વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શંકાની શૂળ

                તાજા ખીલેલા પુષ્પ પર વહેલી સવારના ઝાકળના બુંદ ઉપસી આવે એવા કંચન કાયા પર બાઝી ગયેલા પ્રસ્વેદના બુંદને રજાઈથી લૂછતી રેણુકા પથારીમાંથી સફાળી બેઠી થઈ. નાઈટ લેમ્પ ચાલુ કરીને જોયું તો સવારના ચાર વાગ્યા હતા. કોઈ ભયાનક સ્વપ્ને એની નીંદને આગગાડીમાંથી નીકળતા ધૂમાડાની પેઠે ઉડાડી દીધી હતી. શરાબી શરાબના નશામાં ચૂર થઈને પ્રગાઢ નિંદ્રાને સ્વાધીન થાય એવી નશીલી ઊંઘ સમુદ્રના ખારા નીર માફક સાવ નકામી થઈ ગઈ હતી. છતાં એની આંખોમાં ચલમના કેફ જેવી લાલાશ હતી.


            રેણુકા દરવાજો ખોલીને બેડરૂમની બાલ્કનીમાં આવી. ચંદ્રમાની શીતળતાને ખોબે ખોબે ઠાલવતા, માદક અને ધીમા છતાં શીતળ પવનનો સ્પર્શ પણ એને ઉનાળાના મધ્યાહન સમયે ફેંકાતી લૂં જેવો લાગ્યો. રાતની અંતિમ ઘડીને પોતાના યૌવનના કેફથી આહલાદક અને રમણીય - નયનરમ્ય - કરવા પુર જોશથી ખીલી રહેલા તારલા પણ રેણુકાની નજરે ના ચડ્યા. રાત્રીનો આ અંતિમ પહોર કોઈ વિધવા જેવો - શૃંગાર રહીત - લાગ્યો.


               યાદ નથી કે સ્વપ્ન શું હતું પણ હૃદયની ધડકનોની રફતાર સાબિતી આપી રહી હતી કે ચોક્કસ એ મનને આનંદ આપનાર તો નહીં જ હોય.


            કદીક માસુમિયતથી નીતરતી આંખોમાં આજ ગભરાહટ હતી. પ્રસન્નતાની હેલી વરસાવતું મન આજ ઉચાટ અને વેદનાની ખીણમાં એવું તો ગરકાવ હતું કે ખુદના અસ્તિત્વને જ શોધવાના વલખા હતાં.


          કદીક વસંતની લહેરમાં મસ્ત બનીને ખીલતા ગુલોની રમણીયતા વસતી એવી સાગર જેવી ગહેરી આંખોમાં આંસુ અને એની ખારાશ હતી.


             હિમાલયના સૌંદર્યને પણ શરમાવે એવી સૌંદર્યની લહેર ચહેરા પર આઠો પહોર વાસ કરતી એ ચહેરાની લાલીમાં રેગીસ્તાન માફક સૂકી અને વિરાન બની ગઈ હતી.


           મહાકવિ ભાસના વસંત વિલાસ મહાકાવ્યના પ્રેમ રસ અને યૌવન શૃંગારની કલ્પનાઓને શરમાવે એવી સુડોળ અને યૌવનના યૌવનનો ભાર વહન કરતી કાયા પાનખરના પ્રકોપને વહન કરતા ઉભા સુકાય ગયેલા વડલાના વૃક્ષની લટકતી વડવાઈ જેવી બની ગઈ હતી.


           રેણુકાએ ઊંડો શ્વાસ લઈને એટલા જ જોરથી બહાર ફેંક્યો. જાણે કે ભીતર તપતી અગન ભઠ્ઠીની દાહને બહારની હવાથી થોડી ઠંડક આપવાની કોશિશ કરતી હોય. પરંતુ ઝાંઝવા જેવી અગન જ્વાળા પુરી થવાનું નામ જ નહોતી લેતી.


" મિત...આ સંબંધની આંટી ઘૂંટી અને વ્યવહાર - વર્તનથી ઉભી થયેલી ગેરસમજ આપણાં સંબંધને વેન્ટિલેટર સુધી લઈ જશે એની તો કલ્પના પણ નહોતી." - રેણુકા જાણે દિશાઓના અંધકારને પોતાના પાલવના છેડે બાંધીને ફક્ત એની સાથે જ વાર્તાલાપ કરતી હોય એ રીતે ભીની આંખોની ભીનાશથી શબ્દોને રંગીને સ્વગત બોલી રહી.


