વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

આર્યવર્ધન અને રાજવર્ધનના ગયાં પછી મેઘા પોતાના કક્ષમાં પાછી આવી ત્યારે તેને જમીન પર પડેલ એક સુવર્ણજડિત તીર અને એક મોરપંખ જોવા મળ્યું. આ જરૂર આર્યવર્ધન કાર્ય હશે. તેણે આ પોતાને ભેટ તરીકે આપ્યું હશે. આમ વિચારીને મેઘાએ તે તીર અને મોરપંખ સંભાળીને મૂકી દીધા. શ્રીવિષ્ણુની મૂર્તિ સામે ધ્યાનમાં લીન થઈ ગઈ.
****                  
આર્યવર્ધન અને રાજવર્ધન વરુણપ્રસ્થની રાજસભામાંથી અદ્રશ્ય થઈ ગયાં અને આર્યવર્તના દક્ષિણ છેડે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં દ્રશ્યમાન થયા. આર્યવર્ધને મંદિરની સામે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એટલે રાજવર્ધને તેનું અનુસરણ કર્યું. પણ હજી ત્યાં સૂર્યોદય થયો નહોતો તેથી આર્યવર્ધન મંદિરમાં પ્રવેશીને ગર્ભગૃહ પાસે નમસ્કાર કરીને ઊભો રહ્યો.
હવે સૂર્યોદય થવાનો હતો એટલે મંદિરના બધા પૂજારી મંગળા આરતીની તૈયારી કરી રહ્યા હતાં. જેવુ સુર્યનું પ્રથમ કિરણ દ્રશ્યમાન થયું તે સાથે જ આરતીનો પ્રારંભ થયો. આર્યવર્ધન જ્યોતિર્લિંગને નમસ્કાર કરીને આંખો બંધ કરીને રાજવર્ધનને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો પણ કઈ સમજાતું નહોતું. આરતીની પૂર્ણાહુતિ થયા પછી આર્યવર્ધન પ્રસાદી ગ્રહણ કરીને પુનઃ પ્રાંગણમાં આવ્યો અને સુર્યની સામે જોઈ રહ્યો.
“હે જ્યેષ્ઠ, આપ શું કરી રહ્યા છો તે મને સમજાતું નથી.” રાજવર્ધન આર્યવર્ધનની પાસે આવીને બોલ્યો.”કૃપયા મને સમજાવશો. મારું મન વિચલિત થઈ રહ્યું છે.”

આર્યવર્ધને એક હળવું સ્મિત કરીને  કહ્યું, “પ્રિય અનુજ, આ સ્થાન પર પ્રભુ શ્રીરામે લંકા પર આક્રમણ કરતાં પહેલાં મહાદેવની આરાધના કરી હતી અને તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને મહાદેવે અહી રામેશ્વર સ્વરૂપે સ્થાયી થવાનાનું વરદાન આપ્યું હતું. પ્રભુ શ્રીરામના પૂર્વજો સૂર્યવંશના હતા તેથી શ્રીરામ પણ સૂર્યવંશી કહેવાયા હતાં. તેથી આ સ્થાન સૂર્યદેવ અત્યંત પ્રિય છે. હવે અહીથી આપણે પોતપોતાના લક્ષ્ય તરફ પ્રયાણ કરીશું.”
આટલું કહીને આર્યવર્ધને સુર્યને નમસ્કાર કરીને આદિત્યસ્ત્રોત્રનું પઠન કર્યું. રાજવર્ધન આર્યવર્ધનની વાતનો મર્મ સમજી ગયો. તેણે સુર્યને નમસ્કાર કરીને ત્યાંથી પરત જવા માટે આર્યવર્ધનની આજ્ઞા માંગી.

