વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 3




         ઘણીવાર સામાન્ય લાગતી નાની નાની ઘટનાઓ મોટા સંકેતો આપી જાય છે,પણ આપણું મન તે સમજવા અસમર્થ અથવા કોઈવાર જાણીજોઈને માનવી તેને અવગણે છે , કારણકે માનવી હંમેશા અપરિચિત પરિસ્થિતિમાં ડરનો અનુભવ કરે છે.


       ચિત્રા અને પલાશ બંનેને પ્રકૃતિ કોઈક મોટા સંકેત આપતી હતી, પરંતુ બંને જણા જેમ બને તેમ તે પરિસ્થિતિને પાછળ ને પાછળ ઠેલવા માગતા હોય તેમ તેને સહજ ગણી અને જીવવાનો પ્રયત્ન કરતા હતા.


        ચિત્રાએ થોડી વાર આરામ કર્યો પછી પલાશ અને ચિત્રા બંને ડોક્ટર સચદેવને મળવા માટે નીકળ્યા.


પલાશ તેને માનસિક રીતે તૈયાર કરતો હતો. "જો ચિત્રા આપણું  મન એવું હોય છે કે જરાક થાકી જઈએ અથવા આપણને ન ગમતી પરિસ્થિતિ હોય, અપરિચિત વાતાવરણ હોય તો આપણું શરીર કમ્ફર્ટેબલ ફીલ ન કરે. તારી બાબતમાં પણ આવું જ થયું છે .આપણે અજાણ્યા દેશમાં આવ્યા છીએ અને થોડુંક કામનું ભારણ એટલે, આને બહુ સિરિયસલી ન લેતી."


                 ચિત્રા માટે આ નવું ન હતું કેમકે ઘણા વખતથી તેને એવા અનુભવ થતા હતા. પરંતુ બીજા વ્યક્તિને સમજાવવા દર વખતે ચિત્રા માટે શક્ય ન હતું. અને બીજાને સમજાવવા પહેલા થોડીક બાબતોમાં એ પોતે સ્પષ્ટ થઈ જવા માગતી હતી.


એટલે જ તેણે પલાશને કહ્યું, "પલાશ હું પણ હવે થાકી ગઈ છું અને કાલની ઘટના એ મને સમજાવી દીધું છે કે મારી સાથે બનતી ઘટનાઓ સામાન્ય નથી, અને તેનું વૈજ્ઞાનિક કારણ મારે જાણવું જ છે. મારા મનના વિચારો જ આકૃતિ રચી દે છે કે પછી સાચી આકૃતિઓ જ મને વિચાર કરવા પ્રેરે છે?"


       ચિત્રા અને પલાશ આ બાબતે વાત કરવા જ જતા હતાં ત્યાં ડો. સચદેવે તેને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા.

ચેમ્બરની અંદર પ્રવેશતી ચિત્રાને જોઈ ડો. સચદેવ બે મિનિટ જોતા જ રહ્યા.પરંતુ પોતાના મનોભાવો છુપાવી ચિત્રાને આવકારી અને કહ્યું " તો તમે ભારતથી આવો છો એમ?"


ચિત્રાએ કહ્યું, "હા "


ડો. સચદેવ જાણે આજે ચિત્રાને સમજાવતા પહેલાં પોતાના મનનું સમાધાન કરવા માંગતા હતા.

.

પહેલીવાર અહી આવ્યા? કોઈ તમારા સગાસંબંધી?


હવે પલાશને થયું કે ડોક્ટર વધારે કંઈ પુછી બેસે તો ચિત્રા ની તબિયત લથડી જશે એટલે તેને વચ્ચેથી જ કહ્યું." ના અમે તો ફક્ત બિઝનેસ ડીલ માટે આવ્યા અને બસ હવે નીકળી જવાના છીએ."


ડો સચદેવે કહ્યું," બરાબર."


ચિત્રા પણ હવે વધારે સમય બગાડવા નહોતી ઈચ્છતી તેથી તેણે સીધુ જ પૂછી લીધું."ડોક્ટર હું વાતને ગોળ ગોળ ફેરવવા નથી માંગતી. હું નાની હતી ત્યારથી જ મને ઘણી વખત એવું લાગે છે કે જાણે આસપાસની પ્રકૃતિ મને કંઈક સંકેત દેવા માંગે છે. જે ઘટનાઓ નજીકના ભવિષ્યમાં બનવાની હોય તેના સંકેતો મને આપોઆપ મળવા લાગે છે."


ડો સચદેવ વાતને જોડતા બોલ્યા," મિસ ચિત્રા ડોક્ટરની ભાષામાં આને પૂર્વાભાસ કહે છે. આપણી આસપાસ એક બીજી દુનિયા અગોચર સૃષ્ટિ પણ વસે છે. જે આપણને તેના અસ્તિત્વનો પરિચય કરાવવા સતત પ્રયત્ન કરે છે. પરંતુ જે વ્યક્તિમાં જાગૃતતા વધારે તે આ સંકેતો સમજી શકે છે, જે વ્યક્તિ આ સમજી નથી શકતી, તે આને અંધશ્રદ્ધા, ખરાબ શક્તિઓ, અમંગળ, અપશુકન કે પછી વિચારોની વ્યર્થતામાં ખપાવી દે છે."


