વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 3

“ખરેખર, તું મહાદેવીની શિષ્યા છે. તો પછી તારું સામર્થ્ય પણ યોગમાયા જેટલું હશે ને?” આટલું કહીને આર્યવર્ધન તળાવમાંથી બહાર આવ્યો.

“તું અહી શા માટે આવ્યો છે?” ક્રિષ્નાપ્રિયાએ બાણ આર્યવર્ધનની બદલાતી દિશા તરફ કરતાં કહ્યું.

“હું અહી મહાદેવની આરાધના કરવા માટે આવ્યો હતો પરંતુ હવે મહાદેવની આરાધના માટેનો હેતુ પૂર્ણ થઈ ચૂક્યો છે.” આટલું કહીને આર્યવર્ધને વટવૃક્ષની નીચે રહેલા પોતાનું કવચ અને અંગવસ્ત્ર પુનઃ ધારણ કર્યું.

આર્યવર્ધનની વાત પૂર્ણ થતાં ક્રિષ્નાપ્રિયાએ બાણ છોડી દીધું. તે બાણ સીધું આર્યવર્ધનના કવચ પર અથડાઈને તૂટી ગયું. આ જોઈને આર્યવર્ધનને ક્રિષ્નાપ્રિયા પર ગુસ્સો આવ્યો. તે બોલ્યો, “તું શક્તિના મદમાં અંધ થઈ ગઈ છે. શું તું નથી જાણતી કે એક નિશસ્ત્ર માણસ પર પ્રહાર કરવો નિયમ વિરુદ્ધ છે. યુદ્ધ હંમેશા બે સમાન યોદ્ધા વચ્ચે જ થઈ શકે છે.”

ક્રિષ્નાપ્રિયાએ કુટિલ સ્મિત સાથે જવાબ આપ્યો, ”મારું લક્ષ ફક્ત આ સ્થાનનું રક્ષણ કરવાનું છે તે માટે હું કોઈ પણ નિયમ તોડી શકું છું. જો તમે ખરેખર એક રાજા હોય તો મારું આહ્વાન સ્વીકારો અને મારી સાથે યુદ્ધ કરો.”

આર્યવર્ધને હકારમાં માથું ઝુકાવ્યું અને બોલ્યો, “તારું શસ્ત્ર પસંદ કરી લે એના પછી યુદ્ધનો પ્રારંભ થશે.”

ક્રિષ્નાપ્રિયાના ચહેરા પર હજી પણ કુટિલ સ્મિત અકબંધ હતું. તેણે પોતાનું ધનુષ્ય પાછું ભાથામાં મૂક્યું અને એક નાની કટાર ખેંચી કાઢી અને આર્યવર્ધન તરફ નાખી. આર્યવર્ધને સ્ફૂર્તિ સાથે કટારને પકડી લીધી પછી તેના પર હાથ ફેરવ્યો. એટલે તે કટાર એક દ્વિધારી તલવારમાં ફેરવાઇ ગઈ. આ જોયા પછી આર્યવર્ધને ક્રિષ્નાપ્રિયા તરફ નજર કરી.

ક્રિષ્નાપ્રિયાના હાથમાં એક લાંબી છડી હતી. જેના એક છેડે વિશાળ કદનું પરશુ હતું અને બીજી બાજુએ તલવાર હતી. આર્યવર્ધને આ પ્રકારનું શસ્ત્ર પહેલીવાર જોયું હતું પણ તેના ચહેરા પર આશ્ચર્ય જોવા મળ્યું નહીં. આર્યવર્ધને પોતાના ચહેરા પર એક અજીબ સ્મિત લાવી દીધું. આ જોઈને ક્રિષ્નાપ્રિયા દોડીને આર્યવર્ધન પાસે આવીને છલાંગ લગાવીને છડીની તલવારથી પ્રહાર કર્યો પણ આર્યવર્ધને ફક્ત જમણા હાથે તલવારને પકડી ક્રિષ્નાપ્રિયાનો તે પ્રહાર નિષ્ફળ બનાવી દીધો.

