વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2


        વિનયચંદ શેઠની ખડકીની સાંકળ વારંવાર ખખડી રહી હતી. ઘરમાં બધાનાં કાન સુધી અવાજ આવતો હતો પણ મગજ સુધી પહોંચી શ્ક્યો નહીં. કારણ કે ત્યાં વિચારોનું ઘમસાણ ચાલી રહ્યું હતું. હવે શું કરવું? એક યક્ષ પ્રશ્ન બધાને હેરાન કરી રહ્યો હતો. 

   ગઈ કાલે સાંજે જમ્યા પછી 'બા' ફરિયાદ કરતાં હતા " મારી ડાબી આંખ બહુ બળે છે, આંખ માં થી પાણી પણ નિકળ્યા કરે છે.થોડી ખટકે પણ છે. મનમાં એક અજંપો લાગે છે. ખબર નહીં શું થાવા બેઠું છે? " 

      પરંતુ મોટીવહુ ચંદને આંખ નહિ ચોળવાની સલાહ આપીને સુવડાવી દીધા હતા. 

ગમે તેવા સંજોગોમાં પણ  રોજ સવારે સાડા છ વાગે ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરનારા બા, આજે આઠ વાગ્યે પણ ઉઠ્યા નહીં એટલે બધાંને ચિંતા થઈ ગઈ. 

    " બા, કેમ છે તમને? હવે ઉઠોતો ખરા! સવાર ક્યારની થઈ ગઈ, સોનાના નળીયા થઈ ગ્યા.હાલો તમારી ચા મુકી દીધી છે." કહેતા ચંદન વહુ સાસુ જી નો હાથ પકડી બેઠા કરવા લાગ્યા.

       " હુ ઘરની ધોરાજી હાંકે રાખોસો?મને આટલી વેલી ઉઠાડીને તમારે કામ હુ સે? હજીતો અંધારૂ કેટલું બધું સે. મારૂ માથું ભારે સે, હું પસે ઉઠીશ, તમે તમારૂં કામ કરો. અને હા! હમણાં મારી હારૂ ચા નહિ મેલી દેતા. તમને ખબરતો સે કે મને ટાઢી ચા જરીએ ભાવતી નથ. આયવા મોટા, હોનાના નળીયા વાળા." કહેતા બા એ ચાદર પાછી ઓઢવાની કોશિશ કરી. 

       સાંજે બા ની આંખ માટેની ફરિયાદ સાંભળીને દીકરા-વહુ એ બાને ડોક્ટર પાસે લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જેથી બાને સમય સર તૈયાર કરી દેવા જરૂરી હતા. પણ એક બા હતા, જે હજુ સુધી ઉઠવા તૈયાર નહોતા. 

         પણ થોડી જ વારમાં બા જાતે જ બેઠાં થઈ ગયા. " મોટીવહુ, તમે હાસુ બોલોસો?આમ તો મને ખબર સે કે તમે કોઈ દાડો ખોટું નથી બોલતાં. હાચે હવાર થઈ ગઈ સે? તો પસે મને કેમ કાંઈ કળાતુ નથ? હંધુય ઝાંખું ઝાંખું કેમ લાગે સે?" 

      અને આ એક જ સવાલે બધાને ચોંકાવી દીધા હતા. કોઈને  સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે. બા ની આ તકલીફનો ઇલાજ કેવી રીતે કરવો? આ વિચારે મનમાં એટલો તો કબ્જો મેળવી લીધો હતો કે કોઇને પણ ખડકીની ખખડતી સાંકળનો અવાજ સંભળાયો નહોતો. 

         જ્યોતિ, બા ની લાડકી પૌત્રી, જે નિશાળે જવા માટે તૈયાર થઈ, કપડાંની થેલીમાં પાટી-પેન અને આંકની ચોપડી મુકી દફ્તર તૈયાર કરી રહી હતી એને લાગ્યું કે કોઈ ખડકીની સાંકળ ખખડાવે છે, પણ કોઈ મોટાઓનું ધ્યાન નથી. એટલે જાણે કે મોટો લાડવો મળવાનો હોય એમ, હડી કાઢીને ખડકી ખોલવા દોડી ગઈ. 

    અને 'ગમે ઈ થાય પણ સોડિયુ એ ખડકી ખોલવા જાવું નય'નો બા નો અતુટ નિયમ આજે તુટી ગયો. 

        ખડકી ખોલતાં જ સામે ટાંગાવાળા કાકાને હાથમાં સામાન સાથે જોઈ, " આ અત્યારે કોણ મે'માન આવ્યા,"ને જોવા માટે પાછળ નજર કરી, પણ ઓળખાણ પડી નહીં, એટલે બાઘાની જેમ જોઈ રહી. 

      " લે સોડી, તારા ઘરે મે'માન આયવા સે, આ ઈમનો સામાન સે. ઘરે બધા હારા સે ને? " કહેતા ટાંગામાં બેસી ગયા. 

 નરેન્દ્રનાં "અરે ભાઈ, ભાડું તો લેતાં જાવ" નાં જવાબમાં ઘોડાનાં ડાબલા વધુ દુર થી સંભળાયા. 

