વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આભડછેટ(નાટક)

વર્ષ : 1970


[પડદો ખૂલે છે]



દૃશ્ય 1


સ્થળ : કૂવો

સમય : બપોર

પાત્રો  : જીવાભાઈ, ડોકટર રાકેશ, દિનેશ.



( પોતાની પત્ની બીમાર હોવાથી, જીવાભાઈ ખરા બપોરે ગામની ભાગોળે આવેલ કુવે પાણીનું માટલું ભરવા આવે છે. સૂરજ માથે ચડ્યો હતો. પક્ષીઓ ઝાડની બખોલમાં સંતાય ગયા હતા અને ગામલોકો પોતાના ઘરમાં. ડોકટર રાકેશ કૂવાની બાજુના વડલા નીચે બેઠા બેઠા કઈક વાંચી રહ્યા હતા.)


(જીવાભાઈ કેડે હાથ દઈ, આજુ બાજુ જોવે છે)


જીવાભાઈ : માહરુ સાળું, કોઈ દેખાતું નથ ! આ માટલું માથે મૂકવું ચમ !


( થોડી વાર આજુ બાજુ ફાંફાં મારે છે, અને દિનેશ આવતો દેખાય છે, તો જીવાભાઈ બૂમ પાડે છે.)


જીવાભાઈ : ' અ દીન્યા..' ચાં હેંડ્યો ખરા બપોરે ?


દિનેશ  :  ચાંઇ જાતો નથી બાપા. આંયા જ આવતો'તો.


જીવાભાઈ : સારું હેંડ હવે મને આ માટલું માથું મુકાય. ચ્યાર નો વાટ જોવું શું, કે કોઈ  માણહ આવે તો આ માથે મુકાવે.


(આ સાંભળી ડોકટર રાકેશ ઊભા થાય છે. મનમાં ઘણું દુઃખ થયું. એક પળ માટે એવો સવાલ પણ મનમાં આવી ગયો શું હુ માણસ નથી? આ જીવાભાઈ માણસની રાહ જોવે છે ક્યારના. ખરેખર આ જાતિ ક્યારેય જાતી નથી. આવું વિચારતા વિચારતા હાથમાં ચોપડી લઈ  કૂવાનાં પગથિયે જઈને કહે છે.)


ડોકટર રાકેશ: શું જીવાભાઈ તમે ! હું અહીંયા તો બેઠો હતો. મને બોલાવી લેવાયને. હું ઉપડાવી દેત તમને માટલું.


જીવાભાઈ : ભાઈ ! આ પાણી અમારે પીવાનું હોય.


ડોકટર રાકેશ: તો હું શું એમાં ઝેર ભેળવી દેવાનો હતો ?


જીવાભાઈ : ઈ બધી તને નો ખબર પડે ભાઈ ! તું તારું કામ કર. અમે અમારું કામ કરીએ.


( ડોકટર રાકેશ ત્યાંથી પાછા પોતાની જગ્યા પર આવી ગયા.પણ જતા જતા જીવાભાઈ અને દિનેશની વાત સંભળાતી હતી.)


જીવાભાઈ: એલા દિન્યા ! આ વન્યાનો છોકરો તો જો, બે ચોપડી ભણી ગ્યો એમાં તો આખો એનો વરણ ભૂલી ગ્યો.


દિનેશ : તો શું , એટલીય બુદ્ધિ નહિ પડતી હોય કે અભડાઈ જઈએ આપણે !


(ડોકટર રાકેશ જીવાભાઈ અને દિનેશને જતા જોઈ રહે છે. અને ક્યારે જશે આ જાતિનું ભૂત કહીને નિઃસાસો નાખે છે.)




