વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

રતિલાલશેઠે સુખપર ગામના દરેક કુટુંબને મળી તેમના તરફથી કોઈ દુ:ખ પહોંચ્યું હોય તો માફ કરવાની અરજ ગુજારી લોકોની શુભ આશિષો મેળવ્યા પછી હસતા મોંઢે ગામ છોડી પત્ની અને બાળકો સાથે મુંબઈની વાટ પકડી હતી.

તેમણે મુબઈમાં રહેવા માટે એક ચાલીમાં એક ખોલી ભાડે રાખી બીજા જ દિવસથી કામ શોધવાનું શરૂ કરી દીધું હતું. મુંબઈમાં તેમના કેટલાક ઓળખીતા જ્ઞાતિ બંધુઓ અલગ અલગ વ્યસાય કરતા હતા તેમની સાથે મુલાકાત કરી તેમના જોગું કોઈ કામ હોય તો જાણ કરવા વિનંતી કરી હતી.

તે વખતે મુંબઈમાં કાપડની ઘણી મિલો ચાલતી હતી. તેમના એક સંબંધી મુંબઈ અને અમદાવાદની કેટલીક મિલોમાં સુતરના અને રેશમના થોકબંધ દોરા પૂરા પાડવાનું કામ કરતા હતા. તેમને તેમના કામમાં મદદરૂપ થાય તેવા વિશ્વાસુ માણસની જરૂર હતી તેથી તેમણે રતિલાલશેઠને તેમની સાથે ભાગીદારીમાં જોડાઈ જવા ઓફર કરી. રતિલાલ શેઠે તરત જ તે તક ઝડપી લઈ તે જ દિવસથી ધંધાને લગતી વિગતોથી વાકેફ થઈ બીજા જ દિવસેથી તેમણે કામ શરુ કરી દીધું હતું.

થોડા દિવસોમાં તેમના મોટા દીકરાએ પણ તેજાનાના વેપારનું કામ હાથ ધર્યું. એક વર્ષમાં ખૂબ મહેનત કરી તેમણે “રતિલાલ એન્ડ સન્સ” નામની પેઢીની સ્થાપના કરી પરદેશ સાથે  રૂ અને તેજાનો વેપાર શરુ કર્યો. તેમાં ફાવટ આવતાં તેણે તેજાનાના વેપાર માટે આફ્રિકાની વાટ પકડી હતી. થોડા સમયમાં ખૂબ સરસ રીતે ધંધો જમાવી તે ત્યાં સ્થાઈ થઈ ગયો હતો.

વચલો દીકરો ખાડી દેશો સાથે વેપાર કરવાના ઈરાદાથી મસ્કત રવાન થયો હતો. તેને પણ તકદીરે ભરપૂર સાથ આપ્યો હતો. તે પણ ત્યાં જઈ સ્થાયી થઈ ગયો હતો. નાનો દીકરો રતિલાલ સાથે રહી ભારતમાં વેપાર ધંધો કરતો હતો.

ભાઈઓ ભલે અલગ અલગ દેશમાં સ્થાયી થઈ અલગ અલગ વેપાર કરતા હતા પરંતુ વેપાર સૌનો સંયુક્ત હતો. “સંપ ત્યાં જંપ” એ કહેવત અનુસાર ત્રણેય ભાઈઓ સંપથી વેપાર કરતા હોવાથી રતિલાલશેઠના કુટુંબે જોત જોતામાં ખૂબ પ્રગતિ કરી હતી. તેમણે મુંબઈના વાલકેશ્વર જેવા ખૂબ ધનિક વિસ્તારમાં એક ભવ્ય બંગલો પણ ખરીદી લીધો હતો.

***

રતિલાલશેઠની ઉંમર થતાં તેમણે વેપારમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. નિવૃત્તિ પછી તેઓ ધર્મ ધ્યાન કરવાની સાથે સાથે શોખ ખાતર લેખન કાર્ય કરતા હતા.

એક વાર રતિલાલશેઠની તબિયત બગડતાં તેમણે તેમના પરદેશમાં વસતા દીકરાઓને કુટુંબ કબીલા સાથે મુંબઈ બોલાવી લીધા. દીકરાઓ પિતાજીને મળવા માટે કુટુંબ કબીલા સાથે આવી પહોંચ્યા હતા.

