વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

 

વલ્લભ નાંઢા લેખિત ‘ગુલામ’ નવલકથા પશ્ચિમ આફ્રિકાથી બળજબરીથી પકડીને અમેરિકા, ઈંગ્લેંડ લઇ જઇ વેચી દેવાતા ગુલામોની દર્દજનક, કરુણકથા છે. આ કથાનાં પાત્રો લવાન્ડો, અનાબેલ, સોફિયા, બોબ ફિન્ચ, સર હેરિંગ્ટન, મુકુન્ડી વગેરે પાત્રસૃષ્ટિને નિરાળી અને રસપ્રદ બનાવે છે. દરેક પાત્ર નાનાવિધ વ્યક્તિત્વ ધરાવે છે. દરેક પાત્રનો ખૂબ સમજદારીપૂર્વક વિકાસ થતો દર્શાવાયો છે. સામાન્ય રીતે ભૂતકાળમાં ગોરાઓ અશ્વેતો પ્રત્યે ક્રૂર, ઘાતકી, અમાનુષી વ્યવહાર કરતા, તેમ છતાં ગોરાઓમાં કેટલાક સમભાવ ધરાવનારા એવા માણસો પણ હતા જે અશ્વેતો સાથે માનવતા અને સમભાવભર્યો વ્યવહાર કરતા હતા. તેનું જ્વલંત ઉદાહરણ અનાબેલ છે. અનાબેલ એક માની જેમ તેમની કાળજી લે છે, તેમને તાલીમ આપે છે અને તેમના ભવિષ્યનો તેમ જ હિતનો ખ્યાલ રાખે છે. અનાબેલનો સાચુકલો સમભાવ, લાગણી અને માનવતાભર્યો વ્યવહાર ગુલામોને સ્પર્શી જાય છે અને અનાબેલને એક દેવી માને છે. ‘ગુલામ’ અંધકારમાંથી ઉજાસ તરફ, નિરાશામાંથી આશા તરફ અને જંગલિયતમાંથી માનવતા તરફનું પ્રયાણ બની માનવતાનો મહિમા કરે છે. વલ્લભભાઈ નાંઢા આ રીતે રસપ્રદ નવલકથા તેમ જ નવલિકાનું સર્જન કરતા રહે એવી શુભેચ્છા.

 -જય કાન્ત

***

 

મળસ્કાની ઠંડી હવાનું હળવું ઝાપટું ઘાસ માટીના મકાનની અધખુલ્લી બારીમાંથી છેક અંદર સુધી દોડી આવ્યું અને આડે પડખે થયેલા લવાન્ડોના શરીરને પંપાળતું વહી ગયું. શીતલ હવાના મંદ સ્પર્શે લવાન્ડો પથારીમાંથી બેઠો થઈ, શરીર પર  ફફારાનફાનો લપેટતો બારી પાસે ગયો. અધખૂલી બારીમાંથી બહાર દૃષ્ટિ લંબાવી. બાનસાંગ ગામ ચાદર તાણીને સૂતું હતું. રસ્તાઓ અને ગલીઓ શાંત હતાં. વૃક્ષોમાં જંપી રહેલાં પક્ષીઓની ગુંજ હજી શરૂ થઈ ન હતી. તેણે જમણી તરફ ડોકું ફેરવ્યું. તેના પિતા ચીફ ગાંગોરી આ રાજ્યના મુખી છે, ઘાસ માટીના મહેલની આસપાસ હજી અંધકાર ઘૂંટાતો હતો. વિશાળ પરિસર ધરાવતા મુખીના આવાસની લાંબી ચાલમાં પહેરેદાર સળગતી મશાલ સાથે પહેરો દેતો હતો. ખુલ્લી બારી પાસેથી એ પસાર થતો ત્યારે પ્રકાશના પીળચટ્ટા લિસોટા બહારના અક્ષુણ્ણ અંધકારમાં પ્રકાશના પુંજ વેરી દઈ ક્ષણ બે ક્ષણમાં નિગૂઢ અંધકારમાં લુપ્ત થઈ જતા હતા. પ્હો ફાટવાને હજી વાર હતી. દૂરથી કોઈ વૃક્ષની ઘટામાંથી આવતો ઘુવડનો અવાજ, શિયાળની લાળી અને ચામાચિડિયાની પાંખોનો ફફડાટ જાણે કશો સંકેત આપી ગાઢ નિસ્તબ્ધતામાં ઓગળી જતો હતો. લવાન્ડો કુદરતની આ લીલા વિદગ્ધ નજરે નિહાળતો બારી પાસે જરાક વાર ઊભો અને પછી ત્યાંથી ખસી અંદર ચાલ્યો ગયો. રાત્રિના પાછલા પહોરે આવેલું પેલું દુઃસ્વપ્ન તેનો પીછો છોડતું નહોતું. 

