વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 16

પ્રેમ કે પ્રતિશોધ-16




(આગળ જોયું કે અજય દિવ્યાને પ્રપોઝ કરે છે. અર્જુન શિવાનીના મર્ડર કેસને ઉકેલવાના પ્રયત્નો કરી રહ્યો હોય છે.)



હવે આગળ........



સુનિલ અને વિકાસ બાઈક લઈને ઘર તરફ પ્રયાણ કર્યું. વિનયના કહેવાથી નિખિલ વિનય અને રાધી સાથે નીકળે છે. હવે બાકી રહ્યા અજય અને દિવ્યા.


બંને એ ત્યાંથી એક ટેક્ષીમાં બેસીને દિવ્યાની હોસ્ટેલ બાજુ પ્રયાણ કર્યું.


દિવ્યા અને અજય બંને માંથી એક કંઈ પણ બોલ્યા વગર બસ જાણે આંખોથી વાતચીત થતી હોય તેમ છેક હોસ્ટેલ પહોંચ્યા ત્યાં સુધી મૌન રહ્યા.ટેક્ષીમાંથી નીચે ઉતરી અંતે દિવ્યાએ મૌન ભંગ કરી કહ્યું,“થોડો સમય હોય તો અહીં બાજુમાં જ એક પાર્ક છે. ત્યાં જઈનેબેસીએ થોડી વાર."


અજયે ટેક્ષી ચાલકને ભાડુ ચૂકવી ત્યાંથી રવાનો કર્યો. બંને ત્યાંથી બાજુમાં આવેલા પાર્કમાં જાય છે. દસેક વાગ્યા જેટલો સમય થયો હશે. એટલે પાર્કમાં અત્યારે નહિવત કહી શકાય તેટલી ભીડ હતી. ક્યાંક સિનિયર સિટીઝનનું ટોળું તો ક્યાંક કોઈ ફેમિલી બાળકો સાથે ત્યાંના શાંત વાતાવરણને માણી રહ્યા હતા. તો વળી ક્યાંક એકબીજામાં ખોવાયેલા પ્રેમી-પંખીડાઓ નજરે ચઢતા હતા. પાર્કમાં ફરતે વોકિંગ માટેનો ટ્રેક હતો જ્યાં થોડા થોડા અંતરે બેસવા માટેની બેંચો હતી. દિવ્યાએ એક બેંચ સામે આંગળી ચીંધતા કહ્યું,“ત્યાં બેસીએ?"


અજય અને દિવ્યા ત્યાં જઈને બેસે છે. બંને એકબીજાને ઘણું બધું કહેવા માંગતા હતા, ઘણા બધા પ્રશ્નો અને ઘણી બધી વાતો પણ બંને મૌન!.


અચાનક દિવ્યાએ કહ્યું,“મને તો વિશ્વાસ જ નથી થતો કે તું આમ અચાનક......"


“મને પણ...,


આમ તો ઘણા સમયથી કહેવા માંગતો હતો પણ ક્યારેક શબ્દોના મળ્યા તો ક્યારેક સમય!"અજયે કહ્યું.


તેની વાત સાંભળીને દિવ્યાએ હળવા સ્મિત સાથે કહ્યું,“વાહ!, તો આમ શાયર જેવા અંદાજમાં પણ વાત કરતાં આવડે છે."


અજયે કહ્યું,“મને પણ હવે આશ્ચર્ય થાય છે કે અચાનક આટલી હિંમત કેમ આવી ગઈ કે બધા વચ્ચે......"


તેને અટકાવતાં દિવ્યાએ કહ્યું,“સારું જ ને મને ખબર તો પડીને......નહીંતર કોલેજ પુરી થયા બાદ પણ કદાચ તે કઈ કહ્યું ન હોત તો......."


“અરે ના, આજ નહી તો કાલે હું કહેવાનો જ હતો...પણ મને તો હજી કંઈ જવાબ જ ન મળ્યો."અજયે થોડી હિંમત કરીને કહ્યું.


દિવ્યાએ કહ્યું,“જવાબ મળી જશે જનાબ!, ધીરજ ના ફળ મીઠા હોય છે."


અજયે અચાનક દિવ્યાનો હાથ પકડીને કહ્યું,“બસ રાહ જોયા સિવાય બીજું ઓપ્શન પણ નથી ને....


ક્યાંક એવું ના થાય કે....


“ઇંતેજારી આ અમારી હદ વટાવી જાય, 


લાગણી આજ અમારી સરહદ વટાવી જાય!"


દિવ્યા તો અજયનો આ અંદાજ જોઈને અવાચક રહી ગઈ.


અજયે દિવ્યાનો હાથ છોડતા કહ્યું,“સોરી, પણ મારું કોઈ એવું ઇન્ટેનશન નહોતું પણ....."


