વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એંધાણાં

 

કાનનનો પહેલા નોરતાનો આખો દિવસ લોંગ ડ્રાઇવમાં જ પસાર થવાનો હતો. આમ પણ કાનનને નવરાત્રી પસંદ પણ નહોતી. તે છેલ્લા ત્રણ વર્ષથી દરેક નવરાત્રીમાં સાહસિક ટ્રેકીંગ કે કોઇ પ્રોજેક્ટ વર્ક માટે નીકળી પડતી.

કાનને આ વર્ષે જ આર્કીટેકચરની માસ્ટર ડીગ્રી ગોલ્ડ મેડલ સાથે હાંસલ કરી હતી. તેને તૈયાર કરેલી ઇન્ટીરીયર લુક્સની અફલાતૂન ડિઝાઇન્સની ખૂબ જ ડિમાંડ રહેતી હતી. બેસ્ટ પર્ફોર્મીંગ ન્યૂ યંગસ્ટર અને તેના બેસ્ટ સ્કેચના મળેલા એવોર્ડ્સ પણ તેની ઉજ્જવળ કારકિર્દી દર્શાવતા હતા. સરકારના નવા પ્રોજેક્ટમાં પણ તેને કામ મળવાનું શરૂ થઇ ગયું હતું. કાનનને જ્યારથી એંટીક ડિઝાઇનીંગ અને તેના સ્કેચની લગની લાગી ત્યારથી તેને અનેક કામ મળવા લાગ્યાં હતા. આ નવરાત્રીમાં કાનને તેના નવા પ્રોજેક્ટના રીસર્ચ વર્ક માટે એક અંતરિયાળ ગામડું પસંદ કર્યુ હતું. ગામનું નામ હતું – સુખપુરા. જંગલોની વચ્ચે અને કુદરતના ખોળે રમતાં આ ગામમાં તે નવ દિવસ પસાર કરી તેમના ભાતીગળ જીવન અને ગામડાના ઘરોના સ્કેચ તૈયાર કરવા તે નીકળી પડી હતી.

કાનન સતત ત્રણ કલાકથી કાર હંકારી રહી હતી. બરાબર બારને દસ મિનિટે એક ઠીકઠાક લાગતી હોટલ પર લંચ બ્રેક લીધો.. ફ્રેશ અપ અને લંચમાં જ અડધો કલાકથી પણ વધારે સમય વિતી ગયો. તેને ગુગલ મેપ પર હવે પછીનું ડિસ્ટન્સ તપાસી લીધું. ગુગલબાબા સુખપુરા વિલેજ - એંસી કિલોમીટર અને બે કલાક વીસ મિનિટનો રન બતાવી રહ્યા હતા. પચાસ કિલોમીટર પછી હાઇવે છોડીને જંગલના અંતરીયાળ રસ્તા તરફ જવાનું હતું એટલે ત્રણ વાગી જ જશે તે નક્કી હતું.

કાનન બિલ ચુકવીને ઉભી થઇ ત્યાં જ તેની લગોલગ લગભગ તેની જ ઉંમરની એક સાવ અણઘડ અને વિચિત્ર લાગતી યુવતી અચાનક જ પ્રગટી હોય તેમ આવીને ઉભી રહી...

મોબાઇલમાં વ્યસ્ત કાનનને તે અચાનક જ દેખાઇ એટલે તે ચમકી ગઇ. કાનનને ધ્રાસકો પડ્યો અને પેટમાં ફાળ પડી હોય તેમ તેને તેનો ખાલી હાથ પેટ પર મુકી દીધો અને મોં પહોળું થઇ ગયું, ‘ઓહ માય ગોડ...!’ તેના સ્ફૂરેલા શબ્દો પેલી સમજી શકે તેમ નહોતી.

તેના હાથમાં ચુંદડીથી મઢેલી અને આભલાં ચોંટાડેલી એક થાળી હતી. તેમાં કાચની અંદર સુરક્ષિત ધગધગતો દિવો અને લાલ પીળી ચુંદડીથી ઢાંકેલો એક ફોટો હતો. તે ફોટાની વચ્ચે મુકેલા માતાજીના પગલાંની ઉપર અને તેની ફરતે કંકુ વેરાયેલું હતું.

‘માડીના દર્શન કર.. હારા વાના કરહેં...!’ કાળા રંગની ભાતીગળ ચણિયાચોળી, લલાટે લાલ લાંબુ ખેંચેલું તિલક, કાનમાં લટકતી મોટી મોટી કડીઓ, નાકમાં ગોળ અને મોટી નથણી, તડકાને કારણે શ્યામ થઇ ગયેલો તેનો સુકો ચહેરો અને અનિમેષ તાકી રહેતી તેની શુષ્ક આંખો કાનનને હલબલાવી ગઇ...! શરીરમાં પ્રસરેલું ભયનું લખલખું અને સામે ઉભેલો ભયાવહ ચહેરો કાનનના અગમ્ય ઉચાટને વધારી રહ્યો હતો. તેની નજર પેલીના હાથમાં રહેલા ચુંદડી ઢાંકેલા ફોટા પર સ્થિર થઇ.