દીકરાઓના આવી જવા પછી તેમની બંને દીકરીઓ અને જમાઈઓને પણ તેમણે પોતાના ઘરે તેડાવ્યા હતા. 

રતિલાલશેઠે તેમની પત્નીની હાજરીમાં તેમના બાળકોને કહ્યું, “આજે આપણે જે કંઈ ધન સંપતિના માલિક છીએ તે ઈમાનદારી અને સચ્ચાઈના કારણે છે. મેં સુખપરમાં જે ધંધો કર્યો હતો તે ખૂબ ઈમાનદારીથી કર્યો હતો. મેં લોકોને પોસાય તેટલું  જ વ્યાજ લીધું હતું. મેં કદી કોઈનું શોષણ કર્યું ન હતું. મેં લોકોની મજબૂરીનો લાભ લેવાના બદલે હમેશાં લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો હતો માટે વતન છોડતી વખતે ગામના લોકોએ આપણને સાચા મનથી ખૂબ આશિષો આપી હતી. તેના પરિણામે આપણા પર લક્ષ્મીજીની કૃપા વરસી રહી છે. સુખપર ગામના કારણે આપણે સુખી થયા છીએ માટે તમે તે ગામને કદી ભૂલતા નહીં. મેં મારી કમાણીમાંથી સારી એવી રકમ સુખપર ગામનું ઋણ અદા કરવા બચાવી જુદી જુદી બેન્કોમાં થાપણ રૂપે રાખી મૂકી છે. તે ઉપરાંત મેં સુખપર ગામમાં કેવા પ્રકારના કામો કરવા જરૂરી છે તેની વિગતો પણ એક ડાયરીમાં લખી રાખી છે તેની સાથોસાથ મારા સુખપરના વસવાટ દરમ્યાનના ખાટા મીઠા અનુભવોના સંસ્મરણો પણ મેં મારી ડાયરીમાં ટપકાવી રાખ્યા છે જે વિગતો કદાચ તમને ભવિષ્યમાં કામ લાગશે. હજુ પણ હું તેમાં ઉમેરો કરતો રહું છું જે તમે ફુરસદે જોઈ લેજો. મારું સ્વપ્નું હતું કે હું જાતે સુખપર ગામમાં જઈ ગામમાં લોકોપયોગી કામો કરી ત્યાંના ગરીબો અને જરૂરતમંદ લોકોની જરૂરિયાતો પૂરી કરી ગામવાસીઓની શુભાષિશોનો બદલો વાળુ પરંતુ હવે મારું શરીર સાથ આપે તેમ નથી માટે હું તમને વસિયત કરું છું કે તમે પણ તમારી કમાણીમાંથી દરવર્ષે અમુક ટકા રકમ સુખપર ગામ માટે અલાયદી રાખજો અને જેમ બને તેમ જલ્દી વતનના ગામમાં જઈ મારું સ્વપ્નું પૂરું કરી ગામનું ઋણ અદા કરજો.”

બધા દીકરાઓએ રતિલાલને તેમનું સ્વપ્નું પૂરું કરવાનું વચન આપ્યું હતું. દીકરાઓના સધિયારાના કારણે તેમને સંતોષ થયો હતો.

તે પછી એકાદ વર્ષ જેટલા સમય પછી રતિલાલશેઠ વૈકુંઠવાસી થયા હતા. તેમના અવસાન પછી છ માસ જેટલા સમયમાં રતિલાલના પત્ની સુશીલાબેન પણ પાછાં થયા હતાં.

***

રતિલાલના દીકરાઓને તેમના બાપને સુખપર ગામનું ઋણ અદા કરવાનું આપેલું વચન યાદ હતું પરંતુ ધંધામાંથી નવરાશ કાઢી શકતા ન હતા. રતિલાલશેઠના મુંબઈ સ્થિત દીકરા પ્રમોદનો દીકરો કુમુદચંદ્ર ભણીને વેપારમાં જોડાવા લાયક થયો એટલે તેના પિતા અને મોટાબાપાઓએ નક્કી કર્યું કે હવે તેમના બાપ રતિલાલશેઠનું સ્વપ્નું પૂરું કરી તેમને આપેલા વચનમાંથી મુક્ત થવાનો સમય પાકી ગયો છે, તેથી હવે તે કામ હાથ પર લઈ લેવું પડશે.