એક મોટું  કુલાન્ગો દરિયાકાંઠાથી એકાદ માઇલ છેટે ઊભું છે. સાંકળે બાંધ્યા ગુલામોને નાના હોડકામાં ઠાંસીઠાંસીને બેસાડ્યા છે. હોડકું એમને કુલાન્ગો તરફ દોરી જાય છે. એમના હાથ પગ લોઢાની સાંકળથી જકડાયેલા છે. કોણ જાણે ક્યાં લઈ જતા હશે? આમ તો સ્વપ્ન સ્વાભવિક હતું. કુલાન્ગો દરિયાકાંઠે ઊભું હોય, તેમાંથી માલ સામાન ઊતરતો હોય, તેમાં માણસો ચડતા હોય, ઊતરતા પણ હોય. ધમાલ મચી રહી હોય. આવું સ્વપ્ન તો કોઈને પણ આવે, પણ મારા દેશના ભાંડુળાઓને બિકાઉ ચીજવસ્તુની જેમ બળજબરીથી કુલાન્ગોમાં બેસાડી ક્યાંક લઈ જાય છે. ક્યાં લઈ જતા હશે એમને? કોણ જાણે, પછી એ કુલાન્ગો દરિયાની પેલે પાર ક્ષિતિજની ધાર પર બિંદુ બની જઈ દરિયાનાં ઊછળતાં મોજામાં સેળભેળ થઈ અદૃશ્ય થઈ જાય છે. સ્વપ્ન આટલું જ. પણ અડધી રાત વિત્યે, પાછલા પહોરે આવેલા આ સ્વપ્ને તેને બેચેન બનાવી મૂક્યો. આંખો ખૂલી ગઈ!

બે દિવસ પહેલા પણ આ જ સ્વપ્ન આવ્યું હતું. આજે ફરી એ સપનાનું પુનરાવર્તન થયું. એ જ કુલાન્ગો, એ જ ચહેરા, એ જ ચામડાની ચાબુકથી ગુલામોને ફટકારતો ને ગોદી તરફ ધકેલતો કરડા ચહેરાવાળો ગોરાઓનો એજન્ટ – તેનો બિહામણો ચહેરો અત્યારે પણ તેના ચિત્તમાંથી ખસતો ન હતો. કંઈક અનિષ્ટ બનવાનો સંકેત તો નહીં આપતું હોય આ સ્વપ્ન? તેનો ભેદ ઉકેલી શકાતો નહોતો. પછી તણે નક્કી કર્યું, આવતી કાલે  ફોદેવોને જ આ રહસ્ય વિશે પૂછી લઈશ.

લવાન્ડોએ તેના સેવક પણ મિત્ર જેવા સાથીદર મકોન્ડોને બૂમ પાડી. મકોન્ડો નીચે બાંબૂના  લારંગોમાં સૂતો હતો.

આંખો ચોળતાં તેણે મકોન્ડોને કહ્યું : ‘કાવો બનાવ.’

‘માલિક, આટલી રાતે કાવો?’ મકોન્ડો મનમાં બબડ્યો. પણ પછી માલિકનો તંગ ચહેરો જોઈ ‘હા. માલિક’ કહી અંદર વળી ગયો.

મકોન્ડોએ ગરમા-ગરમ કાવાની પ્યાલી તેના હાથમાં મૂકી. લવાન્ડોએ કાવાની પ્યાલી પૂરી કરી ત્યાં સુધી એ ત્યાં જ ઊભો. કાવાના થોડા ઘૂંટ પેટમાં ઊતરવાથી તેને જરા સારું લાગ્યું. અને મકોન્ડો તેના હાથમાંથી કાવાની ખાલી પ્યાલી લઈ અંદર ચાલ્યો ગયો. એ ગયો અને વળતી પળે સપનાના ઓથારે તેને ફરી ઘેરી લીધો. જાણે તેની સાથે કાંઈક અશુભ બનવાનું હતું, તેની જિંદગી જોખમમાં મુકાઈ જવાની હોય એવી એવી બિકાળુ કલ્પનાઓથી એ થોડો કંપ્યો. મનમાં શંકા-કુશંકાઓ જાગવા લાગી.