           એનું સાંભળનાર કોણ હતું? એના ઉકળતા હૃદયને ઠંડક આપનાર કોણ હતું? શૂળની માફક ચૂંભતા એકાંતની વેદનાનો ઈલાજ કરનાર કોણ હતું? છેલ્લા એક વર્ષથી રેણુકા આ એકાંતને ના ચાહવા છતાં સંતાનની જેમ જતન કરી રહી હતી. વેદના એને પણ હતી. દર્દ એને પણ હતું. એના એકાંત તરફથી મળતા ઘાવ એના હૃદયને કારાવાસમાં પુરેલા કેદીને પડતા કોરડાની માફક વીંધી રહ્યા હતાં. પરંતુ અહીં તો દર્દથી નીકળતી આહના ઉદગારને પણ સાંભળનાર કોઈ ન હતું. રેણુકા મિત સાથેની ક્ષણોને વાગોળી રહી.


" મિત... હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તારા વગર મારુ શું થશે? તારા વગર જીવનમાં જીવન જેવું નહીં રહે."

" આ વાત તારે મારા અને આરાધનાના સંબંધ પર કીચડ ઉછાળતા પહેલાં વિચારવી હતી."

" મિત ભૂલ થઈ જાય. તું પણ જાણે છે કે હદથી વધારે પ્રેમ શકનો જન્મદાતા છે."

" એટલો પણ શક પેદા ન થવો જોઈએ કે જીવનની સઘળી ખુશીમાં દીવાસળી લાગી જાય."

" આપણે ફરીથી બળી ગયેલા નંદનવનને આપણાં પ્રેમથી સીંચીને, નવીન સ્વપ્નોની સાથે આપણી ખુશીનું વાવેતર કરીશું."

" રેણુ...જે જમીન પર ફક્ત દ્વેષ, ઈર્ષ્યા અને નફરતનું જ વાવેતર થઈ ગયું છે ત્યાં પ્રેમનું વાવેતર શક્ય નથી. અને તું કરશે તો પણ એનું જતન કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે."

" પણ મારી ભૂલ થઈ ગઈ. તું એક મોકો તો આપ."

" ભૂલ...ગાંડી ભૂલ એક હોય તો માફ કરું પણ તે... તું જાણતી જ હતી કે આરાધ્યા મારી બહુ સારી ફ્રેન્ડ છે. તારી સાહેલીઓના કહેવાથી તે મારા પર શક કર્યો. અરે કર્યો તો પણ કંઈ વાંધો નહિ. સ્ત્રી સ્વભાવ સહજ

છે. પરંતુ મારા કહેવા છતાં, તારા વાતના ખુલાસા આપ્યા છતાં તારા મનમાં પાંગરતા શકના બીજને તે ઉખાડીને ના ફેંક્યું. દિવસે ને દિવસે એ બીજ વિકસ્યું. આજ એક વટવૃક્ષ માફક એની શાખાઓ વિકસી ગઈ છે. ત્યારે મારું તારાથી દૂર જવું જ હિતાવહ છે. દૂર જવાથી જ આ કંકાસના સઘળા અવસરો નાબૂદ થશે."

" મિત...એક વાર મારી ભૂલ માફ કરી દે."

"રેણુ..એવું તો નથીને કે એક જ વાર આ ભૂલ થઈ છે. હું એવું નથી કહેતો કે હું તને પ્રેમ નથી કરતો. તે તને ચાહવાના જેટલા કારણો આપ્યા છે એના કરતા હજાર ઘણા મોકા તારા તરફ નફરત પેદા થાય એના આપ્યા છે. મારું દિલ તારા માટે જ ધબકે છે અને કાયમ તારા માટે જ ધબકશે. પરંતુ પહેલાં જે તારા સાથમાં શાંતિ, સુકુનની પ્રતીતિ થતી એ અહેસાસ હવે તારા પાલવના છેડેથી પણ સારી ગયો છે. હવે હું તને કહું છું કે મને માફ કરી દે. કદાચ ભવિષ્યમાં કોઈ સ્થળ પર, સંજોગો વસાત આપણી મુલાકાત થઈ જાય તો આંખમાં એટલી ઓળખાણ તો રાખજે કે જોયા પછી ધડકન એકબીજાનું નામ લેવું ચુકે નહિ."