દિવ્યાના ચહેરા પર હળવું સ્મિત રેલાઈ રહ્યું હતું. અને તેની આંખોમાં અજય પ્રત્યે અપાર લાગણી છલકતી હતી. તેને સ્વસ્થ થતા કહ્યું,“ તને એવું નથી લાગતું કે તું છોકરીઓ કરતાં પણ વધારે શરમાય છે."


દિવ્યાના કહેવાનો ભાવાર્થ સમજી ગયો હોય તેમ અજય દિવ્યાની નજીક જઈને બેસે છે. ધીમે ધીમે બંને વચ્ચેનું અંતર ઘટી રહ્યું હત. 



કુદરતને પણ આજે જ તેમનું મિલન કરાવવું હોય તેમ ક્યાંયથી અવકાશમાં એક વાદળી ચઢી અને ઝરમર ઝરમર વરસી રહી...


વાતાવરણ એકદમ માદક થઈ રહ્યું હતું. વરસાદ પણ પોતાનું સ્વરૂપ બદલીને એકાએક વધી રહ્યું હતું. 


અચાનક અજયે કહ્યું,“હવે આપણે જવું જોઈએ, આમ પણ વરસાદમાં વધી રહ્યો છે."


બંને ત્યાંથી નીકળી દિવ્યાની હોસ્ટેલના ગેટ સુધી આવ્યા વરસાદ હોવાથી ગાર્ડ પણ કેબિનમાં જઈને ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. અત્યારે ત્યાં ગેટ પાસે બસ અજય અને દિવ્યા જ ઉપસ્થિત હતા. આખા રોડ પર પાણી પાણી ફરી વળ્યું હતું. ક્યારેક ક્યારેક બસ વરસાદમાં પલાળવા માટે નીકળતા જુવાનિયાઓની બાઈકની હેડ લાઈટ દૂર પ્રકાશિત દેખાતી....


બંને એકબીજાનો હાથ પકડીને ઉભા હતા.


આંખોની એક અલગ અને અનોખી ભાષા હોય છે જે ક્યારેક શબ્દોમાં વર્ણવી અશક્ય બની જાય છે. ક્યારેક મૌન રહીને ફક્ત આંખો દ્વારા જ હૃદયની ગહેરી લાગણીઓ વ્યક્ત થતી હોય છે. અજય અને દિવ્યાને પણ અત્યારે એવો જ અનુભવ થઈ રહ્યો હતો.


વરસાદમાં પલળતા એ બે યુવાન હૈયા એક-બીજાની નજરોમાં નજર પોરવીને ઉભા હતા.હવે તો આકાશમાં છવાયેલા કાળા-ડિબાંગ વાદળો પોતાની પુરી તાકાતથી વરસી રહ્યા હતા. દિવ્યાનો હાથ અજયના હાથમાં હતો. તેની આંખની પાપણો, નાક, દાઢી ઉપરથી પાણી નીચે દડી રહ્યું હતું. બંને સંપૂર્ણ રીતે ભીંજાય ચુક્યા હતા. દિવ્યાને હવે ઠંડી પણ લાગતી હતી. ઠંડીના કારણે એના શરીરમાં થોડી-થોડી વારે ધ્રુજારી ઉત્તપન્ન થતી હતી. વારે વારે નજર ઉઠાવીને તે અજય તરફ જોઈ લેતી હતી. અને અજય સાવ અબુધની જેમ દિવ્યાના ચહેરાને નીરખતો ઉભો હતો. 


વરસાદની વજનદાર બુંદોને કારણે દિવ્યાની પાંપણો વારે-વારે બંધ થઈ જતી હતી. તેની આંખોમાં પાણી જવાથી લાલાશ તરી આવી હતી. એ આંખોની ગુલાબી ઝાયમાં અજય ડૂબતો ચાલ્યો ગયો.... અને આવી જ પાણીની એક વજનદાર બુંદ દિવ્યાની પાંપણો ઉપર પડી અને તેની આંખો બંધ થઈ બસ એજ ક્ષણે અજયે દિવ્યાના ગુલાબી મખમલસા કોમળ અધરો પર પોતાના પૌરૂષી અધર ચાંપી દીધા......સમય એજ ક્ષણે થંભી ગયો. પવન ની ગતીમાં વિક્ષેપ સર્જાયો ને સમગ્ર સૃષ્ટિએ જાણે તદ્દ્મત્ય સાધ્યું હોય એમ યુવાન હૈયાઓના મિલનમાં વિક્ષેપ ન સર્જાય માટે હવામાં લહેરાતા વૃક્ષોના પાંદડાઓએ જાણે ચુપકીદી ઓઢી લીધી હોય એમ સ્થિર થઈ ગયા.