એક તરફ અમંગળ ભયાવહ દુઃસ્વપ્ન! અને બીજી તરફ સવારે પિતા ગાંગોરીએ બોલાવેલી બેન્ગોમાં હાજરી આપવાની તાલાવેલી. વિષાદ અને ખુશીના મિશ્રિત ભાવોના સંક્રમણ વચ્ચે – તેણે જ્ઞાનચાતુર્યનો પરચો કરાવવાનો હતો. મકોન્ડો માટે આ અવસર હતો! આજનો દિવસ તેને માટે ખાસ દિવસ હતો. તેણે ફોદેવો કમિસુ પાસેથી ધાર્મિકશિક્ષા મેળવી હતી અને હવે બહુ નજીકના સમયમાં કમિસુ નિવૃત્તિ લેશે એવી અફવા મૂયોની પ્રજામાં જોર પકડી રહી હતી. અને કમિસુના ગયા પછી એમનું પદ લવાન્ડો લેશે એવી જાહેરાત ચીફ ગાંગોરી પ્રજા સમક્ષ મોઘમ રીતે કરી ચૂક્યા હતા. નજીકના ભવિષ્યમાં લવાન્ડો આ પ્રદેશના ફોદેવો કમિસુનું સ્થાન મેળવશે અને સાથે યોમાહા રાજ્યની ધૂરા પણ સંભાળશે એવી વાતોના ગુબ્બારા પણ ઊડતા થયા હતા. આજના 5બેન્ગોમાં કદાચ એ અંગેની ચર્ચા થાય, ના પણ થાય, પણ બાનસાંગમાં આ વાત જોરશોર સાથે ચર્ચાતી રહી હતી : યુવરાજ લવાન્ડો હવે યોમાહા રાજ્યનો ચીફ બનશે.

                *             *             *

લવાન્ડો બેન્ગોમાં જવા નીકળ્યો ત્યારે તેનો વટ પડતો હતો. નકશીદાર ભરતકામ વાળું ખૂલતા ગુલાબી રંગનો હલફાનો (લાંબા ઝભો) અને હાથમાં સર્પાકાર સોનેરી મૂઠ વાળી કાળા સીસમની લીસી ચમકદાર છડીમાં તેનો પ્રભાવ પડતો હતો. બાનસાંગ આફ્રિકા ખંડની પશ્ચિમે આવેલા ગાંબિયા દેશના યોમાહા રાજ્યનું એક નાનકડું દેશી ગામ. બાનસાંગમાં જોબા જાતિના લોકોની વસતી બીજી જાતિઓના પ્રમાણમાં ઓછી. પણ આ પ્રદેશની સત્તા જોબા જાતિને હસ્તગત હતી. ખુદ ગાંગોરી જોબા જાતિ દ્વારા સર્વાનૂમતે ચુંટાય આવેલા આ પ્રદેશનો વડા હતા. જોબાઓ સેરર ધર્મ પાળતા અને મૂંગુ રૂગ પર આસ્થા રાખતા. કોઈ પણ શુભકાર્યનો આરંભ કરતાં પહેલાં મૂંગુ રૂગને યાદ કરવામાં આવતા. તેમની પૂજા કરી રીઝવવામાં આવતા. ક્ષય, બોસેહ, અને રાડુ જેવી બીજી જાતિઓ પણ જાતિભાતિના ભેદ ભૂલીને ધાર્મિક ઉત્સવોમાં હોંશેહોંશે ભાગ લેતી. આમ તો ગાંબિયાના આ રાજ્યપ્રદેશમાં સૈકાઓથી મિશ્ર જાતિઓનો પણ વસવાટ રહ્યો હતો. આથી મન્ડિન્કી, વોલોફ, કુલા, ક્રિઓ અને બાટુ જેવી આદિ બોલીઓનો પણ આ રાજ્યમાં સારા પ્રમાણમાં વિકાસ થયો હતો. લવાન્ડો આ ભાષાઓ છૂટથી બોલી શકતો. અને પૂર્વ આફ્રિકામાં બોલાતી સ્વાહીલી ભાષા પણ તે છૂટથી બોલી-સમજી શક્તો.

