વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2 # એક પત્ર મારી કલ્પનાની પાંખોને..

              એક પત્ર મારી કલ્પનાની પાંખોને...

​                     

​                                                       તા.17/3/2021



મારી ખાસ સખી મારી કલ્પનાઓ..,


ઓ મારી વ્હાલી કલ્પનાઓ, મારા  અપ્રિતમ ખ્યાલો, મારા હરદમના સાથી.. શું કહું તમને? ક્યાં નામથી નવાઝુ? જે પણ કહું તે ઓછું છે.


નાનપણથી તમે મારા મનમાં એક કુમળા છોડ તરીકે રોપાયા! અને જેમ હું મોટી થતી ગઈ તેમ તમે પણ મારાં દિલ દિમાગમાં તમારુ વિશાળ સામ્રાજ્ય સ્થાપી દીધું.અને એટલે જ ખૂબ નાની ઉંમરમાં હું તમારી આંગળી ઝાલી કવિતાઓની દુનિયામાં પા પા પગલી કરવા લાગી.


જ્યારે મારી સખી સહેલીઓ ધમાલ મસ્તી કરતી હોય ત્યારે હું ક્યાંક એકલતા શોધી તમાંરા સથવારે કંઇક જાતે બનાવેલ પંક્તિઓ  ગણગણતી હતી. અને  જેવું આવડે તેવું લખતી હતી..મારા જીવનમાં તમે દીધેલ દસ્તકના પગરવનો ધ્વનિ આમ મને એક આગવી ઓળખ આપશે તેતો મે કદી વિચાર્યું પણ નહોતું ! હું તો બસ તમને ખોબલેને ખોબલે વધાવતી અવિરત ચાલતી રહી...


પછી તો મારી આ યાત્રાની સંગિની બની મારી વ્હાલસોઈ ડાયરી અને કલમ..હું ,તમે અને ડાયરી -  પેન. કેવો સુંદર અને પ્રેરણાત્મક આપણો સંગાથ ! બસ પછી તો પૂછવું જ શું? જીવનની વ્યસ્ત ઘટમાળમાંથી તમે મને થોડીક પળો ચોરવા મઝબુર કરતી ! અને હું પણ બસ એ પળોને માણી ધન્યતા અનુભવતી !


દરિયો,રાતરાણી અને પારિજાતના ફૂલો,પ્રકૃતિના ખોળે હિલોળા લેતા ખળ ખળ ઝરણા આ બધું જોતાં જ મારી કલ્પનાઓ તમે મારા તન મનમાં મેઘધનુષી રંગો સમાન ખીલી ઉઠતી.અને તમને કાગળમાં કંડારવા હું તડપી ઉઠતી !


પહેલા તો ફક્ત હું જ તમને આલેખતી અને હું જ તેમને માણતી !  પણ આજે મારા દરેક વાચકો તમને  માણે છે.અને સરાહે છે.જ્યારે તેમની સરહનાઓ સાંભળુ છું ત્યારે મને તમારા પ્રત્યે અપાર લાગણી ઉગભવે છે.હું ગદ ગદ થઈ જાવ છું.


મારી પ્યારી કલ્પનાઓ તમે મને તમારી  સંગ તમારી પાંખે લઈ જઈ આસમાનમાં વિહાર  કરાવો છો, ત્યારે તો હું તમારી ઋણી બની જાવ છું.બસ  તમે આમ જ સરીતા સમાન અવિરત પ્રવાહે મુજમાં વહેતી રહો અને હું તમારાથી આમ જ હરદમ ભીંજાતી રહું !


હજી તો આપણે સંગ સંગ ઘણું ચાલવાનું છે.સફળતાના શિખરો સર કરવા છે.બસ તમે આમ જ મારી પ્રેરણા બની રોજ નવા સ્વરૂપે પ્રગટ થતી રહો .મારા છેલ્લા શ્વાસ સુધી તમે મારામાં મહેંકતી રહો.અને મારા ગયા બાદ પણ મારા નામે ચિરંજીવ રહો.મારી કલ્પનાઓ હું તમને અનહદ ચાહું છું. સવાર પડતાં જ જેમ ફૂલો ખીલી ઊઠે તેમ તમે મારામાં ખીલતી રહો અને હું તમને શબ્દોનાં શણગારથી  સજાવતી રહું.


💦ઝાકળના મોતી સમી ઝળહળતી ..

                          મારી કલ્પનાઓ.....💦

💦વસંત સમી નીત દિન ખીલતી...

                        મારી કલ્પનાઓ...💦

💦નિરાશાના વાદળોમાં નવી આશ બની ટમટમતી..

                           મારી કલ્પનાઓ...💦

💦સ્નેહ અને લાગણીમાં મને તરબોળ રાખતી..

                           મારી કલ્પનાઓ...💦

💦મને નવી ઓળખ આપી પોતાના રંગે રંગતી..

                         મારી કલ્પનાઓ....💦


                                       લી.તમારા થકી

                             નવી ઓળખ મેળવતી હૂં.


​Bhumi Joshi "સ્પંદન"




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