          બહાર નીકળતા મિતે ભલે બારણું પ્રેમથી બંધ કર્યું પણ એની પાછળ વહી જતી એની આહટમાં રેણુકા માટે પ્રેમની કાયમની તૃષા છોડીને ગયો.


           ક્યારેક પ્રેમના ઉન્માદથી ભર્યા ભર્યા રહેતા બેડરૂમમાં એક એવો ખાલીપો ભરીને ગયો કે કદાચ પ્રેમના હજારો દરિયા એ રૂમમાં ઠાલવવામાં આવે છતાં એ ખાલીપાને ચૂંટકી ભર પણ દૂર ન કરી શકે. પ્રેમના ઉન્માદથી નીકળતી સિસકીઓથી ગુંજતો બેડરૂમ વેદના અને વિરહના દર્દથી તોબા પોકારી ગયો.


       દીવાલો પર ઉતરતા હાસ્ય અને પ્રસન્નતાના રેલા સુકાય ગયા અને રોમેન્ટિક ચિત્રોથી સજાવેલી દીવાલો પણ આંસુથી ખરડાયેલા ચહેરાની જેમ ખરડાયેલી લાગી. જ્યાં પણ નજર કરો ત્યાં રેણુકાની અતૃપ્ત, સૂકી અને અધૂરી નજરનો પડછાયો નજર આવતો.


            રેણુકાએ બેડરૂમમાં જઈને ફ્રેશ થવા ફુવારો ચાલુ કર્યો. પણ હેમ જેવી નગ્ન કાયા પર પડતા ઠંડા પાણીના બુંદ વરાળ થઈને બાષ્પીભવન પામતા જણાયા. શું હતું એના જીવનમાં અને શું રહ્યું એના જીવનમાં એ એક જ વિચાર એના પ્રસન્નતાના રજવાળાનું વિલીનીકરણ કરવા માટે સમર્થ હતો. સતત પડતી પાણીની ધાર પણ એને અગન વર્ષા જેવી લાગી.


               રેણુકા બને એટલા ઝડપથી બહાર નીકળી. ટોવેલથી કાયા સૂકી તો કરી પણ વારંવાર લૂંછવા છતાં એની આંખો સૂકી ન થઈ. આમ પણ એના જીવનમાં હતું શું? ફક્ત આંસુ. એનું જવાબદાર કોણ? રેણુકા પોતે જ.


           રેણુકા ચાનો કપ લઈ સોફામાં બેઠી. ક્યારેક આમ જ વહેલી સવારમાં એ અને મિત પ્રણયની કાલીકાલી મસ્તી કરતા ચાની ચૂસકી લગાવતા અને અત્યારે?


        રેણુકા ખુદ વિચારી રહી કે મિત તરફથી મળતા સ્વર્ગ પ્રાપ્ત થયાના આનંદ કરતા હજાર ઘણો તૃપ્ત કરતો પ્રેમ એણે જ વારંવાર શકના વંટોળથી ધરાસાહિ કર્યો હતો. એને આજ ભાન થયું - અહેસાસ થયો - કે મિત ક્યારેય ચલિત થયો ન હતો. એનો પ્રેમ શુદ્ધ હતો. પ્રામાણિક હતો. પરંતુ હવે શું? જીવનની કિતાબમાં પેન્સિલના બદલે પેનથી એણે પોતાની ભૂલ લખી નાખી હતી. જે ભૂસવાનો અવકાશ ન હતો. મિતે પણ ગયા પછી પાછું વળીને જોયું ન હતું.


       રેણુકાના જીવનમાં ફક્ત વિરહનું દર્દ હતું. એનું હૃદય મિત સિવાય કોઈનો વિચાર કરવા રાજી ન હતું. મિતની યાદ એને પળે પળે મારી રહી હતી. કેવી વેદના? કેવું દર્દ? કેવું ઘાતક? કેવું અક્ષમ્ય?


          રેણુકા હથેળી પહોળી કરીને જોઈ રહી. ક્યાંય વળી મિતના નામની પ્રેમ રેખા ફરીથી એની હથેળીમાં ઉપસી આવે. પરંતુ આંખમાંથી એક ખારું અશ્રુબુંદ હથેળી પર પડ્યું. રેણુકા એ અશ્રુબુંદને જોઈ રહી અને મુઠ્ઠી વાળીને એની કિસ્મતમાં એ આંસુને ઓગાળી રહી.



                  *                 *               *



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