લવાન્ડો રુઆબથી ચાલતો હતો. સાથે એક અંગરક્ષક હતો અને એ બન્નેની પાછળ મકોન્ડો હતો.

‘ઓલ્ડ ઓયા બૂર્ગો’ના વિશાળ ચોકમાં ચીફ ગંગોરીએ પોતાના રાજ્યમંત્રીઓ, સલાહકારો તેમજ પ્રજાજનોને  બેન્ગોમાં બોલાવ્યા હતા. યોમાહાવાસીઓ ઉપરાંત યોમાહાની આસપાસના ગામડાંઓમાંથી પણ અસંખ્ય પ્રજાજનો આ સભામાં આવ્યા હતા. ચીફ ગંગોરીએ અન્ય આમંત્રિતોની વચ્ચે મૃગચર્મની એક બેઠક પર સ્થાન ગ્રહણ કરેલું હતું. લવાન્ડોની માતા મામા કિજોરી ગાંગોરીની બાજુમાં બેઠી હતી, મામા કિજોરી ચીફ ગંગોરીની માનીતી રાણી હતી. આમ તો ગંગોરીની બીજી પણ રાણીઓ હતી પણ માનભર્યું સ્થાન તો ગંગોરીએ કેવળ મામા કિજોરીને જ આપ્યું હતું. યોમાહા રાજ્યના લશ્કરનો વડો અધિકારી પણ ગંગોરીના આમંત્રણે બેન્ગોમાં (મંત્રણાસભામાં) પધાર્યો હતો. પ્રજાનું હિત જોવું અને પ્રજામાં સુખ-શાંતિ અકબંધ રહે તે જોવાનું ઉત્તરદાયિત્વ ગંગોરી અને તેના મંત્રીઓના શિરે હતું.

લવાન્ડોના ફોદેવો કમિસુએ ગાંગોરીની બાજુમાં આસન ગ્રહણ કર્યું હતું. લવાન્ડો પોતાના ફોદેવો કમિસુની પાસે ઊભો હતો. ચર્ચવાના વિષયને આ બેઠકમાં લઈ જવાની વિચારણા આમ તો ગાંગોરી અને તેના સલાહકાર મંત્રીમંડળ વચ્ચે લાંબા સમયથી ચાલી રહી હતી પરંતુ અમલીકરણ માટે જનમત મેળવવામાં ઘણો સમય નીકળી ગયો હતો. ઉતાવળો નિર્ણય લેવા કોઈ રાજી નહોતું. આથી બેઠકમાં ગાંગોરી કશુંક વિધાયક પગલું ભરવા માગતા હતા. અને એટલે આ તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી.

બેન્ગોમાં જેટલાને આવવાનો અધિકાર હતો તેટલા બધા આવી ગયા હતા. સભામાં શું ચર્ચા વિચારણા થાય છે તે જાણવા યોમાહાની પ્રજા ઉત્સુક હતી. કોઈને આ લહાવો ખોવો ન હોતો. સૂર્યોદય થયા પછી બેન્ગોમાં પગ મૂકવા જેટલીય જગ્યા બચી નહોતી. બધાં આવી ગયાં અને બેન્ગોનું કામકાજ શરૂ થયું.

આરંભે લશ્કરનો એક વડો સૈનિક ઊભો થઈ બોલ્યો, ‘આપણે અંગ્રેજો સાથે શસ્ત્રોની સોદાગીરી કરવા માટે વેપાર કરવો પડશે. પૂરતા શસ્ત્રો વગર આપણા રાજ્યની સુરક્ષા જાળવવી મુશ્કેલ છે. આપણી પૂર્વ દિશામાં આવેલા ટચુકડા બેનિન મુલકે, શસ્ત્રો મેળવવા અંગ્રેજોને ગુલામો પૂરા પાડવાનો કરાર કર્યો છે. અને એક દિવસ બેનિનનું લશ્કર આપણા ઉપર હુમલો કરશે ત્યારે પ્રજા અને રાજ્યનું રક્ષણ કરવા આપણી પાસે કંઈ જ નહીં હોય. મને લાગે છે આપણે પણ આ ગોરાઓને ગુલામો પહોંચાડવાની શરતે એમની પાસેથી શસ્ત્રો મેળવી લેવાં જોઈએ. આજકાલ આ ગોરાઓને સોનામાં, હાથીદાંતમાં કે મરીમસાલામાં રસ નથી. માટે આપણે પણ ગોરાઓ સાથે આવો કરાર કરવો જોઈએ.’