આર્યવર્ધને તેને થોડા સમય માટે પ્રતિક્ષા કરવા માટે ઈશારો કર્યો. રાજવર્ધન થોડો પાછળ હટી ગયો. ત્યારબાદ આર્યવર્ધને કમર બાંધેલી તલવાર મ્યાન સાથે રાજવર્ધન સામે ધરી. રાજવર્ધને આદરપૂર્વક નીચે ઝુકીને તે તલવારને પકડી. તેની સાથે જ રાજવર્ધન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો અને તેની રાજધાની પ્રભાસક્ષેત્રના રાજમહેલમાં પહોંચી ગયો.
*****
આર્યવર્ધને મનમાં વિદ્યાદેવી મા સરસ્વતીને યાદ કરીને પોતાનું શરીર પાંચ તત્વોમાં વિભાજિત કરી દીધું અને પોતાની અંતઃચેતના ને મુક્ત કરી. ગીરીરાજ હિમાલયની તળેટીની નજીક આવીને મુક્ત કરી એટલે તે અંતઃચેતનાએ પુનઃ પાંચ તત્વો સાથે સંમેલિત થઈને આર્યવર્ધનને દ્રશ્યમાન કર્યો.

આર્યવર્ધને તેની સામે બરફની શીલા પર એક ઋષિમુનિને સમાધિમાં લીન જોયા. એટલે આર્યવર્ધન પણ તે ઋષિમુનિને પ્રણામ કર્યા. થોડી ક્ષણો પછી તે ઋષિ સમાધિ અવસ્થામાંથી જાગૃત થયાં અને આંખો ખોલી ત્યારે આર્યવર્ધન તેમની સમક્ષ ઉપસ્થિત હતો. તે ઋષિમુનિએ કહ્યું, “હે યુવાન તારા કંઠ પર સાક્ષાત સરસ્વતી બિરાજમાન છે, તારા હદયમાં શ્રીનારાયણ વાસ કરે છે અને સત્ય તારો ધર્મ છે. તને કોઈ મૂંઝવણ નથી. તો આ સ્થાને કયા ઉદેશથી આવ્યો છે ?”

“હે મુનિવર, હું આર્યવર્તના દક્ષિણ રાજ્ય ભારતવર્ષનો રાજકુમાર છું. અહી હું મારા મનમાં ઉદ્ભવી રહેલા અમુક સવાલના જવાબ મેળવવા આવ્યો છું. શું આપ મારું માર્ગદર્શન કરશો ?” આર્યવર્ધન સાષ્ટાંગ પ્રણામ કરીને બોલ્યો.
તે ઋષિ પોતાના સ્થાન પરથી ઊભા થયાં અને જમીન પર હળવેથી પાદપ્રહાર કર્યો. થોડે દૂર આવેલા એક પહાડ પરથી બરફ નીચે ધસી પડ્યો. તે પહાડમાં જમીનથી થોડી ઊંચે એક ગુફા દેખાઈ. ઋષિએ તે ગુફા તરફ જોતાં કહ્યું, “હે કુમાર, આ ગુફામાંથી પસાર થઈને શેષ પર્વતની પાસે પહોંચી જશો. ત્યાં પ્રાગ સરોવરના કિનારે આપ મહાદેવનું ધ્યાન કરજો. તમારા તમામ સવાલોનો જવાબ મળી જશે.”

આર્યવર્ધને તે ઋષિના ચરણસ્પર્શ કર્યા અને ફરીથી પ્રણામ કરતાં કહ્યું, “હે મુનિવર, આપે જે મારું માર્ગદર્શન કર્યું તેના બદલામાં હું આપને શું ગુરુદક્ષિણા આપી શકું તે જણાવશો.”

આર્યવર્ધનની આ વાત સાંભળીને તે ઋષિ એક હળવા હાસ્ય સાથે કહ્યું, “મારી ગુરુદક્ષિણા હું યોગ્ય સમયે માંગીશ. અત્યારે આપ પ્રસ્થાન કરો.” ઋષિની વાત પૂર્ણ થતાં આર્યવર્ધને તે ગુફામાં પ્રવેશ કર્યો. થોડી ક્ષણો પછી તે ગુફા ગાયબ થઈ ગઈ અને તે પહાડ પર ફરીથી બરફ છવાઈ ગયો. જે ઋષિમુનિએ આર્યવર્ધનને માર્ગદર્શન આપ્યું હતું તેમનું રૂપ બદલાઈ ગયું. તેના સ્થાન પર દેવી બ્રહ્મચારિણી ઊભા હતાં. તે પોતાના મૂળ રૂપમાં આવ્યા અને બોલ્યા, ”ક્રિષ્નપ્રિયા, તારો હરીફ યોદ્ધા, કસોટી કરનાર તારો હમસફર આવી રહ્યો છે.” આટલું કહીને દેવી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયાં.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