બધી મુશ્કેલીઓ થી અજાણ્યો નરેન્દ્ર ઘરમાં પગ મૂકતાં જ ખુબ ખુશ થઈ ગયો. અને જ્યોતિને જોઈ અનુમાન લગાવી બોલી ઉઠયો, " તુ જ્યોતિ છે ને? હરીભાઈની નાની દીકરી. કેવડી મોટી થઈ ગઈ, તું ઘોડિયામાં સુતી હતી ને ત્યારે તને જોઈ હતી. અસ્સલ હરીભાઈ જેવી જ દેખાય છે. પણ બેટા, ઘરમાં કેમ કોઈ દેખાતા નથી? " 

    અને અચાનક સન્નાટા ભર્યા વાતાવરણમાં હલચલ મચી ગઈ. કોનો અવાજ આવ્યો એ જોવા માટે બધા નું ધ્યાન ખડકી બાજુ ગયું. નરેન્દ્રને જોતા જ હરીભાઈ એ જલ્દી થી આવી હાથમાંથી સામાન લઈ લીધો, અને પ્રેમથી ઘરમાં લઈ આવ્યા. 

     અને બા નાં" કોણ આયવુ સે ભાઈ? " નો જવાબ આપવા ને બદલે " તમે જ ક્યોં હું કોણ છું? " કહેતા નરેન્દ્ર સીધો કાકીના પગમાં પડી ગયો. 

    " આ અવાજ તો નરેન્દ્રનો હોય એવું લાગે સે પણ કાય કાગળ પત્ર વગર નરેન્દ્ર થોડો આવે? આ તો આંખે ઝાંખપ લાગે સે એટલે પુસવુ પડે હો!" 

     " તમારી વાત સાચી છે કાકી, પણ જોવોને, મારા આવવાનો, મારાજ હાથે લખેલો પત્ર લઈ ને હું પોતે જ તમને આપવા આવ્યો છું કાકી. હવે તમે વાંચી તો લ્યો. અને હા! અક્ષર પણ જોઈ લ્યો, તમે કહેતા એવા મોતીના દાણા જેવા છે ને? "

   અને મોટીવહુને વરસો પહેલાંની બનેલી ઘટના અચાનક યાદ આવી ગઈ. 

    એક વાર કરિયાણાની દુકાને થી લાવવાની વસ્તુઓની કાગળ ઉપર નરેન્દ્ર ભાઈનાં અક્ષરમાં કરેલી યાદી જોઈને કાકીએ કહ્યું હતું કે "ભાઈ તમારા અક્ષરતો હારા કરો, હામેવાળાને કાઈક હમજાવુ તો જોઈએ ને?" પણ નાનકડા નરેન્દ્ર એ ચોખ્ખું જ કહિ દીધુ હતું, " કાકી, મારા અક્ષર નહિ જોવો. જો જો ને એક દીવસ હું તમને લખતાં શિખવાડીશ." અને આજે એ વાત યાદ આવતા મનોમન હસવું આવી ગયું. 

       "હવે તો આંખે ઝાંખપ લાગે સે ભાઈ. અને હમણાંતો દાકતરે વાસવાની ના પાડી સે. બાકી તમને હંધાય ને ખબર સે મને વાસવાનું કેટલુ ગમેસે."   

     અને નરેન્દ્રને કઈક અજુગતુ બન્યાનો અહેસાસ થયો. એક પ્રશ્નાર્થ ભરી નજરે હરીભાઈ સામે જોયું, પણ " ભાઈ, તમે જલ્દી તૈયાર થઈ જાવ, આપણે જ્યોતિને નિશાળે મૂકી, જલેબી ગાંઠીયા લેતા આવીએ."અને બન્ને ભાઈઓ એ રસ્તામાં જે વાતો કરી એનો સાર આ પ્રમાણે હતો. 

 " થોડા દિવસ થી બા ને આંખે થોડું ઝાંખું દેખાતું હતું. ડોક્ટરે મોતિયો હોવાનું નિદાન કર્યું હતું. તપાસ કરતા ખબર પડી કે થોડા દિવસ પછી રામનગરમાં નેત્ર યજ્ઞ છે. જ્યાં ભારત નાં સૌથી હોશિયાર ડોક્ટર બધા દર્દીઓ નાં ઓપરેશન કરશે. આપણે પણ બા નું નામ ત્યાં લખાવી દીધું."

  નરેન્દ્ર એ વચ્ચે જ હરીભાઈને અટકાવી કહ્યું " હા, મને ખબર છે એ ડોક્ટર તો બહુ હોંશિયાર છે, એના હાથમાં જશ રેખા છે, એમણે કરેલા બધા ઓપરેશન સફળ જ થાય છે. તો પછી કાકીને આવું કેમ? "

" હું તમને એ જ કહેવા માંગુ છું,   આપણા થી એક ભુલ તો થઈ જ કહેવાય." હરીભાઈ એ ભુલ શબ્દ ઉપર ભાર મુકતા કહ્યું. 

           " શું ભૂલ? કેવી ભુલ? જલ્દી બોલો ભાઈ, હવે મને ગભરામણ થાય છે." કહેતા નરેન્દ્ર જાણે હરીભાઈ ની આડે આવીને ઉભો રહી ગયો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