લશ્કરના વડા સૈનિકે કરેલા આ બયાન પછી બેઠેલાંમાં ચુપકિદીનું મોજું ફરી વળ્યું. ગાંગોરીએ રાજ્ય સમિતિના અધ્યક્ષ તરફ માથું ફેરવ્યું અને તેની રાઈ માગી : ‘તમારું શું મંતવ્ય છે?’

રાજ્ય સમિતિનો અધ્યક્ષ ઊભો થયો, ગંગોરીને નમન કરી એ બોલ્યો : ‘આપણે આપણી જ પ્રજાના માણસોને પકડી ગોરાઓને હવાલે કરીશું તો મને લાગે છે આપણું રાજ્ય નામશેષ થઈ જાશે. રાજ્યની આબાદી પ્રજાજનો પર નિર્ભર રહેતી હોય છે. ગુલામોના ધંધાને પ્રોત્સાહન આપનાર દેશ કદી સલામત ન રહી શકે, અત્યાચારોથી વિફરેલી પ્રજાનો પ્રકોપ ફાટશે તો સમગ્ર યોમાહા ભડકે બળશે ને તેની જવાલામાં સળગીને ભસ્મિભૂત થઈ જશે. પણ આ ગોરા લોકોની ગુલામો ખરીદવાની લાલસા ઘટવાને બદલે વધતી રહેશે. એમની લાલસા વધશે તો એક દિવસ એ લોકો આપણા પગમાં પણ બેડીઓ પહેરાવી, ગુલામ બનાવી અન્ય કોઈ દેશમાં ઢસડી જશે.’ જરા વાર થોભી તેણે આગળ જણાવ્યું, ‘આપણા રાજ્યનો ગૌરવાવંત ઇતિહાસ યાદ કરો. ચીફ અલ્કાલોને યાદ કરો. તેમણે આપણા આ વિશાળ રાજ્યની સ્થાપના માત્ર એક ગામડાની માલિકીથી કરી હતી અને પછી પોતાની બહાદુરીથી આપણી સરહદની આસપાસના નાના મોટાં અનકે ગામો જીતી લઈને યામોહા રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. આજે રાજ્યના અલ્કાલો જેવા શૂરવીર મુત્સદ્દીના આશીર્વાદથી યોમાહા રાજ્ય વિસ્તરીને ગાંબિયાનું એક સમૃદ્ધ રજવાડું બન્યું છે, એના મૂળમાં પ્રજાની આબાદી ને તેમની સુખ-શાંતિ તરફ આપણા રાજ્યે વિશેષ ધ્યાન આપ્યું એ છે. આજે આપણા રાજ્યની સરહદો વિસ્તરી છે. આપણા રાજ્યની અખંડ આબાદી ટકાવી રાખવા આપણે અલ્કાલો ચીંધ્યા માર્ગે આગેકૂચ કરતા રહીએ અને સાથે સાથે આપણી પ્રજાનાં સુખ-શાંતિને અકબંધ રાખવા આપણે પણ જાગ્રત રહીએ એમાં આપણું અને રાજ્યનું કલ્યાણ છે. આપણા રાજ્યના શાંતિના માહોલને કોઈ હિસાબે જોખમાવા દેવો ન જોઈએ. આપણી આસપાસના પ્રાદેશિક રાજ્યો સાથે પણ ભાઈચારો અને સુખ-શાંતિ જાળવી રાખવાના પ્રયાસો પણ ચાલુ રાખવા જોઈએ.’

ગાંગોરીએ મસ્તક હલાવ્યું અને મામા કિજોરીએ ગંગોરીના કાનમાં ધીમેથી કંઈક કહ્યું અને ગંગોરીએ રાજ્યના ફોદેવો કમિસુ પર નજર ઠેરવી બોલ્યા : ‘ફોદેવો, (ગુરુદેવ) આપનો અભિપ્રાય જાણવા યોમાહાના પ્રજાજનો આતૂર છે. હે ફોદેવો! કૃપા કરી આપનાં આશીર્વચનો સાથે રાજ્યના હિતમાં અમને માર્ગદર્શન આપો. જેથી અમે આ સમસ્યાનો ઉકેલ લાવી શકીએ.’