ચિત્રા તરત જ બોલી ઉઠે છે."સાવ સાચી વાત ડો હું ઘણી વખત મારા મનના મનોભાવો બીજાને સમજાવી જ શકતી નથી અને અંદર પણ રાખી શકતી નથી."


ડો.સચદેવ જાણે પોતાની સારવાર શરૂ કરવા લાગ્યા

"તો મિસ ચિત્રા શા માટે અંદર દબાવી રાખો છો? હળવાશથી જીવો ,જે છે એનો સામનો કરો."


ડોક્ટર સચદેવ ની વાત સાંભળી પલાશને જાણે ચમકારો થયો તે મનમાં જ બોલ્યો."હોઈ શકે કાલે રાત્રે ચિત્રાને કંઈક આવો જ અનુભવ થયો હોય અને તેની પ્રતિક્રિયા રૂપે ચીસ પાડી હોય?"


પલાશે કહ્યુ, "હા ડોક્ટર ચિત્રાની બાબતમાં એવું જ છે કાલે રાત્રે મને એવું લાગ્યું કે જાણે એને કંઈ ભયંકર સપનું જોઈ લીધું અને તેની પ્રતિક્રિયા રૂપે ચીસ પાડી."


ડો. સચદેવ પણ જાણવા માટે ઉત્સુક બન્યા. "શું થયું હતું મિસ ચિત્રા?"


ચિત્રા જાણે આગલા દિવસમાં ચાલી ગઈ. "ડોક્ટર શું એવું બની શકે કે હું મારા સપનામાં મારી જાતની સાથે મારા જેવી જ લાગતી કોઈ બીજી વ્યક્તિને જોવું ? તેની સત્યતા કેટલી?"


ડો સચદેવ ને જાણો મનનો તાળો મળતો લાગ્યો."તમે જ હતા? તમારા જેવા લાગતા હતા? કે પછી તમારાથી ઉંમરમાં મોટા હતા?"


ચિત્રા જાણે જવાબ આપવા તત્પર."ડો. હું એક ગાડીમાં જતી હતી મારી ગાડી સામે અચાનક હું જ આવી ગઈ. અને હું બે મિનિટ સમજી શકું એ પહેલાં જ ભયંકર અકસ્માત થઈ ગયો."


ડૉ. સચદેવ બોલ્યા."તમારા સપના પાછળ બે શક્યતાઓ રહેલી છે. એક તો તમારું સપનું સો ટકા સત્ય થવાનું છે. અને બીજું તમારી અંદર બે વ્યક્તિત્વ રહેલા છે જે પ્રતીકાત્મક રીતે તમને સપનામાં દેખાયા, તમારા જ વિચારો એકબીજા સામે સંઘર્ષમાં છે.


ચિત્રા સપના નું વર્ણન કરતાં કરતાં જ થાકી ગઈ અને બોલી." તો આનો શું ઉપાય ડૉ?


ડો. સચદેવ જાણે પૂરતી તપાસ કરી પછી જ ચિત્રાની સારવાર કરવા માંગતા હતા. તેમણે કહ્યું. "મિસ ચિત્રા આ નાની વાત નથી. અને એવું પણ નથી કે એક બે ડોઝ દવાના ખાઇ લીધા અને આપણું મન શાંત થઈ જાય. આના માટે તમારે દર અઠવાડિયે બે વખત એમ મને મળતા રહેવું પડશે અને વાતચીત, તમારા અનુભવો અને સંકેતોને આધારે જ હું તમારું નિદાન કરી શકું."


ચિત્રા કંઈ બોલે તે પહેલાં જ પલાશે સહમતી આપી દીધી અને બંને જણા હોટેલ જવા નીકળ્યા.


ડોક્ટર સદેવ જાણે ચિત્રાના જવાની જ રાહ જોતા હતા તેમણે તરત જ તેમના સેક્રેટરી ને ફોન લગાડ્યો અને પૂછ્યું કે "આપણા દર્દી ગૌતમીના બધા જ કેસપેપર મારે તત્કાલીન જોઈએ, તેમનો ફોટોગ્રાફ ખાસ."


કોણ છે આ ગૌતમી?

શા માટે મિસ્ટર સચદેવને ચિત્રા જાણીતી લાગે છે?

શા માટે ડોક્ટર સચદેવ ચિત્રા આગળ પોતાના મનોભાવો વ્યક્ત થવા દેતા નથી.?

શું ચિત્રા નું સપનું આ વખતે સાચું પડશે?


 (ક્રમશ)  



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