પેલી કાનનની નજર પામી ગઇ હોય તેમ બોલી, ‘આ તો મારી જાગતી જોગણ શે.. ઇ તારી સંધીય મનોકામના પૂરી કરહે.... મારી માડીને ગરબે ઘુમવાની રાતો શે... ઇના કંકુના પગલાં થવાના શે... તું ય કંઇક આલતી જા....!’ તેનો અવાજ તીખો અને ગામડાના લહેકાવાળો હતો. કાનનને તેનો તુકારો ખુંચવા લાગ્યો. તે તેને અવગણીને આગળ ચાલી તો તે બરાડી, ‘છોરી... કંઇ નો આલે તો હાલશે પણ દરશન તો કરતી જા...’ તેનો તીખો અને કર્કશ અવાજ કાનનના કાને અથડાયો તે કાનનને ડરાવતી હોય તેમ લાગ્યું.

કાનને તેની તરફ ધ્યાન આપ્યું નહી અને કાર તરફ આગળ વધી. પેલી લઘરવઘર ચાલતી તેની પાછળ પાછળ આવી. ‘ખોડી, આમ ઉતાવળે નો હાલ્ય... ખાલી દરશન કરતી જા... થારે જ્યાં જવાનું શે ઇયાં આ જોગણ રખોપા કરહેં .’ કાનને તેનું સાંભળ્યું, ન સાંભળ્યું કરીને કાર સ્ટાર્ટ કરી. ડ્રાઇવર સીટની સામેની તરફ બંધ ગ્લાસની બહાર તે ઉભી હતી. કાર આગળ વધી તે સમયે જ તેની થાળીમાં રાખેલા ફોટાને ઓઢાડેલી ચુંદડી હવાની લહેરથી ઉડી ગઇ...! કાનનની નજર એક ક્ષણ માટે જ તે તસ્વીર પર પડી અને તેના દિમાગમાં એકસાથે અનેક પડછાયાઓ આમતેમ ઘુમવા લાગ્યા.

‘આ તો એ જ તસ્વીર....!!’ કાનનની આંખો એકાએક ચકરવિકર થવા લાગી. તેને કારનાં સાઇડ અને રીયર વ્યુ મિરરમાં નજર કરી. પણ તેમાં તે દેખાઇ રહી નહોતી. સ્પીડ પકડી ચુકેલી કારને કાનને અચાનક જ બ્રેક મારીને ઉભી રાખી. ધૂળની નાની ડમરી અને ટાયરની એક કર્કશ ચીચીયારી સાથે કાર ઉભી રહી ગઇ. દૂર ઉભેલા કેટલાક લોકોનું ધ્યાન કાર તરફ ખેંચાયું. કાનન ઝડપથી નીચે ઉતરી અને કારની પાછળ તરફ દોડી.... પણ તે યુવતી વાયરામાં ઓગળી ગઇ હોય તેમ ક્યાંય ન દેખાઇ....! ‘ક્યાં ગઇ તે ?’ કાનનના શબ્દો હવામાં જ ઓગળી ગયા.

‘ક્યાં હુઆ મેડમ ?’ સહેજ દૂર ઉભેલા એક ટ્રકવાળાંએ પૂછ્યું.

‘યહાં એક ઔરત થી, ઉસકે હાથમે વો આરતી કી થાલી થી.... વો કહાં ગઇ?’

‘નહી મેડમ... ઐસી તો કોઇ ઔરત યહાં નહી થી...!’ પેલા ટ્રકવાળાનો જવાબ સાંભળતા કાનન હેબતાઇ ગઇ અને ઝડપથી કાર તરફ પાછી વળી. થોડીવાર આમતેમ નજર કરી અને એક ઉચાટ સાથે કાર હંકારી મુકી.

મનના ઉઠેલા તરંગોને શાંત કરવા રેડિયો ઑન કર્યો અને કારની અંદર ગરબાની ધૂન રેલાવા લાગી.

‘કુમકુમના પગલાં પડ્યાં... માડીના હેત ઢળ્યાં...
જોવા લોક ટોળે વળ્યાં રે..... માડી તારા આવવાના એંધાણા થયાં...!’

કાર દોડી રહી હતી પણ કાનન તો તેને ઘડીના છઠ્ઠા ભાગ સુધી જ દેખાયેલી તે તસ્વીરના વિચારોમાં જ ખોવાયેલી રહી, ‘તે છોકરીનો વિશિષ્ઠ લહેકો, ‘આ તો મારી જાગતી જોગણ શે.. ઇ તારી સંધીય મનોકામના પૂરી કરહે.. મારી માડીને ગરબે ઘુમવાની રાતો શે... ઇના કંકુના પગલાં થવાના શે...!’ એક વિચિત્ર તેનો અવાજ અને મનના ખુણામાં ઘણીવાર દેખાયેલી તે તસ્વીર આજે તેને અહીં કેમ દેખાઇ? અને તે એકાએક ક્યાં ગાયબ થઇ ગઇ ?’

