકરીને અંદાજો પણ ન હતો કે તેની સાથે આવી સ્પર્ધા થઈ રહી છે. તે પણ હસી પડી.


(શીખ - ધ્યાન રાખવું વણજોઈતી સ્પર્ધામાં પોતાનું દિમાગ અને ઉર્જા ન ખપાવવાં)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