તેમણે સુખપર ગામ માટે આત્યાર સુધી જમા થયેલી  રકમની ગણતરી કરી તો કરોડોની રકમ થતી હતી. તેમણે સૌએ એકમતે કુમુદને સુખપર ગામે મોકલી ગામના વિકાસના કામો હાથ ધરવાનું નક્કી કર્યું.

કુમુદચંદ્રને ગામમાં ઓછામાં ઓછું એક વર્ષ સુધી રોકાવવાની અને ગામના વિકાસ અને ગરીબોના ઉત્થાન માટે તેમની પેઢીને છાજે તેવા કામો કરવાનું આયોજન કરવાની તમામ જવાબદારી સોંપવામાં આવી.

કુમુદચંદ્ર વાણિયાનો દીકરો હતો અને ઉપરથી તેણે કોમર્સનો વિદ્યાભ્યાસ કર્યો હતો. યુવાન દિલમાં કઈંક નવું કરી બતાવવાની તમન્ના હોવાથી તેણે તે બીડું ઝડપી લીધું.

***

સૌ પ્રથમ તેણે તેના દાદા રતિલાલની ડાયરી બે ત્રણ વાર વાંચી, દાદાએ સુખપર ગામમાં કેવા કામો કરવાનું વિચાર્યું હતું તેની યાદી જોઈ લીધી. દાદાના ગામના વસવાટ દરમ્યાનના સંસ્મરણો પણ તેણે વંચાણે લીધા. ત્યારબાદ તેણે ઈન્ટરનેટ પરથી સુખપરની હાલની સ્થિતિ, ગામમાં અત્યાર સુધી સરકારશ્રી દ્વારા કરવામાં આવેલા સુખાકારીના કામોની વિગતો, ગામની વસતી અને ગામને લગતી તમામ વિગતો પોતાના લેપટોપમાં ડાઉનલોડ કરી સેવ કરી લીધી. તે ઉપરાંત તેણે આજુબાજુના ગામોની વિગતો પણ એકઠી કરી.

એક અદ્યતન ગામ કેવું હોવું જોઈએ તેની વિગતો પણ મેળવી. ગુજરાત સરકારે ગામડાંઓની કાયાપલટ કરવા માટે કઈ યોજનાઓ તૈયાર કરી છે તેના લક્ષાંકો શું છે, તેમાંથી કેટલી યોજનાઓનું સુખપર ગામમાં અમલીકરણ થયું છે, કેટલા લક્ષાંક હાંસલ થયા છે એને કેટલા બાકી છે તેવી તમામ બાબતોની, ગુજરાત સરકારની વિવિધ વેબ સાઈટોનો અભ્યાસ કરી, વિગતો નોંધી લીધી.

તમામ બાબતોના અભ્યાસ પછી એક આદર્શ ગામ કેવું હોવું જોઈએ તેનું એક રેખાચિત્ર પોતાના મગજમાં તૈયાર કરી તેણે સુખપર સ્થિત દાદાની હવેલીનું રીનોવેશન કરવાનું કામ હાથ પર લીધું હતું.

ત્રણ માસમાં તે કામ પૂર્ણ થયાના સમાચાર મળ્યા એટલે તમામ તૈયારીઓ સાથે તેણે બે ટ્રક ભરી જરૂરી માલસામાન સાથે પોતાની મોંઘી કારમાં પોતાના બાપીકા ગામ ભણી પ્રસ્થાન કર્યું હતું.

***

કુમુદચંદ્રના આગમનની જાણ થતાં તમામ ગામવાસીઓ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા હતા. કુમુદચંદ્રનો કાફલો જયારે ગામમાં પ્રવેશ્યો ત્યારે સંધ્યા ઢળવાની તૈયારી હતી. ગામમાં પ્રવેશ કરી તેણે પોતાની ગાડી હવેલી સમક્ષ ઉભી કરી, કારનો દરવાજો ખોલી તેમાંથી ઉતરતાં પહેલાં તેણે ગામની શુદ્ધ હવાનો એક ઊંડો શ્વાસ પોતાની છાતીમાં ભર્યો. તેણે હળવેથી પોતાનો એક પગ ગાડી બહાર કાઢયો. ગામની ભૂમિ પર પગ મૂકી સૌ પ્રથમ તેણે ગામની ભૂમિની ચપટી રજ હાથમાં લઈ તેના માથે લગાડી ગામની પાવન ભૂમિને વંદન કર્યા.