બંનેના હાથ એકબીજાના શરીર પર વધુ સખ્તાઈથી ભીંસાયા અને ચુંબન વધુ દીર્ઘ બન્યું. એક આહલાદક ઉન્માદ છવાયો. દિવ્યા અને અજય જાણે સ્વપ્ન-સૃષ્ટિમાં મહાલી રહ્યા હતા. દૂર દૂર સુધી એ બે સિવાય બીજું કોઈ જ નહોતું. વરસી રહેલા વરસાદમાં, સૃષ્ટિના બે અમૂલ્ય સર્જનો એક-બીજામાં ગૂંથાઈને એક વિશુદ્ધ પ્રેમનો અહેસાહ કરી રહ્યા. દિવ્યાના બંધ આંખોના પોપચાં પાછળ એક અનંગ અહેસાહ વહી રહ્યો હતો.


અચાનક અજયથી તે અળગી થઈ, થોડીક ક્ષણો પહેલા જે બનાવ બન્યો એ તો જાણે બંને માંથી એક ને પણ ન સમજાયો હોય.........



દિવ્યા નજર ઝુકાવીને સીધી મેઈન ગેટની અંદર દોડી ગઈ. 


અજયે કહ્યું"દિવ્યા..sorry.. યાર..મારો કોઈ ખરાબ ઈરાદો નહોતો...... કાલે કોલેજે આવીશ ને..હું તારી રાહ જોઈશ.." 



દિવ્યાએ ગેટથી આગળ જતાં જતાં કહ્યું,“કોઈ આટલી બેતાબીથી તમારી રાહ જોવે તો આવવું તો પડે જ ને.."


અજય પણ જ્યાં સુધી દિવ્યા દેખાઈ ત્યાં સુધી ત્યાં જ ઊભીને તેને નિહાળી રહ્યો. દિવ્યા સીડીઓ ચઢતી દેખાતી બંધ થઈ એટલે અજયે પણ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું..


દિવ્યાએ પોતાના રૂમમાં જતાં જ વરસાદમાં પલળી ગયેલ ડ્રેસ ચેન્જ કરી પોતાના બેડ પર પડ્યા પડ્યા અજયના વિચારોમાં ખોવાય જાય છે. નિંદ્રાનો તો પ્રશ્ન જ નહોતો કદાચ આજનો દિવસ એના એની જિંદગીનો સર્વોત્તમ દિવસ હતો. મનોમન તો તે અજયના પ્રેમને સ્વીકૃતિ આપી ચૂકી હતી. તેને પોતાનો મોબાઈલ હાથમાં લઈને અજયને મેસેજ ટાઈપ કર્યો.....


“hii, ઘરે પહોંચી ગયો?"


તરત જ અજયનો રિપ્લાય આવ્યો,“hmm"


“ok, તો કાલે કોલેજે મળીએ, Good Night"


“ok, Good Night"


સહસા દિવ્યાને વિચાર આવ્યો કે મેસેજમાં જ અજયને જવાબ આપી દે પરંતુ કાલે કોલેજે તેની જેમ જ ગ્રુપ વચ્ચે જ એને જવાબ આપીશ, એમ વિચારી દિવ્યાએ ટાઈપ કરેલ મેસેજ ક્લીયર કરી મોબાઈલ મૂકીને તે બસ કાલે અજયને રીપ્લાય કેમ આપવો તે વિચારી રહી હતી....... આમ જ ક્યારે તેની આંખ લાગી ગઈ તેને પણ ખબર ન પડી......


આ બાજુ અજય પણ બેડમાં પડ્યો પડ્યો દિવ્યા ક્યારે જવાબ આપશે તેના વિશે જ વિચારી રહ્યો હતો.....



બીજા દિવસે સવારે વહેલાં ઉઠીને દિવ્યા કોલેજ જવાના સમયની રાહ જોઈ રહી હતી..તેણે મોબાઈલ હાથમાં લઈ અજયને મેસેજ કર્યો,“ગુડ મોર્નિંગ, આજે કોલેજે હું અને તારો જવાબ બંને તારી રાહ જોઈશું......."


અજયને મેસેજ સેન્ડ કરીને દિવ્યાએ થોડી વાર રાહ જોઈ......


કઈ પ્રત્યુત્તર ન આવતા મોબાઈલ ચાર્જમાં લગાવી તે કોલેજ જવાની તૈયારી કરવા લાગી.......



વધુ આવતાં અંકે.......



દિવ્યા અજયને ક્યારે જવાબ આપશે?


બીજા દિવસે અજય કેમ હજુ કોલેજે નહોતો પહોંચ્યો?


અર્જુનને શિવાની મર્ડર કેસમાં કોઈ લીડ મળશે કે નઈ?



જાણવાં માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ Shopizen પર......


******



આ મારી પ્રથમ નવલકથા છે માટે જો આપને કોઈ ક્ષતિ જણાય તો અવશ્ય જણાવશો.


વાચકમિત્રો તરફથી જે સહકાર મળ્યો તે બદલ આપ સર્વે નો ખૂબ ખૂબ આભાર.


ધન્યવાદ.


વિજય શિહોરા-6353553470




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