થોડીવાર પછી હાઇવે છોડવાનો હતો એટલે ફ્યુલ ઇગ્નીશન પર નજર કરી અને આગળ દેખાતાં પેટ્રોલ પંપ પર કાર વાળી દીધી. નવ દિવસ સુધી અંતરિયાળ ગામડાંમા જ રહેવાનું હતું એટલે ફ્યુઅલ ટેંક ફૂલ કરાવી દીધી. કાર સાઇડમાં પાર્ક કરીને પેટ્રોલ પંપ પર ફરી ફ્રેશ થઇ અને પછી કારની પાછળની સીટમાં મુકેલું તેનું સ્કેચ આલ્બમ કાઢ્યું. ગયા અઠવાડિયે જ તેને દોરેલા એક દૈવી સ્ત્રીના આ પેઇંટીંગમાં ફક્ત રંગ ભરવાનો જ બાકી હતો... અને તેવી જ એક રંગ ભરેલી તસ્વીર પેલી સ્ત્રીના હાથમાં હતી... ‘આઇ કાન્ટ બિલિવ... ઇટ્સ સ્ટ્રેંજ...! કે પછી મારો કોઇ ભ્રમ હશે...?’ કાનને આલ્બમ કારમાં મુક્યું અને ફરી ગુગલ મેપ પર તેનું લોકેશન ચકાસી લીધું.

ત્રણ કિલોમીટર પછી ટર્ન હતો. હવા ચેક કરાવી લીધી અને ફરી કાર સ્ટાર્ટ કરી.

હાઇવે પછીનો રસ્તો સિંગલ પટ્ટી હતો. પંદરેક કિલોમીટર પછી તો રસ્તો એકદમ ઉબડ ખાબડ હતો. અહીં ટ્રાફીક નહીવત હતો. જંગલનો સૂમસામ ગીચ રસ્તો અને કોતરોની શરૂઆત થઇ ચુકી હતી. થોડે આગળ એક ડાયવર્ઝન આવ્યું. આગળ રસ્તાનું કામ ચાલું હોય તેમ લાગ્યું. રોડની વચ્ચોવચ્ચ ઝાડની કાપેલી ડાળીઓ અને એક તુટેલું ફૂટેલું ભંગાર પીપડું મુક્યું હતું. તે પીપની વચ્ચોવચ્ચ કોઇએ કાળા કોલસાથી ખોપરી દોરીને ઉપરની તરફ ડેંજર અને તે વિચિત્ર આકૃતિ નીચે ડાયવર્ઝન લખીને ડાબી તરફ એરો દોરેલો હતો. કાનને કારને તે એરોની દિશા તરફ વાળી લીધી. આ રસ્તો સાવ કાચો અને નિર્જન હતો.

સો એક મીટર કાર આગળ વધી અને નેટવર્ક એકદમ ઠપ્પ....! ગુગલબાબા ગોથા ખાવા લાગ્યાં...! ડાયવર્ઝન ધાર્યા કરતાં ઘણું લાંબુ હતું અને મુખ્ય રસ્તાથી સહેજ ક્રોસમાં ઇશાન ખૂણા તરફ જતું હતું. કાનન પાસે હવે તે રસ્તા પર આગળ વધ્યા સીવાય કોઇ છૂટકો જ નહોતો.

કાર ડાયવર્ઝનથી આગળ વધી ત્યારે જ પાછળના રસ્તા પર એકાએક હવાનું વંટોળ આવ્યું. કાનનનું ધ્યાન કારને આગળના રસ્તાના ઊંડા ખાડાઓથી બચાવવામાં હતું... જો રીયર વ્યુ મિરરમાં કાનને નજર કરી હોત તો કાનનને તેની પાછળ આકાર લઇ રહેલા ભયાનક તોફાનના એંધાણ આવ્યાં હોત...! તે વંટોળ એક નિશ્ચિત કામ પતાવી રહ્યું હતું. તેને પેલા પીપને હડસેલીની બાજુની ચોકડીમાં ફેંકી દીધું અને રસ્તો રોકીને આડી પડેલી ડાળીઓ આમતેમ ઉડાડી દીધી... તે રસ્તો ખુલી ગયો અને તરત જ તે વંટોળ શમી ગયું...!

ડાયવર્ઝનથી કાચા રસ્તા પર આગળ વધતી કાર એકદમ ધીમી ગતિથી આગળ વધી રહી હતી. લગભગ ચારેક કિલોમીટરના કાચા રસ્તા પછી કાનનને એકદમ જુંનું - પુરાણું, તુટેલું અને આછું એક બોર્ડ દેખાયું.... ‘સુખપુરાનો રસ્તો....!’

કાનનને તેનું ડેસ્ટીનેશન મળી ગયું હોય તેમ લાગ્યું...!!!! અને આ સમયે જ જંગલના કોઇક ભેદી ખુણામાં એક ગેબી ઢોલ ધ્રીબાંગ.. ધ્રીબાંગ... કરતો કોઇ એંધાણાં આપી રહ્યો હતો...!


ક્રમશ.......

***


નવરાતની નવભાગની નવલકથા સિઝન -૪ નો આપનો અભિપ્રાય અવશ્ય આપજો.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