ક્રિષ્નાપ્રિયા પાછળ હટી ફરીથી પહેલાના પ્રહારનું પુનરાવર્તન કર્યું. પણ તેના બીજા પ્રહારમાં એટલું બળ હતું કે આર્યવર્ધને બંને હાથેથી પોતાની તલવાર પકડી ત્યારે તે પ્રહારને રોકી શક્યો. ક્રિષ્નાપ્રિયા તેનું પૂરું બળ લગાવી રહી હતી અને આર્યવર્ધનને પોતાની પૂરી તાકાત લગાવી રહ્યો હતો. અચાનક આર્યવર્ધને ક્રિષ્નાપ્રિયાને એક આંચકો આપીને દૂર કરી દીધી. આર્યવર્ધનની શારીરિક ક્ષમતા ધીરેધીરે ક્ષીણ થઈ રહી હતી. ક્રિષ્નાપ્રિયા આ વાત જાણતી હોય તેમ મંદ મંદ હસી રહી હતી. 

***************************

સંધ્યાકાળે મેઘા ધ્યાનમાંથી જાગૃત થઈ. તેણે ઝરૂખા તરફ નજર કરી તો દિન અસ્ત થઈ રહ્યો હતો. તે રાજમહેલમાંથી બહાર આવીને ત્રિદેવી મંદિર તરફ ચાલવા લાગી. મેઘા જ્યારથી ધ્યાનમાંથી જાગૃત થઈ હતી ત્યારથી તેનું મન ખૂબ જ બેચેન હતું. જાણે કે કઈક અમંગળ થવાનું હોય તેમ લાગી રહ્યું હતું.

તે ત્રિદેવી મંદિરના પગથિયાં પાસે પહોંચી ત્યારે તેણે જોયું કે મંદિરના પૂજારી સંધ્યા આરતીની તૈયારી કરી રહ્યા હતાં. તેણે મંદિરના ગર્ભગૃહ પાસે જઈને ત્રિદેવીની મૂર્તિને પ્રણામ કર્યા. મંદિરના સહાયક પૂજારી ચારુદત્ત મેઘા પાસે આવ્યા. તેમણે મેઘાના ચહેરા પર ચિંતા છવાયેલી જોઈને પ્રશ્ન પૂછ્યો, “દીકરી, શું વાત છે, તું કયા કારણથી આટલી ચિંતિત છે ?”

મેઘાએ પોતાની આંખમાં આવેલું આસું લૂછીને ઉત્તર આપ્યો, “ગુરુદેવ છેલ્લા એક પ્રહરથી મારું મન ખૂબ જ બેચેન છે. જાણે કોઈ અમંગલ થવાનું હોય તેમ લાગી રહ્યું છે. મને ડર લાગી રહ્યો છે. કદાચિત મારા પરિવાર કે રાજ્યને કોઈ હાનિ પહોંચાડે તો?” આટલું મેઘાની આંખોમાં ફરીથી આસું આવી ગયાં.

ચારુદત્તે મેઘાના મસ્તક પર હાથ ફેરવ્યો એટલે મેઘાએ થોડી રાહત અનુભવી. પછી ચારુદત્તે આશ્વાસન આપતાં કહ્યું, “દિકરી, તું સ્વંય મહાલક્ષ્મીનો અંશ છે. તારા હોવાથી મહારાજને કોણ હાનિ પહોંચાડી શકે. તથા સમગ્ર વરુણપ્રસ્થને આર્યવર્ત સામ્રાજ્યનું રક્ષણ પ્રાપ્ત થયેલ છે. ત્યારે કોઈ પણ આક્રમણ કરવાનો વિચાર પણ કરી શકે નહીં.”

આર્યવર્ત શબ્દ સાંભળીને મેઘાના મનમાં એક અવાજ ઉઠ્યો. “આર્યવર્ધન”

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