કમિસુ, પોતાના સ્થાન પરથી ઊભા થયા. રાજ્યના વરિષ્ઠ ફોદેવોને સાંભળવા યોમાહાનો જનસમાજ વ્યાકુળ હતો. બધાં એકી નજરે જોઈ રહ્યાં. દરેકના મનમાં અધીરાઈના જ ધબકારા ધબકી રહ્યા હતા. અનેક નાની નાની સરવાણીઓ ઝરણાંના પ્રવાહામાં એકત્ર થઈ નદીમાં રૂપારિંત થઈ વહે અને સમુદ્ર તેને ઝીલે છે તેમ બાનસાંગવાસીઓ ફોદેવોની અમૃતરસની સરવાણી ઝીલવા આતૂર થયા હતા. અને શબ્દોનો એ પ્રવાહ ફોદેવોના મુખેથી વહેતો થયો : ‘આજની આ બેઠકને હું એક ઐતિહસિક ઘટના લેખું છું. કોઈ નિર્દોષ વ્યક્તિનું તેના ઘરમાંથી અપહરણ કરી જવું, તે આપણા પૂર્વજોનો ગુનો કર્યા બરાબર છે કોઈ પણ માણસનું સ્વાતંત્ર્ય છીનવી લેવાનો કોઈને પણ અધિકાર નથી. દેશના નાગરિકનો ગુનો પુરવાર થાય નહીં ત્યાં સુધી તે દેશનો સ્વતંત્ર નાગરિક જ છે, મુક્ત અને સ્વતંત્ર!’

લવાન્ડોએ સામે બેઠેલા સભાજનો તરફ નજર ફેરવી. ફોદેવોની વાત સોંસરી લોકોના ગળે ઊતરી રહી હતી. અને સભાજનોનાં માથાં હકારત્મક અભિગમથી ડોલતાં હતાં.

‘આપણે સક્ષમ રહી આપણા નિર્દોષ બાળકો અને યુવાનોનું રક્ષણ કરીશું. આપણે પ્રજાને નીડર નિર્ભય બનાવવી છે અને રાજ્યની પ્રતિષ્ઠાને પણ ડાઘ લાગવા દેવો નથી.  કુન્કોમાં કામ કરતા માણસનું અપહરણ કરી તેને  તોઉબોબોને હવાલે કરવાનું કાળું કૃત્ય આપણામાંથી કોઈ જ નહીં કરે. એ પાપ છે, ગુનો છે અને એ માટે હું રજામંદી આપી શકું નહિ. જો આપું તો હું પણ સમાજ અને  મૂંગુનો ગુનેગાર જ બનું! આપણે આપણા માણસોને ગોરાઓને હવાલે કરવાનો વિચાર પણ ન કરવો જોઈએ, ઊલટું આપણે એમના રક્ષણ અને સલામતિ માટે કંઈક નકકર યોજના કરવાનું વિચારવું જોઈએ જેથી પ્રજાજનો નિર્ભયતાપૂર્વક જીવી શકે અને પોતાનાં કામ ધંધા કરી શકે. આપણી પ્રજાના હિતમાં આટલું કરવા હું સલાહ આપું છું.’

હવે આ બાબતમાં ગાદિપતિ ગાંગોરી શુ કહે છે તે સાંભળવા સૌના કાન ગાંગોરી તરફ મંડાયા.

ચીફ ગાંગોરી ઊભા થયા અને ઘેરા બુલંદ અવાજે તેમણે પ્રજાકીય ઉદ્બોધન શરૂ કર્યું : ‘મારા દેશવાસીઓ ધ્યાનથી સાંભળજો. લાંબી ચર્ચા વિચારણા કર્યા પછી યોમાહાની રાજ્ય-કાઉન્સિલે નિર્ણય લીધો છે કે, આપણા રાજ્યમાં ગુલામોના વેપાર ઉપર આ ક્ષણથી જ પ્રતિબંધ લાદી દેવામાં આવે છે. આપણા રાજ્યની સરહદોમાં ગુલામ પકડનાર કે ગુલામની સોદાબાજી કરનાર સામે સખતાઈથી કામ લેવું પડશે. આપણી સરહદમાં ગુલામો પકડવા ઘૂસણખોરી કરનારા દલાલો અને ગોરા સોદાગરોને પણ નહીં બક્ષવામાં આવે! આપણા રાજ્યમાં હાથી દાંત, સોનું, મસાલા, અને પિત્તળની ચીજ વસ્તુઓ ઉપરાંત ચામડાની ખરીદારી કરવા આવનાર ગોરા સોદાગરોને એ પ્રકારનો વેપાર કરવા માટે છૂટ રહેશે. પણ ગુલામોને પકડનાર માટે આ રાજ્યના દરવાજા અત્યારથી જ બંધ કરી દેવામાં આવ્યા છે.. બોલો તમને કબૂલ-મંજૂર છે?’