દૃશ્ય 2


સ્થળ : હોસ્પિટલ

સમય : સવાર

પાત્રો : જીવાભાઈ, જીવભાઈની પત્ની, ડોકટર રાકેશ, ડોકટર મનોજ


( જીવાભાઇની પત્નીની તબિયત અતિશય ખરાબ થતાં. નજીકના હોસ્પિટલમાં દાખલ કરી હતી. ડોકટર મનોજ જીવાભાઈ સાથે વાત કરી રહ્યા હતા, અને ડોકટર રાકેશ આવે છે.)


ડોકટર રાકેશ : એવરીથીંગ ઈન કંટ્રોલ મનોજ?


ડોકટર મનોજ : ના, શરીરમાં લોહી જ નથી રહ્યું. અને જો તાત્કાલિક લોહી નહિ ચડાવીએ તો......(અટકી જાય છે)


ડોકટર રાકેશ : રિપોર્ટ આવી ગયા બધા? 


ડોકટર મનોજ : હા


ડોકટર રાકેશ : તો ચિઠ્ઠી બનાવીને જીવાભાઈને આપી દો, લોહી લઈ આવે.


( ચીઠ્ઠી તૈયાર જ હતી. ડોકટર રાકેશ જીવાભાઇને ચીઠ્ઠી આપે છે.)


ડોકટર રાકેશ : જીવાભાઈ તમે ચિંતા ના કરો, બાજુમાં જ બ્લડ બેંક છે. ત્યાં જઈ આ ચિઠ્ઠી આપી બ્લડ લેતા આવો.


( ડોકટર રાકેશે લોહીના ઉચ્ચારેલ અંગ્રેજી શબ્દથી જીવાભાઈ થોડા મૂંઝવણમાં આવી ગયા.)


જીવાભાઈ : ચઈ બેંક? બરોડા બેંક?


ડોકટર રાકેશ : અરે! બ્લડ બેંક ,લોહીની દુકાન છે બાજુમાં.


(જીવાભાઈ દોડીને બાજુની બ્લડ બેંકમાંથી લોહી લઇને આવી જાય છે. ડોકટર મનોજ લોહી ચડાવવાની કામગીરી શરૂ કરે છે ત્યાં ડોકટર રાકેશ આવી ગયા.)


ડોકટર રાકેશ : એક મિનિટ ડોકટર મનોજ. ( ડોકટર રાકેશ ડોકટર મનોજ ને રોકે છે.)


ડોકટર મનોજ : શું થયું?


( ડોકટર રાકેશ જીવભાઇની સામે જોઇને કહે છે)


ડોકટર રાકેશ: પહેલા જીવાભાઇને પૂછી જો, આ લોહી એમની જ્ઞાતિનું છે ને ! નહિતર એમના પત્ની અભડાઈ જશે. અને જીવાભાઈ પણ અપવિત્ર થઈ જશે જો નીચી જાતિના કોઈનું હસે તો.


( જીવાભાઈ આ બધું સાંભળી રહ્યા છે. પણ શું બોલવું એ સમજાતું નથી.)


ડોકટર રાકેશ : જીવાભાઈ તમને ખબર છે આ લોહી કઈ જ્ઞાતિનું છે? 


જીવાભાઈ : ના ભૈસાબ.


ડોકટર રાકેશ : તો પછી તમે અભડાઈ જશો તો? આ લોહી ક્યાં વર્ણનું હોય શું ખબર? એક કામ કરો તમે તમારા કોઈ જ્ઞાતિવાળાનું લોહી શોધતા આવો.


( આ સાંભળી મનોજ ચિંતાથી બોલે છે.)


ડોકટર મનોજ : 'અરે! પણ બહુ સમય નથી,' કેસ બગડી જશે. અત્યારે ક્યાં તાત્કાલિક એમની જ્ઞાતિનું લોહી શોધશે?


( જીવાભાઈ રડમસ થઈ જાય છે. અને હાથ જોડીને કહે છે)


જીવાભાઈ : ભૈસાબ, તમે આ લોહી ચડાવી દો, ઇ બચતી હોય, તો આ લોહી ચડાવી દો. મને કોઈ વાંધો નથી.


