પ્રકરણ 16
વ્હાલા ઓજસ....
આજે તો તમને પૂરેપૂરો હક છે ગુસ્સે થવાનો પણ જો જો રિસાઈ ના જતા આટલે દૂરથી કેમ મનાવિસ? એ મને નહીં ગમે .જોકે મારો ગુનો તો એવો જ છે કે તમે રિસાઈ જાઓ પણ શું કરું? ઈશ્વર હજુ કલ્પનાને વાસ્તવિકતાનું રૂપ આપવામાં રાહ જોવડાવી રહ્યો છે.
પણ એક વાસ્તવિકતા એવી છે , હવે એવું લાગે છે કે તમને જણાવી દઉં ...બસ આજે બધું કહી દેવાની ઈચ્છા થાય છે.
મારા નાનપણની તો તમને ખબર જ છે સંઘર્ષની પરિસ્થિતિમાં વીત્યું પણ ત્યારે તે સંઘર્ષ અઘરો ન લાગ્યો કારણકે મારી સામે એક ભવિષ્યનું મેઘધનુષી આકાશ હતું જે મને આનંદિત રહેવા પ્રેરણા આપતું હતું. મારો મધ્યકાળ ખુબ જ સરસ ગયો,સહ સંગીની સ્વરૂપા ખૂબ જ માયાળુ સ્વભાવની ,મારા માટે હંમેશા પ્રેરક રહી. પણ કહેવાય છે ને કે સુખની ક્ષણો હાથમાંથી ઝડપથી સરકી જાય છે.
મારી નિવૃત્તિ,.... પત્ની ની બીમારી..... અને સંતાનોના લગ્ન બધું જ એકસાથે જ ઈશ્વરે નિર્મિત કરી દીધું સ્વરૂપા ની પાછળ સંપત્તિ ખર્ચી નાખી પરંતુ બચ્ચા ફક્ત સંસ્મરણો. આમ છતાં સ્વરૂપા ની છેલ્લી ઈચ્છા પૂરી કરવા વતનનું મકાન વેચી અહીં શહેરમાં જ સેટ થઇ ગયા. બાળકો પોતાના સંસારમાં અને હું મારી એકલતા માં.
પણ હૃદયથી કવિ રહ્યો ને પ્રિયા નામની કલ્પનાને મારી પાસે બોલાવી લીધી શબ્દ રૂપે એકલતા દૂર કરવા. અને બસ શરૂ થઈ ગઈ મારી અને પ્રિયાની વાતચીત. ત્યાં ઈશ્વર મારી કલ્પનાથી એટલા ખુશ થઈ ગયા કે સાચોસાચ પ્રિયા જેવી જ ઓજસ મોકલી આપી.
અને ફરીથી મારી જિંદગીમાં જાણે વસંત આવી ગઈ.
શરૂ થઈ ગઈ મારી અને તમારી પત્રોની યાત્રા.
શરૂઆતમાં હું ફ્કત મિત્રભાવે તમારી સાથે વાત કરતો હતો.પરંતુ આ વાતચીત ક્યારે મારા સમગ્ર અસ્તિત્વને હચમચાવી ગઈ ખબર જ ન રહી.મારો પ્રેમ વધતો જ ગયો. તમને જોયા વિના મળ્યા વિના બસ વિચારોથી આકર્ષતી હતી તમારી પ્રતિભા....હું એકવાર તમને ફ્કત મળવા તમારા શહેરમા આવવાનો જ હતો ત્યાં મારા કહેવાતા પરીવાર ના સભ્યોને લાગ્યું કે સ્વરૂપા ના જવાથી મારું મગજનું બેલેન્સ ખોરવાઈ ગયું છે......અને મારો રસ્તો બદલી ગયો..
મારી ને તારી આ કલ્પના....
બદલતી ગઈ મારી ને તારી સંકલ્પના....
(ક્રમશ)