તેમની સાથે રસોઈયા તરીકે આવેલા ગોર મહારાજને ગૃહ પ્રવેશની વિધિ કરવા કુમુદચંદ્રએ વિનંતી કરી. ગોર મહારાજે શ્રદ્ધા સાથે તેમને જે યાદ હતા તે શ્લોક બોલી કુમુદને ઘરમાં પ્રવેશ કરવા ઈશારો કર્યો.

ગામમાંથી તેમને જોવા આવેલા લોકો તરફ કુમુદચંદ્રએ એક નજર નાખી. લોકોની વચ્ચે તેણે મૌલવી સાહેબ જેવા દેખાતા એક મુસ્લિમ સદગૃહસ્થને જોયા. તેણે તેમની પાસે જઈ આદરથી  સલામ કરી આ પ્રસંગે કુરઆનની આયતો પઢવા વિનંતી કરી.

મૌલવી સાહેબે અચરજથી પોણા છ ફૂટ કરતાં થોડી વધારે ઊંચાઈ ધરાવતા ગોરા અને શશક્ત કુમુદચંદ્ર સામે જોયું. ત્યાર પછી તેમણે ગ્રામજનો તરફ દ્રષ્ટિ નાખી. સૌ ગ્રામજનો કુમુદ અને મૌલવીને તાકી રહ્યા હતા. ટોળામાં શાંતિ પ્રવર્તતી હતી. મૌલવી સાહેબે પળેક વિચાર કરી હવેલીના દ્વારે આવી કુરઆનની ત્રણ  આયાતો (શ્લોક)નું પઠન કર્યું. મૌલવી સાહેબનું પઠન પૂરું થતાં કુમુદચંદ્રએ, દાદાની હવેલીની બે પેઢીથી જે દરબાર કુટુંબ સારસંભાળ રાખતું હતું તે કુટુંબના વયોવૃધ માતાજી, માનબાને બોલાવી તેમના આશીર્વાદ લીધા અને તેમને સાથે રાખી ગૃહ પ્રવેશ કર્યો. બરાબર તે જ સમયે મંદિરમાં સાંધ્ય આરતીની ઝાલર બજી ઉઠી અને મસ્જીદમાંથી સાંજની નમાજ માટેની બાંગ પોકારાઈ..!!.

ગામના ચોરામાં બેઠેલા કેટલાક વૃધ્ધોએ કુમુદચંદ્રના મૌલવી સાહેબ પાસે કુરઆનનું પઠન કરાવવાના અને એક વિધવા બાઈ સાથે ગૃહ પ્રવેશ કરવાના કૃત્યને અધાર્મિક અને અપશુકનિયાળ ગણી વખોડી કાઢી વગોવ્યું. એક વડીલ તો બોલ્યા, “આ કુમુદડો ‘અક્કલનો ઓથમીર’ લાગે છે! તેને ધર્મ બાબતે કોઈ જ્ઞાન જ નથી. આજે મંગળવાર અને અમાસ હોવા છતાં તેણે ગૃહ પ્રવેશ કર્યો છે. ચોકકસ તે પોતે તો ડૂબશે જ પરંતુ આખા ગામને પણ લઈ ડૂબશે..!! તેની સાતેય પેઢીઓનું સત્યાનાસ નીકળી જશે. આ શે'ર વાળા ધર્મમાં માનતા નથી પણ આવી અવળચંડાઈ તેમને ખૂબ ભારે પડશે.” 

તે વડીલની વાતના સમર્થનમાં બીજા એક ભાઈ, જાણે ધર્મ ધુરંધર હોય તેમ, બોલ્યા, “કદી સુર્યાસ્ત ટાણે ગૃહ પ્રવેશ કર્યો હોવાનું સાંભળ્યું છે? મને તો લાગે છે કે નક્કી રતિલાલશેઠની પેઢીનો સુરજ હવે આથમી જવાનો છે!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