ડોકટર રાકેશ : પણ તમે તો અડવાથી અભડાઈ જાવ છો, આ તો લોહી આખા શરીરમાં ફરસે. પછી તમે અપવિત્ર નહિ થાવ ને?


જીવાભાઈ : છોકરા મારી ભૂલ થઈ ગઈ, મને હવે સમજાય ગ્યું. આ બધું ખોટું છે. આ સંધાય મોટા વરણ આવું કરે છે તો હું પણ આવું કરવા લાગ્યો.અને છોકરા તારી વાત સો ટકા સાચી છે. આ સંધાય મોટા વરણ વાળા આભડછેટ રાખે પણ દવખાનામાં લોહી ચડાવે ત્યારે કોઈ વરણ નથી પૂછતું.


( જીવાભાઈની વાત અડધેથી કાપતા ડોકટર રાકેશ બોલ્યા)


ડોકટર રાકેશ: હા હું પણ એજ સમજાવું છું કે આભડછેટ રાખવો જ હોય તો બધામાં રાખો. ઘરમાં ખાવા બેસો છો ત્યારે , તમને ખબર છે કે આ અનાજ કોણે પકવ્યું છે? કોણ કોણ સ્પર્શ્યું છે? આભડછેટ રાખવો હોય તો બહારનું કઈ ખવાય નહિ, કઈ લેવાય નહિ. અરે ! હું તો કહું જીવાય જ નહિ !! કારણ કે જે હવા લોકો શ્વાસમાં લે છે અને જ્યારે શ્વાસને બહાર છોડે છે ત્યારે એ માત્ર કાર્બન ડાયોક્સાઈડ નથી હોતો,એમાં ઓકસીજન પણ હોય છે અને એ વાતાવરણમાં ભળે જ છે. એટલે કે અમે શ્વાસમાં લીધેલી હવા તમે પણ તમારા શ્વાસમાં લો છો. 


( ડોકટર મનોજે પણ સુરમાં સુર પરોવ્યો)


ડોકટર મનોજ : હા જીવાભાઈ, આભડછેટ ના રખાય અને બધા માણસ સરખા જ ગણાય. ભગવાને તમને પણ બે હાથ ,બે પગ આપ્યા છે, એવી જ રીતે બીજાને પણ બે હાથ, બે પગ આપ્યા છે. ઉપરવાળો કોઈ ભેદ નથી કરતો. તો પછી આપણે શું કામ ભેદભાવ કરીએ?


( આ સાંભળી જીવાભાઈની આંખો ખુલી ગઈ. ડોકટર રાકેશ તરફ બે હાથ જોડીને કહે છે,)


જીવાભાઈ: દીકરા મને મારી ભૂલ સમજાય ગઈ. મને માફ કરી દેજે. હવેથી હું આવું કશું નહિ રાખું.  અને બીજા આવું કરતા હસે તો એમને પણ સમજાવીશ.


(ડોકટર રાકેશે વાત બદલતા કહ્યું)


ડોકટર રાકેશ: તમે બહાર બેસો અને કોઈ ચિંતા ના કરતા.અમે લોહીની બોટલ ચડાવી દઈએ છીએ.


( ડોકટર મનોજ જીવાભાઈની પત્નીના હાથમાં સોઈ લગાવે છે. બાકીનું કામ નર્સને સોંપી ડોકટર રાકેશ સાથે પોતાની કેબિનમાં જાય છે. ખુરશી પર બેસતા ડોકટર રાકેશે કહ્યું)


ડોકટર રાકેશ:  થેંક ગોડ,આજે એકની તો આંખો ખુલી.


(ડોકટર મનોજ સ્ટેજની વચ્ચે જઈ ઓડિયન્સ ને પૂછે છે તમારી આંખ ખુલી)


[પડદો બંધ]



સોલંકી જીજ્ઞેશ" સાવજ"



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