પ્રજાજનોમાં થોડો ગણગણાટ થયો. પછી બધાંએ હાથ ઊંચા કરી આ નિર્ણયને સર્વાનુમતે સંમતિ આપી દીધી. એ પછી ગાંગોરી પોતાના સ્થાન પર બેસતાં બોલ્યાં ‘ગુલામો માટે હવે આપણે કાયદો ઘડી કાઢયો છે અને તેનું ચુસ્તપણે પાલન થાય તે જોવાનું છે. અને તે કામમાં તમારા દરેકનો સાથ જોઈશે.’

એ પછી લવાન્ડોએ સહેજ નમીને ફોદેવો કમિસુના કાનમાં કંઈક કહ્યું અને કમિસુએ મસ્તક નમાવ્યું અને ઊભા થયા. ‘પાટવીકુંવર લવાન્ડો તરફથી એક સૂચન આવ્યું છે કે આપણે ગુલામો પકડવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો છે એ સંદેશ રાજ્યના અન્ય પ્રજાજનો સુધી પહોંચાડવાનો પ્રબંધ કરવામાં આવે અને તે જવાબદારી ધર્મસમાજ સંભાળે એ માટે તમારી મંજૂરી માગી રહ્યા છે.’

ગાંગોરીએ મંજૂરી આપતાં કહ્યું : ‘એ કાર્ય ધર્મસમાજ સંભાળે એ તો સોના જેવું કામ ગણાય! રાજકુમાર લવાન્ડોના પ્રસ્તાવને હું મંજૂરી આપું છું.’ અને લવાન્ડો તરફ જોઈ સ્મિત કરી ઉમેર્યું, ‘આ વ્યવસ્થા સંભાળવાની જવાબદારી પણ લવાન્ડો ઉઠાવે એમ ઇચ્છું છું. આ જવાબદારી એટલે, યોમાહા રાજ્યના ઉત્તર અને પૂર્વના અંતરિયાળ પ્રદેશમાં જઈ જંગલોમાં અને ગામડાંમાં રહેતા લોકોને યોમાહાશાસને લીધેલા ફેસલાની જાહેરાત કરવાની, લોકોને સમજાવવાના કે ગુલામોના વેપાર ઉપર હવે પ્રતિબંધ મુકાયો હોવાની બાતમી આપવાની. હુકમનો ભંગ કરનાર દેશદ્રોહી ગણાશે અને તેને મૃત્યુદંડની સજા થશે તેની જાણ કરવાની જવાબદારી! લોકોમાં આવી સમજણ આવતાં પ્રજામાં જાગૃતિ આવશે અને સ્લેવરોની જાળમાં આવતાં બચશે.’

‘જેવી આજ્ઞા.’ કહી લવાન્ડોએ સહેજ ઝૂકીને પિતા ગાંગોરીનું અભિવાદન કર્યું.

ચીફ ગાંગોરીના ફેસલાને યોમાહા વાસીઓએ આનાંદની ચિચિયારીઓથી વધાવ્યો. અને ગાંગોરીની સભા પૂરી થઈ!

લવાન્ડોનો ઉત્સાહ સમાતો નહોતો.

***

 

ફફરાનફાનો = પછેડી

કુલાન્ગો = વહાણ

ફોદેવો = ધર્મગુરુ

લારંગો = ખાટલી

બૂર્ગો = મહેલ

બેન્ગો = મંત્રણાસભા

કુનકો = ખેતર

તોઉબોબો = ગુલામોને પકડનારા ગોરા લોકો

મૂંગુ = ભગવાન

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